ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી બોલીઓ
ગુજરાતી બોલીઓ: ભાષાનું વૈવિધ્ય બોલીઓના સ્વરૂપે સૌપ્રથમ પ્રકટ થાય છે. માન્યભાષા એ શિક્ષણ અને શિષ્ટ વ્યવહારનું માધ્યમ હોય છે પણ તે સમુદાય કે ભૌગોલિક ક્ષેત્રની વાસ્તવિક ભાષાપરિસ્થિતિનો ખ્યાલ ત્યાં બોલાતી બોલીના આધારે જ આવી શકે છે. ગુજરાત રાજ્યને મુખ્યત્વે ત્રણ ભૂમિભાગોમાં વહેંચી શકાય. સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પીય ભાગ, તળ ગુજરાતનો ભૂમિભાગ અને કચ્છનો રણપ્રદેશનો ભૂભાગ. કચ્છમાં કચ્છી બોલાય છે. કચ્છીના ભાષાકીય દરજ્જા વિશે ઘણાં મતમતાંતરો પ્રવર્તે છે. વિદ્વાનોનો એક વર્ગ તેને ગુજરાતી ભાષાની બોલી ગણવાના મતનો નથી. બીજો વર્ગ તેને ગુજરાતીની બોલી ગણવામાં ઝાઝી મુશ્કેલી જોતો નથી; જ્યારે અન્ય એક વર્ગ કચ્છીને બોલીના બદલે એક સ્વયંપર્યાપ્ત ભાષા ગણવાના પક્ષમાં છે. તળ ગુજરાતમાં ત્રણ બોલીક્ષેત્રો જોવા મળે છે. ઉત્તર ગુજરાતી, ચરોતરી(મધ્ય ગુજરાતી) અને સુરતી. પંચમહાલની બોલીને ચરોતરીના એક બોલીભેદ તરીકે ગણવામાં આવે છે. આ મુજબ બોલીપ્રદેશોની અંદર પેટાબોલીપ્રદેશો પણ તારવવાનો પ્રયત્ન થયો છે. સૌરાષ્ટ્રમાં સોરઠ, હાલાર, ઓખામંડળ, ઝાલાવાડ અને ગોહિલવાડ એ પાંચ બોલી ક્ષેત્રો સ્પષ્ટ રીતે જુદાં તારવી શકાય તેમ છે. એ જ રીતે ભરુચ જિલ્લામાં બોલાતી બોલીને સુરતીના એક બોલીભેદ તરીકે ગણવામાં આવે છે. ભીલી વિસ્તારમાં બોલાતી ભીલી બોલીઓ એમની આજુબાજુના મુખ્ય બોલીવિસ્તારોની બોલીઓ સાથે સંબંધ ધરાવે છે. ગ્રિઅર્સને ૨૨ જેટલી ભીલી બોલીઓનો ઉલ્લેખ કર્યો છે. ઉત્તર ગુજરાતની બોલીમાં મારવાડીની અસર જોવા મળે છે. આનું કારણ એ છે કે પંદરમી સદી સુધી ઉત્તર ગુજરાત અને રાજસ્થાન (ખાસ કરીને પશ્ચિમી રાજસ્થાન) વચ્ચે સહિયારી ભાષા હતી. દક્ષિણ ગુજરાતમાં પારસીઓ અને વહોરાઓની વસતીના કારણે ત્યાંની બોલી પર તેમની અસર જોવા મળે છે. હ.ત્રિ.