ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી રૂઢિપ્રયોગો

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી રૂઢિપ્રયોગો: શબ્દ જ્યારે એના વાચ્યાર્થ દ્વારા વાતને ચોટપૂર્વક, અસરકારક રીતે કે વેધક રીતે રજૂ કરવા સક્ષમ ન હોય ત્યારે ભાષક અન્ય વિશેષ શબ્દપ્રયોગ કરવા પ્રેરાય છે. અને આવા શબ્દપ્રયોગો વારંવાર એ જ અર્થમાં પ્રયોજાય છે ત્યારે એ ભાષામાં રૂઢ બનતાં રૂઢિપ્રયોગનો દરજ્જો ધારણ કરે છે. રૂઢિપ્રયોગ આમ વાચ્યાર્થરૂપ ન હોઈ લક્ષ્યાર્થરૂપ, વ્યંગ્યાર્થરૂપ કે અલંકારિક હોય છે. રૂઢિપ્રયોગમાં વાક્યનું સંપૂર્ણ એકમ નથી હોતું પણ બે કે બેથી વધુ શબ્દોનો સમૂહ કે પછી એનો વાક્યખંડ હોય છે. જેના અર્થો અને એના ઘટકોનાં વિન્યાસ પરથી એના બોધનું પૂર્વાનુમાન શક્ય નથી બનતું. બીજી રીતે કહીએ તો, આવા શબ્દસમૂહ કે વાક્યખંડનો એક અર્થ થાય પણ અન્ય ઘટકોનો અર્થ જોડવા જઈએ તો બેસે નહીં. પ્રત્યેક ભાષામાં આવા આગવા રૂઢિપ્રયોગો હોય છે અને તેથી એનો શબ્દાનુવાદ શક્ય નથી હોતો. ગુજરાતી ભાષા પાસે પણ રૂઢિપ્રયોગોની સમૃદ્ધ પરંપરા છે. રૂઢિપ્રયોગો જે તે દેશની રહેણીકરણી કે નીતિરીતિ ઉપર સારો પ્રકાશ પાડે છે એ સાથે ભાષાને સમૃદ્ધ અને બળવાન કરવાનું કાર્ય પણ કરે છે. ગુજરાતી ભાષામાં જે રૂઢિપ્રયોગો મળે છે તેમાં ઘણાખરા નામની સાથે ક્રિયાપદ સંયોજાઈને થયેલા છે. એમાં ઘણા પ્રયોગો શરીરના કોઈપણ અવયવો બતાવનારા શબ્દો સાથે જુદાં જુદાં ક્રિયાપદો જોડાઈને થાય છે: પેટ ચોળીને શૂળ ઊભું કરવું, માથાના ફરેલા હોવું, હાથ કાળા કરવા, દાંતે તરણાં લેવડાવવાં, પગ ધોઈને પીવા, આંખ બતાવવી, નાક કાપવું વગેરે. આભ, ધરતી, વા-પવન, ઝાડ, પાણી, ધૂળ જેવા પ્રાકૃતિક પદાર્થોને લઈને પણ રૂઢિપ્રયોગો થાય છે: આકાશ તૂટી પડવું, આભ ફાટવું, ધરતીનો છેડો આવી જવો, વા ખાતો કરવો, ધૂળ ચાટતું કરવું, પાણી ફેરવવું વગેરે. પ્રાણીઓનાં નામ ઉપરથી પણ રૂઢિપ્રયોગો નીપજ્યાં છે: ગધેડે ચડવું, કૂતરાની પૂંછડી વાંકી હોવી, હાથીનો પગ વગેરે. કેટલાંક વિશેષ નામોને આધારે સિદ્ધ થયેલા પ્રયોગો જોઈ શકાય છે: શકુનિમામો, રામરાજ્ય, હીરજી ગોપાળ, નવલશા હીરજી, સુદામાની ઝૂંપડી વગેરે. આ ઉપરાંત લોકોમાંના રીતરિવાજને આધારે ઊભા થયેલા પ્રયોગો પણ છે: સાપનો ભારો હોવું, સ્નાન સૂતકનો સંબંધ ન હોવો, સતી થવું, લીલા તોરણે પાછા ફરવું, હાથે-પગે મેંદી મૂકવી, મીઠડાં લેવાં, બારણે દીવો રહેવો વગેરે. કેટલાક પ્રયોગો વક્રોક્તિ માટે પ્રયોજાય છે: સરસ્વતી સંભળાવવી, આરતી ઉતારવી, મેથીપાક આપવો, પુષ્પાંજલિ આપવી, અમાસનો ચંદ્રમા વગેરે. અતિશયોક્તિવાળા પ્રયોગોનાં દૃષ્ટાંતો પણ ઘણાં છે: કાળજું ફાટી જવું, આકાશના તારા લાવવા, આકાશમાં ઊડવું, કમર પર કાંકરો મૂકી કામ કરવું, પેટમાં તેલ રેડાવું, ઊગતા સૂરજને પૂજવો, ઊડતા કાગને પાડે એવું, વડના વાંદરા ઉતારે એવું, એકમેકના મોંમાં થૂંકે એવું, કડવું ઝેર જેવું, કાંત્યું પીંજ્યું કપાસ થવું, કિનારે આવેલું વહાણ ડૂબવું, છાણે વીંછી ચડાવવો વગેરે. અનેક રૂઢિપ્રયોગો કોઈ ને કોઈ અલંકારને સ્પર્શે એવા મળે છે તો એક જ અર્થ આપતા અનેકવિધ પ્રયોગો પણ છે: પાણી વલોવવું, હવામાં બાચકા ભરવા, આભ સાથે બાથ ભીડવી એ પ્રયોગો મિથ્યા પ્રયાસના અર્થમાં છે. પગે લાગવું કે નવગજના નમસ્કાર કરવા એ ‘ન જોઈએ’ના અર્થમાં છે. તો, ક્ષણિક વસ્તુ માટે પાણીનો પરપોટો, ઘડીનું ઘડિયાળ, સાડા ત્રણ ઘડીનું રાજ્ય જેવા પ્રયોગો છે. કેટલાક રૂઢિપ્રયોગો સ્થાન વિશેષતાના આધારે ઉદ્ભવ્યા છે: દિલ્હીનો ઠગ, સુરતી લાલા, ઇડરિયો ગઢ જીતવો વગેરે. જેમાં મુખ્ય અંશ એક જ હોય અને એક જ અર્થમાં પ્રયોજાતા હોય એવા રૂઢિપ્રયોગો જુદા જુદા પ્રદેશના લોકો જુદી જુદી રીતે બોલે છે: સાબરમતીમાં મોં ધોઈ આવ કે સુરસાગરમાં મોં ધોઈ આવ. ગુજરાતમાં પ્રયોજાતા આ રૂઢિપ્રયોગોમાં તાપીથી મહી સુધીના ભાગમાં વપરાતા, મહીથી સાબરમતી સુધીના ભાગમાં વપરાતા અને સૌરાષ્ટ્રના ભાગમાં વપરાતા એમ અલગ અલગ રૂઢિપ્રયોગો જોવા મળે છે. એક ભાગમાં બોલાતો પ્રયોગ બીજા ભાગમાં નથી બોલાતો. ટૂંકમાં, પ્રજાની સાંસ્કૃતિક અને સામાજિક ચેતનાને પ્રતિબિંબિત કરતા, લાક્ષણિક, ધ્વનિપૂર્ણ કે અલંકારિક રૂઢ શબ્દપ્રયોગો ભાષાની એક બલિષ્ઠ સામગ્રી છે. ઈ.ના.