ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કોપીરાઈટ
કોપીરાઈટ : લેખક (કર્તા)નો પોતાની કૃતિની એકથી વધારે ‘નકલ કરવાનો અધિકાર’ એટલે કોપીરાઈટ. કોપીરાઈટનું મૂળ કૃતિના સર્જકને તેની કૃતિમાંથી આર્થિક યા બીજા કોઈપણ પ્રકારનો લાભ મેળવવાનો પ્રથમાધિકાર છે એ વાતમાં રહેલું છે. આ વાત દુનિયાના મોટાભાગના દેશોએ સ્વીકારી છે અને તેને કાયદાનું પીઠબળ આપ્યું છે. આપણે ત્યાં બ્રિટિશ શાસનમાં ‘ધી ઇંગ્લિશ કોપીરાઈટ એક્ટ, ૧૯૧૧’થી કોપીરાઈટને કાયદાનું પીઠબળ મળ્યું હતું. આઝાદી બાદ આપણી સંસદે બ્રિટિશ કાયદાને સ્થાને ‘કોપીરાઈટ એક્ટ, ૧૯૫૭’ નામનો ધારો પસાર કર્યો. દુનિયાના અન્ય દેશો પરસ્પરના કોપીરાઈટનો સૈદ્ધાન્તિક સ્વીકાર કરી પોતાના કાયદામાં તેને અનુરૂપ ફેરફાર કરે તે માટે મળેલા ‘બર્ન કન્વેન્શન’ના સભ્યને નાતે ૧૯૫૨ના ‘યુનિવર્સલ કોપીરાઈટ કન્વેન્શન (૧૯૫૨’) અને ૧૯૭૧ના ‘પેરિસ કન્વેન્શન’ મુજબ ‘૧૯૫૭ના કોપીરાઈટ એક્ટ’માં ૧૯૮૩, ૧૯૮૪ અને ૧૯૯૨માં સુધારા કરવામાં આવ્યા છે. કૃતિનું પ્રથમ પ્રકાશન ભારતમાં થયું હોય તો તેના લેખકને તથા કૃતિનું પ્રથમ પ્રકાશન ભારત બહાર થયું હોય પણ તે પ્રકાશન વખતે લેખક ભારતનો નાગરિક હોય તો તેની કૃતિને કોપીરાઈટ એક્ટ, હેઠળ સંરક્ષણ મળે છે. કૃતિના સર્જનની સાથે જ કોપીરાઈટનો આ અધિકાર અસ્તિત્વમાં આવે છે. આપણા દેશમાં તેની નોંધણી કરાવવી ફરજિયાત નથી. પરંતુ નિયત અરજીપત્રમાં નિયત ફી ભરી કોપીરાઈટ રજિસ્ટ્રાર પાસે કોપીરાઈટની નોંધણી કરાવી હોય તો કોપીરાઈટ ભંગ અંગેના વિવાદમાં તે પ્રથમદર્શી પુરાવા તરીકે કામ આવે છે. કર્તાની મૂળ કૃતિના કોપીરાઈટના હક્કની સાથે અનુવાદ, સંક્ષેપ, હપ્તાવાર પ્રકાશન, નાટ્યાંતર, પેપરબૅક એડિશન, બુક ક્લબ એડિશન, કાર્ટૂનસ્ટ્રિપસ બનાવવાના અધિકાર, સિનેમા બનાવવાના, ટી.વી. સિરિયલ રચવાના, તથા માઈક્રોફિલ્મ, માઈક્રોફિશ યા ઝેરોક્ષ કે અન્ય કોઈપણ પદ્ધતિથી નકલ કરવાના અધિકાર પણ સંકળાયેલા છે અને આ આનુષંગિક અધિકારના ઉપયોગ માટે પણ કર્તાની પરવાનગી જરૂરી છે. સાથે સાથે સંશોધન, અંગત અભ્યાસ, વિવેચન, સમીક્ષા માટે વાજબી અંશના મર્યાદિત ઉપયોગને અપવાદરૂપ ગણી આવી પરવાનગીમાંથી મુક્તિ આપવામાં આવી છે. કર્તાના ઋણસ્વીકાર સાથે યા સૌજન્ય સ્વીકારીને કરાતા આવા વાજબી અંશના ઉપયોગ માટે પરવાનગી જરૂરી નથી અને તેમ કરવાથી કોપીરાઈટ ભંગ ગણાતો નથી. કર્તા પોતાની કૃતિના કોપીરાઈટનું સંપૂર્ણપણે યા મર્યાદિત સ્વરૂપે હસ્તાંતર કરી શકે છે. સામાન્ય રીતે તે રોયલ્ટી લઈ પ્રકાશકને પ્રકાશનના અધિકારનું હસ્તાંતર કરે છે. લેખક ઇચ્છે તો માત્ર પુસ્તકાકારે પ્રકાશનના અધિકારનું હસ્તાંતર કરી અન્ય આનુષંગિક અધિકારો પોતાની પાસે સુરક્ષિત રાખી શકે છે. આ બાબત લેખક-પ્રકાશક વચ્ચેના કરારમાં સ્પષ્ટ કરી લેવામાં આવે છે. ભારતમાં કોપીરાઈટની અવધિ લેખકના અવસાન બાદ ૫૦ વરસની હતી તે હવે સુધારીને ૬૦ વરસ કરવામાં આવી છે. આવી અવધિ ગણવામાં જે વરસમાં લેખકનું અવસાન થયું હોય તે વરસ છોડી દઈ જાન્યુઆરીથી ડિસેમ્બરનાં પૂરાં ૬૦ વરસ ગણવાની જોગવાઈ છે. લેખકના અવસાન બાદ તેમના કાયદેસરના વારસ કોપીરાઈટના હક્કદાર ગણાય છે. કોપીરાઈટના ભંગ સામે લેખક અદાલતમાં દીવાની દાવો માંડી મનાઈહુકમ, નુકસાની તથા હિસાબ-કિતાબ તપાસવાની માગણી કરી શકે છે. કોપીરાઈટભંગ પુરવાર થાય તો ભંગ કરનારે નુકસાની યા નફામાં ભાગીદારી આપવી પડે છે. ફોજદારી રાહે પણ કોપીરાઈટનો ભંગ કરનાર પર અદાલતી કારવાઈ કરી શકાય છે અને ભંગ સાબિત થાય તો દંડ, જેલ યા બંનેની સજા થઈ શકે છે. જિ.દે.