ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતના હસ્તપ્રતભંડારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતના હસ્તપ્રતભંડારો : ગુજરાતમાં કોઈ ને કોઈ વિદ્યાસંસ્થા સાથે સંકળાયેલા હોય એવા આઠ હસ્તપ્રતભંડાર આવેલા છે. અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર : હસ્તપ્રતભંડારમાં (પ્રત ૬૫૦૦૦), ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભો. જે. વિદ્યાભવનના હસ્તપ્રતભંડારમાં (પ્રત ૧૦,૦૦૦) : પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરાના હસ્તપ્રતભંડારમાં (પ્રત ૨૬૦૦૦), ગુજરાત વિદ્યાપીઠ : અમદાવાદના હસ્તપ્રતભંડારમાં (પ્રત ૫૮૬), ચુનીલાલ ગાંધી વિદ્યાભવન : સુરતના હસ્તપ્રતભંડારમાં (પ્રત ૬૦), મહાવીર જૈન આરાધના કેન્દ્ર : કોબા (અમદાવાદ)ના હસ્તપ્રતભંડારમાં, ઇન્ડોલોજિકલરિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શારદાપીઠ : દ્વારિકાના હસ્તપ્રતભંડારમાં અને ફાર્બસ ગુજરાતી સભા : મુંબઈના, અમદાવાદ કેન્દ્રમાં સચવાયેલ હસ્તપ્રતમાં, પ્રાકૃત, અપભ્રંશ પ્રાચીન ગુજરાતી, રાજસ્થાન, વ્રજભાષા તથા ઉર્દૂ, ઉડિયા, તમિલ, ફારસી, અરબી વગેરે ભાષાઓમાં રચાયેલ – લખાયેલ અને વિવિધ વિષય પૈકી વેદ, ઉપનિષદ, ભાગવત, રામાયણ, જૈન આગમગ્રન્થો અને તેના ટીકાગ્રન્થો, મહાન કાવ્યગ્રન્થો, આયુર્વેદ, જ્યોતિષ, રત્નપરીક્ષા, વ્યાકરણકોશ, અલંકાર, છંદ, કાવ્ય, નાટ્ય આદિ પરના ગ્રન્થો સંગ્રહાયેલા છે. આ બધા ગ્રન્થભંડારોની વિશ્વસ્ત યાદીઓ પ્રાપ્ત છે જેનો લાભ ભારત તેમજ ભારત બહારના સંશોધકો, વિદ્વાનો તથા વિદ્યાર્થીઓ લઈ શકે છે. સાંઘિક વર્ચસ્વ-સંચાલન ધરાવતા બીજા પ્રકારના હસ્તપ્રતના ભંડારોમાં અમદાવાદમાં આવેલા પં. રૂપવિજયગણિ ડહેલાભંડારમાં (પ્રત ૧૫૦૦૦), વીરવિજય શાસ્ત્રસંગ્રહમાં (પ્રત ૭૦૦૦), સંવેગી જૈનઉપાશ્રય જ્ઞાનભંડારમાં (પ્રત ૮૦૦૦), વિમલગચ્છ શાસ્ત્રસંગ્રહમાં (પ્રત ૬૦૦૦), વિજયનેમિસૂરિ જ્ઞાનભંડારમાં (પ્રત ૨૦,૦૦૦), વિજયનીતિસૂરિ જ્ઞાનભંડારમાં (પ્રત ૩૦૦૦), નીતિવિજય જૈનપુસ્તકાલય જ્ઞાનભંડારમાં (પ્રત ૩૦૦૦), વિજયદાનસૂરિ જ્ઞાનભંડારમાં (પ્રત ૫૦૦૦), સુરેન્દ્રસૂરિ જૈનગ્રન્થભંડારમાં (પ્રત ૩૦૦૦) જૈનશાલ જ્ઞાનભંડારમાં (પ્રત ૫૦૦૦), જૈન પ્રાચ્યવિદ્યાભવન ગ્રન્થભંડારમાં (પ્રત ૩૫૦૦) અને પાચચંદગચ્છ જ્ઞાનભંડારમાં (પ્રત ૩૦૦૦) સંસ્કૃતાદિ વિવિધ ભાષા અને વિષયને લગતી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. પાટણના પાંચ ગ્રન્થભંડાર : હેમચન્દ્રાચાર્ય જૈનજ્ઞાનમંદિરના હસ્તપ્રતભંડારમાં (પ્રત ૨૦,૦૦૦), કેસરભાઈ જૈનજ્ઞાનમંદિર હસ્તપ્રતભંડારમાં (પ્રત ૫૦૦૦), વિમલગચ્છ જૈનગ્રન્થભંડારમાં (પ્રત ૨૩૩૬) ખેતરવશી જૈનઉપાશ્રય હસ્તપ્રતભંડારમાં (પ્રત ૭૬) અને દરિયાપુરી આઠકોટી સ્થાનકવાસી જૈનઉપાશ્રય હસ્તપ્રતભંડારમાં (પ્રત ૫૦૦૦) વિવિધ ભાષા પૈકી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી / રાજસ્થાની વગેરેની વિવિધ વિષયને અનુલક્ષતી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. વડોદરાના મુક્તિકમલ મોહન જ્ઞાનભંડારમાં (પ્રત ૫૦૦૦), હંસવિજયજી ગ્રન્થભંડારમાં (પ્રત ૪૩૬૩) અને કાંતિવિજય શાસ્ત્રસંગ્રહમાં (પ્રત ૭૬૬૪) પણ સંસ્કૃતાદિ વિવિધભાષા અને વિષયની પ્રતો સચવાયેલી છે. છાણીના વીરવિજય શાસ્ત્રસંગ્રહમાં, કાંતિવિજયજી ગ્રન્થભંડારમાં (પ્રત ૧૧૨૧) અને કાંતિવિજય શાસ્ત્રસંગ્રહમાં હજારોની સંખ્યામાં સંસ્કૃતાદિ ભાષા અને વિવિધ વિષયની હસ્તપ્રતો જળવાયેલી છે. ડભોઈના મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રન્થભંડારમાં (પ્રત ૧૫૦૦૦), રંગવિજયજી શાસ્ત્રસંગ્રહમાં તથા અમરવિજયજી જૈન ગ્રન્થભંડારમાં સંસ્કૃત, પ્રાકૃત તથા પ્રાચીન ગુજરાતીમાં રચાયેલી હસ્તપ્રતો જોવા મળે છે. સુરતના જૈનઆનંદપુસ્તકાલય ગ્રન્થભંડારમાં (પ્રત ૩૧૦૦), જિનદત્તસૂરિ જ્ઞાનભંડારમાં (પ્રત ૧૦૨૯), મોહનલાલજી જ્ઞાનભંડારમાં (પ્રત ૨૭૦૪), હકુમુનિજી જ્ઞાનભંડારમાં (પ્રત ૭૧૧), શેઠ. ને. મે. વાડી ઉપાશ્રય ગ્રન્થભંડારમાં (પ્રત ૯૧), શેઠ દે. લા. જૈનલાયબ્રેરી – ગ્રન્થભંડારમાં (પ્રત ૩૮૬), શ્રી ધર્મનાથજી જ્ઞાનભંડારમાં (પ્રત ૧૦૪૭), આદિનાથ મંદિર જ્ઞાનભંડારમાં (પ્રત ૧૬૧૨), ચિંતામણિ પાર્શ્વનાથ જ્ઞાનભંડારમાં (પ્રત ૧૭૦), સીમંધરસ્વામી જ્ઞાનભંડારમાં (પ્રત ૭૮૦) અને બાબુભાઈ અમરચંદ જ્ઞાનભંડારમાં (પ્રત ૩૨૮) સંસ્કૃતાદિ વિવિધ ભાષા અને વિષયની પ્રતો પ્રાપ્ત થાય છે. ખંભાતના ગ્રન્થભંડાર શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારમાં (પ્રત તાડ ૩૭૫+કાગળ ૧૫૦), નીતિવિજયજી જ્ઞાનભંડારમાં (પ્રત ૪૦૦૦), વિજયનેમિસૂરિ જ્ઞાનભંડારમાં (૨૦,૦૦૦) અને પાચચંદગચ્છ ભંડારમાં (આશરે પ્રત ૨૦૦૦) વિવિધ વિષયની સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષામાં રચાયેલી – લખાયેલી તાડપત્રીય અને કાગળની હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે. ઈડરના દિગંબર જૈનભટ્ટારકીયભંડાર તથા આત્મક-કમલલબ્ધિસૂરીશ્વર શાસ્ત્રસંગ્રહમાં (પ્રત ૭૦૦૦) તાડપત્રીય અને કાગળની પ્રતો સંગ્રહાયેલી છે. કપડવંજના અભયદેવસૂરીશ્વર જૈનજ્ઞાનમંદિરમાં સૂર્યોદયસાગર જ્ઞાનભંડારમાં, મીઠાભાઈ ગુલાબચંદ્ર જ્ઞાનભંડારમાં, અષ્ટાપદ જ્ઞાનભંડારમાં અને માણેકભાઈ જ્ઞાનભંડારમાં હજારોની સંખ્યામાં વિવિધ વિષય અને ભાષાની પ્રતો સચવાયેલી છે. લીંબડીના ગોપાલસ્વામી પુસ્તકાલય ગ્રન્થભંડારમાં તથા અજરામરજીસ્વામી જ્ઞાનભંડારમાં પણ હજારોની સંખ્યામાં હસ્તપ્રતો સચવાયેલી છે. જામનગરના જૈનઆનંદજ્ઞાનમંદિરમાં, ડુંગરસિંહ સ્થાનકવાસી જૈનપુસ્તકાલય જ્ઞાનભંડારમાં તથા અચલગચ્છ ઉપાશ્રય જ્ઞાનભંડારમાં અનેક હસ્તપ્રતો વિવિધ ભાષા અને વિષયને લગતી જોવા મળે છે. આ ઉપરાંત ભાવનગરમાં આત્માનંદ જૈનસભાના હસ્તપ્રતભંડારમાં, ચાણસમાના નીતિવિજય જ્ઞાનમંદિરમાં, સુરેન્દ્રનગરના વાસુપૂજ્ય મંદિરના જૈનજ્ઞાનભંડારમાં વિવિધ ભાષા અને વિવિધ વિષયની પ્રતો સંગ્રહાયેલી છે. પાલીતાણામાં પણ જૈન મોટી ટોળી ગ્રન્થભંડાર આદિ સાતેક જ્ઞાનભંડારમાં હસ્તપ્રતો સચવાયેલી છે. આ સિવાય ઝીંઝુવાડા, ઊંઝા, નડિયાદ, વાવ, લીંચ, જોટાણા, વીજાપુર, વડનગર, પાલનપુર, પાલેજ, માંગરોલ, વાંકાનેર, મારવી, આગલોડ, રાંદેર, રાજકોટ, ગોંડલ, વઢવાણ; કચ્છમાં કોડાય ભચાઉ, જખઉ, કોઠારા, નળિયા, પત્રી, મુંદ્રા વગેરેમાં હસ્તપ્રતભંડારો હોવાની માહિતી છે. ક.શે.