ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યભેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાવ્યભેદ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વિવિધ આધારોને લક્ષ્ય કરીને કાવ્યભેદ કરાયા છે. પરંતુ ધ્વનિસિદ્ધાન્તની સ્થાપના પૂર્વે અને પછી કરાયેલાં વર્ગીકરણો વચ્ચે ખાસ્સું અંતર છે. ધ્વનિની સ્થાપના પછી કાવ્યભેદના આધારમાં કાવ્યનું અંતસ્તત્ત્વ ધ્યાન પર આવ્યું છે; જ્યારે ધ્વનિની સ્થાપના પૂર્વે બાહ્ય ઉપાદાનોને પ્રાધાન્ય અપાયું છે. ક્યારેક ભાષાને આધાર ગણી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ એવા ભેદ કરાયા છે, તો ક્યારેક છંદને આધાર ગણી ગદ્ય, પદ્ય અને ચંપૂ જેવા વર્ગો દર્શાવવામાં આવ્યા છે. સ્વરૂપવિધાનની દૃષ્ટિએ મહાકાવ્ય, રૂપક, આખ્યાયિકા, કથા તથા મુક્તક એવા પાંચ ભેદ, તો વિષયને આધારે ખ્યાતવૃત્ત, કલ્પિત, કલાશ્રિત અને શાસ્ત્રાશ્રિત એવા ચાર ભેદ કરાયા છે. ઇન્દ્રિયને લક્ષમાં રાખી કરાયેલા દૃશ્યકાવ્ય અને શ્રાવ્યકાવ્ય જેવા ભેદ પણ પ્રચલિત છે. ધ્વનિની સિદ્ધાન્ત તરીકેની સ્થાપના પછી વ્યંજનાની પ્રધાનતાને આધારે થયેલા કાવ્યના ત્રણ પ્રકાર પ્રસિદ્ધ છે : ઉત્તમ, મધ્યમ અને અધમ. આનંદવર્ધન, મમ્મટ, વિશ્વનાથ, જગન્નાથે થોડા વધુ ફેરફાર સાથે આનો સ્વીકાર કર્યો છે અને એને ધ્વનિ, ગુણીભૂતવ્યંગ્ય અને ચિત્રકાવ્યની સંજ્ઞા આપી છે. અલબત્ત, વિશ્વનાથે ચિત્રકાવ્યની સંભાવનાનો સ્વીકાર જ કર્યો નથી, તો જગન્નાથે આ ત્રણ ભેદને વિસ્તારી વધુ સ્પષ્ટતા સાથે ચાર ભેદ કર્યા છે. ધ્વનિની પ્રધાનતા જેમાં હોય તે ઉત્તમોત્તમ, ધ્વનિની ગૌણતા જેમાં હોય તે ઉત્તમ, માત્ર અર્થાલંકારની ચમત્કૃતિ હોય એ મધ્યમ અને કેવળ શબ્દાલંકારની ચમત્કૃતિ હોય તે અધમ. ટૂંકમાં, સંસ્કૃત કાવ્યશાસ્ત્રે રસાદિતાત્પર્યરહિત ચિત્રકાવ્યને ‘અધમાધમ’ સંજ્ઞા સાથે નકાર્યું છે. ચં.ટો.