ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતીમાં રોજનીશી સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતીમાં રોજનીશી સાહિત્ય: અંગ્રેજી શાસનથી પ્રભાવિત ઓગણીસમી સદીમાં સમાજસુધારાનો, સાહિત્યઘડતરનો અને નવજાગરણનો જે કાળ શરૂ થયો તેમાં સક્રિય રહી સાહિત્યનિર્માણમાં પ્રવૃત્ત કેટલાકે ગુજરાતી સાહિત્યમાં શરૂ શરૂમાં પોતાના વિચારોની, કાર્યોની, રોજ-બ-રોજના વ્યવહારોની નોંધ રાખી છે. સમાજસુધારક અને ધર્મવિચારક દુર્ગારામ મંછારામ દવેએ અન્યોના સહકારથી છાપખાનું શરૂ કરી, લોકોની બગડેલી બુદ્ધિને સત્યધર્મનું સ્વરૂપ સમજાવવા ૧૮૪૪માં ‘માનવધર્મ સભા’ સ્થાપી હતી. અને આ સભાની બેઠકોનો અહેવાલ એમણે રોજનીશી રૂપે રાખ્યો હતો. ગુજરાતી સાહિત્યની આ પહેલી રોજનીશીમાં ૨૭ જાન્યુઆરી ૧૮૪૩થી ૧૮૫૨ સુધીની કાર્યવાહીની નોંધ હતી. પરંતુ આગલી નોંધના ઘણા કાગળો બળી જતાં આ રોજનીશીમાં ૧-૧-૧૮૪૫ સુધીનો અહેવાલ જ મળે છે. આ અહેવાલ મહીપતરામે ‘મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર’(૧૮૭૯)માં પ્રકાશિત કર્યો છે. દુર્ગારામનું નિખાલસ વ્યક્તિત્વ અને પ્રામાણિકવૃત્તિ તળપદી ભાષામાં વ્યક્ત થયાં છે. અલબત્ત, અર્વાચીન ગદ્યનો કોઈ નમૂનો જ્યારે મોજૂદ ન હોય ત્યારે દુર્ગારામે ગદ્યને કેળવવાનો અને એને હસ્તગત કરવાનો જે પ્રયત્ન કર્યો છે તેમાં એક પ્રારંભકનું સાહસ જોઈ શકાય છે. ગુજરાતમાં પ્રાર્થનાસમાજના સ્થાપક અને ‘ઈશ્વર પ્રાર્થનામાળા’ ભાગ ૧-૨ (૧૮૭૨, ૧૮૮૦)ના કવિ ભોળાનાથ સારાભાઈ દિવેટિયાએ ૨૭ વર્ષની ઉંમરથી આજીવન રોજિંદી નોંધો રાખી છે. શરૂમાં ફારસીમાં પછી અંગ્રેજીમાં અને પછી ગુજરાતીમાં લખાતી રહેલી આ નોંધમાંની ઘણી નોંધોને ‘ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત્ર’(૧૮૮૮) નામક ગ્રન્થમાં એમના પુત્ર કૃષ્ણરાવે ઉદ્ધૃત કરી છે. દુર્ભાગ્યે મૂળ હસ્તપ્રત કે એની નકલ હજી સુધી પ્રકાશિત થઈ નથી. એમ તો નર્મદે પણ પોતાની આત્મકથા ‘મારી હકીકત’ પછી ૧૮૬૬થી ૧૮૬૮ સુધી જે છૂટક રોજનીશીના સ્વરૂપમાં નોંધો કરેલી, જે પછીથી ‘ઉત્તર નર્મદચરિત્ર’(૧૯૩૯)માં આમેજ કરવામાં આવી છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ૧૮૮૮થી ૧૯૦૬ દરમિયાન ‘સ્ક્રેપબુક્સ’ના સાત ભાગમાં મહત્ત્વના વિચારો અને વાચન દરમ્યાન નોંધેલાં અવતરણોને સમાવ્યાં છે જે પછીથી સન્મુખરામ પંડ્યા અને રામપ્રસાદ બક્ષી દ્વારા સંપાદિત ત્રણ ભાગમાં પ્રકાશિત થયાં છે. આ પ્રતિભાશાળી લેખકના સર્જકમાનસને સમજવા માટેની ઘણી સામગ્રી એમાંથી જડે તેમ છે. નરસિંહરાવ દિવેટિયાની ‘રોજનીશી’ એમના બહુવિધ વ્યક્તિત્વને બરાબર ઝીલે છે. યુવાવયે સ્વજનોનાં મૃત્યુ અંગેનો ઘેરો શોક તેમજ દીકરી ઊર્મિલાના વૃદ્ધ દયારામ ગિડુમલ સાથેના લગ્નનો આઘાત એમાં સમજપૂર્વક નિરૂપાયો છે. આ નોંધોની ઝીણી વીગતોને આધારે એમણે ‘સ્મરણમુકુર’(૧૯૨૬)માં કેટલીક મહત્ત્વની વ્યક્તિઓનાં ચરિત્રો ઊપસાવ્યાં છે. આ પછી બ. ક. ઠાકોરની ‘દિન્કી’ના બે ભાગ એટલા જ મહત્ત્વના છે. આ રોજનીશી અંગ્રેજીમાં અને વચ્ચે વચ્ચે ગુજરાતીમાં લખાયેલી છે. મિત્રો, કુટુંબીજનો, કવિતાના પાઠસુધારાઓ – વગેરે અંગે એમાં ત્રૂટક સામગ્રી મળે છે. બ. ક. ઠાકોરના કૉલેજશિક્ષણની અને શિક્ષણ તેમજ લેખક તરીકેના એમના ઘડતરની એમાં ઝાંખી થાય છે. ‘મહાદેવભાઈની ડાયરી’ એ ગુજરાતી સાહિત્યની જ નહીં પણ વિશ્વસાહિત્યની મૂલ્યવાન સામગ્રી છે. આ રોજનીશીમાં લેખક પોતે કેન્દ્રમાં નથી પરંતુ ૧૯૧૭થી ૧૯૪૨ પર્યંત ગાંધીજીના અંગત સચિવ રહી કરેલું ગાંધીજીના પ્રત્યેક દિવસના ચોવીસે ચોવીસ કલાકની દિનચર્યાનું વિવરણ કેન્દ્રમાં છે. વીસ ભાગમાં લખાયેલી આ રોજનીશીના પહેલા છ ભાગ નરહરિ પરીખે અને પછીના ભાગ ચંદુભાઈ ભગુભાઈ દલાલે સંપાદિત કર્યા છે. વીસમો ભાગ મહેન્દ્ર વાલજીભાઈ દેસાઈએ સંપાદિત કર્યો છે. અહીં ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળના આલેખને, ગાંધીજીના ચિત્તના આંતર પ્રવાહોને અને એમના બહુપરિમાણી વ્યક્તિત્વને દસ્તાવેજી ચોકસાઈથી ઝીલ્યાં છે. ‘પ્રાસંગિક પ્રતિસાદ’(૧૯૭૦) એ કાકા કાલેલકરની દૈનિક ચિંતનની વાસરી છે. ૨૭-૨-’૬૮થી ૩૦-૧૨-’૬૮ના ગાળામાં કેટલાક દિવસો પડી ગયા છે છતાં લગભગ ૨૨૭ દિવસના આ દૈનિક ચિંતનમાં લેખકની આત્મનેપદી મુદ્રા છે. ‘૩૧માં ડોકિયું’ એ ઉમાશંકર જોશીની રોજનીશી છે, જેમાં ૧૯૩૧ના રાષ્ટ્રીય જાગૃતિ અને પુરુષાર્થના ગાળામાં ગુજરાતમાં એક તરુણનું કેવું ભાવવિશ્વ હોઈ શકે એનો કાંઈક હકીકત આલેખ છે. ઉપરાંત ઊગતા સર્જકની આસપાસનાં પરિબળો અંગેની વ્યક્તિકથા પણ જોઈ શકાય છે. નરોત્તમ પલાણની સામયિકોમાં છૂટક આવતી ‘અધ્યાપકની ડાયરી’ અને પ્ર. ચૂ. વૈદ્યની ‘કુમાર’માં અત્યારે ‘પસ્તીનાં પાનાં’ રૂપે પ્રગટ થતી રોજનીશી ધ્યાન ખેંચી રહી છે. ચં.ટો.