zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતીમાં અનુસ્વાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતીમાં અનુસ્વાર: અનુસ્વાર એ ગુજરાતી ભાષાની મહત્ત્વની ઓળખ છે. એટલે લેખનમાં અનુસ્વાર(ની બિંદી) ક્યાં મુકાય ને ક્યાં ન મુકાય એની ઘણી ચોકસાઈ રાખવાની હોય છે. ના નિયમો ક્રમવાર જોઈએ:

૧. અનુસ્વારનું સ્થાન નક્કી કરવામાં શબ્દોનાં લિંગ અને વચન નિર્ણાયક બને છે – પુંલ્લિંગ એકવચન અને બહુવચન બંનેમાં અનુસ્વાર નહીં આવે; સ્ત્રીલિંગ એકવચનમાં અનુસ્વાર નહીં આવે, પણ બહુવચનમાં આવશે; નપુંસકલિંગ એકવચન અને બહુવચન બંનેમાં અનુસ્વાર આવશે. વળી, જે વાક્યમાંના શબ્દો જુદાંજુદાં લિંગ બતાવતા હોય તે વાક્ય મિશ્ર લિંગવાળું વાક્ય કહેવાય. એમાં અનુસ્વાર મૂકવું. જેમકે, પરેશ અને પારમિતા ચાલ્યાં. (પરેશ પું.; પારમિતા સ્ત્રી.); સિંહ અને સસલું કૂવાકાંઠે ગયાં. (પું.+નપું.); છરી અને ચપ્પું ટેબલ પર મૂક્યાં. (સ્ત્રી+નપું.)

ગુજરાતી ભાષામાં એક વ્યક્તિ માટે પણ, આદર બતાવવા માટે બ. વ. વપરાય છે એને ‘માનાર્થે બહુવચન’ કહે છે. ઉદા. દાદાજી બોલ્યા. (સ્ત્રી.બ.વ.; એટલે અનુસ્વાર છે.)

૨. લિંગ-વચનવાળો નિયમ નામ(=સંજ્ઞા) ઉપરાંત સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ, કૃદંત, ક્રિયાપદ – એમ બધાં પદોને લાગશે. ઉદા. જો, પેલા મોટા ઘોડા દોડતાદોડતા આવે છે.

(પેલા – સર્વનામ, મોટા – વિશેષણ, ઘોડા – સંજ્ઞા, દોડતાદોડતા – ક્રિયાવિશેષણ/કૃદંત, આવે છે – ક્રિયાપદ)

(અહીં પું.બ.વ. હોવાથી કોઈ પણ શબ્દને અનુસ્વાદ નહીં લાગે)

પરંતુ, (ક). મારું નાનું ગલૂડિયું રડતુંરડતું ભાગ્યું. (ખ). મારાં નાનાં ગલૂડિયાં રડતાંરડતાં ભાગ્યાં. (અહીં (ક) નપુ.એ.વ. અને (ખ) નપું.બ.વ. હોવાથી બધા શબ્દોને અનુસ્વાર લાગે છે.)

ખાસ નોંધ – જો નામને વિભક્તિનો પ્રત્યય લાગતો હશે તો – (ક) નપું.એ.વ.માં સર્વનામ, વિશેષણ, નામને અનુસ્વાર નહીં લાગે. ઉદા. મારા નાના ગલૂડિયાથી દોડાયું નહીં. (-થી વિભક્તિ-પ્રત્યય); (ખ) જો કે નપું.બ.વ.માં બધે જ અનુસ્વાર લાગશે: મારાં નાનાં ગલૂડિયાંથી દોડાયું નહીં. (ગલૂિડયાથી, ગલૂડિયાએ, ગલૂડિયાને – એમાં -થી, -એ, -ને વિભક્તિના પ્રત્યયો કહેવાય છે.)

૩. -નું, -નાં, -માં – એ વિભક્તિપ્રત્યયો અનુસ્વાર સાથે જ લખાય એ ખાસ ધ્યાનમાં રાખવુંઃ

ઘરનું ઘર; ઘરનાં બારણાં; ઘરમાં ત્રણ ઓરડા

૪. ગુજરાતીમાં મૂળ સાદું ક્રિયાપદ હંમેશાં અનુસ્વાર જ લખાય છે.

જવું, બેસવું, સૂવું, ઊઠવું, ચાલવું, હસવું, લેવું, મૂકવું, આપવું, કૂદવું, ઊછળવું, કરવું, કરાવવું, કરાવડાવવું, વગેરે.

એના કાળ બતાવનારા(=કાળવાચક) રૂપોમાં તથા નપુંસકલિંગ કૃદંત-રૂપોમાં પણ અનુસ્વાર મૂકાશે.

(કાળવાચક) કરવું છે; કરવું હતું; કરવું હશે તો કરીશ; કરવાં છે; કરવાં હતાં; કરવાં હશે તો કરીશ.

(કૃદંત) બોલતું હતું, બોલતાં હશે, ગાતાંગાતાં હસશો?, એ કહેતાં રહ્યાં, અમે સાંભળતાં રહ્યાં.

૫. સર્વનામો અને એનાં રૂપો અનુસ્વાર સાથે આવશે. : હું, તું, મેં, તેં; મારું, તારું, અમારું, આપણું, આપણાં; તેનું, તેમનું, મારામાં, તારામાં, એવામાં; શું, શેં, શાનું, શામાં, શેમાં; કંઈ, કેવું, કોનું, કોનામાં; કોઈનું, વગેરે.

૬. અનુસ્વાર વાક્યકક્ષાએ જ વધારે સ્પષ્ટ થાય છે.

[ખાસઃ ઉદાહરણોનાં વાક્યો ચોકસાઈથી જોવાં. નીચે રેખા કરેલા શબ્દો અનુસ્વાર ક્યાં મુકાય, ને ક્યાં ન મુકાય તે બતાવે છે. વાક્ય પછી ક્રૌંસમાં નિયમ બતાવ્યો છે.]

તમારા આચાર્ય અમને પણ ખૂબ ગમતા હતા. (માનાર્થે પુ.બ.વ.)

તમારાં આચાર્યા અમારી સોસાયટીમાં રહેતાં હતાં. (માનાર્થે સ્ત્રી બ.વ.)

પરેશકાકા, મનો અને મનોજ્ઞા એક જ કારમાં

બેસવાનાં હતાં? (મિશ્ર લિંગ બ.વ.)

વડોદરાનું છાપું સારું કે મુંબઈનું છાપું સારું?

(નપું. એ.વ.)

ચૂંટણીટાણે આપેલાં વચનો કેટલાંક સાચાં હોય,

ઘણાંક કાચાં હોય. (નપું.બ.વ.)

અમુક નેતા-ભાઈઓ વચને શૂરા, બાકીના ભાષણે પૂરા.

(પું.બ.વ.)

તારું-મારું સહિયારું, ને મારું મારું પોતાનું! (સર્વનામ)

વિરોધપક્ષોમાં સૌનું કામ તે કોઈનું નહીં.

(કામ નપું.એ.વ.)

શું ખાવું, કેમ બોલવું, ક્યાં બેસવું – એ પહેલાંથી

વિચારી લેવું. (ક્રિયારૂપ – મૂળ પરથી)

બૅંકોમાં કોનાં કેટલાં નાણાં છે –

એ મૅનેજરભાઈઓ કદી કહેતા હોતા નથી

(નપું.બ.વ. – પું.બ.વ.)

અકસ્માતમાં કોઈના હાથ કરાયા, તો કોઈનાં

હાડકાં ભાંગ્યા. (પુ.બ.વ., નપું.બ.વ.)

મળતાં મળી ગૈ મોંઘેરી ગુજરાત (કૃદંત)

રમતાંરમતાં લડી પડે, ભૈ માણસ છે

(કૃદંત/દ્વિરુક્ત)

દીપક ન્હાતાં-ન્હાતાં ગાય છે કે ગાતાંગાતાં

ન્હાય છે? (કૃદંત/દ્વિરુક્ત)

દીપક ન્હાતાં-ન્હાતાં ગાય છે કે ગાતાંગાતાં

ન્હાય છે? (કૃદંત/દ્વિરુક્ત)

હવે વાક્યોમાં અનુસ્વાર કેવી રીતે નક્કી કરવાં એની ચર્ચા દૃષ્ટાંતોને તપાસીને કરીએ —

૧. અકસ્માત થયો એમાં કોઈના હાથ કપાયા તો કોઈનાં શરીર છુંદાયાં.

અહીં હાથ શબ્દ પુંલ્લિંગ હોવાથી ‘કોઈના...કપાયા’ એમાં અનુસ્વારો નથી; પણ, શરીર શબ્દ નપુસકલિંગ હોવાથી ‘કોઈનાં... છુંદાયાં’ એમાં અનુસ્વારો છે.

૨. નીચેનાં વાક્યોની સરખામણી કરવાથી લાંબા વાક્યમાં અનુસ્વાર અંગેનો નિર્ણય કેવી રીતે લેવાનો છે એનો ખ્યાલ આવશે.

(ક) અમારી શાળામાં પત્રકારત્વ શીખવવા માટે વૃંદાબહેન ઘણી તકલીફો વેઠીને પણ સતત સાત દિવસ સુધી નિયમિત આવેલાં.

(ખ) વૃંદાબહેન નિયમિત આવેલાં.

વાક્ય ટૂંકું કરવાથી ખ્યાલ આવે છે કે આવેલાં-માં અનુસ્વાર છે તે વૃંદાબહેન શબ્દ માનાર્થે સ્ત્રી.બ.વ. હોવાને લીધે છે. જો એને બદલે માર્કંડભાઈ શબ્દ હોત, તો માર્કંડભાઈ... આવેલા. (માનાર્થે પું.બ.વ.) એમ અનુસ્વાર ન મુકાયું હોત.

(૨) વાક્યમાં વિશેષણ, ક્રિયાપદ, કયા નામની સાથે સંબંધ ધરાવે છે તે પરથી અનુસ્વારનો નિર્ણય થાય. નીચેનાં વાક્યો વાંચો:

ક. (૧) થાકી ગયેલાં સ્ત્રીપુરુષોએ ઉત્તમ ગ્રંથો વાંચવાં.

(૨) થાકી ગયેલા પુરુષોએ ઉત્તમ પુસ્તકો વાંચવાં.

(૧)માં ગયેલાં-માં અનુસ્વાર છે કેમ કે સ્ત્રીપુરુષો મિશ્રલિંગમાં છે.

(૨)માં ગયેલા-માં અનુસ્વાર નથી કેમકે પુરુષો પુ.બ.વ. છે.

વળી (૧)માં વાંચવા-માં છેલ્લા -વા પર અનુસ્વાર નથી

કેમકે ગ્રંથો પું.બ.વ. છે

(૨)માં વાંચવાં-માં અનુસ્વાર છે કેમકે પુસ્તકો નપું.બ.વ. છે.

૭. લિંગસભાનતા અને અનુસ્વારઃ સામાન્ય રીતે આપણો સમાજ પુરુષકેન્દ્રી હોવાથી કેટલીક વાક્યરચનાઓ પુંલ્લિંગવાચક જ રહેતી હતી. દા.ત., સારા લેખકો એમ કહીએ ત્યારે બધા લેખકો પુરુષો જ છે એવું માની લેવાતું. પણ એ લેખકોમાં પુરુષો ઉપરાંત સ્ત્રીઓ પણ હોઈ શકે. એટલે હવે આમ લખવું જોઈએ — સારાં લેખકો. પહેલાં સભાની મુખ્ય વ્યક્તિ પુરુષ જ હોવાથી સભાપતિ શબ્દ હતો, હવે મુખ્ય વ્યક્તિ સ્ત્રી પણ હોઈ શકે, એથી સભાધ્યક્ષ કહેવાય છે.

એ રીતે અંગ્રેજીમાં Chairman-ને બદલે Chairperson થયું.

એ દૃષ્ટિએ આ મિશ્રવિંગી વાક્યો ધ્યાનથી જુઓ

ગુજરાતીમાં ઉત્તમ લેખકોની યાદી કરો

(ગુજરાતીના એમ નહીં લખાય)

આપણાં પ્રજાજનો સમજતાં હોતાં જ નથી

(આપણા, સમજતા, હોતા એમ નહીં લખાય)

તમારી સોસાયટીમાં કેટલાં સભ્યો ભણેલાં છે?

(કેટલા, ભણેલા એમ નહીં લખાય)

૮. શબ્દાંત સિવાયના સ્થાનો અનુસ્વારવિચાર

અત્યાર સુધીના બધા નિયમો, શબ્દને અંતે આવતાં કે ન આવતાં અનુસ્વારો અંગે હતા: બોલવું, હચમચાવવું, મોટું-મોટાં-મોટા, સારા-સારાં, સારું, કહેલું, ગલૂડિયું, વગેરે.

હવે એવા કેટલાક શબ્દો જોઈએ જેમાં શબ્દની શરૂઆતમાં ને મધ્યમાં પણ અનુસ્વાર મુકાય કે ન મુકાય એ બતાવેલું છે.

ઉંમર (હિન્દીમાં ‘ઉંમર’ છે, ગુજરાતીમાં ઉંમર ન લખવું) નામ (કચરો નાંખ એમ અનુસ્વાર ન મુકાય.

પણ સાંખ, ઝાંખ, પાંખ એમાં અનુસ્વાર આવશે.)

નિમણૂક (નિમણૂંક ખોટું છે)

નિષ્ણાત (નિષ્ણાંત એ ખોટું છે.)

વાચન (વાંચન. ગુજરાતીમાં વાંચ, વાંચેલું, વાંચનાર, વાંચે છે... એમાં વાંચ ક્રિયાપદ સંસ્કૃતમાંથી ઊતરી આવેલું એટલે કે તદ્ભવ છે. પરંતુ વાચન મૂળ સંસ્કૃત તત્સમ શબ્દ છે, એનું મૂળ વાચ્ (કે વાક્) છે. એટલે વાચન એ સાચું છે.

કિંમત (હિંદી કીમત; પણ ગુજરાતીમાં કિંમત)

હોશિયાર (x હોંશિયાર) નિદ્રા (x નિંદ્રા)

નાણાકીય (x નાણાંકીય) નાણાવટી (x નાણાંવટી)

શકુંતલા (x શંકુતલા) વર્તણૂક (x વર્તણૂંક)

પૂજા (x પૂંજા. પણ કચરાનો પર્યાય પૂંજો –કચરોપૂંજો

અનુસ્વાર સાથે આવશે)

બાડું = ત્રાંસી આંખોવાળું. એમાં બા-ઉપર

અનુસ્વાર ન મૂકવું.

બાંડું = પૂંછડા વિનાનું/કપાયેલા પૂંછડાવાળો (ઉંદર). ત્યાં બાં- આવશે.

એ ઉપરાંત એ ખાસ જોવું કે —

હાંફ, હાંસિયો આ+અનુસ્વાદ છે, અને

સોંઘું, સોંપવું, સોંસરું, હોંકારો, હોંચી, હોંશ ઓ+અનુસ્વાર છે.

૯. અનુસ્વાર: સંસ્કૃતમાં અને ગુજરાતીમાં.

સંસ્કૃતમાં વ્યંજન સાથે જોડાયેલા અનુનાસિકો નાસિક્ય વ્યંજનનાં ચિહ્નો: ઙ્, ગ્, ણ, ન, મ મૂકીને લખાતા એ જ રીતે ગુજરાતીમાં પણ એ અંગ કે અઙ્ગ; અંજન/અઞ્જન; ખંડ/ખણ્ડ; ચંદ્ર/ચન્દ્ર; સંભવ/સમ્ભવ; સંબંધ/સમ્બન્ધ – એમ લખાતું પણ જોવા મળશે. પરંતુ હવે એકવાક્યતા જાળવવા માટે બધે અનુસ્વારની બિંદુ જ મુકાય છે. — સમન્બન્ધx નહીં, પણ સંબંધ વગેરે. સંસ્કૃતના કેટલાક વિશિષ્ટ જોડાક્ષરો જ વ્યંજનચિહ્ન સાથે આવશે: અન્ન, નિમ્ન, સન્માન, તમ્મર, છન્નું, વગેરે.

સંસ્કૃતના તીવ્ર અનુનાસિકો: કેટલાક વિશિષ્ટ જોડાક્ષરો જ વ્યંજનચિહ્ન સાથે લખાશેઃ કાન્ત, ઘમ્મર, વગેરે.

આ સાદા નિયમોને અનુસરવાથી અનુસ્વાર-દોષો ચાળી શકાશે.

ર.સો.