ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી ફાગુ
ગુજરાતી ફાગુ (ઇતિહાસ-વિકાસ): ગુજરાતી ‘ફાગુ’ શૃંગારપ્રધાન ગીતકાવ્યનો આહ્લાદક પ્રકાર છે. એનો વર્ણ્યવિષય છે ઋતુરાજ વસંતની પ્રાકૃતિક શોભા અને તે સાથે માનવમનમાં ઉન્માદ જગાવી સાહજિક વિલાસક્રીડાને જન્માવતી એ શોભાનો મધમીઠો પ્રભાવ. ફાગ એટલે વસંત, ફાગુ તે વસંતવર્ણનનું કાવ્ય. અજ્ઞાતકવિકૃત ‘વસંતવિલાસ ફાગુ’ જેવી ચૌદમી સદીની શિષ્ટ આદિ-રચનાને આધારે આપણે ત્યાં ફાગુકાવ્યનાં લક્ષણોની ચર્ચા થઈ છે. એમાં વપરાયેલ દુહા-આંતરયમક અને અંત્યપ્રાસવાળા દુહા – એ એનું આગળ પડતું લક્ષણ. પ્રકૃતિવર્ણન, નારીદેહસૌન્દર્યનું વર્ણન, એકલદશામાં ઝૂરતી વિરહિણીની પીડાનું વર્ણન, પતિ આવી મળતાં અનુભવાતી આનંદની હેલી અને પ્રેમાતિરેકનું વર્ણન-વર્ણસગાઈ અને શ્લિષ્ટોક્તિઓ સહિત – આ અનુપમ રચનામાં છે. આ ફાગુને આદર્શ ગણીને કેટલાક જૈનેતર ફાગુઓ રચાયા છે. સત્તરમી સદીમાં શિવાનંદ સ્વામી અને મયારામ જેવા કવિઓએ પદ પ્રકારનો વિનિયોગ કરી મહાદેવ શંકરની સ્તુતિરૂપ ફાગ રચ્યા છે તે જોતાં અને શાસ્ત્રીય સંગીતમાં પ્રચલિત હોરીગીતોને ધ્યાનમાં લેતાં, વસંતવર્ણન માટે પદરચનાઓની પરંપરા પણ હશે એમ માની શકાય. જૈનફાગુઓના કવિઓ મોટાભાગે જૈનસાધુઓ છે. પોતાની રચનાઓ પાછળનો એમનો હેતુ તો સ્વધર્મપ્રચાર સાથે સંયમશીલતા અને ઉપશમ દ્વારા મુક્તિરમણીની પ્રાપ્તિ આલેખવાનો છે. નારીદેહના સૌન્દર્યનું નિરૂપણ જૈનફાગુઓમાં છે, પ્રેમ અને વિરહના ભાવોનું ઋતુવર્ણનોને પડછે થતું નિરૂપણ એ ફાગુઓમાં આપણે જોઈએ છીએ, ભાષાનો વૈભવ અને છંદોનું વૈવિધ્ય પણ તેમાં છે, પણ મોક્ષ એ અંતિમ પુરુષાર્થ જીવનનું પરમ ધ્યેય હોવું જોઈએ એ વાત સ્પષ્ટપણે કહેવામાં આવી છે. પરિણામે ‘ફાગુ’ નામે ઓળખાવાયેલાં કાવ્યો ચરિત, બારમાસી, કથાકાવ્ય, ખંડકાવ્ય જેવાં બની જાય છે. કાવ્યપ્રકારોની આવી સેળભેળને કારણે એક બે ગીતકાવ્યો પણ ‘ફાગુ’ કહેવાયાં છે. અજ્ઞાતકર્તૃક ‘વસંતવિલાસ’ જેવી ઉત્કૃષ્ટ ફાગુરચનામાં મળતા દુહાઓને અંતે જે સંમતિના સંસ્કૃત શ્લોકો અપાયા છે તેની પણ એક પરંપરા હતી. કામશાસ્ત્ર ઉપરના ગ્રન્થોમાં તદ્વિષયક ચિત્રાવલી પણ મળતી જણાય છે. શ્રીમદ્ ભાગવતની કૃષ્ણકથાને ખાસ તો શ્રીકૃષ્ણના ગોપાંગનાઓ સાથેના વિહારને વિષય બનાવી સંસ્કૃતમાં અનેક કાવ્યો રચાયાં છે, અનેક ચિત્રો ચીતરાયાં છે. પ્રાકૃતો અને તે પછી ગુજરાતીમાં પણ એની શૃંગારપ્રધાન રચનાઓ ચૌદમીથી સત્તરમી-અઢારમી સદીમાં રચાઈ છે જ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં દુહાચોપાઈનો જ સવિશેષ વપરાશ છે. સંભવ છે કે વસંતવર્ણનના અને વિહારના છૂટક દુહાઓ સમાજમાં પ્રચલિત હોય અને તેમને આધારે નાની-મોટી રચનાઓ થઈ હોય. ‘ફાગુ’નો ઉદ્ભવ ચોક્કસ ક્યારે થયો એ કહેવું મુશ્કેલ છે. જે આઠ-દસ જૈનેતર રચનાઓ ત્રણેક સદીના ગાળામાં મળે છે એમાં એવું વૈવિધ્ય છે કે નિશ્ચિત પરંપરા અંગે ચોક્કસ વિધાન કરવાની મુશ્કેલી છે. પરિણામે, ઉપલબ્ધ જૈન અને જૈનેતર ફાગુઓની રચનાસાલ કે લખ્યાસાલ નોંધીને સંતોષ માનવો પડે. ‘ફાગુ’નો ફાલ અઢારમી સદીથી અટક્યો જણાય છે. જૈન‘ફાગુ’ઓમાં ચરિત્રાત્મક, ઐતિહાસિક, જ્ઞાનાત્મક એવા વિભાગો પડી શકે છે તે જોતાં ‘ફાગુ’ સ્વરૂપમાં આવેલો પલટો જ સ્પષ્ટ થાય છે. એટલે ‘ફાગુ’ નામધારી સાચાં ફાગુઓને ધ્યાનમાં લઈએ તો તેવાં કાવ્યોની સંખ્યા મર્યાદિત છે. ચૌદમીથી સત્તરમી સદીમાં ‘ફાગુ’ પ્રચલિત હતાં એ વાત ચોક્કસ છે. ફાગુની રચનામાં, ઉપલબ્ધ કૃતિઓના આધારે, જૈનસાધુઓનો ફાળો જ મોટો છે. ભૂ.ત્રિ.