ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી ગ્રન્થસૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી ગ્રન્થસૂચિ : મુદ્રણયંત્રના આવિષ્કાર સાથે વાચનસામગ્રીમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતાં, અભ્યાસીઓને એમની જરૂરિયાતની કે રુચિની વાચનસામગ્રી મેળવવામાં મદદરૂપ થવા માટે, ગ્રન્થસૂચિઓ સંપાદિત કરવાની પ્રવૃત્તિનો વિકાસ થયો છે. આજે તો ગ્રન્થસૂચિઓ એક અનિવાર્યતા બની ગઈ છે. માત્ર અભ્યાસ અને સંશોધન માટે જ નહિ, શિક્ષણપ્રસાર, કલા, સાહિત્ય, મનોરંજન, રમતગમત વગેરે તમામ ક્ષેત્રે તેમજ સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે પણ, ગ્રન્થસૂચિઓ એક મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સાધન છે. ગુજરાતી ગ્રન્થસૂચિનો પ્રારંભ જો કે આ હેતુઓને ધ્યાનમાં રાખીને નહોતો થયો તેમ છતાં એના વડે આ હેતુઓ મહદંશે સિદ્ધ થયા છે. આવી ગ્રન્થસૂચિઓમાં એલેક્ઝાંડર ગ્રાન્ટ સંપાદિત ‘કેટલોગ ઓફ નેટિવ પબ્લિકેશન્સ ઇન ધ બોમ્બે પ્રેસિડેન્સી અપ ટુ ૩૧ ડિસેમ્બર ૧૮૬૪’, ગ્રાન્ટ અને જે. બી.પીલ સંપાદિત ૧૮૬૫થી ૧૮૬૭ સુધીના ગ્રંથોની આવી બીજી સૂચિ (૧૮૬૯), બ્લૂમહાર્ટસંપાદિત ‘કેટેલોગ ઓફ મરાઠી એન્ડ ગુજરાતી પ્રિન્ટેડ બુક્સ ઇન ધ લાઇબ્રેરી ઓફ ધ બ્રિટિશ મ્યુઝિયમ’ ભા. ૧-૨ (૧૮૯૨ અને ૧૯૦૮) તથા એની પુરવણી, મુંબઈ સરકારે ૧૮૬૭થી ૧૯૫૦ સુધી પ્રગટ કરેલી ત્રૈમાસિક ગ્રન્થસૂચિઓ વગેરે ઉલ્લેખનીય છે. આઝાદી પછી ‘પુસ્તક અને વૃત્તપત્ર પ્રદાન અધિનિયમ, ૧૯૫૪’(૧૯૫૬માં સંશોધિત) અન્તર્ગત મેળવવામાં આવતી વાચનસામગ્રીને આધારે ભારતના રાષ્ટ્રીય ગ્રન્થાલય દ્વારા ૧૯૫૭ના ઓક્ટોબરથી ત્રૈમાસિક, વાર્ષિક અને હવે તો માસિક ગ્રન્થસૂચિઓ પ્રગટ કરવામાં આવે છે. આ ગ્રન્થસૂચિઓમાં અન્ય ભારતીય ભાષાઓની સાથે ગુજરાતી ભાષાના ગ્રંથોની સૂચિઓ પણ અંગ્રેજી લિપિમાં પ્રગટ થઈ છે. એમાંથી ૧૯૫૮-’૫૯ અને ૧૯૬૦-’૬૧ એમ બે-બે વર્ષોની બે ગ્રન્થસૂચિઓ ગુજરાતી લિપિમાં પણ પ્રગટ થઈ છે. એ પછી ૧૯૬૨થી ૧૯૭૧નાં દસ વર્ષને આવરી લેતી, એવી જ રાષ્ટ્રીય ગ્રન્થસૂચિનો ગુજરાતી વિભાગ છેક ડિસેમ્બર ૧૯૮૮માં પ્રગટ થયો છે. એ પછીનાં ૨૩ વર્ષોનો સમય ગુજરાતી ગ્રન્થસૂચિનો અંધકારયુગ ગણી શકાય છે. આ દરમ્યાન નવી દિલ્હીની સાહિત્ય અકાદેમીએ ‘નેશનલ બિબ્લિઓગ્રાફિ ઓફ લિટરેચર, ૧૯૦૧-૧૯૫૩’નું ૪ ભાગમાં પ્રકાશન કર્યું છે. એના પ્રથમ ભાગમાં ગુજરાતી સાહિત્યના ગ્રંથોનો સમાવેશ થયો છે, પણ આ તો એક સીમિત વિષય છે અને એમાં અન્ય વિષયો નથી. આથી, આ સૂચિને ગુજરાતી ગ્રન્થસૂચિ માનીને ચાલવું યોગ્ય નથી. ઉપરોક્ત તમામ ગ્રન્થસૂચિઓ શાસ્ત્રીય ઢબે તૈયાર કરવામાં આવી છે. એમાં ગ્રન્થવિષયક તમામ જરૂરી માહિતી જેવી કે, પ્રકાશનસ્થળ, પ્રકાશકનું નામ, પ્રકાશનવર્ષ, પૃષ્ઠસંખ્યા વગેરે આપવામાં આવી છે. આ સિવાય અનેક ગ્રન્થાલયોએ પોતાના ગ્રન્થસંગ્રહોની સૂચિઓ પ્રગટ કરી છે, જેમકે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની લાઇબ્રેરીનાં પુસ્તકોની યાદી’, ભા.૧ (૧૯૩૫), ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય ગ્રન્થનામાવલિ, ભા. ૧ : ગુજરાતી ગ્રંથો’(૧૯૫૫), સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરાના ગ્રન્થસંગ્રહની યાદી, જે ‘આઠ હજાર ગુજરાતી પુસ્તકોની વર્ગીકૃત નામાવલિ’(૧૯૨૯) અને ‘ચાર હજાર ગુજરાતી પુસ્તકોની વર્ગીકૃત નામાવલિ’(૧૯૩૩) તરીકે જાણીતી છે. આ પ્રકારની બધી સૂચિઓ મર્યાદિત અને અપૂર્ણ છે તેમજ એમાં ગ્રન્થવિવરણનો અભાવ છે. આ સૂચિઓને ગુજરાતી ગ્રન્થસૂચિની વ્યાખ્યામાં સમાવી શકાય નહીં પરંતુ એ ઉપયોગી સામગ્રી જરૂર છે. ઉપરોક્ત બધા પ્રકારની સૂચિઓનાં વ્યાપ, વ્યવસ્થા, મર્યાદાઓ અને એની સાથે સંકળાયેલી પરિસ્થિતિઓનું અવલોકન કરતાં, એ નિષ્કર્ષ નીકળે છે કે ગુજરાતી મુદ્રણના આરંભનાં ૧૦૦ વર્ષની ગ્રન્થસૂચિઓ તો આજે દુર્લભ થઈ ગઈ છે. એમાં પ્રથમ ૫૦ વર્ષ તો અતિ દુર્લભ અને આઝાદી પછી પ્રગટ થયેલી સૂચિઓમાં અનેક વર્ષોના ખાડા (gap) અને અપૂર્ણતાઓ છે. આવી પરિસ્થિતિ અન્ય ભારતીય ભાષાઓમાં પણ ઓછા વત્તા અંશે પ્રવર્તે છે. એમાંથી કેટલીક ભાષાઓએ આ અપૂર્ણતાઓ દૂર કરવા માટે પોતપોતાની ભાષાની ગ્રન્થસૂચિઓ પ્રગટ કરી છે. આ પ્રકારની સૂચિઓમાં શંકર ગણેશ દાતેસંપાદિત ‘મરાઠી ગ્રન્થસૂચિ, ૧૮૫૦-૧૯૫૦’ ઉલ્લેખનીય છે. કન્નડ અને તમિળ ભાષામાં પણ આવી ગ્રન્થસૂચિઓ પ્રગટ થઈ છે. મુદ્રણક્ષેત્રે આપણે ત્યાં કમ્પ્યુટરનો પ્રવેશ થઈ ગયો હોઈ, આજે તો વાચનસામગ્રીના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થવા લાગી છે. આથી, મુદ્રિત વાચનસામગ્રીનાં સંચય, વ્યવસ્થા અને પ્રસારણની કામગીરીને યોગ્ય રીતે સંચાલિત કરવા માટે ગુજરાતી ભાષામાં પણ ગ્રન્થસૂચિઓ સંપાદિત કરવાની અનિવાર્યતા ઊભી થઈ છે. ગુજરાતીમાં ગ્રાન્ટ અને પીલની સૂચિ પછી લગભગ એક સદી સુધી, આપણે થોડીઘણી સૂચિઓ જ કરેલી-ને એમાંની ઘણીખરી તો હસ્તપ્રત સૂચિઓ હતી. સામયિકોમાં, ગ્રંથોમાં, ગ્રંથાલયો અને ગ્રંથભંડારોમાં ઢંકાયેલીને સમયના લાંબા ફલકમાં વેરવિખેર પડેલી સામગ્રીને શાસ્ત્રીય રીતે એકત્રિત કરીને સુલભ બનાવતી સૂચિઓ છેલ્લાં ૨૦ વર્ષમાં નોંધપાત્ર પ્રમાણમાં – લગભગ વરસે એક સૂચિ દીઠ – મળતી થઈ છે એ મોટી વાત ગણાય. આવી સૂચિઓ કરનારમાં, પ્રકાશ વેગડનું નામ સૌપ્રથમ લેવું પડે. એમણે પહેલાં તો કર્તાલક્ષી અભ્યાસગ્રંથોના યોજકો-સંપાદકો માટે સંદર્ભગ્રંથસૂચિઓ તૈયાર કરી આપી. ને એ પછી એમણે ઘણી મહત્ત્વની કહેવાય એવી સ્વતંત્ર સૂચિઓ તૈયાર કરી આપીઃ જેમાં ‘મહાનિબંધોની સૂચિ’ (૧૯૭૮, ૧૯૯૪), ‘મધ્યકાલીન સાહિત્યની સંદર્ભસૂચિ’ (૧૯૮૪), ‘ગોવર્ધનરામ વિવેચન સંદર્ભ’ (૧૯૯૫), ‘નવલકથા સંદર્ભકોશ’ (૧૯૯૯). અનેક અભ્યાસીઓને આ સૂચિઓ ઉપયોગી થઈ છે. ને પરિષદના મધ્યકાલીન સાહિત્યકોશ ખંડ માટે એમની સંદર્ભ સૂચિ ઘણી મદદરૂપ નીવડી હતી. કનુભાઈ શાહ અને કિરીટ ભાવસારે ૧૯૭૫નાં ને ૧૯૭૬નાં, સર્વ વિદ્યાક્ષેત્રોના સામયિકોમાંના લેખોની વર્ગીકૃત સૂચિઓ ‘ગુજરાતી સામયિક લેખ સૂચિ’ (૧૯૭૯, ૧૯૮૨) આપી છે. ધીરુભાઈ ઠાકરે ‘જ્ઞાનસુધા : સ્વાધ્યાય અને સૂચિ’ (૧૯૮૭), ‘સમાલોચકઃ સ્વાધ્યાય અને સૂચિ’ (૧૯૮૭) મીના પટેલે ‘બુદ્ધિપ્રકાશઃ સ્વાધ્યાય અને સૂચિ’ (૧૯૯૯) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યકોશ’ના મધ્યકાલીન ખંડને આધારે, કીર્તિદા શાહે ‘મધ્યકાલીન કૃતિસૂચિ’ (૨૦૦૪) આપી છે. ૧૯મી સદીમાં ૧૮૬૭ના કૉપીરાઇટ એક્ટ પૂર્વે પ્રસિદ્ધ થયેલા હજારેક ગુજરાતી પુસ્તકોની અચ્યુત યાજ્ઞિક અને કિરીટ ભાવસારે સંપાદિત કરેલી ‘આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ’ સૂચિક્ષેત્રે મહત્ત્વનો ગ્રંથ છે. રમણ સોનીએ ‘સામયિક લેખસૂચિઃ ૧૯૯૬-૨૦૦૦’ (૨૦૦૧) પ્રગટ કરી એ પછી કિશોર વ્યાસે ‘સામયિક લેખ સૂચિઃ ૨૦૦૧-૨૦૦૫’ (૨૦૦૯), ‘સામયિક લેખસૂચિઃ ૨૦૦૬-૨૦૧૦’ (૨૦૧૧), ‘સામયિક લેખસૂચિઃ ૨૦૧૧-૨૦૧૫’ (૨૦૧૭) ૧૫ વર્ષની સૂચિ પ્રગટ કરી છે. જેમાં તેમણે આખા અભ્યાસને શક્ય એટલો વ્યાપક અને સંશોધનાત્મક બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત તેમણે ‘મનીષા-ગદ્યપર્વ-ખેવના સ્વાધ્યાય અને સૂચિ’ (૨૦૧૩) આપી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ની ‘પરબસૂચિ’ (૨૦૦૭) ‘પરબ’નાં ૪૦ વર્ષની સૂચિ. રમેશ ર. દવે, પારુલ કંદર્પ દેસાઈ, ઇતુભાઈ કુરકુટિયાએ આપી છે. તો ‘સ્વાધ્યાયસૂચિ’ (૨૦૦૭) જયંત ઉમરેઠિયાએ આપી છે. દીપક મહેતા સંપાદિત ‘ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ’ (૨૦૧૦) મળે છે. ગૂજરાત વિદ્યાપીઠની ‘ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ’ (૨૦૧૩) ઉષા ઉપાધ્યાય અને અશોક પટેલે આપી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા થયેલા એમ. ફિલના અભ્યાસ માટે ‘ગુજરાતી લઘુશોધનિબંધઃ સાર અને સૂચિ’ (૨૦૧૪) દીપક પટેલે આપી છે. ‘સંસ્કૃતિ’ સૂચિ (૨૦૧૬) તોરલ પટેલ, શ્રદ્ધા ત્રિવેદીએ આપી છે. હિતેશ જાનીએ ‘વિવેચનલેખસૂચિઃ ટૂંકી વાર્તા’ (૨૦૧૬), ‘વિવેચનલેખસૂચિઃ નવલકથા’ (૨૦૧૬) આપી છે જેમાં છેલ્લા સાત-આઠ દશકમાં થયેલ વિવેચન-સામગ્રીને ધ્યાન પર લઈ તેની અલગ અલગ સૂચિ કરી છે. પ્ર.વે., ઇ.કુ.