ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી લિપિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી લિપિ: ભારતમાં ઈ. પૂર્વે ચોથી-ત્રીજી સદીમાં બ્રાહ્મી લિપિનો દેશવ્યાપી પ્રચાર થયેલો. આ લિપિમાંથી દેશના જુદાજુદા ભાગોમાં જુદીજુદી પ્રાદેશિક લિપિઓ ઘડાઈ. નાગરી, ગુજરાતી, બંગાળી, તમિળ વગેરે અર્વાચીન લિપિઓ બ્રાહ્મીની જ દુહિતાઓ છે. બ્રાહ્મીલિપિમાંથી નવમી સદીમાં ગુજરાતમાં નાગરીલિપિનું સ્વરૂપ ઘડાવા લાગ્યું હતું. અને પંદરમી સદી સુધીમાં તો એ લિપિ અર્વાચીન નાગરીની બિલકુલ નિકટ પહોંચી ગઈ હતી. નાગરીલિપિ અટપટા ખાંચાખચકાવાળી હોવાથી ગુજરાતમાં એનું લેખનસુલભ એક પ્રાદેશિક રૂપ વિકસ્યું અને એમાંથી રૂપાન્તર અને સંસ્કરણ થતાં ગુજરાતી લિપિ ઘડાઈ. આજે જેને ‘ગુજરાતીલિપિ’ કહેવામાં આવે છે તેને અગાઉ ‘ગૂર્જર’, ‘વાણિયાશાઈ’ અને ‘મહાજન’ લિપિ તરીકે ઓળખવામાં આવતી. સોળમી સદીના ગ્રન્થ ‘વિમલપ્રબંધ’માં આપેલી ૧૮ લિપિઓની સૂચિમાં ‘ગૂર્જર’લિપિનો ઉલ્લેખ મળે છે. તે પરથી કહી શકાય કે એ સદી સુધીમાં નાગરીલિપિનું આ પ્રદેશમાં થયેલું રૂપાન્તર સ્વતંત્ર પ્રાદેશિક લિપિનું સ્વરૂપ ગણી શકાય એવી ક્ષમતાવાળું બન્યું હતું. ગુજરાતીલિપિનો જૂનામાં જૂનો નમૂનો પણ સોળમી સદીના અંતમાં ‘આદિપર્વ’ નામના ગ્રન્થની પ્રતમાંથી મળે છે, તે ‘વિમલપ્રબંધ’ના ઉલ્લેખને સમર્થન આપે છે. અલબત્ત, પંદરમી સદીથી ગુજરાતીલિપિના રૂપાન્તરની પ્રક્રિયા શરૂ થઈ હતી અને વખત જતાં એમાંથી વર્તમાન ગુજરાતીલિપિનું સ્વરૂપ ઘડાયું. સોળમી-સત્તરમી સદી દરમ્યાન આ લિપિનો મુખ્યત્વે વાણિયાઓના હિસાબકિતાબ અને નામાઠામામાં તેમજ સામાન્ય વ્યવહારમાં ઉપયોગ થતો હતો. એમાં ગ્રન્થાલેખન ભાગ્યે જ થતું. એનું કારણ સંભવત: એ સમયે એ લિપિ પૂર્ણપણે વિકસી નહોતી. હિસાબકિતાબ અને સામાન્ય લખાણમાં જરૂરી અક્ષરોના મરોડોનો વિકાસ થયો હતો. વળી, એ વખતે લખાણ અંતર્ગત ‘ઈ’ અને ‘ઉ’નો પ્રયોગ જોવા મળતો નથી. આ બધી બાબતો ગ્રન્થલેખનમાં વિઘ્નરૂપ હોઈને એમાં ગ્રન્થ લખાતા ન હતા, પણ ધીમે ધીમે એમાં બધા અક્ષરોના ગુજરાતી મરોડો ઘટ્યા. આ લિપિનાં લગભગ બધાં ચિહ્ન રૂપાંતરિત થયાં હોવાથી એ ધીમે ધીમે ગ્રન્થલેખનમાં પણ પ્રયોજાઈ. ગુજરાતી લિપિના રૂપાન્તર પરત્વે વિશિષ્ટ લક્ષણો આ મુજબ છે: ૧, રોજિંદા વ્યવહારમાં ઝડપથી લખી શકાય એ માટે નાગરીના દરેક અક્ષરની ટોચે અલગ અલગ ઉમેરાતી શિરોરેખાનો લોપ કરવામાં આવ્યો અને એની જગ્યાએ આખી લીટીની એક સળંગ શિરોરેખા દાખલ કરવામાં આવી; જેથી પંક્તિ સીધી સપાટીએ લખાય. મુદ્રણકલાના આગમન (અઢારમી સદીના અંત) પહેલાંના ગ્રન્થોમાં અને શરૂઆતના શિલાછાપગ્રન્થોમાં, દેશી નામાંઓમાં તેમજ પત્રવ્યવહારમાં આ પ્રમાણે સળંગ લીટી દોરીને અક્ષર એની નીચે લટકાવવામાં આવતા. ૨, શિરોરેખા વગર અક્ષર ઝડપથી લખવાને લઈને અક્ષરોની ડાબી બાજુની ટોચ ડાબેથી વૃત્તાકાર ધારણ કરે ને જમણી બાજુનો નીચલો છેડો જમણી બાજુ વૃત્તાકાર ધારણ કરે એ સ્વાભાવિક બન્યું. દા.ત., ખ, ગ, ચ, પ, ય, ર, સ – વગેરે. અપવાદરૂપ થોડા અક્ષરોમાં – દા.ત., ઘ, દ, ડ, ધ, બ અને વ-માં ડાબી ટોચ જમણી બાજુએ વળે છે. ૩, એકંદરે ઘણા મૂળાક્ષરો નાગરી વળાંકદાર મરોડ જેવા રહ્યા. જેમકે ગ, ઘ, દ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, ધ, ન, પ, મ, ય, ર, વ, શ, ષ, સ અને હ. પણ બીજા અક્ષરોમાં સળંગ કલમે લખાતાં તેનાં મૂળ સ્વરૂપમાં વિશિષ્ટ પરિવર્તન થયું, જેમકે અ, ઇ, ઈ, ઉ, ઊ, ક, ખ, ચ, જ, દ, ફ, બ, ભ અને ળ. વાસ્તવમાં ગુજરાતી લિપિ આ નવીન અક્ષરોને લઈને જ નાગરીથી જુદી પડે છે. ૪, મૂળ સ્વરચિહ્નોમાં ‘ઇ’ અને ‘ઉ’ની જેમ ‘એ’ અને ‘ઓ’નાં સ્વતંત્ર ચિહ્નો નાગરીલિપિમાં પ્રચલિત હતાં. ગુજરાતીલિપિમાં ‘એ’ અને ‘ઓ’ બંનેનાં સ્વતંત્રચિહ્નોનો લોપ થયો અને જેમ વર્તમાન નાગરીમાં ‘ઓ’ અને ‘ઔ’ એ બે સ્વરચિહ્નો ‘અ’ પરથી સાધિત થાય છે તેમ ગુજરાતી લિપિમાં એ, ઐ, ઓ અને ઔ – ચારે ય સ્વરચિહ્નો ‘અ’ પરથી સાધિત થયાં. ૫, ગુજરાતીલિપિમાં ‘ણ’ અને ‘શ’ દેવનાગરીમાંથી અ, ઝ અને લ ગુજરાતમાં પ્રચલિત નાગરી અને જૈનલિપિમાંથી તેમજ છ, ક્ષ અને લ્ મરાઠી બાળબોધમાંથી પ્રચલિત થયા છે. ૬, ગુજરાતી અક્ષરો અને અંકચિહ્નોના ઘડતરની પ્રક્રિયામાં ૨ (બે) અને ૫ (પાંચ)ના અંકોના મરોડ વર્ણ અને અંકચિહ્ન સાથે ભ્રામક બને છે. પણ આવા અક્ષરોનું પ્રમાણ જૂજ છે. ૭, નાગરીલિપિમાંથી ઉદ્ભવતી હોવાને લઈને આ લિપિ, લેખનની દિશા, અક્ષરના સ્વરૂપ અંતર્ગત સ્વરચિહ્નોનું સ્વરૂપ અને તેમને જોડવાની પદ્ધતિ; સંયુક્તાક્ષરોનું સ્વરૂપ અને તેમને સંયોજવાની પદ્ધતિ, અંક–ચિહ્નોના પ્રયોગની પદ્ધતિ વગેરે બાબતમાં નાગરીલિપિ સાથે સ્વાભાવિક રીતે જ ઘણું સામ્ય બતાવે છે. જો વહેલોમોડો નાગરીલિપિમાંથી શિરોરેખાને રુખસદ આપવાનો સુધારો અપનાવવામાં આવે તો એમાં ગુજરાતી લિપિ અનુભવસિદ્ધ માર્ગદર્શન પૂરું પાડી શકે એમ છે. પ્ર.ચી.પ.