ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતીમાં સાહિત્યિક સંશોધન
ગુજરાતીમાં સાહિત્યિક સંશોધન: ગુજરાતી સાહિત્યમાં સંશોધનપ્રવૃત્તિનો આરંભ વિદેશી વિદ્વાનોને આભારી છે. જ્યૉર્જ ગ્રિઅર્સન, એલ. પી. તેસ્સીતોરી, ઍલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ, આર. એલ. ટર્નર, લુડવિગ ગૉલ્ડનબર્ગ, બ્લૂમફિલ્ડ, મૅકડોનાલ્ડ, હીથ, લુઈસ, હાફકિન્સ, હર્નલે, ગ્રીવ્ઝ, બીમ્સ, કર્નલ ટોડ, મેક્સમૂલર, જે. એટકિન્સ, એમ. એસ. કૉમિસૉરિયેત જેવા પૌર્વાત્યવિદ્યાઓમાં ઊંડો રસ ધરાવતા ખંતીલા અને સંશોધન પ્રવૃત્તિ માટેની વિશિષ્ટ ધગશવાળા વિદ્વાનોએ ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વ્યાકરણ અને ઇતિહાસને ક્ષેત્રે મૂલ્યવાન સંશોધન કર્યું છે. જેના ફળસ્વરૂપે આપણને ‘જૂની પશ્ચિમી રાજસ્થાની’નું વ્યાકરણ, રાસમાળા વગેરે ગ્રન્થો અને ભારતીય આર્યભાષાઓ અંગેનાં સંગીન સંશોધનો પ્રાપ્ત થયાં છે. આ વિદ્વાનોનાં સંશોધન આપણા અર્વાચીનયુગમાં પ્રથમ પેઢીના વિદ્વાનો માટે પ્રેરણારૂપ બની રહ્યાં. એમના પગલે ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ, કેશવ હ, ધ્રુવ, હરગોવનદાસ કાંટાવાળા, હરિ હર્ષદ ધ્રુવ, રામલાલ ચુનીલાલ મોદી, રણછોડરામ ઉ. મહેતા, ન. ભો. દિવેટિયા વ. વિદ્વાનોની સંશોધનપ્રવૃત્તિએ એક ઉજ્જ્વળ પરમ્પરા નિર્મી. એના અનુસન્ધાને મુનિશ્રી જિનવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, કે. કા.શાસ્ત્રી, રસિકલાલ પરીખ, ભોગીલાલ સાંડેસરા, દુર્ગાશંકર શાસ્ત્રી, પંડિત બહેચરદાસ, મધુસૂદન મોદી, રામનારાયણ વિ. પાઠક, ધીરજલાલ ધ. શાહ, મોહનલાલ દલીચંદ દેસાઈ, શંકરપ્રસાદ રાવળ, હરિપ્રસાદ શાસ્ત્રી, સૈયદ અબુફઝર નદવી, છોટુભાઈ નાયક, કાન્તિલાલ બ. વ્યાસ, શિવલાલ જેસલપુરા, મગનલાલ દેસાઈ, રમણલાલ શાહ, કેશવલાલ હિં. કામદાર, દલસુખભાઈ માલવણિયા, મંજુલાલ મજમુદાર, ‘સુન્દરમ્’, ઉમાશંકર જોશી જેવા વિદ્વાનોએ ભાષાવિજ્ઞાન, વ્યાકરણ સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિને લગતા વિષયોમાં નમૂનેદાર સંશોધનકાર્યો કર્યાં. કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા અને મોહનલાલ દલીચંદ દેસાઈની જીવનપર્યન્તની સંશોધનપ્રવૃત્તિએ અનેક મૂલ્યવાન આકરગ્રન્થો ઉપલબ્ધ કરાવી આપ્યા. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’, ‘આપણા કવિઓ’, ‘મહાઅમાત્ય વસ્તુપાલનું સાહિત્ય મંડલ’, ‘અપભ્રંશ વ્યાકરણ’ (હેમચંદ્ર)નો અનુવાદ તથા વિલ્સન ફાઈલોલોજીકલ લેક્ચર્સના અનુવાદ અસાઈતકૃત ‘હંસાઉલિ’, ‘પ્રાચીન ગુજરાતી છંદો’, ‘વસંત વિલાસ’, ‘રણમલ છંદ અને તેનો સમય’, ‘મધ્યકાલીન ગદ્યસંદર્ભ’, ‘ગુજરાતની રાજધાની-ઓ’, ‘અખો: એક અધ્યયન’, ‘અર્વાચીન કવિતા’, ‘પૃથ્વીચંદ્રચરિત્ર, ‘કાન્હડદેપ્રબંધ’, નરસિંહ, ભાલણ, નાકર, શામળ વગેરેનાં અધ્યયનો, ‘ગુજરાતી પર અરબી-ફારસી’ની અસર જેવાં અનેક સંશોધન આનાં ઉદાહરણો રૂપે ગણાવી શકાય. આ સંશોધનપ્રવૃત્તિએ ગુજરાતી ભાષા અને સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ પરમ્પરા જાળવી રાખવાનું કાર્ય પણ કર્યું. આ વિદ્વાનો સ્વ-રસને આશ્રયે, સત્યશોધન અને ભાષા-સાહિત્ય પ્રીત્યર્થે પ્રવૃત્તિ કરતા હતા. તેથી એની સત્ત્વશીલતા અનોખી તરી આવે છે. ગુજરાત વિદ્યાસભા, ફાર્બસ સભા, પ્રાચ્યવિદ્યામંદિર (વડોદરા), ભારતીય વિદ્યાભવન, જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ મુંબઈ, લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓએ સંશોધનપ્રવૃત્તિની ધારા સતત વહેતી રાખવામાં ઉમદા અને અવિસ્મરણીય ફાળો આપ્યો છે. ખાસ કરીને ગુજરાત વિદ્યાસભાના ભો.જે.વિદ્યાભવન કેન્દ્રે કરેલું કામ અસાધારણ મહત્ત્વનું છે. આ કેન્દ્રે પ્રાચીન-મધ્યકાલીન સાહિત્ય વિશે ઉત્તમ સંશોધનો જ નહિ ઉત્તમ સંશોધકોની પણ એક ગૌરવપૂર્ણ શ્રૃંખલા આપણને આપી છે. વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરે પણ “પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા” દ્વારા નાનું પણ પ્રશંસાપૂર્ણ કાર્ય કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થયા પછી ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા વધતી રહી છે. પરિણામે યુનિવર્સિટીઓનાં અનુસ્નાતક કેન્દ્રોમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરવા માટે કારકિર્દીલક્ષી સંશોધનપ્રવૃત્તિ કરનારો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો. આનાથી સંશોધન-પ્રવૃત્તિનો વિસ્તાર થયો પણ સત્ત્વશીલતા અને તેજસ્વિતા ઓછાં થયાં. સંશોધનની શિસ્ત, નિષ્ઠા, ધોરણ, ફલશ્રુતિ અને પદ્ધતિમાં સ્વૈરમનસ્વિતા પ્રબળ બની. તેથી સંશોધન-પ્રવૃત્તિનો વ્યાપ વધવા છતાં ઉચ્ચકક્ષાનાં, આકર અને નમૂનેદાર સંશોધનો ઘણાં ઓછાં પ્રાપ્ત થયાં. ‘મધ્યકાળના સાહિત્ય પ્રકારો’, જેવા ગ્રન્થો અલ્પ પ્રમાણમાં મળ્યા. સાહિત્યકારો અને સાહિત્યપ્રકારોને લગતાં સંશોધનો વિશેષ થવા માંડ્યાં છે. પ્રાચીન-મધ્યકાલીન સાહિત્ય-સંશોધન મંદ પડ્યું છે. દિ.શા.