ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગદ્ય
ગદ્ય (Prose) : સંસ્કૃત આલંકારિકોએ બહુ પહેલેથી જ ગદ્યના સ્વરૂપને કાવ્યઅંતર્ગત સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે અને ગદ્યની સ્પષ્ટ વ્યાખ્યાઓ પણ બાંધી છે. એટલું જ નહિ પણ પદ્ય કે ગદ્યને પ્રધાન કે ગૌણ ગણ્યા વગર માત્ર કાવ્યત્વના સંદર્ભમાં જ એના મૂલ્યાંકનના માપદંડ નીપજાવ્યા છે અને જો પ્રધાનગૌણની સીમામાં પ્રવેશ કર્યો છે તો ગદ્ય તરફનો એમનો વિશેષ પક્ષપાત અછતો નથી રહ્યો. ગદ્યના દુર્બન્ધ કલાસ્વરૂપની એમણે સવિશેષ નોંધ લીધી છે. આથી જ, ગદ્ય શું છે, ગદ્યનો રોજિંદી ભાષા સાથે સંબંધ શો છે, ગદ્ય માત્ર પદ્યની કોઈ પ્રતિલોમ વસ્તુ છે, શુદ્ધ ગદ્યથી માંડીને સર્જકગદ્ય કે લલિત યા સાહિત્યિક ગદ્ય સુધીની સીમારેખા કઈ છે, કથાત્મક અને અ-કથાત્મક ગદ્યની આશયલક્ષિતા કઈ રીતે ભિન્ન હોઈ શકે, આધુનિક ગદ્ય પારંપરિક ગદ્યથી કઈ વિશેષ ગુણમાત્રા પ્રગટ કરે છે વગેરે જટિલ પ્રશ્નોની ઓળખ સુધી પહોંચવું પડે. સંસ્કૃતમાં गद् એટલે કહેવું અને લેટિનમાં Prosa એટલે સીધું અનલંકૃત ભાષારૂપ (Straight forward discourse) એવા ગદ્ય અંગેના પ્રકૃતિગત ખ્યાલો પડેલા છે. પરંતુ રોજિંદી બોલાતી ભાષામાં એકબીજા સાથે વ્યવહાર કરીએ છીએ, એકબીજાને જે કાંઈ કહીએ છીએ એ સીધું ભાષાનું અસંઘટિત રૂપ ગદ્ય નથી. રોજિંદી ભાષાથી વધુ સંઘટિત રૂપ ગદ્યનું છે, પછી એ લેખિત હોય કે મૌખિક-ગદ્યનો આ રીતે પહેલો વિરોધ રોજિંદી ભાષા સાથેનો છે. ગદ્યનો બીજો વિરોધ પદ્ય સાથેનો છે અને એ વિરોધને અચૂક ગદ્યની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યો છે. ગદ્ય એટલે છંદહીન ભાષાસ્વરૂપ. દંડી अपाद : पदसंतानो गद्यम् (કાવ્યદર્શ ૧.૨૩) એટલે કે જેમાં ગણમાત્રાદિકના નિયત પાદનો અભાવ છે એવાં પદોનું સાતત્ય તે ગદ્ય – એમ કહીને ગદ્યને ઓળખાવે છે; તો વિશ્વનાથ वृत्तं गंधोन्झितं गद्यम्। (સાહિત્યદર્પણ ૬-૩૩૦) વૃત્તની ગંધથી પણ દૂરની પરિસ્થિતિને ગદ્ય તરીકે ઓળખાવે છે. વામન गद्यं वृत्तगन्धि चूर्णमुत्कलिका प्रायं च। (કાવ્યાલંકાર સૂત્રાણિ ૧.૨૧) કહી ક્યારેક અલપઝલપ રચાતા વૃત્તગન્ધિ ગદ્યની નોંધ લે છે. સાથે સાથે અદીર્ઘસમાસ કોમલવર્ણોના ગદ્યબંધ ચૂર્ણને અને દીર્ઘસમાસ કઠોરવર્ણોના ગદ્યબંધ ઉત્કલિકાપ્રાયને જુદા તારવે છે. પરંતુ વામને काव्यं गद्यं पद्यं च। સૂત્રમાં ગદ્યનો નિર્દેશ પદ્યની પહેલાં કર્યો છે એ સૂચકતાને સ્પષ્ટ કરતાં વૃત્તિમાં કહ્યું છે કે દુર્લક્ષ્યવિષયને કારણે અને દુર્બન્ધને કારણે ગદ્યને પહેલું મૂક્યું છે અને પછી ઉમેર્યું છે કે ‘गद्यं कवीनां निकषं वदन्ति’ ગદ્ય કવિની કસોટી કહેવાય છે. ગદ્ય કઠિન છે કારણ ગદ્યમાં અનિયતપાદ લય છે. વિપુલ પ્રમાણમાં રહેલી લયની અનિયમિતતા અને અપાર વિવિધતાને કારણે સમગ્ર વિષય લયની સામગ્રીમાંથી સંવાદ ઊભો કરવા માટે, નિયંત્રણનું બળ ઊભું કરવા માટે અને ઉત્કટ ભાષાપ્રસ્તુતિ કરવા માટે ઊંચા પ્રકારની શક્તિનો ગદ્યમાં તકાજો રહ્યો છે. ગદ્ય અને પદ્ય વચ્ચેનો કોઈપણ ભેદ અન્યથા કોઈપણ બાબતમાં માત્રાભેદ હશે પરંતુ લય અંગેનો ભેદ જાતિગત છે. ગદ્યનો વિકેન્દ્રિત લય ગદ્યનો પદ્યથી પાયાનો ભેદ છે. ગદ્યની એક સીમા શુદ્ધગદ્યની છે અને ગદ્યની બીજી સીમા સર્જકગદ્યની, સાહિત્યિકગદ્યની છે. આ બંને સીમાઓ પરનો ગદ્યનો વિરોધ પણ મહત્ત્વનો છે. શુદ્ધગદ્યની લગોલગ રહેલી ગદ્યાળુતા અત્યંત નિર્જીવ, નવા વિચાર કે ભાવની ઉત્કટતા વગરની, ઘણું કહેતી અને કશો રસ ન જગાડતી નીરસ અભિવ્યક્તિનું ક્ષેત્ર છે; તો સર્જકગદ્યની લગોલગ રહેલી કવેતાઈ અત્યંત કૃતક અલંકારપ્રતીકથી ખીચોખીચ કશું જ ન કહેતી અને વિસ્તરતી વ્યર્થ ઘટાટોપ અભિવ્યક્તિનું ક્ષેત્ર છે. ગદ્યનો ગદ્યાળુતાથી અને કવેતાઈથી જેટલો વિરોધ છે એટલો ગદ્યનો પદ્યથી નથી. ગદ્ય અને પદ્ય બંને સાહિત્યિક બની શકે છે. બંનેનો વિનિયોગ કયા આશયથી થયો છે, એમાં કલ્પનાનું સાતત્ય કયા પ્રકારે જળવાયું છે, એનું મૂલ્યાંકન કેવળ હકીકત કે સત્ય પર નિર્ભર છે કે અન્ય આધારો પર નિર્ભર છે અને સૌથી વધુ મહત્ત્વનો પ્રશ્ન તો એ છે કે એમાં ભાષા દ્વારા કશુંક પ્રત્યાયિત કરવામાં આવ્યું છે કે ભાષા પોતે જ કશીક રીતે પ્રત્યાયિત થવા માંડી છે – આ બધા પ્રશનેની તપાસથી જ ગદ્ય કે પદ્યની સાહિત્યિકતા કે સર્જકતા કે કાવ્યાત્મકતા નક્કી થઈ શકે. કોઈપણ ગદ્યના કલાસ્વરૂપના મૂલ્યાંકનમાં ગદ્ય સાહિત્યિક છે કે અસાહિત્યિક છે, ગદ્ય પારંપરિક છે કે આધુનિક છે, ગદ્ય કથાસાહિત્યનું છે કે અ-કથાસાહિત્યનું છે, કથાસાહિત્યમાં પણ એ પ્રમાણ સામગ્રી આધારિત જીવનકથા અને આત્મકથાનું છે કે કલ્પના આધારિત નવલકથા વાર્તા નાટકનું છે, ગદ્ય કયા સાહિત્યપ્રકારનું છે, ગદ્યનું વૈયક્તિક કૃતિનિષ્ઠ સ્વરૂપ કયું છે, ગદ્યના કૃતિનિષ્ઠ સ્વરૂપનો અન્ય કૃતિઓનાં ગદ્યસ્વરૂપો સાથે સંબંધ શો છે, ગદ્યની અંતર્ગત તરેહોનો આશય શો છે, ગદ્યની કૃતિનિષ્ઠ અંતરંગ સંરચના અને કૃતિનિષ્ઠ બહિરંગ અભિવ્યક્તિ વચ્ચેની સંયોજિત કામગીરી શી છે – જેવા પ્રશ્નો ઉપસ્થિત થવા સ્વાભાવિક છે. આજના સંકેતવિજ્ઞાન, પ્રોક્તિવિજ્ઞાન, કથનવિજ્ઞાન આ દિશાઓમાં મથી રહેલાં જોવાય છે. ચં.ટો.