ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યમાં કાકુ
Jump to navigation
Jump to search
કાવ્યમાં કાકુ : બોલવાની રીતિ કે સ્વરભંગિને કાકુ કહે છે. વિશેષ રીતિથી બોલાયેલું કાકુયુક્ત વાક્ય વાચ્યાર્થ ઉપરાંત અન્ય અર્થને પણ દર્શાવે છે. એટલેકે પદોના કશા જ ફેરફાર વિના એક જ વાક્ય માત્ર સ્વરભંગિથી વિભિન્ન અર્થ દર્શાવે છે. અને એને કારણે ઇષ્ટાર્થમાં વ્યંજનાવ્યાપાર દ્વારા અસાધારણ પરિવર્તન લાવી શકાય છે. એકલો કાકુ નહીં, પણ શબ્દની શક્તિ જ પોતાના વાચ્યાર્થના સામર્થ્યથી, આક્ષિપ્ત કાકુની સહાયથી અર્થવિશેષ(વ્યંગ્ય)ની પ્રતીતિનું કારણ બને છે. અન્ય અર્થની પ્રતીતિનો ગુણીભાવ હોવાથી એનો ગુણીભૂતવ્યંગ્ય નામક કાવ્યભેદમાં સમાવેશ કરવામાં આવે છે. ‘વેણીસંહાર’માં ભીમની ઉક્તિ છે. ‘મારા જીવતાં છતાં ધૃતરાષ્ટ્રના પુત્રો સ્વસ્થ રહે !’ આ સ્થિતિ અસંભવિત છે તે કાકુથી પ્રગટ થાય છે.
ચં.ટો.