ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી બાળસામયિકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી બાળસામયિકો: ગુજરાતી ભાષામાં બાળકો માટેનાં સામયિકોની પરંપરા સવાસો વર્ષથી પણ જૂની છે. આ ગાળામાં ઘણાં સામયિકો શરૂ થયાં. કેટલાંક અલ્પજીવી નીવડ્યાં, તો કેટલાંક લાંબો સમય ચાલી શક્યાં. કેટલાંક કોઈ વિશેષ છાપ ઊભી ન કરી શક્યાં, તો કેટલાંક ખાસ્સાં લોકપ્રિય નીવડ્યાં. ગુજરાતી ભાષાનું પ્રથમ બાળસામયિક ‘સત્યોદય’ હતું. ૧૮૬૨માં સુરતથી પ્રસિદ્ધ થયેલા આ માસિકમાં મુખ્યત્વે ખ્રિસ્તીધર્મના પ્રચારને લગતી સામગ્રી આપવામાં આવતી હતી. શરૂઆતમાં તેમાં બાળભોગ્ય વાર્તાઓ, કાવ્યો અને અન્ય માહિતી આપવામાં આવતી પણ પાછળથી તેમાં ધર્મપ્રચારલક્ષી સામગ્રીનો વધુ ઉમેરો થતો ગયો તેથી તે માત્ર ધર્મપ્રચારલક્ષી સામયિક બની રહ્યું. ક્રિશ્ચિયન વર્નાક્યૂલર એજ્યુકેશન સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલું આ સામયિક સચિત્ર નહોતું. સપ્ટેમ્બર, ૧૮૭૭માં સુરતમાંથી જ પ્રસિદ્ધ થયેલું ‘બાળોદય’ પારસી લોકો પાસેથી મળેલું માસિક હતું. બાળકો માટે તેમાં ઘણી ઉપયોગી, જ્ઞાનવર્ધક અને આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવતી. આવી માહિતી એક પ્રશંસનીય કાર્ય હોવા છતાં તેમાં બોધલક્ષી લેખોનો અતિરેક હોવાથી તે બાળભોગ્ય સામયિક ન બની શક્યું. દરમિયાન ૧૮૭૯માં ‘બાલમિત્ર’ નામનું એક સામયિક શરૂ તો થયું પણ કદમાં નાનું, નાના ટાઇપો સાથેનું હોવાના કારણે તે બહુ ધ્યાન ખેંચી ન શક્યું અને થોડા સમયમાં બંધ થઈ ગયું. અમદાવાદમાંથી ૧૮૮૨માં શરૂ થયેલું ‘બાળજ્ઞાનવર્ધક’ પણ નાના ટાઇપવાળું અને ચિત્રો વગરની સામગ્રીવાળું સામયિક હતું. આ સામયિક બાળકો કરતાં મોટેરાંઓ માટેનું વધારે લાગતું હતું તેથી સારા બાળસામયિક સ્વરૂપે તે પણ ધ્યાન ખેંચવામાં સફળ ન રહ્યું. મહાશંકર લલ્લુભાઈ ભટ્ટે ૧૯૧૧માં વડોદરાથી ‘બાલશિક્ષક’ નામનું માસિક શરૂ કર્યું. આ સામયિકમાં ઇતિહાસ તથા પુરાણોની કથાઓ, સુવાક્યો, ઉખાણાં, મહાપુરુષોનાં ચરિત્રો, રમતગમત તથા ભૂગોળની માહિતી આપવામાં આવતી. શરૂઆતમાં તે સારા કાગળ પર, સુનિયોજિત સામગ્રી સાથે પ્રગટ થતું પણ પાછળથી તેનું મુદ્રણ સામાન્ય કાગળ પર થવા લાગ્યું. કદ પણ બદલાયું. આ સામયિક સચિત્ર હતું. તેની સામગ્રીને બે ભાગમાં વહેંચવામાં આવતી. પ્રથમ ભાગમાં મોટા ટાઇપમાં ચોથા ધોરણ સુધીનાં બાળકો માટેની અને બીજા ભાગમાં ચોથા ધોરણ પછીના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે સામગ્રી આપવામાં આવતી. ૧૯૧૨માં વડોદરાથી શ્રેયસ્સાસાધક અધિકારી વર્ગ તરફથી ‘બાળકોનો બંધુ’ માસિક શરૂ કરવામાં આવ્યું, તેના ફક્ત ચાર જ અંક પ્રસિદ્ધ થયા હતા. ૧૯૨૦માં શરૂ થયેલાં બે બાળસામયિકોએ સુંદર, સત્ત્વશીલ વાચનસામગ્રી આપવામાં નોંધપાત્ર કામ કર્યું છે. રમણલાલ ના. શાહના સંપાદન હેઠળ વડોદરાથી પ્રસિદ્ધ થતા ‘બાલજીવન’ માસિકમાં અનેક નીવડેલા તથા નવોદિત લેખકોની કૃતિઓ સુંદર ચિત્રો સાથે આપવામાં આવતી. સાથે સાથે ગ્રાહકોને બાળસાહિત્યનાં પુસ્તકો ભેટ તરીકે પણ અપાતાં. અર્ધી સદી સુધી બાળકોની સેવા કરીને, ૧૯૭૧માં આ સામયિક બંધ થયું. ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ તરફથી ૧૯૨૦માં શરૂ થયેલું ‘બાલમિત્ર’ માસિક ખરા અર્થમાં બાળકોનું મિત્ર બની રહ્યું. જુદા જુદા સમયે તેનું તંત્રીપદ સર્વશ્રી વિઠ્ઠલભાઈ પટેલ, ઓચ્છવલાલ ઉપાધ્યાય, મગનભાઈ ઓઝા વગેરેએ સંભાળેલું. તેમાં બાળવાર્તાઓ, કાવ્યો, ચરિત્રનિબંધો, પ્રસંગો, જ્ઞાનવિજ્ઞાનની માહિતી સાથે જરૂરિયાત પ્રમાણે ચિત્રો પણ આપવામાં આવતાં. બાળકોને સંસ્કારી બનાવવા માટેની સામગ્રી ઉપર ખાસ ધ્યાન અપાતું. આ સામયિકે પાંચ દાયકા સુધી બાળકોની સેવા કરી. છેલ્લે છેલ્લે તેનું સંચાલન-સંપાદન અભય કોઠારીને સોંપવામાં આવ્યું હતું. તેમાં જ્ઞાનવિજ્ઞાન, પર્યાવરણ, ગણિત, ચિત્રકામ વગેરે જેવા વિષયો અંગે પ્રવૃત્તિઓ આપવામાં આવતી. ‘બાળક’ સામયિકને પણ સારો આવકાર મળ્યો. ભીખાભાઈ વ્યાસના તંત્રીપદે અમદાવાદથી જાન્યુઆરી, ૧૯૨૩માં શરૂ થયેલા આ બાળસામયિકનો દેખાવ આકર્ષક હતો. તે સારા કાગળ પર છપાતું. તેનું મુદ્રણ સ્વચ્છ અને વાચનસામગ્રી બાળકોની જરૂરિયાત પ્રમાણેનાં હતાં. શરૂઆતમાં તે ત્રૈમાસિક સ્વરૂપે પ્રસિદ્ધ થયું. ૧૯૨૪માં તેને દ્વિમાસિક કરવામાં આવ્યું અને બે વર્ષ પછી તે માસિક બન્યું. ત્રણ દાયકા સુધી આ સામયિકે બાળકોની વાચનભૂખ સંતોષી. ‘ગાંડીવ’ નામનું સામયિક ગુજરાતનું સૌપ્રથમ પખવાડિક હતું. તે ૧૯૨૫ના ઓગસ્ટમાં સુરતથી શરૂ થયું હતું. સરસ, સુંદર, સત્વશીલ બાળસાહિત્ય પીરસવામાં આ સામયિકનું પ્રદાન પ્રશંસનીય રહ્યું. તેમાં મોટા ટાઈપમાં બાળકો માટે કથાઓ, નાટકો, ચરિત્રનિબંધો, પ્રસંગકથાઓ જેવી સામગ્રી આપવામાં આવતી. ગુજરાતી બાળકથાસાહિત્યમાં અનન્ય સ્થાન ધરાવતી બકોર પટેલની વાર્તાઓ પણ સૌ પ્રથમ આ પખવાડિકમાં પ્રસિદ્ધ થઈ હતી. બકોર પટેલનું પાત્ર આજે પણ ગુજરાતી બાળસાહિત્યમાં લોકપ્રિય છે. નટવરલાલ વીમાવાળા અને સુમતિ વીમાવાળાના તંત્રીપદે અને ત્યારપછી નટવરલાલ માળવીના તંત્રીપદે પ્રગટ થયેલું આ સામયિક બાળકોમાં ખૂબ જ પ્રિય હતું. જે. વી. માસ્ટરના તંત્રીપદે ૧૯૨૭માં ‘બાલવાડી’ નામનું માસિક શરૂ થયું. તેમાં બાળકો માટે સામગ્રી આપવામાં આવતી. તેમ છતાં તેનો મુખ્ય ઝોક ખ્રિસ્તીધર્મપ્રચાર તરફી રહેવાના કારણે તે વિશેષ ધ્યાન આકર્ષિત ન કરી શક્યું. એ જ રીતે ૧૯૩૧માં શ્રી ચંદ્રશંકર મ. ભટ્ટના તંત્રીપદે ‘બાલોદ્યાન’ સામયિક પણ ખાસ ધ્યાન ખેંચી ન શક્યું. કિશોરો માટેનું પ્રથમ સામયિક ‘કિશોર’ ૧૯૩૫માં નગીનદાસ પારેખના તંત્રીપદે શરૂ થયું હતું. આ સામયિકમાં કિશોરોના વિકાસને બળ મળે એવી સામગ્રી આપવામાં આવતી. વાર્તાઓ, કાવ્યો, નાટકો ઉપરાંત સામાન્યજ્ઞાન વધારે એવા લેખો પ્રગટ થતા. તેમાં હિન્દી વિભાગ પણ આપવામાં આવતો. ત્રીજા વર્ષને અંતે નગીનદાસ પારેખ નિવૃત્ત થતાં, તેની જવાબદારી રણછોડજી કેસુરભાઈ મિસ્ત્રીને સોંપાઈ. આ સામયિક ૧૯૫૦ સુધી ચાલ્યું. અમદાવાદથી ૧૯૩૭ના જૂન મહિનામાં શ્રી હિંમતલાલ ચુ. શાહે ‘બાલસખા’ માસિક શરૂ કર્યું. આ સામયિક સચિત્ર હતું અને સામગ્રીમાં પણ ઉત્તમ હતું. વિવિધ પ્રકારની વાચનસામગ્રી તેમાં અપાતી. બાળકોને લેખનક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે બાળકોની કૃતિઓનો અંક પણ તૈયાર કરવામાં આવતો, જેનું સંપાદન પણ કોઈ બાળકને સોંપવામાં આવતું. સામાન્ય અંકોમાં ‘બાળકોના લેખો’ શીર્ષકથી પ્રસિદ્ધ થતા વિભાગમાં પણ બાળકોએ લખેલી કૃતિઓ છપાતી. માર્ચ ૧૯૩૯માં સોમાભાઈ ભાવસાર તથા દિનેશ ઠાકુરના તંત્રીપદે ‘બાલજગત’ સામયિક અમદાવાદથી શરૂઆતમાં પાક્ષિક તરીકે અને તે પછી માસિક સ્વરૂપે પ્રગટ થયું. ચોથા વર્ષે તંત્રીપદની જવાબદારી ઇન્દુલાલ કોઠારી તથા કીરતન લટકારીએ સંભાળી. આ સામયિક ઠીક ઠીક પ્રમાણમાં સુઘડ અને સુયોજિત રહ્યું. ૧૯૪૧માં ‘વિદ્યાર્થી’ નામનું સામયિક ‘જયભિખ્ખુ’ના તંત્રીપદે શરૂ થયું હતું તે બાળભોગ્ય ન હતું. ૧૯૪૯માં મુંબઈથી શરૂ થયેલા ‘રમકડું’ માસિકનું ગુજરાતી બાળસામયિકોમાં સીમાચિહ્નરૂપ સ્થાન છે. આ સામયિક તેની અનેક ખૂબીઓના કારણે બાળકોમાં ખૂબ જ પ્રિય થયું. આજના જેવી ફોટોકમ્પોઝ તેમજ મુદ્રણની અદ્યતન સામગ્રી ઉપલબ્ધ ન હતી ત્યારે પણ આ સામયિકની રંગબેરંગી સજાવટ, સરસ-સુનિયોજિત-ચિત્રમય વાચનસામગ્રી સામયિકની એક આગવી મુદ્રા ઉપસાવી રહેતી. શરૂઆતમાં શામળદાસ ગાંધીએ તેનું તંત્રીપદ સંભાળ્યું. તે પછી તેમના પુત્ર કિશોર ગાંધીએ તેની જવાબદારી સંભાળી. ૧૯૮૧માં અમદાવાદથી તેનું સંપાદનસંચાલન રજની વ્યાસે પણ થોડોક સમય સ્વતંત્ર રીતે સંભાળ્યું પછી તે સંદેશ પ્રકાશન દ્વારા ૧૯૮૩ના ફેબ્રુઆરીથી પાક્ષિક તરીકે શરૂ થયું. ફાલ્ગુનભાઈ પટેલના તંત્રીપદે થોડો સમય ચાલીને તે બંધ થઈ ગયું. ‘રમકડું’ને તેના દરેક સ્તરે-સ્વરૂપે આદર મળ્યો. ‘રમકડું’ને મળેલી સફળતા તથા બાળકોમાં જાગ્રત થયેલી વાચનભૂખના કારણે ૧૯૫૨માં ગુજરાતી ભાષાનાં બે દૈનિકોએ પ્રથમ વાર બાળસામયિકો શરૂ કર્યાંં. ‘ગુજરાત સમાચારે’ ‘ઝગમગ’ શરૂ કર્યું; તો સંદેશે ‘બાલસંદેશ’ શરૂ કર્યું. બન્ને સાપ્તાહિકોને સારી એવી લોકપ્રિયતા મળી. સુંદર રંગબેરંગી ચિત્રો, ચિત્રકથાઓ, ધારાવાહિક વાર્તાઓ, ઉખાણાં વગેરે જેવી સામગ્રીથી સજ્જ થયેલાં આ બન્ને બાળસાપ્તાહિકોએ ગુજરાતી બાળસાહિત્યના પ્રસારનું ઉલ્લેખનીય કાર્ય કર્યું. બાળકથા સાહિત્યમાં પાછળથી જાણીતા થયેલાં કેટલાંક પાત્રો આ સાપ્તાહિકોની દેન છે, ‘ઝગમગ’ ૩૩ વર્ષ સુધી ચાલીને ૧૯૮૫માં બંધ થયું. ૧૯૮૮માં ફરીથી તેનું પ્રકાશન તો થયું પણ ૧૯૮૯ની આખરમાં પાછું એ બંધ થઈ ગયું ‘બાલસંદેશ’ લાંબા સમય સુધી પ્રગટ થતું રહ્યું અને છેવટે બંધ થઈ ગયું. મોટી અખબારી (Tabular) સાઇઝમાં બાળસામયિકો પ્રસિદ્ધ કરવાની પ્રથા ઉપર જણાવેલ બન્ને સામયિકોએ શરૂ કરી. એ જ સાઇઝમાં પાછળથી ‘જયહિન્દ’ દૈનિક દ્વારા ૧૯૬૭માં ‘ફૂલવાડી’ પણ શરૂ થયું, જે આજે પણ ચાલે છે. જયહિન્દ પ્રકાશનનું ‘નિરંજન’ સાપ્તાહિક પણ ૧૯૭૦માં આ સાઇઝમાં શરૂ થયું હતું પણ પાછળથી તેનું કદ નાનું કરીને, તેને પાક્ષિક તરીકે પ્રગટ કરવામાં આવી રહ્યું છે. સંદેશ પ્રકાશને ઑગસ્ટ ૧૯૮૬થી ‘ચિત્રકથા’ નામનું નવું સાપ્તાહિક શરૂ કર્યું પણ એકાદ વર્ષ ચાલીને તે બંધ થઈ ગયું. ડિસેમ્બર ૧૯૯૦માં આ જ સાઈઝમાં ‘રસવિનોદ’ સાપ્તાહિક અમદાવાદથી રસેશ કોઠારીના તંત્રીપદે શરૂ થયું છે. ભારતની ભાગ્યે જ કોઈ પ્રાદેશિક ભાષામાં આ સાઇઝમાં આટલી સંખ્યામાં બાળસામયિકો પ્રસિદ્ધ થયાં હશે. ૧૯૫૪માં ગુજરાતી ભાષામાં પરપ્રાંતીય બાળસામયિકોની આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની પરંપરા જાણીતા બાળમાસિક ‘ચાંદામામા’થી શરૂ થઈ. ‘ચાંદામામા’ની જેમ દિલ્હીનું ‘ચંપક’ અને મુંબઈનું ‘ટિન્કલ’ પણ ગુજરાતીમાં શરૂ થયાં. ત્રણેય સામયિકોનો, રંગીન મજાનાં ચિત્રો તથા ઉત્કૃષ્ટ મુદ્રણના કારણે સારો એવો ફેલાવો પણ થયો છે. પણ વાચનસામગ્રીની દૃષ્ટિએ ‘ચાંદામામા’માં પ્રસિદ્ધ થતી ભૂતપ્રેત અને અંધશ્રદ્ધાની છીછરી વાર્તાઓ તેની ગંભીર મર્યાદા ગણાય. ‘ચાંદામામા’ની સરખામણીમાં એકદમ નાનાં બાળકો માટેનું ‘ચંપક’ અને સરસ ચિત્રકથાઓ અને જ્ઞાનવિજ્ઞાનની માહિતી પીરસતું ‘ટિન્કલ’ વધારે બાળભોગ્ય કહી શકાય. ૧૯૯૧માં ‘ટમટમ’ માસિક પણ શરૂ થયું છે. તેમાં ફક્ત ચિત્રકથાઓ આપવામાં આવતી. ઓડિશા રાજ્યથી વિજયકુમાર મહાપાત્ર નામની એક ઉત્સાહી વ્યક્તિએ ભારતની લગભગ બધી ભાષાઓમાં ‘પ્યારી બહન’ નામને કેન્દ્રમાં રાખીને બાળસામયિક શરૂ કર્યું હતું. ૧૯૯૮માં એમણે ‘વહાલી બહેન’ની શરૂઆત કરી અને થોડાંક અંક પ્રગટ કર્યા. તેના મુખ્ય સંપાદક તરીકે હુંદરાજ બલવાણીએ સેવાઓ આપી. પ્રકાશકના અવસાન પછી આ સામયિક બંધ થઈ ગયું. ૧૯૫૮માં જીવરામ જોષીના તંત્રીપદે અમદાવાદથી ‘રસરંજન’ સામયિક શરૂ થયું. લગભગ બે વર્ષ બાદ તે બંધ થયું. ૧૯૬૨માં જનસત્તા પ્રકાશન દ્વારા ‘સબરસ’ સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. ૧૯૭૦ની આસપાસ તે બંધ થયું. જીવરામ જોષીએ ૧૯૬૫માં ‘રસવિનોદ’ નામનું પાક્ષિક શરૂ કર્યું. બે એક વર્ષ ચાલીને તે બંધ થયું. મનુભાઈ આર. રાવના તંત્રીપદે ૧૯૫૪માં ‘બાળકનૈયો’ માસિક વડોદરાથી શરૂ થયું. આ સામયિકોએ બાળસાહિત્ય ક્ષેત્રે ઉલ્લેખનીય ફાળો આપ્યો. અરવિંદ આશ્રમ: પોંડિચેરી તરફથી કવિ ‘સુંદરમ્’ના તંત્રીપદે ૧૯૬૬માં ‘બાલદક્ષિણા’ શરૂ થયું. છાપકામમાં વિશિષ્ટ હોવા છતાં તેમાં મોટાભાગની વાચનસામગ્રી અધ્યાત્મને લગતી છપાતી. તેથી તે બાળભોગ્ય ન બની શક્યું. ધીરજલાલ ગજ્જરના તંત્રીપદે ફરીથી ‘સબરસ’ નામનું સાપ્તાહિક ૧૯૭૭માં શરૂ થયું. તેમાં કથાઓ, લોકકથાઓ તથા જ્ઞાનવર્ધક સામગ્રી આપવામાં આવતી. બાળજગત પ્રકાશનનું કુમારો માટેનું માસિક ‘પગલી’ ૧૯૬૮ના નવેમ્બરમાં શરૂ થયું હતું. ફેબ્રુઆરી ૧૯૮૫થી ભૂલકાંઓ માટે પણ એ જ પ્રકાશનસંસ્થા દ્વારા ‘પા... પા... પગલી’ નામનું માસિક શરૂ કરવામાં આવ્યું. આ બન્ને માસિકોમાં બાળકોની અલગ અલગ વયમર્યાદાને ધ્યાનમાં રાખીને વાર્તાઓ, કાવ્યો, જોડકણાં, ચિત્રકથાઓ, પ્રસંગો, કાર્ટૂન વગેરે જેવી સામગ્રી ચિત્રો સહિત આપવામાં આવે છે. શૈલેશ પ્ર. પરીખના તંત્રીપદે તથા સર્વશ્રી પ્ર.ચી. પરીખ, મફત ઓઝા, બી. યુ. પારેખ, રતિલાલ સાં. નાયક, શિવમ્ સુંદરમ્ વગેરે જેવા સાહિત્યકારોના સંપાદન હેઠળ પ્રસિદ્ધ થતાં બન્ને સામયિકો ઉપયોગી વાચનસામગ્રી આપવામાં સફળ નીવડ્યાં છે. બાબુભાઈ જોષીના તંત્રીપદે ૧૯૬૮માં અમદાવાદથી ‘ચાંદાપોળી’ માસિક શરૂ થયું પરંતુ મુદ્રણ, વાચનસામગ્રી વગેરેની દૃષ્ટિએ એ ઉત્કૃષ્ટ બની શક્યું નથી. ૧૯૭૭માં અમદાવાદની સુમન સંસ્કાર નામની શૈક્ષણિક સંસ્થાએ, માલિની ચંદ્રવદન શાસ્ત્રીના તંત્રીપદ હેઠળ ‘સુમન સંસ્કાર’ માસિક પ્રગટ કર્યું. તેની વાચનસામગ્રી ધ્યાન ખેંચી શકે એવી હતી. ૧૯૮૪માં એ જ સામયિકને નવું ‘ચીં’ નામ આપીને તેના સ્વરૂપમાં ફેરફાર કરીને રમા ભિખેશ ભટ્ટના તંત્રીપદે શરૂ કરવામાં આવ્યું. તેનો એકાદ અંક પ્રસિદ્ધ થઈ શક્યો હતો. આકાર પ્રકાશનનું ‘બુલબુલ’ ઑફસેટ મુદ્રણ ધરાવતું ગુજરાતનું પ્રથમ પાક્ષિક હતું. શાલિભદ્ર શાહના તંત્રીપદે ૧૯૭૭માં અમદાવાદથી પ્રગટ થયેલા આ સામયિકમાં બહુરંગી ચિત્રો સાથે ઉત્તમ વાચનસામગ્રી આપવામાં આવતી. ૧૯૮૨ પછી તે બંધ થઈ ગયું. આંતરાષ્ટ્રીય બાળવર્ષ ૧૯૭૯માં બે સામયિકો શરૂ થયાં. શ્રદ્ધા દવેના તંત્રીપદે ‘બાલમસ્તી’ માસિક અમદાવાદથી શરૂ થયું જેમાં બાળકોને ગમે એવી સામગ્રી આપવામાં આવતી. બે-ત્રણ વર્ષ ચાલીને આ સામયિક બંધ થઈ ગયું. બીજું સામયિક ‘નાયક’ હતું જેનું સંપાદન જાણીતા બાળસાહિત્યકાર હરીશ નાયકના માર્ગદર્શન હેઠળ તેમની જોલી, ડોલી, ભોલી અને ફોલી નામની ચાર પુત્રીઓ કરતી. આ સામયિકમાં વાર્તાઓ, સાહસકથાઓ, વિશ્વની જાણીતી વાર્તાઓ આપવામાં આવતી. પાંચ વર્ષ ચાલીને ૧૯૮૩માં તે બંધ થઈ ગયું. ૧૯૮૩માં ભોપી આર. શાહના તંત્રીપદે શરૂ થયેલું ‘બાળકોનું છાપું’ દૈનિકપત્રની મોટી સાઇઝમાં માસિક રૂપે શરૂ થયેલું. તેમાં મુખ્યત્વે બાળકોની પ્રવૃત્તિઓને લગતા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા. એકાદ વર્ષ સુધી પ્રકાશિત થયા પછી સદ્વિચાર પરિવાર સંસ્થાએ તેના પ્રકાશનની જવાબદારી ઉપાડી. તે પછી તેનું કદ ઘટાડીને સામાન્ય સામયિકની સાઇઝનું કરવામાં આવ્યું છે. તેમાં સમાચારોને બદલે વિવિધ સામગ્રી આપવામાં આવતી. જાણીતા બાળસાહિત્યકાર જીવરામ જોષીએ જૂન ૧૯૮૪માં ‘ચમક’ નામનું બાળસામયિક શરૂ કર્યું. પાછળથી તેનું નામ બદલીને ‘છુકછુક’ કરવામાં આવ્યું. તેમાં મુખ્યત્વે જીવરામ જોષીની કૃતિઓ સરસ ચિત્રો સાથે છપાતી. બાળકોને જ્ઞાનવિજ્ઞાનની સમજ, માહિતી અને ઉપયોગિતાનો પરિચય કરાવવાના ઉદ્દેશથી, રાજેશ શાસ્ત્રીના તંત્રીપદે ‘વન્ડરફૂલ’ નામનું પાક્ષિક ૧૯૮૧માં શરૂ થયું. એ જ ઉદ્દેશથી નગેન્દ્રવિજયના તંત્રીપદે ‘સફાઈ’ પાક્ષિક પણ શરૂ થયું. ‘ટમટમ’ નામનું એક ટચૂકડું સામયિક ૧૯૮૯ની સાલમાં અશોક રામાનંદી અને મધુકાન્ત જોષીના સંપાદન હેઠળ રાજકોટથી શરૂ થયું છે. નવેમ્બર, ૧૯૮૭થી વિનોદ આર. શાહના તંત્રીપદે ‘ટીનટીન’ માસિક શરૂ થયું છે. એ જ પ્રકાશકોએ ‘મિની ચીકલેટ’ નામનું પણ સામયિક શરૂ કર્યું છે. ઑગસ્ટ, ૧૯૮૪માં હીરુભાઈ શુક્લના તંત્રીપદે ‘ફ્લાવર પૉટ’ માસિક નડિયાદથી શરૂ થયું. બેએક અંક પછી તે બંધ થઈ ગયું. ૧૯૯૧ના સપ્ટેમ્બરથી રસિક ઠાકર તથા વિજય પટેલના તંત્રીપદે ‘વાર્તા રે વાર્તા’ નામના વાર્તા માસિકનો ઉમેરો થયો છે. મહેસાણાના હરસાનીજી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ‘બાલપુષ્ટિ’ નામનું માસિક શરૂ કરવામાં આવ્યું, જેમાં મોટેભાગે બાળકોને પ્રેરણા આપવામાં તથા તેમને સંસ્કારી બનાવવા માટેની સામગ્રી આપવામાં આવતી. તેના તંત્રી રમેશભાઈ પરીખ હતા. નવેમ્બર ૧૯૯૬માં અમદાવાદની જાણીતી સંસ્થા ‘સેવા’ તરફથી બાલિકાઓ માટે ‘આકાશગંગા’ નામનું સુંદર બાળસામયિક શરૂ કરવામાં આવ્યું. તે હજી પણ નિયમિત પ્રસિદ્ધ થાય છે. ‘બાલસૃષ્ટિ’ માસિક ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર તરફથી નવેમ્બર ૧૯૯૬માં શરૂ થયું હતું. શરૂઆતમાં પ્રવીણસિંહ ચાવડા તેના સંપાદક હતા અને રતિલાલ બોરીસાગર તથા હુંદરાજ બલવાણી સહાયક સંપાદક હતા. તે પછી સંપાદકો બદલાતા રહ્યા છે. આ સામયિક ગુજરાતની બધી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે મોકલવામાં આવે છે. જાણીતા બાળસાહિત્યકાર યશવન્ત મહેતાના સંપાદનમાં ૧૯૯૯ની સાલમાં ‘બાલગુર્જરી’ નામનું માસિક શરૂ કરવામાં આવ્યું. તે પછી ફરીથી નામ બદલીને ‘બાલઆનંદ’ કરવામાં આવ્યું. તે પછી ફરીથી નામ બદલીને ‘સહજ બાલઆનંદ’ કરવામાં આવ્યું. ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદથી પ્રકાશિત થતું આ સામયિક ઘણું જ બાળભોગ્ય રહ્યું, પરંતુ ૨૦૧૮ના મધ્યથી તેનું પ્રકાશન બંધ કરવામાં આવ્યું. ભાવનગરના વિકાસ વર્તુળ તરફથી એપ્રિલ ૧૯૯૯માં શરૂ થયેલું ‘ધિંગામસ્તી’ સામયિક સરસ-મજાની સામગ્રી પૂરી પાડતું માસિક છે. ૧૯૯૯ના વર્ષમાં જ ‘અલકમલક’ નામથી નવભારત પ્રકાશન મંદિર, અમદાવાદ તરફથી બાળપાક્ષિકનો આરંભ થયો. ચાર અંકના પ્રકાશન પછી તેનું નામ બદલીને ‘જ્ઞાન ગમ્મત’ રાખવામાં આવ્યું. ચિત્રકાર વી. રામાનુજના સંપાદનમાં પ્રસિદ્ધ થતું આ સામયિક અમુક વર્ષો પછી બંધ થઈ ગયું. વર્ષ ૨૦૦૩ની આસપાસ આદિવાસી ભાષાઓ અને કળાઓ માટે કાર્યરત વડોદરાની સંસ્થા ‘ભાષા રિસર્ચ અને પબ્લિકેશન સેન્ટર’ તરફથી ‘બોલ’ નામનું દ્વિમાસિક ખાસ આદિવાસી બાળકો માટે શરૂ કરવામાં આવ્યું. તેમાં આવાં ક્ષેત્રોમાં રહેનારાં બાળકો માટે, તેમની બોલીમાં મજાનાં ગીત અને વાર્તાઓ અને બીજી માહિતી આપવામાં આવતાં. ૨૦૧૧ પછી ‘બોલ’નું પ્રકાશન બંધ કરવામાં આવ્યું. ગાંધીનગરસ્થિત ‘બાળ વિશ્વ વિદ્યાલય’ દ્વારા નવેમ્બર ૨૦૧૨માં ‘બાળવિશ્વ’ નામનું એક માસિક શરૂ કરવામાં આવ્યું, જેમાં બાળકોને ઉપયોગી થાય એવી સામગ્રી આપવામાં આવતી. આ સામયિક નિયમિત પ્રસિદ્ધ થતું રહ્યું છે. ગુજરાતીમાં એવાં પણ સામયિકો છે જે બાળકોની સાથે શિક્ષકો તેમજ વાલીઓને પણ ઉપયોગી થાય એવું સાહિત્ય પ્રકાશિત કરે છે. ‘બાલમૂર્તિ’ સામયિક બાબાપુર (જિ. અમરેલી)થી પ્રવીણભાઈ શાહના સંપાદન હેઠળ શરૂ થયું હતું. હવે તે વડોદરાથી પ્રસિદ્ધ થાય છે. ‘ભાવિક પરિષદ’ માસિક ગોવિંદભાઈ પટેલના સંપાદન અને નટવર પટેલના સહસંપાદનમાં અમદાવાદથી પ્રસિદ્ધ થાય છે. કુસુમ પ્રકાશનનું ‘બાલરંજન’ (૨૦૦૪) તથા અવનિકા પ્રકાશનનું વિજય ભાવસારના તંત્રીપદે નીકળતું ‘કસ્તૂરી’ (૨૯૧૪) પણ બાળકો તથા શિક્ષણમાં રસ લેનારાઓ માટે નિયમિત પ્રસિદ્ધ થતાં રહ્યાં પણ કેટલાંક કારણોસર હવે આ સામયિકો બંધ કરવામાં આવ્યાં છે. મોટા બેનરનાં બાળસામયિકો ઉપરાંત નાના નાના પ્રયત્નોથી પણ કેટલાંક સામયિકો પ્રસિદ્ધ થયાં છે. સૌરાષ્ટ્રમાંથી ‘બાળનગરી’ પછી ૨૦૧૧માં ‘બાલવિચાર’ નામનું સામયિક બોટાદથી રવજી ગાબાણીના તંત્રીપદે શરૂ થયું. એ જ વર્ષમાં ‘બાળ સમાચાર’ પણ બોટાદથી રત્નાકર નાંગરના તંત્રીપદે શરૂ થયું. વર્ષ ૨૦૧૨માં ‘કલરવ’ સામયિક દર્શન પટેલના તંત્રીપદે જસદણથી, વર્ષ ૨૦૧૪માં ‘બાલસેતુ’ માસિક ધર્મેન્દ્ર પટેલના તંત્રીપદે નાની કડીથી, વર્ષ ૨૦૧૫માં ‘ટમટમ કિડ્સ’ મધુકાન્ત જોષી અને જિગર જોષીના તંત્રીપદે રાજકોટથી અને વર્ષ ૨૦૧૬માં ‘બાલવાટિકા’ માસિક ભારતીબહેન બોરડના સંપાદનમાં અમરેલીથી પ્રસિદ્ધ થનારાં બાળસામયિકો છે. ઓછાં પાનાં, નાના કદનાં આ સામયિકોએ ઊંચી આશાઓ સાથે પગરણ કર્યું છે. આજે અન્ય પ્રાદેશિક ભાષાઓની સરખામણીમાં ગુજરાતીમાં બાળસામયિકો ઓછાં છે. અગાઉ શરૂ થયેલાં બાળસામયિકોમાંથી મોટાભાગનાં અલ્પજીવી નીવડ્યાં. આપણે ત્યાં ઉત્તમ બાળસાહિત્ય ઓછું સર્જાય છે, એમાં બાળસામયિકોની અતિ અલ્પસંખ્યા પણ એક કારણ છે. હું.બ.