ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી ચરિત્રવિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી ચરિત્રવિવેચન : પીએચ.ડી.ના સંશોધન નિમિત્તે ઉપેન્દ્ર ર. ભટ્ટે ‘ચરિત્રસાહિત્ય : સ્વરૂપ અને વિકાસ’(૧૯૬૬) એ પુસ્તકમાં આ સ્વરૂપનો વિગતવાર અભ્યાસ આપણે ત્યાં પહેલીવાર કર્યો છે. તેમણે આ સ્વરૂપની વ્યાપક, સઘન સમજ આપવાની સાથે ગુજરાતી સાહિત્યમાં થયેલો તેનો વિકાસ પણ દર્શાવ્યો છે. તે પછી છેક ૧૯૯૨માં પ્રસાદ બ્રહ્મભટ્ટ ‘ચરિત્ર સાહિત્ય’ નામક પુસ્તક આપે છે. આ પુસ્તકમાં લેખકે આત્મચરિત્ર અને જીવનચરિત્રનાં સ્વરૂપ-વિકાસની ચર્ચા કરી છે અને નવમા દાયકાના ગુજરાતી ચરિત્રસાહિત્યની સઘન છણાવટ કરી છે. ત્રણ મહત્ત્વની આત્મકથાઓ ‘(સત્યના પ્રયોગો’, ‘સ્મરણયાત્રા’, ‘સાફલ્યટાણું’) વિશે પણ તેમાં એક એક પ્રકરણ ફાળવવામાં આવ્યું છે. સતીશ વ્યાસ અને મણિલાલ હ. પટેલે અનુક્રમે ‘આત્મકથા’ અને ‘જીવનકથા’ વિશે સુમન શાહસંપાદિત સાહિત્યસ્વરૂપ પરિચયશ્રેણી અંતર્ગત બે પુસ્તકો આપ્યાં છે. આ પુસ્તકોમાં આ બંને સ્વરૂપોનાં ઉદ્ભવ, સ્વરૂપગત લાક્ષણિકતાઓ, ગુજરાતી સાહિત્યમાં વિકાસ અને મહત્ત્વની અન્ય ભાષાઓની તથા ગુજરાતી ભાષાની આ સ્વરૂપોની કૃતિઓની સમીક્ષા કરવામાં આવી છે. ધીરુભાઈ ઠાકરે ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ‘ભાગ ૧-૨માં ક્યાંક ક્યાંક ચરિત્રસાહિત્યની નોંધપાત્ર કૃતિઓનું વિવેચન કર્યું છે. આ ઉપરાંત તેમણે ‘રસ અને રુચિ’માં પણ ચરિત્રવિવેચન કર્યું છે. વિજયરાય વૈદ્યે ‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા’, બત્રીસનું ગ્રન્થસ્થ વાઙ્મય’ તથા ‘ગત શતકનું ગુજરાતી સાહિત્ય’માં પ્રસંગોપાત્ત ચરિત્રસાહિત્યનું વિવેચન કર્યું છે. કનૈયાલાલ મુનશીએ પણ ‘ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર’માં અલપઝલપ ચરિત્રવિવેચન કર્યું છે. રણજિત પટેલ ‘અનામી’ અને રામચંદ્ર પંડ્યાએ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનો વિકાસ’(૧૯૫૮) પુસ્તકમાં ચરિત્રસાહિત્યનો વિકાસ આલેખ્યો છે. મંજુલાલ મજમુદારે ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો’ તથા કુંજવિહારી મહેતા અને જયંત પટેલે ‘સાહિત્યસ્વરૂપો’માં ચરિત્રસાહિત્ય વિશે લખ્યું છે. ‘સુન્દરમે’ ‘મુનશીની આપકહાણી’ શીર્ષક અંતર્ગત એક અવલોકન લખેલું જે ‘અવલોકના’માં ગ્રન્થસ્થ થયું છે. ચિમનલાલ ત્રિવેદીએ ‘વાસરિલેખક કાકાસાહેબ’ ‘(ભાવબિંબ’) લેખમાં કાકાસાહેબની ડાયરીસાહિત્યની સમીક્ષા કરી છે. ગુજરાતી સાહિત્યમાં મહાદેવભાઈ દેસાઈએ વિપુલ ડાયરીસાહિત્ય લખ્યું છે. તેના ૧૬ ભાગ પ્રગટ થયા છે. તેના જુદા જુદા ભાગોની સમીક્ષા નગીનદાસ પારેખ, ઉમાશંકર જોશી, ઈશ્વરલાલ દવે, જયંતિ દલાલ, કૃષ્ણવીર દીક્ષિત, રામપ્રસાદ શુક્લ, ધીરુભાઈ ઠાકર વગેરેએ કરી છે. આ સિવાય વત્તાઓછા પ્રમાણમાં ચરિત્રસાહિત્યનું વિવેચન કરનાર વિવેચકોમાં અનંતરાય રાવળ ‘(ગંધાક્ષત’), યશવંત શુક્લ ‘(ઉપલબ્ધિ’), મોહનભાઈ પટેલ ‘(ઘૃતિ’), મનસુખલાલ ઝવેરી ‘(પર્યેષણા’), ઉમાશંકર જોશી ‘(અભિરુચિ’), વિશ્વનાથ મ. ભટ્ટ ‘(નિકષરેખા’) રા.વિ. પાઠક ‘(અર્વાચીન સાહિત્યનાં વહેણો’), રમણલાલ જોશી ‘(વિનિયોગ’), રાધેશ્યામ શર્મા ‘(કર્તાકૃતિવિમર્શ’) વગેરે ઉલ્લેખનીય છે. ગુજરાત સાહિત્ય સભા દ્વારા થતી વાર્ષિક સમીક્ષા નિમિત્તે જે તે વર્ષના ચરિત્રસાહિત્યનું મૂલ્યાંકન પણ આપણને પ્રાપ્ત થયું છે. પ્ર.બ્ર.