ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યપઠન
Jump to navigation
Jump to search
કાવ્યપઠન (Poetry Reading) : કવિતા નાદની કલા છે. આથી જ કવિમુખે કવિતા સાંભળવાનો મહિમા છે. કવિ વાંચે છે ત્યારે એમાં ઘણુંબધું ઉમેરાય છે. કવિતા સજીવ બને છે. કવિના કાકુઓ, એના આરોહઅવરોહ, એનો શબ્દભાર, એનું લયઘટન, એની દ્રુતવિલંબિત વાચનગતિ, નાનામોટા અવાજના નુસખાઓ, વિરામો, મુખમુદ્રાઓ અને કરમુદ્રાઓ વગેરેથી કવિતાને લાભ થાય છે. કાવ્યશિબિરો, કવિસંમેલનો, ઉર્દૂ સાહિત્યની મુશાયરા પરંપરા વગેરેનું પણ અહીં સૂચન થઈ શકે છે. અલબત્ત, કાવ્યવાચનની દૃઢ માન્યતા સામે બ્રિટિશ કવિ ફિલિપ લાર્કિને મુદ્રિત કાવ્યની પ્રતિષ્ઠા કરી છે. કાવ્યપઠન કરવા જતાં કાવ્યની આકૃતિ, એના વિરામો, એના ભિન્ન ભિન્ન ટાઇપ વગેરે ચૂકી જવાય છે. કાવ્યપઠનની પ્રવૃત્તિ તાત્કાલિક પ્રતિક્રિયાઓ જન્માવી ગ્રામ્ય અને નિમ્ન સ્તરે ઊતરી આવે છે. કાવ્યપઠનના આ બીજા પક્ષમાં પણ કેટલુંક તથ્ય છે. ચં.ટો.