ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતીમાં અનુવાદસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતીમાં અનુવાદસાહિત્ય: આ ૨૧મી સદીમાં — વૈશ્વિકીકરણના યુગમાં ‘અનુવાદ’ની ઘણી મહત્તા છે. આપણા ભારત જેવા બહુભાષી દેશની સંસ્કૃતિ જાળવી રાખવી હોય, યુરોપના કે પૂર્વના દેશોની સંસ્કૃતિનાં સ્થિત્યંતરોની ઓળખ કરવી હોય કે ઘણાં ભારતીયો જ્યારે અમેરિકન કે ઑસ્ટ્રેલિયન નાગરિક બન્યાં હોય — ઉપરાંત સામૂહિક માધ્યમોનો જ્યારે આટલો વિસ્ફોટ થયો હોય ત્યારે ‘અનુવાદ’ આપણી મદદે આવે છે. સામાજિક, રાજકીય, આર્થિક, વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક ઇત્યાદિ ક્ષેત્રોમાં સમય અને સંજોગોની સાથે સાથે વ્યક્તિની માનસિકતા બદલાય છે તેથી સમાજમાં પરિવર્તન આવે છે. પરિણામે રાષ્ટ્રની વિભાવના વિકાસ પામે છે અને એટલે દુનિયાભરના લોકો એકબીજાથી અજાણ કે પરાયા નથી રહેતા. આ માટે સેતુ બને છે જે તે ભાષામાં લખાયેલા પુસ્તકોનાં ભાષાંતર કે અનુવાદ. મધ્યકાળમાં વૈદિક-પૌરાણિક, ધાર્મિક, આધ્યાત્મિક સાહિત્યને ગુજરાતીમાં ઉતારવાની પ્રવૃત્તિ પ્રબળરૂપમાં જોવા મળે છે. આ સમયગાળામાં રચાયેલ પરોપજીવી સાહિત્ય પૈકી કેટલુંક અનુવાદ ગણી શકાય એવું છે. આ સંદર્ભે રામાયણ-મહાભારતનાં પર્વો, ભગવદ્ગીતા, ભાગવતના સ્કંધો, માર્કંડેયપુરાણ, શિવપુરાણ, ગીતગોવિંદ, ગંગાલહરી, શિવમહિમ્નસ્તોત્ર, ચાણક્યનીતિ જેવી કેટલીક રચનાઓ નિર્દેશી શકાય. ‘દુર્ગાસપ્તશતી’ તથા ‘દશમસ્કંધ’નો કડવાંબદ્ધ પદ્યાનુવાદ આપ્યા પછી ભાલણનો વિશિષ્ટ કોટિનો પ્રયત્ન તો સમગ્ર ‘કાદમ્બરી’નો આખ્યાનરૂપના કડવાંબંધમાં આપેલો સારાનુવાદ છે. ‘વાગ્ભટ્ટાલંકાર’ અને ‘વિદગ્ધમુખમંડન’ જેવા અલંકારગ્રન્થોના ગદ્યાનુવાદો પ્રાપ્ત થયા છે એ બાબત પણ ઉલ્લેખનીય છે. ‘બિલ્હણપંચાશિકા’ના ગદ્યમાં અને પદ્યમાં અનુવાદો મળે છે. એ જ રીતે ‘બૃહદકથા’ તથા ‘પંચતંત્ર’ના પણ પદ્ય અને ગદ્યમાં સારસંગ્રહો કે અનુવાદો પ્રાપ્ત થયા છે. મધ્યકાળમાં મળેલા ઉપર્યુક્ત અનુવાદોમાં અભિવ્યક્તિ કરતાં વસ્તુસામગ્રીની બોધનિષ્ઠ રજૂઆત પર વધુ ભાર મુકાયેલો જોવા મળે છે. આ સમયમાં ધર્મ, અધ્યાત્મ, જ્યોતિષ, વૈદક વગેરે વિષયોની સરખામણીમાં અન્ય વિષયોના, સાહિત્યશાસ્ત્રના ગ્રન્થોના અનુવાદો અલ્પ પ્રમાણમાં થયા છે. મધ્યકાળમાં ગુજરાતમાં મુસ્લિમ શાસન હતું. છતાં અરબી-ફારસી કે ઉર્દૂ સાહિત્યમાંથી બહુ ઓછી કૃતિઓ ગુજરાતીમાં અનૂદિત થઈ છે. કવિ નશરવાનજી દુરબીને ‘અરેબિયન નાઇટ્સ’નો ફારસી તથા અરેબિકમાંથી વાર્તા સ્વરૂપે ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો હતો. વળી ઉર્દૂ ભાષાના પ્રસિદ્ધ કવિ અમીર ખુસરોના ફારસી કાવ્ય ‘ખઈઆલાતે ખુસરવી’નો અનુવાદ એવી સરળતાથી કર્યો છે કે તે કાવ્યો કવિની મૌલિક કૃતિઓ જેવાં જ લાગે છે. મધ્યકાળમાં પારસીઓ અને છેલ્લે છેલ્લે ખ્રિસ્તીઓએ થોડાંક ધાર્મિક પુ્સતકોના ગુજરાતી અનુવાદ આપ્યા છે. એર્વદ રાણા કામદીન નામક પારસીએ ૧૪૧૫માં પોતાના પૂર્વજોએ સંસ્કૃત ભાષામાં અનૂદિત કરેલા ‘ખોરદેહ અવસ્તા’ , ‘બેહમનયશ્ત’ અને ‘અર્દા વિરાફનામા’ના તત્કાલીન જૂની ગુજરાતીમાં અનુવાદો કર્યા હતા. ૧૪૫૧માં બહિરામસુત લક્ષ્મીધરે ‘અર્દા વિરાફનામા’નો અનુવાદ કર્યો હતો. ૧૮૧૭માં રેવ. ફૈપી અને સ્ક્રીન્નર નામક પાદરીઓએ બાઇબલના કેટલાક અંશોનું ભાષાન્તર પ્રગટ કરેલું. અલબત્ત, તેમાં અવિશદતા, ક્લિષ્ટતા ઠીક ઠીક પ્રમાણમાં હતી. નવા કરારનામા (ન્યૂ ટેસ્ટામેન્ટ)નો ગુજરાતીમાં અનુવાદ વર્ષોથી પ્રચલિત છે. પ્રોટેસ્ટન્ટ દેવળે પણ ગુજરાતીમાં અનુવાદ કરાવ્યા છે. પરંતુ ૧૬ વર્ષની સાધનાને અંતે નગીનદાસ પારેખે ફાધર ઈસુદાસ કવેલીના સહયોગમાં અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં આપેલો ‘બાઇબલ’નો અનુવાદ નવમા દાયકાનો શકવર્તી અનુવાદ છે. આ અનુવાદની વિશેષતા એ છે કે તેમણે કેટલાક ઊર્મિમય ખંડો જેવા કે ‘બુક ઑફ જૉબ’, ‘સૉન્ગ ઑફ સૉલોમન’, ‘સામ્સ’ના અનુવાદ કવિઓ નિરંજન ભગત, ચંદ્રકાન્ત શેઠ, યૉસેફ મેકવાન પાસે કરાવ્યા છે. અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થવાથી સરકારનું કેળવણીખાતું ગુજરાતી ભાષામાં પાઠ્યપુસ્તકો અને અભ્યાસપૂરક પુસ્તકો તૈયાર કરવાના પ્રયત્નો શરૂ કરે છે. એમાં તે સમયના ગુજરાતી શિક્ષણકારો, બૌદ્ધિકો સહાયભૂત થાય છે. એ પૈકી નર્મદ, દલપતરામ, રણછોડદાસ ઝવેરી, નવલરામ પંડ્યા, મહીપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી, મોહનલાલ રણછોડદાસ ઝવેરી, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ વગેરે અનુવાદપ્રવૃત્તિના પ્રસારમાં નોંધપાત્ર યોગદાન આપે છે. નંદશંકર તુળજાશંકર મહેતાએ ‘સંસ્કૃત માર્ગોપદેશિકા’ તથા ‘ત્રિકોણોમિતિ’ના અનુવાદ આપ્યા છે. સુધારાયુગમાં રણછોડભાઈ ઉદયરામ દવે પાસેથી ફૉર્બ્સકૃત ‘રાસમાળા’ અને ‘બર્થોલ્ડ’ના અનુવાદ તથા ‘ગુજરાતી હિતોપદેશ’ અને ‘લઘુસિદ્ધાંતકૌમુદી’ સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદના ગ્રંથો મળે છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈની ‘હિંદ અને બ્રિટાનિયા’ અને ‘ગંગા એક ગુર્જર’ વાર્તાનું મરાઠીમાં ભાષાંતર થયેલું. આ સમય દરમિયાન અસ્તિત્વમાં આવેલી ‘ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી’ (હાલની ‘ગુજરાત વિદ્યાસભા’), ફાર્બસ સાહિત્યસભા, ‘મુંબઈની લિટરરી સોસાયટી’ જેવી સંસ્થાઓ તથા ‘ગનેઆન પરસારક મંડળ’, ‘અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ જેવી મંડળીઓ અને ‘બુદ્ધિપ્રકાશ’, ‘ગુજરાત શાળાપત્ર’ જેવાં સામયિકો પણ અનુવાદ પ્રવૃત્તિને પોષવાનું કાર્ય કરે છે. ૧૮૬૭થી ૧૯૬૧ સુધીમાં ગુજરાતીમાં અનુદિત થયેલાં સંસ્કૃત નાટકોની સંખ્યા ૪૪ નોંધાયેલી છે. કાલિદાસકૃત ‘શાકુંતલ’ના જ ૧૯૬૧ સુધીમાં ૧૧ અનુવાદો થયા હતા. ‘મેઘદૂત’ના બારથી યે વધારે અનુવાદો સાંપડે છે. તેમાં સૌથી પહેલો અનુવાદ બળવંતરાય જુન્નરકરનો છે. નવલરામ ૧૮૭૧માં તેનો મેઘછંદમાં અનુવાદ આપે છે. ‘મેઘદૂત’નાં સમશ્લોકી અનુવાદ કરનારાઓમાં ભીમરાવ, વિહારી, કીલાભાઈ, ન્હાનાલાલ, જયંત પંડ્યા વગેરે ગણાવી શકાય. આ ઉપરાંત હરિકૃષ્ણ ભટ્ટ હરિગીતમાં, શિવલાલ ધનેશ્વર પૃથ્વી અને સ્રગ્ધરામાં, ત્રિભુવન વ્યાસ ઝૂલણામાં અને મનહરરામ હરિરામ મહેતા રામછંદમાં તેના અનુવાદો કરે છે. ‘શાકુંતલ’ અને ‘ઉત્તરરામચરિત’ના ઉમાશંકર જોશીના અનુવાદો અન્ય અનુવાદોથી ચડિયાતા બન્યા છે એનું કારણ એમની અનુવાદક પ્રતિભા જ ગણી શકાય. મહાકાવ્યના અનુવાદોનું પ્રમાણ આપણે ત્યાં ઓછું હોવા છતાં હંસાબહેન મહેતાએ વાલ્મીકિના ‘રામાયણ’ના કાંડોનો સમશ્લોકી અનુવાદ આપ્યાં છે. રેવાશંકર મયાધર ભટ્ટે ‘રઘુવંશ’ના બે સર્ગનું ભાષાંતર (૧૮૭૬) તથા હરિલાલ નરસિંહરામ વ્યાસે (૧૮૯૭) તેમજ ચતુરભાઈ ગોવિંદભાઈ પટેલે સમગ્ર ‘રઘુવંશ’નાં ભાષાંતરો આપ્યાં છે. નાગરદાસ અમરજી પંડ્યાએ ‘રઘુવંશ’ તથા ‘કુમારસંભવ’નો અનુવાદ કર્યો છે. પ્રજારામ રાવળે ‘રઘુવંશ’નો શિષ્ય રૂપનો અનુવાદ આપ્યો છે. એડવિન આર્નલ્ડના ‘લાઈટ ઑફ એશિયા’નો અનુવાદ નરસિંહરાવ ઉપરાંત જગન્નાથ હરિનારાયણ ઓઝાએ ‘સિદ્ધાર્થ સંન્યાસ’ નામે આપ્યો છે. સુન્દરમે શ્રી અરવિંદના અંગ્રેજી મહાકાવ્ય ‘સાવિત્રી’ના કેટલાક ખંડોનો અનુવાદ કર્યો છે. એ પછી પૂજાલાલનો એવો પ્રયત્ન નોંધપાત્ર છે. મણિલાલ દ્વિવેદીએ ભવભૂતિનાં ત્રણ નાટકો, ‘માલતીમાધવ’ (૧૮૮૦), ‘ઉત્તરરામચરિત’ (૧૮૮૨) અને ‘મહાવીર ચરિત’ તથા ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’, ‘રામગીતા’, ‘હનુમાન નાટક’ વગેરે કૃતિઓને પણ ગુજરાતીમાં ઉતારી છે. બાળાશંકરે કરેલ રાજશેખર રચિત ‘કપૂરમંજરી’ (નાટક) અને શુદ્રકરચિત ‘મૃચ્છકટિક’ના અનુવાદો નોંધપાત્ર ગણાય છે. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે સંસ્કૃતમાંથી કરેલા અનુવાદોમાં ખાસ કરીને ‘ગીતગોવિંદ’ માટે મણિલાલ દ્વિવેદી પ્રમાણપત્ર આપે છે તેમ ‘આવું રસિક અને યથાર્થ ભાષાંતર અન્ય કોઈ વિદ્વાનથી ન થઈ શકત’ કાન્તે પણ અંગ્રેજીમાંથી ‘એરિસ્ટોટલનું નીતિશાસ્ત્ર’ ‘પ્લેટોકૃત ફીડ્સ’ અને ટાગોરની ‘ગીતાંજલિ’ જેવી પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદ આપ્યા છે તે નોંધપાત્ર છે. કવિ ન્હાનાલાલે કરેલો ‘ભગવદ્ગીતા’નો સરળ, વિશદ અને ભાવવાહી અનુવાદ ઉત્તમ છે. કિશોરલાલ મશરૂવાળાનો ‘ગીતાધ્વનિ’ નામે થયેલો અનુવાદ ‘ગંગાલહરી’નું (૧૯૦૭) લાલજી વીરેશ્વર જાનીએ અને પાછળથી ‘વિયોગી’એ ભાષાંતર આપ્યું છે. છગનલાલ હ. પંડ્યાનો ‘કાદંબરી’ (૧૮૮૨)નો અનુવાદ આ યુગની એક મહત્ત્વની ઘટના છે. હીરાલાલ ઉમિયાશંકરનો ‘ગોલ્ડસ્મિથની મુસાફરી’ (૧૮૫૯), ‘ધ ટ્રાવેલર’નો જુદાં જુદાં વૃત્તોમાં થયેલો સૌથી પહેલો અનુવાદ છે. શંકરપ્રસાદ રાવળ, પોપટલાલ પૂંજાભાઈ શાહે પણ ગોલ્ડસ્મિથના ‘ડેઝર્ટેડ વિલેજ’નાં અનુક્રમે અનુવાદ અને અનુકૃતિ આપેલ છે. પ્રાણજીવન પાઠકે ઇસ્સનના નાટક ‘ડૉલ્સ હાઉસ’નો ‘ઢીંગલી’ નામે ૧૯૨૫માં પ્રગટ કરેલો અનુવાદ તેની સરળતા અને સરસતાને કારણે નોંધપાત્ર બન્યો હતો. એમણે પ્લેટોના પ્રસિદ્ધ ગ્રંથોનો ‘પ્લેટોનું આદર્શનગર’ એ શીર્ષકથી અનુવાદ કર્યો હતો. નરભેશંકર પ્રાણજીવન દવે ‘કાઠિયાવાડી’ એ શેક્સપીયરનાં ‘જુલિયસ સીઝર’, ‘ઑથેલો’, ‘વેનિસનો વેપારી’, ‘હેમ્લેટ’, ‘મેઝર કોર મેઝર’ જેવાં નાટકો ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. કિશોરલાલ મશરૂવાળાએ લોર્ડ મોર્લીનું ‘ઑન કોમ્પ્રોમાઈઝ’ પુસ્તકનું ‘સત્યમય જીવન’ (૧૯૩૩) નામે ભાષાંતર કર્યું છે. મહાદેવભાઈ દેસાઈએ ‘સત્યાગ્રહની મર્યાદા’ નામે તે જ પુસ્તકનું ભાષાંતર કર્યું છે. તેમણે ખલિલ જિબ્રાનના ‘ધ પ્રોફેટ’નું રસપ્રદ શૈલીમાં ‘વિદાય વેળાએ’ (૧૯૩૫) તથા અમેરિકન લેખક પેરી બર્જેસની ‘હુ વૉક એલોન’ નામની નવલકથાનું ‘માનવી ખંડિયેરો’ (૧૯૪૬) એ નામે ભાષાંતર કર્યા છે. યુરોપ-એશિયાનું મોટાભાગનું સાહિત્ય અંગ્રેજી મારફતે આવ્યું હોવા છતાં તેમાં કેટલાક સુખદ અપવાદો પણ છે. શીલરના ‘વિલ્હેમ ટેલ’નો અનુવાદ નરસિંહભાઈ પટેલે સીધો જર્મનમાંથી, વત્સરાજ ભણોતે કેટલાક કાવ્યાનુવાદો સીધા સ્વીડિશમાંથી ચેખોવરચિત ‘વાન્યામામા’નો અનુવાદ હસમુખ બારાડીએ રશિયનમાંથી કર્યો છે. સાહિત્ય અકાદમી અને નેશનલ બુકટ્રસ્ટ જેવી સંસ્થાઓની સ્થાપના પછી અન્ય ભારતીય ભાષાઓની સાહિત્યની કૃતિઓનું મૂળ ભાષા તથા અંગ્રેજી હિન્દી મારફતે પ્રાદેશિક ભાષાઓમાં અવતરણની પ્રક્રિયા વેગવંતી બની. હિન્દીમાંથી ‘રામચરિતમાનસ’, ‘રસિકપ્રિયા’, ‘ભાષા-ભૂષણ’, ‘બિહારીસતસઈ’, ‘કબીર વચવનાવલિ’, ‘ચિદંબરા’, ‘સવાશેર ઘઉં’, ‘જૂઠા સચ-૧-૨’, ‘યુગાન્તર-૧-૨’, ‘વૉલ્ગાથી ગંગા’, ‘કોણાર્ક’, ‘રેવન્યુ સ્ટેમ્પ’, ‘અપને લોગ’ વગેરે અનેક રચનાઓ ગુજરાતીમાં અનૂદિત થઈ છે. પ્રેમચંદ, સુમિત્રાનંદન પંત, જૈનેન્દ્રકુમાર, વિષ્ણુ પ્રભાકર, ધર્મવીર ભારતી જેવા હિન્દી સાહિત્યકારોનાં પુસ્તકો ગુજરાતીમાં અનૂદિત થયાં છે. વીસમી સદીમાં અનુવાદ પ્રવૃત્તિ ફૂલી-ફાલી છે. વળી અનુવાદની પ્રવૃત્તિ કેટલીક સંસ્થાઓ જેવી કે સાહિત્ય અકાદમી-દિલ્હી, નેશનલ બુકટ્રસ્ટ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી વિભાગ એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, ભાષાંતરનિધિ, ગંગોત્રી ટ્રસ્ટ વગેરેની વિશેષ પ્રવૃત્તિ રહી છે. વ્યાવસાયિક પ્રકાશકોનો પણ આ પ્રવૃત્તિને વેગ આપવામાં મોટો ફાળો રહેલો છે. તેથી વીસમી સદીમાં તો આપણને મળેલા બીજી ભાષાઓમાંથી ગુજરાતીમાં તથા આપણી ભાષા ગુજરાતીના પણ બીજી ભાષાઓમાં થયેલા અનુવાદ સરાહનીય છે. પ્રાકૃત-અપભ્રંશ-સંસ્કૃતમાંથી હરિવલ્લભ ભાયાણી જેવા કાવ્યજ્ઞે આપેલા અનુવાદિત-પુસ્તકો ‘પ્રપા’, ‘ગાથામાધુરી’, ‘મુક્ત માધુરી’ (૧૯૮૬), ‘મુક્તકમંજરી’ (૧૯૮૯) નોંધપાત્ર છે. ઉમાશંકર જોશીએ ‘ઇશાવાસ્ય ઉપનિષદ’ (૧૯૮૮)નો ગુજરાતીમાં વૈદિક છંદોલયને જાળવીને પદ્યાનુવાદ આપ્યો છે. આધુનિક ભારતીય ભાષાઓમાં અસમિયા, બંગાળી, પંજાબી, મરાઠી, હિન્દીમાંથી અનુવાદ થયા છે. સમકાલીન અસમિયા કવિતાઓના અનુવાદનું સંકલન ‘સમકાલીન અસમિયા કવિતા’ — ભોળાભાઈ પટેલ દ્વારા થયું છે. સુરેશ દલાલના ‘મિરાત’ (૧૯૮૫) સંગ્રહમાં ભારતીય અને અન્ય ભાષાનાં કાવ્યોના ઘણી બધી વિવિધતાવાળા અનુવાદ છે. જયા મહેતા આપણને મરાઠી કાવ્યોના અનુવાદનાં બે પુસ્તકો ‘અનુગુંજ’ (૧૯૮૭) અને ‘પ્રતિશ્રુતિ’ (૧૯૮૮) આપે છે. ગંગોત્રી ટ્રસ્ટે ૧૯૮૦માં ઉમાશંકર જોશીનાં સંપાદકત્વમાં મરાઠી સાત કવિઓના અનુવાદની સુરુચિપૂર્ણ આવૃત્તિઓ બહાર પાડી છે. રાજેન્દ્ર શાહ પાસેથી ‘જીવનાનંદ દાસ’ (૧૯૮૫)ના કેટલાક કાવ્યાનુવાદ મળે છે. ટી. એસ. એલિયટના ‘ધ વેસ્ટ લૅન્ડ’નો પડકારરૂપ અનુવાદ હરીન્દ્ર દવે ‘મરુભૂમિ’ (૧૯૮૮) શીર્ષકથી આપે છે. દુશ્યન્ત પંડ્યાએ મહાકાવ્યની ગંભીરતા અને ગરિમાને જાળવીને કરેલો અનુવાદ ને જ્હૉન મિલ્ટનકૃત ‘પેરેડાઈઝ લૉસ્ટ’નો — ‘સ્વર્ગમાંથી પતન’ (૧૯૯૦) તે પછી ૧૯૯૩માં ‘ઇલિયડ’ અને ‘ડિવાઈન કૉમેડી’ના સંપૂર્ણ છાંદસ અનુવાદો અનુક્રમે જયંત પંડ્યા અને રાજેન્દ્ર શાહ પાસેથી મળ્યા છે. ત્રણ યુરોપીય મહાકાવ્યોના આ પ્રકારના અનુવાદો જેમાં થયા હોય તેવી ગુજરાતી કદાચ એકમાત્ર ભારતીય ભાષા છે. ઑક્તાવિયો પાઝના દીર્ઘકાવ્ય ‘સનસ્ટોન’નો જગદીશ જોષીએ ગુજરાતી અનુવાદ ‘સૂર્યઘટિકાયંત્ર’ (૧૯૮૧). યશવંત ત્રિવેદીએ નોબેલ પારિતોષિક વિજેતા ‘પાબ્લો નેરૂદાની કવિતા’ (૧૯૮૧)માં નેરૂદાંના કેટલાંક કાવ્યોના અંગ્રેજી પરથી અનુવાદ કર્યાં છે. અરબી-ફારસી-ઉર્દૂમાંથી કુરાનના પ્રશસ્ય અનુવાદ ઉપરાંત ખુસરો, હાલી, નઝીર, હાફિઝ, ઉમ્મર ખય્યામ, ઇકબાલ આદિની રચનાઓ મુખ્ય છે. ઉમ્મર ખય્યામની રુબાઈઓ ગુજરાતીમાં અંગ્રેજી મારફત આવી છે અને સીધી પણ આવી છે. ‘અરેબિયન નાઈટ્સ’નું પણ ગુજરાતી સર્જકો-અનુવાદકોને આકર્ષણ રહ્યું છે. ખલિલ જિબ્રાનને પણ કિશોરલાલ મશરૂવાલા, ધૂમકેતુ વગેરેએ ગુજરાતીમાં ઉતાર્યા છે. રઇશ મનિઆર પાસેથી ત્રણ અનુવાદો મળે છેઃ ‘કૈફી આઝમીના કેટલાંક કાવ્યો’, ઝાવેદ અખ્તરના કાવ્યસંગ્રહનો ‘તરકશ’ (૨૦૦૩) અને સાહિર લુધિયાન્વીનો ‘આવો સ્વપ્ન વણીએ’ મળે છે. ચાંદબીબી શેખ — મોહમ્મદ મુજીબના ‘ગાલિબ’ (૨૦૦૩)નો અને એમ. જી. કુરેશી મિરઝા રુસવાનીના ‘ઉમરાવજાન અદા’ (૨૦૦૭)ના ચરિત્ર અનુવાદો આપે છે. બોલતી ભાષાનો રણકો ખોવાઈ ન જાય એ બાબતે જાગ્રત રહેનાર શરીફા વીજળીવાળા પાસેથી પણ ઉર્દૂમાંથી સીધા અનુવાદો. ‘મન્ટોની વાર્તાઓ’ (૨૦૦૩), ‘ઇંતિઝાર હુસૈનની વાર્તાઓ’ (૨૦૦૮), ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી’ (૨૦૧૧) એ લખનવી ઉર્દૂ અને લાહૌરી પંજાબીના મિશ્રણવાળું અસગર વજાહતનું હિન્દી નાટક મળે છે. મરાઠીમાંથી થયેલા અનુવાદોમાં કિશોરલાલ મશરૂવાલા તુકારામના અભંગો ‘સંત તુકારામની વાણી’ તથા સુરેશ દલાલ ૧૯૯૪માં ‘તુકા કહે’, કિસનસિંહ ચાવડા તથા રત્નસિંહ દીપસિંહ પરમાર પાસેથી ‘જ્ઞાનેશ્વરી ગીતા’ મળે છે. જયા મહેતા મરાઠી કાવ્યોના અનુવાદનાં બે પુસ્તકો ‘અનુગુંજ’ (૧૯૮૭) અને ‘પ્રતિશ્રુતિ’ (૧૯૮૮) આપે છે. ઉપરાંત તેમણે િદલીપ ચિત્રે (૧૮૮૧), કુસુમાગ્રજ (૧૯૯૧), સદાનંદ રેગે (૧૯૯૨)ના કાવ્યસંગ્રહો અનુદિત કર્યા છે. પ્રભુ દેવધર કૃત ‘સોના પિંજર’ (જ્યોતિન પટેલ, ૧૯૯૫) પણ ઉલ્લેખનીય કાવ્યસંગ્રહ છે. અશ્વિની બાપટ અરૂણ કોલ્હટકરની દીર્ધ કવિતા ‘દ્રોણ’ (૨૦૦૪)ને ગુજરાતીમાં ઉતારે છે. મરાઠી લેખક બાબા પદમનજી દ્વારા લખાયેલી સમગ્ર ભારતીય સાહિત્યની પ્રથમ નવલકથા હોવાનું બહુમાન નવલકથા ‘યમુના પર્યટન’ અથવા હિન્દુસ્તાનની વિધવાઓની સ્થિતિનું નિરૂપણ’નો અનુવાદ ૨૦૧૧માં મેનકા જાદવે કર્યો છે. ચિંતનમણિ ત્ર્યંબક ખાનોલકરના પ્રત્યેક સર્જનને જાણે ગુજરાતીમાં લાવવાનો જયાબહેન મહેતાએ નિર્ણય કર્યો હોય તેમ ‘ચાની’ (૧૯૮૧) વગેરે ચાર નવલકથાનો અનુવાદ આપણને આપે છે. રાજેન્દ્ર બનહટ્ટીની નવલકથા ‘આખરની આત્મકથા’ (૧૯૮૬) તેમજ જશવંત દળવીની નવલકથા ‘આલ્બમ’ (૧૯૮૮) નામે શકુન્તલા મહેતાએ અનુદિત કરી છે. આ ઉપરાંત તેમણે પુ. શિ. રેગેની ‘રેણું’ (૧૯૮૮), વિશ્રામ બેડેકરની ‘રણાંગણ’ (૧૯૮૪), ગૌરી દેશપાંડેની ‘એક એક આખરે પાંદડું’ (૧૯૮૯) પણ ગુજરાતીમાં અનુદિત કરી છે. શિવાજી સાવંતકૃત ‘મૃત્યુંજય’ (૧૯૯૧), વિશ્વાસ પાટીલકૃત ‘મહાનાયક’ (૧૯૯૯), ‘લોહીના આંસુ’ (૨૦૦૪), ‘પાણીપત’ (૨૦૦૫) જેવી સબળ કૃતિના અનુવાદ આપનાર પ્રતિભાબેન મ. દવેએ અનેક કસદાર પુસ્તકોના અનુવાદ આપ્યા છે. ગોપાળરાવ વિદ્વાંસે વિ. સ. ખાંડેકર તથા અન્ય મરાઠી લેખકોની સંખ્યાબંધ કૃતિઓ ગુજરાતીમાં ઉતારી છે. ‘યુગાન્ત’ (ઇરાવતી કર્વે, ૧૯૮૦, અનુ. શશિન ઓઝા) ‘વ્યાસપર્વ’ (દુર્ગા ભાગવત, ૧૯૭૯, અનુ. જયા મહેતા), ‘શ્યામની મા’ અને ‘શ્યામની બા’ એ નામે અનુક્રમે જયંતભાઈ પરમાર તથા અરુણાબેન જાડેજા (૨૦૧૧) પાસેથી અનુવાદ મળે છે. પુ. લ. દેશપાંડેનો નિબંધસંચય ‘પુલકિત’ (૨૦૦૫) તથા ‘મુકામ શાંતિનિકેતન’ના અનુવાદ પણ અરુણાબેન પાસેથી મળે છે. ભાલચંદ્ર નેમાડેકૃત ‘કોશેટો’ (ઉષા શેઠ, ૧૯૯૪), ‘થેંક્યુ મિસ્ટર ગ્લાડ’ (વસુધા ઇનામદાર, ૧૯૯૬), ના. ધો. મહાનોરકૃત ‘ગાંધારી’, વસુધા ઈનામદાર (૧૯૯૭), પુ. લ. દેશપાંડેકૃત ‘ભાત ભાત કે લોગ’ (શકુન્તલા મહેતા, ૧૯૯૯), રાજા મંગળવેઢે કરકૃત સાને ગુરુજીની ‘જીવન ગાથા’ (દિગંત ઓઝા, ૨૦૦૦), ધનંજય કીરકૃત આંબેડકરની ‘જીવનકથા’ (પ્રદીપ કર્ણિક-મૂલજીભાઈ ખુમાણ, ૧૯૯૩), લક્ષ્મણ ગાયકવાડ કૃત ‘ઉઠાઉગીર’ (રવીન્દ્ર પારેખ, ૧૯૯૬), સુનીતા દેશપાંડે કૃત ‘મનોહર છે તો પણ...’ (સુરેશ દલાલ, ૧૯૯૨) સાને ગુરુજીકૃત ‘ભારતીય સંસ્કૃતિ’ (૨૦૦૦) તથા લક્ષ્મણ માનેની આત્મચરિત્રાત્મક ‘ઉપરા’ (સંજય શ્રીપાદ ભાવે, ૨૦૦૩), અરુણા ઢેરેકૃત ‘રાધા, કુંતી, દ્રૌપદી’ (જયા મહેતા, ૨૦૦૧) જેવી ઘણી સક્ષમ અને મહત્ત્વની કૃતિઓ મરાઠીમાંથી આપણને સાંપડે છે. બાર જેટલા અનુવાદ આપનાર કિશોર ગૌડ દયા પવારના ‘બલૂતં’નો ‘વસવાયો’ (૨૦૦૧) નામે અનુવાદ આપે છે. આ જ પુસ્તકનો બીજો અનુવાદ સુરેન્દ્ર દોશી પાસેથી ‘અછૂત’ નામે વાયા હિન્દી મળે છે. ચરિત્રો અને આત્મચરિત્રોમાં મુખ્યત્વે કૅપ્ટન નરેન્દ્રપરથી વિમલતાઈની ‘તાઈ’ (૨૦૦૭)ના આત્મચરિત્રનો તથા અરુણા જાડેજા પાસેથી ‘સંસ્મરણોનો મધપૂડો’ (૨૦૧૦)નો અને દીપક મહેતા પાસેથી ‘એક ક્રાન્તિવીરની આત્મકથા’ (૨૦૧૦) આપણને મળે છે. એક અમૂલ્ય દસ્તાવેજી હકીકત આલેખવામાં આવી હોય તેવું પુસ્તક ‘૧૮૫૭ની મારી ક્રાંતિયાત્રા’ (૨૦૦૮), મૂળ વિષ્ણુ ભટ્ટ ગોડસેના પુ્સ્તકનો અમૃતલાલ નાગરે કરેલા હિન્દી અનુવાદ પરથી ગુજરાતીમાં હસમુખ રાવળ આપે છે. જયવંત દળવીના પુ્સ્તકનો ‘મહાનંદા’ (૨૦૧૧) નામે નૂતન જાનીએ અનુવાદ આપ્યો છે. શરણકુમાર લિંબાલેનું મૂળ મરાઠીમાં લખાયેલ તથા હરીશ મંગલમ્ અને ડૉ. કાન્તિ માલસતર દ્વારા ગુજરાતીમાં અનુદિત ‘દલિત સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર’ દલિત સાહિત્યધારાનું શાસ્ત્રીય પદ્ધતિએ થયેલું ઊંડાણપૂર્વકનું પરિશીલન-અભ્યાસ છે. ભારતીય ભાષાઓ પૈકી બંગાળીમાંથી ગુજરાતીમાં અનૂદિત પુસ્તકોનું પ્રમાણ વિશેષ છે. અને આપણને ઉત્તમ બંગાળી પુસ્તકનો સીધો પરિચય થાય છે. રવીન્દ્રનાથ અને શરદબાબુનું તો મોટાભાગનું સાહિત્ય ગુજરાતીમાં અવતર્યું છે. રવીન્દ્રનાથની કૃતિઓના અનુવાદકોમાં મુખ્ય છે: ભોગીલાલ ગાંધી, મહાદેવ દેસાઈ, નગીનદાસ પારેખ, રમણલાલ સોની, ઉમાશંકર જોશી, શિવકુમાર જોશી, ભોળાભાઈ પટેલ, સુરેશ જોષી, અનિલા દલાલ, નિરંજન ભગત. જયંતિલાલ આચાર્ય, ટાગોર ગ્રંથાવલિ (૧૯૮૮) અને શરદ ગ્રંથાવલિ (૧૯૮૯) પ્રગટ કરવામાં આવી હતી. આ ગ્રંથાવલિમાં રવીન્દ્રનાથની બધી જ વાર્તાઓના અનુવાદ રમણલાલ સોની ત્રણ ભાગમાં આપે છે. શરદ ગ્રંથાવલિ ૨૦ ગ્રંથોમાં પ્રગટ કરવામાં આવી છે. આ ઉપરાંત રવીન્દ્રનાથનું સાહિત્ય દેશની વિવિધ ભાષાઓમાં પહોંચે તે માટે સાહિત્ય અકાદેમી, દિલ્હીએ પ્રોજેક્ટ ઉપાડ્યો અને આપણને ‘ગીત પંચશતી’ (૫૦૦ ગીતો) (૧૯૭૮) મળે છે અને સંકલિત થયેલા ‘એકોત્તરશતી’ — (૧૯૬૩) રવીન્દ્રનાથના સંકલિત થયેલા ૧૦૧ કાવ્યોનો ગ્રંથ ગુજરાતીમાં લિપ્યન્તર અને અનુવાદ સાથે મળે છે. તેમના નાટકો, પત્રો, પ્રવાસ, સાહિત્ય વિવેચન વગેરે બધું જ આજ દિવસ સુધી અકાદેમી પ્રકાશિત કરતી રહી છે. નારાયણ હેમચંદ્રે બંકિમચંદ્રની ‘આનંદમઠ’, ‘દુર્ગેશ-નંદિની’, ‘વિષવૃક્ષ’, ‘મૃણાલિની’ જેવી રચનાઓથી ગુજરાતને પરિચિત કર્યું. પછી તો દ્વિજેન્દ્રલાલ રૉય, ‘જરાસંધ’, ‘વિભૂતિભૂષણ અને તારાશંકર બંદ્યોપાધ્યાય, વિમલ મિત્ર, પ્રેમેન્દ્ર મિત્ર, બુદ્ધદેવ બસુ, સુનીલ ગંગોપાધ્યાય, મૈત્રેયી દેવી, કલ્હન, ગજેન્દ્રકુમાર મિત્ર, જીવનાનંદ દાસ, દિલીપકુમાર રૉય, ધનંજય વૈરાગી, મનોજ બસુ, વિમલ દર, શંકર, શીર્ષેન્દુ મુખોપાધ્યાય, સમરેશ બસુ, સુભાષ મુખોપાધ્યાય, સુરેન્દ્રનાથ દાસગુપ્ત, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આદિ અનેક બંગાળી સાહિત્યકારોની કૃતિઓના ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ થયા છે. નિસ્પૃહા દેસાઈએ મહાશ્વેતાદેવીની ‘હાજાર ચુરાશિરમા’ (૧૯૮૫) ગુજરાતીમાં આપી છે. લિપિ કોઠારીએ કિશોર માનસનું નિરૂપણ કરતી સુનીલ ગંગોપાધ્યાયની નવલકથા ‘પર્વતશિખરે હાહાકાર’ શીર્ષકથી અનુદિત કરી છે. ઉમા રાંદેરિયા સુનીલ ગંગોપાધ્યાયની ‘સેઈ સમય’નો ‘નવા યુગનું પરોઢ’ (૨૦૦૪) નામે અનુદિત નવલકથા આપે છે. વળી ઉમા રાંદેરિયાના અવસાન પછી એમનો એક અનુદિત વાર્તાસંગ્રહ બહાર પડે છે. ‘દૂરનો એ માણસ અને બીજી વાર્તાઓ’. અહીં બંગાળી અને ખાસ તો તેમણે રશિયન ભાષામાંથી સીધા અનુવાદો કર્યા છે જે ઉલ્લેખનીય છે. સુજ્ઞા શાહ પાસેથી ટાગોરની વાર્તાઓ નામે ‘તે અને ત્રણ સંગી’ (૨૦૦૫), જૂથિકા રૉયની આત્મકથા ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’ (૨૦૦૬), પ્રબોધકુમાર સાન્યાલના પ્રવાસનિબંધ ‘યાત્રિક’ (૨૦૦૯) તથા ૨૦૧૬-૧૭માં ટાગોરની ‘શેષેર કવિતા’નો ‘અંતિમ કાવ્ય’ નામે સુંદર અનુવાદ આપે છે. નવમા, દસમા, અગિયારમા દાયકામાં આપણને હિન્દીમાંથી પણ ઘણી શ્રેષ્ઠ કૃતિઓ ગુજરાતીમાં પ્રાપ્ત થાય છે. સુનીતા ચૌધરી ગોવિંદ મિશ્રની હિન્દી નવલકથાઓના અનુવાદ ‘તારા ઉજાસમાં’ (૧૯૮૯), ‘ધીર સમીરે’ (૧૯૯૨) આપે છે. ભોળાભાઈ પટેલ અને બિંદુ ભટ્ટે શ્રીકાંત વર્માની હિન્દી વાર્તાઓમાંથી પસંદગીની વાર્તાઓના અનુવાદ ‘બીજાના પગ’ (૧૯૮૮)માં આપ્યો છે. જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ શ્રીકાંત વર્માની ‘મગધ’ નવલકથાનો અનુવાદ ૨૦૦૩માં આપે છે. મોહન દાંડીકર ‘એક મેલી ચાદર’ (૧૯૮૩), ગિરિરાજ કિશોરની ‘પહેલો ગિરમીટીયો’ (૨૦૧૪) તથા કમલેશ્વરની નવલકથા ‘સળગતી નદી’ના અનુવાદો આપે છે. સ્મરણચિત્રોમાં ‘મન્ટોના કૅમેરામાં ઝિલાયેલી છબી’ તથા આત્મકથામાં દાંડીકર આપે છે કમલેશ્વરની ‘મારી સંઘર્ષકથા’ (૨૦૦૬) અને ગાયત્રી કમલેશ્વરની ‘મારા હમસફર’ (૨૦૦૮), જિતેન્દ્ર દેસાઈ પ્રકાશક દિનાનાથ મલ્હોત્રાના પુસ્તકનો સુંદર અનુવાદ આપે છે. ‘પ્રકાશન નહીં કાયરનું કામ જોને’ (૨૦૦૬) નવમા દાયકામાં નવલકથાઓમાં પ્રેમચંદ કૃત ‘કર્મભૂમિ’ (પ્રમોદ સોલંકી, ૧૯૯૧), અમૃતલાલ નાગરકૃત ‘નાચ્યો બહુત ગોપાલ’ (રવીન્દ્ર અંધારિયા, ૧૯૯૨), નિર્મલ વર્માકૃત ‘ત્રણ એકાંત’ અને ‘એક ચીથડા સુખ’ (વીનેશ અંતાણી, જયા મહેતા, ૧૯૯૨), જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા કૃષ્ણ સોબતીકૃત ‘મિત્રો મરજાની’ (વર્ષા અડાલજા, ૧૯૯૬) અને ભીષ્મ સહાનીકૃત ‘તમસ’ (નારાયણ દેસાઈ, ૧૯૯૬), અનુદિત થઈ છે. આ ઉપરાંત શિવાનીકૃત ‘કૃષ્ણકલી’ (૧૯૯૯) અને ‘સ્વયંસિદ્ધા’ (૨૦૦૦)ના અનુવાદ બકુલા જોશીએ કર્યા છે. દૂરદર્શનને કારણે લોકપ્રિય બનેલી ‘ચંદ્રકાન્તા’ (હરસુખ થાનકી અને શાંતિલાલ જૈન, ૧૯૯૫) પણ સુલભ બની છે. સાંસ્કૃતિક ચિંતનના ક્ષેત્રે મૂકી શકાય તેવી હજારીપ્રસાદ દ્વિવેદીકૃત ‘આલોકપર્વ’ (ભગવતીકુમાર શર્મા, ૧૯૯૫) મળે છે. પ્રતિભા દવે અમૃતલાલ નાગરની આત્મકથાત્મક નવલ ‘માનસના હંસ’ (૨૦૦૧)નો અને કમલેશ્વરના ‘કિતને પાકિસ્તાન’ (૨૦૦૩)નો, વીનેશ અંતાણી નિર્મલ વર્માના વાર્તાસંગ્રહનો ‘કાગડો અને છૂટકારો’ (૨૦૦૩), જયા મહેતા રમાનાથ ત્રિપાઠીની ‘રામગાથા’ (૨૦૦૩)નો એવા વિવિધ અનુવાદો આપે છે. કેશુભાઈ દેસાઈ પ્રેમચંદજીની ‘સેવાસદન’ (૨૦૦૬)નો, શર્મિષ્ઠા પટેલ સુરેન્દ્ર વર્માની ‘મારે ચાંદો જોઈએ’ (૨૦૧૦)નો અનુવાદ આપે છે. હસમુખ રાવળ ‘પ્રેમચંદજીની શ્રેષ્ઠ બાળકથાઓ’ (૨૦૦૩) અને હસુ યાજ્ઞિક ‘ફણીશ્વરનાથ રેણુની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૨૦૦૭)ના અનુવાદો આપે છે. આ પહેલાં ૧૯૮૮માં ‘પ્રેમચંદ ગ્રંથાવલિ’ ગુજરાતીમાં અઢાર પ્રગટ થઈ છે — જેમાં ઘણા નવા અનુવાદકો છે. ૨૦૧૦માં વિવિધ નારીસૃષ્ટિઓની ચેતનાને નિરૂપતો ભારતીય ટૂંકી વાર્તાઓનો (વાયા હિન્દી) સંગ્રહ નિવ્યા પટેલ પાસેથી મળે છે. કવિતામાં અશોક વાજપેયીના બે કાવ્યસંગ્રહો (જયા મહેતા ૧૯૯૧ અને કિશોર શાહ, ૧૯૯૧), સર્વેશ્વર દયાલ સક્સેના કૃત ‘એક સૂની નાવ’ (સુશીલા દલાલ, ૧૯૮૨), અટલબિહારી બાજપેયીકૃત ‘આંધીયો મેં જલાયે હૈ બૂઝતે દિયે’ (વિષ્ણુ પંડ્યા, ૧૯૯૬) તથા અજ્ઞેયકૃત ‘આંગન કે પાર દ્વાર’ (ભોળાભાઈ પટેલ, ૧૯૯૯) અનૂદિત થયા છે. ૨૦૦૬માં જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ હિન્દી ભાષાના મોટા ગજાના સર્જક ચંદ્રપ્રકાશ દેવલના ‘બોલો માધવી’ ખંડકાવ્યનો અનુવાદ, જગદીશ ત્રિવેદી – હરિવંશરાય બચ્ચનની ‘મધુશાલા’નો ૧૧૬ રૂબાઈઓનો મૂળ પાઠ સાથે પદ્યાત્મક અનુવાદ ૨૦૦૯માં આપે છે. સાહિત્ય અકાદેમી, દિલ્હી તથા નેશનલ બુકટ્રસ્ટ જેવી સંસ્થાઓએ દેશની પ્રાદેશિક ભાષાઓના ઉત્તમ સાહિત્યને અનુવાદ દ્વારા અખિલ ભારતીય સ્તરે પ્રતિષ્ઠિત કરી પ્રસારવાનું કાર્ય હાથમાં લીધું છે. એને લીધે લગભગ બધી ભારતીય ભાષાઓનું ઉલ્લેખનીય સાહિત્ય ક્યાંક સીધું જે તે ભાષામાંથી તો, ક્યાંક હિન્દી-અંગ્રેજી અનુવાદ મારફતે ગુજરાતીમાં ઉપલબ્ધ થયું છે. વ્યવસાયે ડૉક્ટર રેણુકા સોનીએ મૂળ ઉડિયામાંથી અનૂદિત કૃતિ ‘દક્ષિણાવર્ત’ (૧૯૮૫), ‘મનોજ દાસની વાર્તાઓ’ (૧૯૯૮), ‘રેવતીઃ શ્રેષ્ઠ ઓડિયા વાર્તાઓ’ (૧૯૯૯) તથા સુરેન્દ્ર મહાંતિની નવલકથા ‘અંધ દિગંત’ના અનુવાદ કર્યા છે. ઉપરાંત ‘ગોપીનાથ મહાંતિની વાર્તાઓ’ તથા ૨૦૦૪માં ‘શ્રેષ્ઠ ઊડિયા વાર્તાઓ, જેમાં ગોપીનાથ મહાંતિ, ગોદાવરી રામ મહાપાત્ર, વસંત શતપથી, મનોજ દાસ, પ્રતિભા રાય જેવા સિદ્ધહસ્ત ઉડિયા લેખકોની વાર્તાઓના અનુવાદ મળે છે. મીરાં ભટ્ટે ફકીર મોહન સેનાપતિની નવલકથાનો અનુવાદ ‘છ વીઘાં જમીન’ (૧૯૮૨), ગોપીનાથ મહાંતિ કૃત નવલકથાનો અનુવાદ ‘દાણા-પાણી’ (૧૯૯૪) આપ્યો છે. શ્વેતા પ્રજાપતિ ભાગ્યલક્ષ્મી મિશ્રની નવલકથા ‘પાનડલા’નો અનુવાદ ‘પાનપેટી’ નામે ૨૦૦૯માં આપે છે. વળી અન્ય નવલકથાકારોમાં રમાપદ ચૌધરીકૃત ‘ઘર’ (પ્રસાદ બ્રહ્મભટ્ટ, ૧૯૯૬) અને પ્રતિભા રાયકૃત ‘યાજ્ઞસેની’ (જયા મહેતા, ૧૯૯૫) મુખ્ય છે. સીતાકાન્ત મહાપાત્રનો કાવ્યસંગ્રહ ‘શબ્દોનું આકાશ’ (વર્ષા દાસ, ૧૯૯૬) તથા પ્રશાંતકુમાર મહંતિએ કરેલો ૬૦ ઓડિયા કવિઓની રચનાઓનો સંકલન સંચય ‘સમકાલીન ઓડિયા કવિતા’ (૧૯૯૬) નામે રેણુકા સોની આપે છે. સીતાકાન્ત મહાપાત્રની કવિતાઓ ૨૦૧૧માં ભોળાભાઈ પટેલ દ્વારા ‘નિર્વાચિત કવિતા’ કાવ્યસંગ્રહ દ્વારા ગુજરાતીમાં અવતરે છે. તેમની પાસેથી ‘સમકાલીન અસમિયા કવિતા’ (૧૯૮૨) નિર્મલપ્રભા બરદલૈ, નીલમણિ ફુકન અને હીરેન ભટ્ટાચાર્યની કાવ્યકૃતિઓનો સંચય ‘કામરૂપા’ (૧૯૯૩), સૈયદ અબ્દુલ મલિકકૃત નવલકથા ‘સૂરજમુખીનું સપનું’ (૧૯૯૪), વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યકૃત નવલકથા ‘ઇયારુ ઇંગમ’ (૧૯૯૬)ના અનુવાદ મળે છે. પંજાબીમાંથી ગુજરાતીમાં કવિતાક્ષેત્રે ‘લોહીલુહાણ વર્તમાનની રૂબરૂ’ (૨૦૦૦) સંગ્રહમાં હિરેન ગાંધીએ અવતારસિંહ સંદુ ‘પાશ’ની ૧૦૦ કવિતાઓનો હિન્દીમાં અનુવાદ કર્યો છે. અમૃતા પ્રીતમના સર્જનના સંચય ‘અમૃતા વિશેષ’ (૧૯૯૨)માં સંપાદક સુરેશ દલાલે કવિતા, નવલકથા-અંશ, નિબંધ, પત્ર, ડાયરી, વ્યાખ્યાનમાંથી ચયન કરેલી સામગ્રીનો એકાધિક અનુવાદકો પાસે અનુવાદ કરાવ્યો છે. આ ઉપરાંત અમૃતાની નવલકથાઓ ‘તેરમો સૂરજ’ (ભાનુમતી જાની, ૧૯૯૧), ‘નાગમણી’ (ઉષા ઠક્કર, ૧૯૯૧) તથા ‘ના રાધા, ના રુક્મણિ’ (વસુબેન, ૧૯૯૬) અનૂદિત થઈ છે. મોહન દાંડીકરે, (દલીપકૌર ટિવાણાની આત્મકથા ‘ખુલ્લા પગે યાત્રા’, નવલકથા ‘ગોરજ ટાણે’ (૧૯૯૮), ‘ફિનિક્સ પંખી’ (૨૯૧૦), આત્મકથાત્મક નવલકથા ‘કથા કહો ઉર્વશી’ (૨૦૦૪) અનૂદિત કરી છે. ટિવાણીની ‘આનું નામ જિંદગી’ (ચંદ્રકાન્ત શેઠ, ૧૯૯૫), ગુરુદયાલસિંહ કૃત ‘આઠમની રાત’ (ચંદ્રકાન્ત શેઠ, ૧૯૯૫), હરબન્સ ભલ્લાકૃત ‘અચિંતન સંબંધો’ (એમ. ઈ. વોરા, ૧૯૯૫), સાં. જે. પટેલે હરસરન સિંગકૃત નાટક ‘ઉદાસ લોકો’ (૧૯૯૧), જોગા સિંગકૃત નવલકથા ‘આપણી માટી’ (૧૯૯૨), કૃષ્ણલાલ ગર્ગકૃત વ્યંગલેખોના સંગ્રહની ‘ખરી ખોટી દુનિયા’ (૧૯૯૨) શીર્ષકો હેઠળ અનૂિદત કર્યા છે. ભગીરથ બ્રહ્મભટ્ટ પાસેથી શિવાનીકૃત લેખો ‘સ્મરણચિત્રો’ તથા પ્રફુલ્લ રાવલ પાસેથી ‘ભગતસિંહની પત્રસૃષ્ટિ’ નામે અનુવાદ મળે છે. વાસુદેવ મોહી સિંધી ગઝલોનો સીધો અનુવાદ ‘અંતરાલ’ (૨૦૦૬) આપે છે. નૂતન જાનીએ અંગ્રેજી અનુવાદ (Freedom and fissures) પરથી કરેલો અનુવાદ ‘સ્વતંત્રતા અને સીમાંકન’ (૨૦૧૦) ભાગલા સમયની સિંધી કવિતાઓનું સંકલન છે. દક્ષિણ ભારતની ભાષાઓમાંથી થતા અનુવાદ ઘણુંખરું હિન્દી કે અંગ્રેજી પરથી થતા આવ્યા છે. મૂળ ભાષાઓમાંથી કરેલા અનુવાદો માટે અનુવાદકો અભિનંદનીય છે. નવનીત મદ્રાસીએ મૂળ ભાષાઓમાંથી ૪૦થી ૪૫ ઉત્તમ કૃતિઓને ગુજરાતીમાં અનુદિત કરી છે. એમાં માસ્તિ વેંકટેશ અય્યંગારની જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કન્નડમાં લખાયેલી નવલકથા ‘આશા રહી અધૂરી’ (૧૯૮૫), તમિળ ‘ચિત્રપ્રિયા’ અને ‘સમુદાય વિધિ’ (૧૯૯૦), મલયાલમ ‘અતીતનાં જૂજવાં રૂપ’ (૧૯૮૭), તેલુગુ ‘ઘટનાચક્ર’ (૧૯૮૬) વગેરેનો સમાવેશ થાય છે. પ્રભાકર મંગળ વેઢેકરે શિવરામ કારન્થની કન્નડ નવલનો ‘ધરતી ખોળે પાછો વળે’ (૧૯૮૨) અનુવાદ પ્રકાશિત કર્યો છે. દસમા દાયકામાં થયેલા પાંચ કન્નડ નવલકથાઓના અનુવાદ સ્વાગત યોગ્ય છે — યુ. આર. અનંતમૂર્તિની ‘સંસ્કાર’ (હસમુખ દવે, ૧૯૯૧) મસ્તી વેંકટેશ આયંગરકૃત ‘સુબન્ના’ (નવનીત મદ્રાસી, ૧૯૯૧), એસ. એલ. ભૈરપ્પાકૃત ‘દાટુ’ (જયા મહેતા, ૧૯૯૨) અને ‘વંશવૃક્ષ’ (હરિપ્રસાદ વ્યાસ, (૧૯૯૫) શિવરામ કારંથકૃત ‘મૃત્યુ પછી’ (દેવેન મલકાણ, ૨૦૦૦) ૨૦૦૩માં બિપિન પટેલ થિપ્યેરુદ્રસ્વામીના ‘બસવેશ્વર’નો, રૂપાલી બર્ક ગિરીશ કર્નાડના નાટક ‘તલેદંડ’નો ‘શિરચ્છેદ’ નામે અનુવાદ આપે છે. મહેશ ચંપકલાલ કર્નાડના બીજા એક નાટકનો ‘અગ્નિ અને વરસાદ’ નામે તથા પ્રફુલ્લ રાવલ શ્રી કૃષ્ણ આલનહલ્લીની લઘુનવલ ‘કાડૂ’નો ‘જંગલ’ નામે અનુવાદ આપે છે. પ્રદીપ ખાંડવાળાનો મધ્યકાલીન કન્નડ કવિ વીર શૈવાનો વચનોનો અનુવાદ ‘આધ્યાત્મિક ક્રાંતિનાં ફૂલ’ (૨૦૦૬) નોંધપાત્ર બની રહે છે. મલયાલમ સાહિત્ય જોઈએ તો કમલ જસાપરાએ એસ. કે. પોટ્ટેકરની નવલકથા ‘વિષકન્યા’નો અનુવાદ ૧૯૮૯માં આપ્યો છે. એમણે (કમલ જસપરાએ) એમ. એમ. પિલ્લૈનું મલયાલમ નાટક ‘કમરપટ્ટો’ (૧૯૮૭)માં પ્રગટ કર્યું છે. વિજય પંડ્યા – સુકુમાર અશિક્ કોડના ઉપનિષદ વિષયક લેખોનો અનુવાદ (અંગ્રેજી પરથી) ‘તત્ત્વમસિ’ (૨૦૦૨) અને ભોળાભાઈ પટેલ પાસેથી અયપ્પા પણીકરની કવિતાઓનો અનુવાદ (વાયા હિન્દી) ‘ગોત્રયાન’ (૨૦૦૩) નામે મળે છે જે એમનું મહત્ત્વનું પ્રદાન ગણાય છે. ફાધર વર્ગીસ પોલ શ્રીધરન્ પેરુપંડવમ્ના ‘ઓરુ સંગીર્તનમ્ પોલે’, દોસ્તોયેવસ્કીના જીવન પર આધારિત નવલકથાનો ‘એક સ્તોત્રગાનની જેમ’ (૨૦૦૪) નામે સીધો અનુવાદ આપે છે જે પ્રસંશનીય છે. તમિળ ભાષામાંથી ગુજરાતીમાં થયેલા અનુવાદોમાં ‘પુદુમૈપિત્રનની વાર્તાઓ’ (ઉષા સટ્ટાવાલા, ૧૯૯૫) તથા નવનીત મદ્રાસીએ અનૂદિત કરેલી ત્રણ રચનાઓ — ના. પાર્થસારથિકૃત ‘પતંગિયાનો પથ પવન’ (૧૯૯૧) અને ‘સ્વપ્નસુરખી’ (૧૯૯૮) તથા રાજન કૃષ્ણમ્કૃત ‘ખારાં આંસુ’ (૧૯૯૯) પ્રસિદ્ધ થઈ છે. ૨૦૦૩માં એ. શ્રી નિવાસ રાઘવનના તમિળ સંતકવિ નામવલ્લરના વિરહ-મિલનના ખૂબ જાણીતા પદો યશોધર જોશી ‘નામવલ્લર’ નામે આપે છે. યહાનપુડી સુલોચના રાજાકૃત તેલુગુ નવલકથા નામે ‘આરાધના’ (૧૯૯૯)નો રેણુકા શાહે તથા વાર્તાસંગ્રહ ‘આધ્રના યુવકોનો માર્ગ’ (૨૦૦૦) — કિરીટ એમ. શાહે અનુવાદ આપ્યા છે. ઉપરાંત નવનીત મદ્રાસીએ જ્ઞાનપીઠ પુરસ્કૃત વિશ્વનાથ સત્યનારાયણકૃત નવકથાઓ ‘એક વીરા’ અને ‘આલાપવિલાપ’ના કરેલા અનુવાદો, રમણીક સોમેશ્વર પાસેથી — વાયા હિન્દી — પરંતુ તેના મૂળસોતાં માર્દવ સાથે એન. ગોપીની બે કૃતિઓ મળે છે. એક તો એમની દીર્ઘ કવિતા નામે ‘જળગીત’ (૨૦૦૬) અને બીજો કાવ્યસંગ્રહ ‘સમયને સૂવા નહીં દઉં’ (૨૦૧૦). પ્રતિભા દવે પાસેથી પુંડલિક નાયકની નવલકથા ‘ગુણાજી’ (૨૦૦૪) સીધી કોંકણીમાંથી મળે છે જે અભિનંદનીય છે દર્શના ધોળકિયા દામોદર માઉત્ઝોની અકાદેમી પુરસ્કૃત ‘કાર્મેલિન’નો પરિચય (૨૦૧૦) વાયા અંગ્રેજી કરાવે છે. લોકસાહિત્યમાં ડાહ્યાભાઈ વાઢુ ‘કુંકણા રામકથાઓ’ (૨૦૦૩)નો અનુવાદ આપે છે. કાલિદાસકૃત ‘મેઘદૂત’ના ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓમાં અનુવાદ અનુક્રમે સંપાદક ગૌતમ પટેલ, શ્રીનિવાસ રથ, કે. પી. જોગ અને વી. જે. ત્રિવેદીએ એક જ પુસ્તકમાં કર્યા છે. ‘ઋતુસંહાર’નો સમશ્લોકી તેમજ ગદ્યાનુવાદ શશિશિવમે, મકરંદ દવેએ ‘શિવમહિન્મ સ્તોત્ર’ (૧૯૯૬)નો તથા ‘મૃગયા’ (૧૯૯૫)માં હર્ષદેવ માધવે એમની સંસ્કૃત રચનાઓનો અનુવાદ કર્યો છે. ૨૦૧૦માં હર્ષદેવ માધવ એમના જ અકાદેમી પુરસ્કૃત ‘તવ સ્પર્શે સ્પર્શે’નો ‘તારા સ્પર્શે સ્પર્શે’ નામે અનુવાદ આપે છે. ભાયાણીસાહેબે સંસ્કૃત-પ્રાકૃત મુક્તક સંચય ‘મુક્તક-અંજલિ’ (૧૯૯૬) તથા પાદલિપ્તાચાર્ય કૃત પ્રાકૃત કથા તરંગલીલાનો અનુવાદ ‘તરંગવતી’ (૧૯૯૮)માં આપ્યો છે. વિજય પંડ્યાએ મહેન્દ્ર વિક્રમ વર્માનાં બે પ્રહસનો ‘પ્રહસનયુગ્મઃ મત્તવિલાસ અને ભગવજ્જુકીય’ (૧૯૯૩) પુસ્તકમાં મૂળ પાઠ સમેત અનૂદિત કર્યા છે. ૨૦૦૩માં વિજયશીલ ચંદ્રસૂરિજી ‘પ્રબુદ્ધ રૌહિણેયમ’નો ૨૦૦૫માં ઝરમર પંડ્યા ‘શુક સિત્તેરી’નો, ૨૦૦૪માં રાજેન્દ્ર શાહ બિલ્હણની વિખ્યાત સંસ્કૃત કાવ્યકૃતિનો સમશ્લોકી અનુવાદ તથા ૨૦૦૫માં માવજી સાવલા ‘સુભાષિત સરિતા’નો અનુવાદ આપે છે. હરીશ દ્વિવેદીનો ‘ઇન્ટીમેશન ઑફ શંકર’ (૨૦૧૦) નામે વિવિધ પદ-ઋચા-શ્લોકોનો ગુજરાતી-હિન્દી અનુવાદ મણિલાલ ન. દ્વિવેદીના ઉપનિષદનાં દર્શનને સર્વ સુલભ બનાવે છે. રૂપા ચાવડા હજારી પ્રસાદ દ્વિવેદીના ‘મેઘદૂતઃ જૂની વાર્તા, નવી વ્યાખ્યા’ (૨૦૦૭) એ નામે જયંત પંડ્યાએ કરેલા મેઘદૂતના સમશ્લોકી અનુવાદ સાથે આપે છે. વડોદરાના અંગ્રેજી વિભાગના ગણેશ દેવી, સુરેશ જોષી, શિરીષ પંચાલ વગેરેએ ‘સેતુ’ નામનું એક માસિક શરૂ કરેલું, જેનો એક અંક અંગ્રેજીમાં અને એક અંક ગુજરાતીમાં એમ પ્રગટ થતો. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં થતાં અનુવાદોએ નવમા દાયકા પછી તો જાણે સિંહફાળ ભરી હોય તેવું લાગે છે. સુરેશ જોષીના સંપાદન નીચેના ‘ક્ષિતિજ’માં વિદેશી ભાષાઓની વાર્તાઓના અનુવાદ પ્રગટ થતા રહેતા તે અનુવાદોને નવમા દાયકામાં ‘વિદેશિની’ નામે ત્રણ ભાગમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આ ગ્રંથાવલિમાં ત્રીજો ખંડ માત્ર જાપાની ટૂંકી વાર્તાઓનો છે. ઘણા બધા અનુવાદકો છે. સુમન શાહે દોસ્તોયેવ્સ્કીની લઘુનવલક ‘ધ મીક’નો ‘વિનીતા’એ શીર્ષકથી ચેખવના નાટક ‘થ્રી સિસ્ટર્સ’નો અનુવાદ એ જ શીર્ષકથી ૧૯૬૫માં સેમ્યુઅલ બૅકેટકૃત ‘વેઇટિંગ ફોર ગોદો’નો ‘ગોદોની રાહમાં’ (૧૯૯૧) એ નામથી આવકાર્ય અનુવાદો પ્રગટ કર્યો છે. અમેરિકન કવિ વૉલ્ટ વ્હિટમેનના ‘લીવ્હઝ ઑફ ગ્રાસ’નો રાજેન્દ્ર શાહે ‘તૃણપર્ણ’ (૧૯૯૧) નામે સંસ્કૃતપ્રચુર ગુજરાતીમાં કરેલો અનુવાદ મળે છે. આ જ વર્ષમાં નીતા રામૈયાએ કેનેડિયન કવયિત્રી માર્ગારેટ ઍટવુડની કવિતાઓનો અનુવાદ કર્યો છે. એડ્યુઆર્ડાસ મિઝેલાઈટીસની ૩૩ કવિતાઓનો અનુવાદ હસમુખ મઢીવાલાએ ‘હૃદયરેખ’ (૧૯૯૪) નામથી કર્યો છે. ‘કવિલોક’નો અંક (નવે. ૧૯૯૬)માં રાજેન્દ્ર શાહે કીટ્સના પાંચ ઊર્મિકાવ્યોના તથા ‘પરબ’ના (ઑગસ્ટ, ૧૯૯૭) અંકમાં કીર્ટના સાત સૉનેટનો છાંદસ અનુવાદ ચન્દ્રકાન્ત ટોપીવાળાએ આપ્યો છે. તેમની પાસેથી અમેરિકન કવિ એડગર ઍલન પોના ‘ધ રૅવન’ (૧૯૯૯)નો અનુવાદ મળે છે. દેશવિદેશના જુદા જુદા કવિઓની રચનાઓના અનુવાદોમાં બે સંચયો — વિષ્ણુ પંડ્યાએ કરેલા ‘આવશે દિવસો કવિતાના’ (૧૯૯૧)માં ૨૧ દેશોના ૩૩ કવિઓની ૩૭ કવિતાઓ તથા ‘વિભાષિણી’ (૧૯૯૬) સંચયમાં અજિત ઠાકોર આપણે ત્યાં ઓછા જાણીતા હોય તેવા વીસમી સદીના ૧૦ યુરોપિયન કવિઓની ૭૦ કૃતિઓના અનુવાદ આપ્યા છે. મોહમ્મદ રૂપાણીએ સાત સૈકાના ૨૦૦ જેટલા અંગ્રેજી કવિઓની ૬૦૦ જેટલી કવિતાોનો અનુવાદ કર્યો છે, જે ‘આંગ્લકાવ્ય દર્પણ’ નામે બે ખંડોમાં પ્રસિદ્ધ થયા છે (૧૯૯૨-૨૦૦૦) ઉત્પલ ભાયાણીના અનુવાદસંગ્રહ ‘સહયોગ’ (૧૯૯૯)માં વિશ્વની જુદી જુદી ભાષાઓની કુલ ૫૦ કવિતાઓના અનુવાદ છે. ૨૦૦૦માં હરિવલ્લભ ભાયાણીએ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત સ્વીસ કવિ અને કલાવિદ્ જૉર્જેટ બૉર્નરે લખેલાં મુક્તકોના ‘મહિયારાનાં મુક્તકો’ નામે સંચય આપ્યો છે. દસમા દાયકા દરમિયાન નાટ્યસાહિત્યમાં ઘણા બધાં પ્રસંશનીય ઉમેરણો થયા છેઃ પીટર બ્રૂકનું ‘મહાભારત’ (ઉત્પલ ભાયાણી, ૧૯૯૧) શેક્સપિયરનું ‘ધ ટેમ્પેસ્ટ’ (નલીન રાવળ, ૧૯૯૨), સોફોક્લીઝની નાટ્યત્રયી ‘ઇલેક્ટ્રા-ફિલોકટેટ્સ ઇડિપસ’ (સુભાષ શાહ, ૧૯૯૩) બર્તોલ્ત બ્રેખ્તનાં ‘ગુડ વુમન ઑફ સેત્જુઆં’ (સગપણ એક ઉખાણુંઃ રમેશ પારેખ, ૧૯૯૨) અને ‘કોકેશિયન ચૉક ઉખાણુંઃ રમેશ પારેખ, ૧૯૯૨) અને ‘કોકેશિયન ચૉક સર્કલ’ (પરખ, સુભાષ શાહ, ૨૦૦૦), જ્યાં જેનેનું ‘દ્ મેઇડ્સ’ (અંતરાલ, હસમુખ બારાડી, ૧૯૯૩), મૌલિયેરકૃત ‘ઇમેજિનરી પેશન્ટ’ (પરણું તો એને જ પરણું; બકુલ ત્રિપાઠી, ૧૯૯૪), યુજિન આયોનેસ્કોનું ‘ચેર્સ’ (ખુરશીઓ, દિગીશ મહેતા ૨૦૦૦). હસમુખ બારાડીએ ચૅખોવનાં ત્રણ પ્રહસનો સીધાં રશિયનમાંથી અનુવાદ કર્યા છે. (૧૯૯૮). ટૂંકી વાર્તામાં નોંધપાત્ર અનુવાદો પૈકી ‘અનન્યા’ (શરીફા વીજળીવાળા, ૨૦૦૦)માં વિદેશી ૧૫ વાર્તાઓનો અનુવાદ છે ‘યાયાવર’ ભા. ૧-૨ (શિરીષ પંચાલ, ૧૯૯૭)માં અમેરિકન-યુરોપિયન વાર્તાઓ છે. ૨૦૧૦માં દેશ-વિદેશની અનૂદિત કરેલી વાર્તાઓના બે સંગ્રહ મળે છેઃ ‘નદીનો ત્રીજો કાંઠો’ — રાજેન્દ્ર પટેલ તથા દક્ષા પટેલ પાસેથી મળે છે. ૧૯ વિજ્ઞાન કથાઓના સંગ્રહમાં ‘ઇટ હૅપન્ડ ટુમોરો’નો ‘વીતી ગયેલું ભાવિ’ (યજ્ઞેશ દવે, ૧૯૯૯) તથા ‘આધુનિક એશિયાઈ વાર્તાઓ’ (વાસંતી મજમુદાર), મોહનલાલ પટેલ અને અરવિંદ પાઠકે આપેલા મોપાસાંના બે વાર્તાસંગ્રહો, અશોક હર્ષે આપેલો ફ્રેંચ ટૂંકી વાર્તાઓનો, રમણલાલ સોનીએ આપેલી શેરલોક હોમ્સ, ઓસ્કાર વાઈલ્ડની વાર્તાઓ તથા વિશ્વની લોકકથાઓ, મોહન દાંડીકરનો સંચય ‘વિશ્વવાર્તા સૌરભ’ (૧૯૯૮)ની નોંધ લેવી જોઈએ. અલગ અલગ પ્રકાશનો દ્વારા વિશ્વસાહિત્યની ૨૫ જેટલી નવલકથાઓના અનુવાદ જુદી જુદી શ્રેણીઓ હેઠળ પ્રસિદ્ધ થયા છે. તેમાંથી કેટલાક સુવાચ્ય અનુવાદોઃ ‘અસૂયા’ (લે. જ્યોર્જ સિમેનોણ, અનુ. બિપિન પટેલ), ‘ક્વો વાડીસ’ (હેન્રિક સેયેન્કલેવિચ, ફાધર જે. કે. ડાભી), ‘લાડલી’ (ટોની મૉરિસન, બળવંત નાયક), ‘ભીંત’ (એસ્થર ડેવિડ, રેણુકા શેઠ) અને ‘અડધી રાતે આઝાદી’ (કૉલીન્સ અને લૅપિયેર, અશ્વિની ભટ્ટ (૧૯૯૩). વળી નવલકથાના વ્યક્તિગત રીતે કરેલા અનુવાદો પણ ધ્યાનાર્હ છેઃ સ્ટેફન ત્સ્વાઈત્કૃત ‘વિરાટ’ (મંજુ ડગલી, ૧૯૯૧) લૂઈ કેરોલકૃત ‘એલિસ ઈનદ વન્ડરલેન્ડ’ (એલિસ અજાયબ નગરીમાં, તરુ કજારિયા (૧૯૯૧), પારલેગરક્વિસ્ટની ‘હોલીલેન્ડ’ (પવિત્રભૂમિ, તરુ કજારિયા, ૧૯૯૧) તે જ લેખકની ‘બારબાસ’ (હોરમઝદિયાર દલાલ, ૧૯૯૬), હેમિંગ્વેની ‘દ્ ઓલ્ડ મૅન એન્ડ દ સી’ (જયા મહેતા, ૧૯૯૩), શશી દેશપાંડેની ‘ધૅટ લોંગ સાઈલન્સ’ (ખામોશી, અનિલા દલાલ, ૧૯૯૮), અમિતાવ ઘોષની ‘શેડો લાઈન્સ’ (છાયા રેખાઓ, શાલિની ટોપીવાળા, ૧૯૯૮), ઍલન પેટનની ‘ક્રાય દ બિલવ્હ્ડ કન્ટ્રી’ (વહાલો મારો દેશ, જયંત પંડ્યા ૧૯૯૮), જુલે વર્નની ‘બ્લેક ડાયમન્ડ્રસ’ (કાળા સૂરજના રહેવાસી, હરીશ નાયક, ૨૦૦૦). પ્રાણીકથાઓમાં નાનુભાઈ સૂરતીએ ૧૯૯૨માં શીલા બાર્નફોર્ડકૃત ‘ઇનક્રેડિબલ જર્ની’નો ‘અજય યાત્રા’ તથા અન્ના સેવેલકૃત ‘બ્લૅક બ્યુટિ’નો ‘તેજીલો તોખાર’ નામે અનુવાદ કર્યો છે. દસમા દાયકાની સર્વોત્તમ અનૂદિત રચના ઇરવિંગ સ્ટોને લખેલી ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગૉગની જીવનકથા ‘લસ્ટ ફોર લાઈફ’નો વિનોદ મેઘાણીએ કરેલો અનુવાદ ‘સળગતાં સૂરજમુખી’ (૧૯૯૪). ગદ્યવિભાગમાં સિમોન દ્ બુવાકૃત ‘એ વેરી ઈઝી ડેથ’ના બે અનુવાદ ‘મૃત્યુ સાવ સહજ’ (શાલિની ભટ્ટ, ૧૯૯૯), ‘એક મૃત્યુ ઘણું સરળ’ (નલિન પંડ્યા, ૨૦૦૦) અને ‘એટ્ટીની રોજનીશીઃ આસ્થાની આંતરખોજ’ (માવજી કે. સાવલા, ૧૯૯૬) મળે છે. વર્જિનિયા વુલ્ફકૃત ‘અ રૂમ ઑફ વન્સ ઓન’નો ‘પોતાનો ઓરડો’ નામે (૧૯૯૯) અનુવાદ રજના હરીશે કર્યો છે. ચરિત્રસાહિત્યમાં રાજમોહન ગાંધીકૃત ‘સરદાર પટેલ’ (નગીનદાસ સંઘવી), ખોર્શેદ શેઠનાકૃત ‘માદામ કામા’, ‘હિરણ્યમય બેનર્જીકૃત ‘રવીન્દ્રનાથ ટાગોર’ (સરલા જગમોહન), સતીશ વૉડેયારકૃત ‘રાણી ચેન્નામા’ (વર્ષા દાસ), સુરેશ રામકૃત ‘શ્રીનિવાસ રામાનુજ’ (રસિક શાહ)ના અનુવાદો નોંધપાત્ર છે. આ ઉપરાંત આચાર્ય કૃપલાની, મોહમ્મદ યુનુસ અને દલાઈ લામાની આત્મકથાઓના અનુવાદ અનુક્રમે નગીનદાસ પારેખ, હેમંત શાહ અને યોગેશ દેસાઈએ કર્યા છે. વિવેચનમાં શેલીકૃત ‘ડિફેન્સ ઑફ પોએટ્રી’, (દિગીશ મહેતા, ૨૦૦૦) અને કૃષ્ણરાયનકૃત ‘સાહિત્યઃ અ થીયરી’ (શાલિની ટોપીવાળા, (૧૯૯૫), ચિંતનાત્મક નિબંધોમાં રસ્કીનકૃત ‘અન ટુ ધીસ લાસ્ટ’ (ચિત્રરંજન વોરા, ૧૯૯૫) અને વી. એમ તારુકુંડેકૃત ‘રૅડિકલ હ્યુમનિઝમ (દિનેશ શુક્લ, ૧૯૯૯), ઐતિહાસિક અને રાજકીય વિષયો પરનાં પુસ્તકોમાં ‘ફ્રીડમ ઍટ મિડનાઈટ’ (અડધી રાતે આઝાદી, અશ્વિની ભટ્ટ, ૧૯૯૭) જગમોહનકૃત ‘ફ્રોઝન ટબ્ર્યુલન્સ’ (થીજેલા વમળ, દિગંત ઓઝા, ૧૯૯૨) તથા અરુંધતી રૉયકૃત ‘ધ ગ્રેટર કૉમન ગુડ’ (મૃગજળ, અશ્વિની ભટ્ટ, ૧૯૯૮) એ પુસ્તકોના અનુવાદ ધ્યાન ખેંચે છે. ૨૦૦૩માં ‘જાપાનીઝ હાઈકુ’ — યજ્ઞેશ દવે સંકલન, અનુવાદ અને આસ્વાદ રૂપે આપે છે. ૨૦૦૬માં પ્રદીપ ખાંડવાળા પાસેથી ‘રિલ્કેનાં કાવ્યો’નો ‘વેદનાના શિખરો’ અને ૨૦૦૯માં બાબુ સુથાર પાસેથી આલાં બોસ્કાના દીર્ઘ કાવ્યો ‘ગોર્ડસ્ ટોરમેન્ટ’નો ‘ઈશ્વરનો સંવાદ’ નામે અનુવાદ મળે છે. ચંદ્રકાન્ત દેસાઈ તરફથી રાઈનર મારિયા રિલ્કેનાં કાવ્યો સીધા જ જર્મની ભાષામાંથી મળે છે જે અભિનંદનીય છે. જયંત મેઘાણી પાસેથી ટાગોરના લઘુ મુક્તકોમાંથી ચૂંટેલા ૩૦૦ જેટલાં અંગ્રેજી મુક્તકોનો અનુવાદ ‘તણખલાં’ (૨૦૦૮) અને અંગ્રેજી-બંગાળી કબિતિકાઓનો ‘સપ્તપર્ણી’ (૨૦૧૮) નામે નવ્ય, રમ્ય અને ગમ્ય અનુવાદ મળે છે. હરીશ મીનાશ્રુનો ‘દેશાટન’ (વિશ્વકવિતાના અનુવાદ-૨૦૧૧) વિવિધ દેશોમાં રચાતી કવિતાઓના સ્વરૂપ, સંવેદના, રીતિઓ માણવા માટેનો અનુવાદક્ષેત્રમાં મોખરાનું પ્રદાન કહી શકાય તેવો કાવ્યસંગ્રહ છે. નવલકથામાં અનિલા દલાલ અનીતા દેસાઈકૃત ‘ફાયર ઑફ માઉન્ટેન’નો ‘ડુંગરિયે દવ લાગ્યો’ (૨૦૦૧) નામે, દિનેશ દલાલ પારલાજર ‘ક્વિસ્ટની ‘બરેબસ’ (૨૦૦૨), અને અવિનાશ ભટ્ટ પાઉલો કોએલ્હોની ‘કીમિયાગર’, મેઘલતા મહેતા હેન્રિક ઇબ્સનની ‘હેડાગાલ્બર’ (૨૦૦૫), ભારતી મોદી જે. બિરજે પાટીલની ‘ચિનરીની હૉટેલ’ (૨૦૦૮) નામે અનુવાદો આપે છે. માવજી સાવલા પાસેથી હરમાન હેસની ‘સિદ્ધાર્થ’નો તેમજ આનાતોલા ફ્રાંસની લઘુનવલ ‘પતિતપાવના થાઈ’નો સારાનુવાદ મળે છે. રેમન્ડ પરમાર માર્ક ટ્વેઈનની કૃતિ ‘ટૉમ સૉયરનાં પરાક્રમો’નો બૃહદ્ સંક્ષિપ્ત અનુવાદ ‘એક નટખટ છોકરાના પરાક્રમો’ નામે તેમજ વીનેશ અંતાણી પાસેથી ઍરીક સીગલની ‘લવ સ્ટોરી’ (૨૦૧૦) એ જ નામે મળે છે. ૨૦૧૧માં નયનતારા સહગલકૃત સિન્કેવેર ઍવોર્ડથી પુરસ્કૃત ‘રિચ લાઈક અસ’નો ‘અમે શ્રીમંતો’ નામથી રૂપા શેઠ દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ મળે છે. શૈલજા કાલેલકર પરીખ દ્વારા લિખિત અને સુધા મહેતા દ્વારા અનુદિત બે પુસ્તકો ‘તો ય વહે મારી નદીનાં નીર’ (એન્ડ સ્ટીલ માય રીવલ રૂલોઝ) અને ‘એક ભારતીય પરિવારની રોમાંચક સફર — રજવાડી ભારતથી જગત આંગણે’ એન ઇન્ડિયન ફૅમિલી ઑન ધ મૂવઃ ફ્રોમ પ્રિન્સલી ઇન્ડિયા ટુ ગ્લોબલ શોરસ્) ૨૦૧૧માં પ્રકાશિત થાય છે. દાયકાની શરૂઆતમાં વાર્તાઓમાં રૂપા શેઠ પાસેથી રસ્કિન બૉન્ડની ‘અવર ટ્રીઝ સ્ટીલ ગ્રો ઈન દેહરા’નો ‘હજુ અમારાં વૃક્ષો દેહરામાં ઊગે છે’ (૨૦૦૧) નામે મળે છે. શરીફા વીજળીવાળા જુદા જુદા વિદેશી લેખકોની વાર્તાઓના અનુવાદ ‘અનુસંગ’ (૨૦૦૧), જિતેન્દ્ર દેસાઈ ‘મોપાંસાની વાર્તાસૃષ્ટિ’ (૨૦૦૫), નીતા રામૈયા ‘એક અજાણ્યો મારી નાવમાં’, મીના શાહ ‘કનેરી અને બીજી વાતો’ તથા અનુપમ ભટ્ટ ‘આન્તોન ચૅખવનો વાર્તાવૈભવ’ (૨૦૧૦) નામે ગુજરાતીમાં અનુદિત થઈ છે. બાળવાર્તાઓમાં યશવંત મહેતા પાસેથી જુલે વર્નની ‘દુનિયાની સફર’ નામે તેમ જ આર. એસ. સ્ટીવન્સની ‘વારસદાર’ (૨૦૦૪) મળે છે. જાપાની લેખિકા તેત્સુકો કોરોયાનગીની અપ્રતિમ સ્મરણકથા ‘તોત્તોચાન’ (૨૦૦૧)નો એક નમૂનેદાર અનુવાદ રમણ સોની પાસેથી મળે છે. ચરિત્રોમાં લાભશંકર પુરોહિત — ધીરુભાઈ ઠાકરના ‘મણિલાલ ન. દ્વિવેદી’નો એક સુવાંગસુંદર અનુવાદ આપે છે. હિમાંશી શેલત મહેન્દ્ર દેસાઈના ભૂપેન ખખ્ખર વિશેના ‘નોખા મિજાજનો અનોખો ચિત્રકાર’ (૨૦૦૪), હિંમત ઝવેરી મધુ દંડવતેના ‘યુસુફ મહેરઅલી’ (૨૦૦૫), હરેશ ધોળકિયા કિરણ બેદીનું જીવનચરિત્ર ‘એ હંમેશા શક્ય છે’ (૨૦૦૯), પ્રફુલ્લ દવે કેથરાઈન ઇન્ગ્રામના ‘ઇન ધ ફૂટસ્ટેપ્સ ઑફ ગાંધી’નો ‘ગાંધીની કૂંપળ’ નામે કેશુભાઈ દેસાઈ કિરણ બેદીની આત્મકથા ‘પડકાર’ (૨૦૦૧), હરેશ ધોળકિયા ડૉ. અબ્દુલ કલામ આઝાદની આત્મકથા ‘વિંગ્સ ઑફ ફાયર’નો ‘અગનપંખ’ (૨૦૦૨) નામે, બેલા ઠાકર અને રવીન્દ્ર ઠાકોર (૨૦૦૪) ‘ચાર્લી ચેપ્લીનની આત્મકથા’ (૨૦૦૪), સુધા મહેતા વર્ગિસ કુરિયનની ‘મારું સ્વપ્ન’ એવા અનુવાદો આપે છે. બેલાઠાકર રંજના હરીશની ‘ભારતીય નારીની આત્મકથાઓ’ (૨૦૦૪)માં અને એનો જ પર્યવસાન ‘ભારતીય નારીઓનાં પદચિહ્ન’ (૨૦૧૧) નામે અનુવાદ બેલા ઠાકર પાસેથી જ મળે છે. નૉબેલ પુરસ્કાર વિજેતા, ચિલીના કવિ પાબ્લો નેરુદાનાં સ્મરણો — ‘મેમરીઝ’ મૂળ સ્પેનીશ ભાષામાં લખાયેલ આ પડકારરૂપ પુસ્તકને ધીરુભાઈ ઠાકરે અંગ્રેજી પરથી માત્ર ચાર મહિનામાં ‘સત્યની મુખોમુખ’ (૨૦૧૦) નામથી ગુજરાતીમાં અવતાર્યું છે. એક ચિત્રકારની સહજતાથી કરેલો અનુવાદ એમ. એફ. હુસેનની આત્મકથા ‘દાદાનો ડંગોરો લીધો’ એ નામે જગદીપ સ્માર્ત ૨૦૦૪માં આપે છે. સૈયદ હૈદર રઝાની આત્મકથા નામે ‘આત્માની ધધખ’નો અનુવાદ જનક ત્રિવેદીએ કર્યો છે. શ્રી એમ ‘એક યોગીની આત્મકથાઃ હિમાલયના મહાયોગીના શરણે ભા. ૧’ (૨૦૧૩) તથા એનું જ અનુસંધાન ‘યાત્રા નિરંતર...’ ભા. ૨ (૨૦૧૮) નામે અનુવાદ રેખા ઉદયન શાહ આપે છે. વળી રેખા ઉદયન પાસેથી ચિંતનાત્મક સાહિત્યમાં ‘હિન્દુ કેલેન્ડરનાં સાત રહસ્યો’ (૨૦૧૪) તથા ‘શિવનાં સાત રહસ્યો’ નામે (૨૦૧૬) દેવદત્ત પટનાયકે લખેલા પુસ્તકોનો અનુવાદ મળે છે. માવજી સાવલા પાસેથી ધ્યાન ખેંચે તેવો ખલીલ જિબ્રાનના ‘વિદાયવાણી’નો અનુવાદ મળે છે. રવીન્દ્ર ઠાકોર પાસેથી જ્યાં પોલ સાર્ત્રની ફ્રેંચ કૃતિ ‘વર્ડ્ઝ’નો ‘શબ્દો’ નામે ભાવાનુવાદ તથા યશોમતી પટેલ પાસેથી શશી થરૂરના ‘ભારત મધ્યરાત્રિએ’નો (૨૦૧૦) ઐતિહાસિક અનુવાદ મળે છે. નાટકોમાં સુભાષ શાહ પાસેથી સોફોક્લીસનું ‘એન્ટિગોની’, આલ્બેર કામૂના ‘ધ જસ્ટ’નું ‘ન્યાયપ્રિય’ નામે (૨૦૦૩) અને માઈકલ ગેલ્દીરોદના ‘પેન્ટાક્લીસ’ના ‘અંગીરસ’ (૨૦૦૪), નીતા રામૈયા શેક્સપિયરનાં નાટકોનાં ચૂંટેલા સંવાદો ‘શેક્સપિયરનાં’ બોલતાં પાત્રો (૨૦૦૨). જનક દવે જેમ્સ રુઝ ઇવાન્સના ‘પ્રયોગશીલ નાટ્યદર્શન’ (૨૦૦૩), માવજી સાવલાનું હરમાન હેસની નવલકથા ‘સિદ્ધાર્થ’ (૨૦૦૬)નું નાટ્યરૂપાંતર તથા ભગવત સુથાર પાસેથી દીર્ઘ નાટક — ‘એન્ટિગોની’નો ‘મારી છબીઃ અનુવાદ રસ’ (૨૦૦૬) — એવા અનુવાદો મળે છે. શાલિની ટોપીવાળા પાસેથી અભ્યાસમૂલક વિવેચનના બે ગ્રંથો મળે છે. એક તો આર્થર એસ. બઝારનો ‘સાંસ્કૃતિક વિવેચનકોશ’ (૨૦૦૩) અને બીજો સાહિત્યજગતમાં ખાસ્સો ઉહાપોહ મચાવનાર જે. ઈ. સંજાણાનો ‘ગુજરાતી સાહિત્યનું અનુશીલન’ (૨૦૧૦). ત્રિદીપ સુહૃદ ગણેશદેવીની સાહિત્ય-સમીક્ષા ‘સ્મૃતિભંશને પગલે’ (૨૦૦૪) નામે અનુદિત કરીને આપે છે. ગુજરાતી અનુવાદસાહિત્યમાં ગાંધીકેન્દ્રિત અનુવાદપ્રવૃત્તિ ઉલ્લેખનીય છે. ૧૯૯૩-૯૯ના ગાળામાં ગાંધીજીની આત્મકથાનો આઠ ભાષાઓમાં અનુવાદ થયો છે. આ ભાષાઓ છેઃ અસમિયા, ઓડિયા, ઉર્દૂ, કન્નડ, તમિળ, તેલુગુ, બંગાળી અને મલયાલમ. ગાંધીજી સાથે સંકળાયેલા સાહિત્યકારો પૈકી કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવ દેસાઈ, નરહરિ પરીખ, સ્વામી આનંદ, મુનિ જિનવિજયજી, રા. વિ. પાઠક, ચંદ્રશંકર શુક્લ, ર. છો. પરીખ, જુગતરામ દવે વગેરેએ જે અનુવાદકાર્ય કર્યું છે તે નોંધપાત્ર છે. ગુજરાતી અનુવાદ સાહિત્યનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે મોટા ગજાના સમર્થ સાહિત્યકારોએ વત્તાઓછા પ્રમાણમાં અનુવાદકાર્ય કર્યું છે. આ અનુવાદકોના અનુવાદોમાં અનુસર્જકતા, ઊંડી સંવેદનશીલતા, તથા ભાવબળની હૃદ્ય પ્રતીતિ થાય છે. મેઘાણીએ કરેલા ‘રવીન્દ્રવીણા’ના અનુવાદો માટે ઉમાશંકરે ઢાકાની મલમલને સોરઠી લોબડીનું નવૂં રૂપ મળ્યું છે એવું વિધાન કરેલું. નિરંજન ભગત, સુરેશ જોષી, સિતાંશુ યશશ્ચંદ્ર અને ચન્દ્રકાન્ત ટોપીવાળા પણ જેમને શબ્દાર્થ સંસિદ્ધ છે એવા સજગ અનુવાદકો છે. પ્ર.બ્ર., રૂ.શે.