ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી શબ્દભંડોળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી શબ્દભંડોળ: કોઈપણ ભાષાનું શબ્દભંડોળ તે ભાષાની વિચારો વ્યક્ત કરવાની ભાષાસામગ્રીનો એક વૃત્તાંત છે. અને જે ભાષાનું એ શબ્દભંડોળ હોય તે ભાષા બોલતી પ્રજાનાં ઇતિહાસ અને સંસ્કૃતિની તથા તેમાં થતાં પરિવર્તનોની અસર એના શબ્દભંડોળ પર પડતી જ હોય છે. અને એને પરિણામે સમયે સમયે શબ્દભંડોળમાં વધઘટ થતી જ રહે છે. શબ્દભંડોળમાં વધઘટ થવાનાં અનેક કારણો વિચારી શકાય. જેવાં કે અમુક પદાર્થ કે અનુભવો, વસ્તુઓ ભુલાઈ જતાં તેમના દર્શક શબ્દો વપરાશમાંથી લુપ્ત થાય છે. કોઈવાર જૂના શબ્દોની જગ્યાએ નવા શબ્દો પ્રચલિત થાય છે. માણસનું અનુભવજ્ઞાન વધતાં જ્ઞાનની નવીનવી ક્ષિતિજો ખૂલતાં, વિચારવિનિમયની જરૂરિયાત વધતાં એને માટે નવા ને નવા શબ્દો ઘડાતા જાય છે. વૈજ્ઞાનિક અને તકનિકી પ્રગતિ નવા શબ્દોના સર્જનનું મહત્ત્વનું કારણ છે. જે નવી નવી શોધો થાય છે તેને માટે નવા નવા શબ્દો યોજવા પડે છે. રેડિયો, ટેલિફોન, રૉકેટ...વગેરે તેનાં ઉદાહરણો છે. જાહેર ખબરની આ દુનિયામાં જાહેરાતો માટે પણ નવા નવા શબ્દો યોજાતા જાય છે. જેમકે અમેરિકામાં રેફ્રિજરેટરની એક કંપનીએ ‘ફ્રિજિડેર’ નામ પોતાના બનાવેલાં રેફ્રિજરેટર માટે વાપર્યું ત્યારથી ‘ફ્રિજિડેર’ અને તેનો સંક્ષેપ ‘ફ્રિજ’ બધા રેફ્રિજરેટર માટે વપરાવા લાગ્યો. તે જ રીતે આપણે ત્યાં સ્ટવની જાહેરાત કરતી એક કંપનીના નામ ‘પ્રાઈમસ’ પરથી તે જ શબ્દ સ્ટવ માટે વપરાતો થયો. એવું જ ‘સનમાઈકા, ફોરમાઈકા’ માટે પણ થયું. સામાજિક વ્યવહાર અને રહેણીકરણીમાંના પરિવર્તનને કારણે પણ નવા નવા શબ્દો સર્જાય છે. જેમકે અંગ્રેજોના પરિચયને પરિણામે આધુનિક જમાનામાં ‘ડાયવોર્સ’ની પ્રથા અમલમાં આવી. અને તેને માટે ‘છૂટાછેડા’ જેવો નવો શબ્દ ઘડાયો. કેળવણીની અને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરવાથી અનેક નવા પારિભાષિક શબ્દોનું ઘડતર થયું. આમ, અનેક શબ્દો ભાષકની અભિવ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ઘડાતા જ જાય છે. સાથોસાથ અમુક શબ્દો વપરાશમાંથી લુપ્ત પણ થતા જાય છે. એના મુખ્ય કારણમાં ‘નિષિદ્ધ’નું તત્ત્વ. દરેક ભાષામાં અમુક શબ્દો ઉચ્ચારવામાં નિષેધ જોવા મળે છે. આથી આવા શબ્દો વપરાશમાંથી લોપ પામે છે. ખાસ કરીને શરીરના ઉત્સર્ગ અવયવો, લૈંગિક અવયવો...વગેરે માટેના શબ્દો બીજાની હાજરીમાં બોલવાનું અસભ્ય અને અવિવેકી ગણાય છે. અમુક જાતિઓમાં ધર્મ, ખોરાક, પોશાકની બાબતો કે અમુક જાતિઓમાં તો પોતાનું નામ સુધ્ધાં ઉચ્ચારી શકાતું નથી. આપણે ત્યાં પણ મરણને અમંગળ ગણતાં હોવાથી ‘મૃત્યુ પામ્યા’ કે ‘મરી ગયા’ને બદલે ‘ગુજરી ગયા’ ‘સ્વર્ગસ્થ થયા’, ‘વિદેહ થયા’, કે ‘શ્રીજીચરણ પામ્યા’, ‘વૈકુંઠવાસી થયા’... વગેરે પ્રયોગો થાય છે. અર્થસંકોચ કે અર્થવિસ્તાર જેવાં કારણોને લઈને પણ શબ્દના વપરાશમાં પરિવર્તન આવે છે અને ‘રસોઇયા’ને બદલે ‘મહારાજ’, ‘ભંગી’ને બદલે મેહતર (महत्तर:) કે ‘હરિજન’..વગેરે શબ્દો પ્રચલિત થયા છે. અમુક ઉપશિષ્ટ શબ્દો પણ શબ્દના વપરાશમાં પરિણામ લાવે છે જેમકે ‘બાફ્યું, ઉકાળ્યું, પોતડીદાસ. શબ્દસંક્ષેપની પ્રક્રિયાને લીધે પણ નવા શબ્દો પ્રચારમાં આવે છે જેમકે ‘સુદ વદ’ તે શુકલદિન, વહુલદિન (बहुलदिन)નું જ સંક્ષેપરૂપ છે. તે જ પ્રમાણે અંગ્રેજીના ફોટો(ગ્રાફ), મેટ્રીક (યુલેશન) વગેરે શબ્દો પણ સંક્ષેપરૂપ જ છે. તે જ પ્રમાણે યુનો, યુનેસ્કો, બી. એ. વગેરે સંક્ષેપરૂપો જ ભાષામાં પ્રચલિત છે. ગુજરાતીના (ભોંય) શિંગ, (વાલ) પાપડી, (જપ) માળા...વગેરે રૂપો પણ સંક્ષેપરૂપો જ છે. તો વળી છપ્પનિયો (દુકાળ), દંડવત્ (પ્રણામ) જેવાં સંક્ષેપરૂપો પણ પ્રચલિત છે. આમ અનેક કારણોસર કોઈપણ ભાષાના શબ્દભંડોળમાં હંમેશાં વધઘટ થતી જ રહે છે. શબ્દભંડોળ પર અસર કરનારું બીજું પ્રભાવક બળ તે ભાષા બોલતી પ્રજાનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ. ગુજરાતના ઉદ્ગમ કાળે ગુજરાતીનો મધ્યવર્તી શબ્દભંડોળ તો તદ્ભવ શબ્દોનો એટલેકે સંસ્કૃત અને પ્રાકૃતમાંથી વ્યુત્પન્ન થયેલા શબ્દોનો છે. જેમકે સૂરજ, હાથ, કામ, સાથોસાથ અપભ્રંશ અને દૃશ્ય શબ્દોમાંથી ઊતરી આવેલા શબ્દો પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. જેમકે પેટ, ઢીંગલી, હેલી. સંસ્કૃત ભાષાએ પણ તેમના પરિચયમાં આવનાર દ્રવિડી ભાષા પાસેથી અનેક શબ્દો સ્વીકાર્યા હતા, જે ગુજરાતીમાં પણ ઊતરી આવ્યા છે. જેમકે પૂજા, નાડું...વગેરે. ઉપરાંત ગુજરાતની રાણી મીનળદેવી કર્ણાટકની હોવાથી અમુક કાનડી શબ્દો ગુજરાતીમાં ઊતરી આવ્યા છે. જેમાંના મુખ્ય ગિલ્લીદંડાની રમતના વકટ, લેણ, મૂર, નાર...તથા એલચી, ઇદડા વગેરે શબ્દો. આપણા બધા ધર્મવિધિ સંસ્કૃતમાં હોવાને લીધે અને ધર્મના અને બ્રાહ્મણોના વર્ચસ્વને કારણે ફરીથી સંસ્કૃત તત્સમ – શબ્દોનું ભારણ વધે છે. ‘સૂર્ય નમસ્કાર, ધ્યાન, ચિંતન, મનન વૈષ્ણવ, શૈવ, આરાધના, દીપ, પંચામૃત, આચમન’..વગેરે. તથા ‘ભાષા, જ્ઞાન, અર્થ, મહત્ત્વ, અગત્ય, નદી, માલા, વૃદ્ધિ, આગમન, પ્રચલન, પ્રભાવ, પ્રભાવક.’... જેવા તત્સમ શબ્દો તથા કેળવણી અને મનની નવી નવી ક્ષિતિજો વિસ્તરવાથી નવા પારિભાષિક શબ્દોના ઘડતર માટે સંસ્કૃત ઉપર જ આધાર રાખતાં અનેક પારિભાષિક શબ્દો તત્સમ શબ્દો પરથી ઘડાયા. અલબત્ત, તેનો સંદર્ભ બદલાઈ ગયો. આ સિવાય આપણે જે જે પરભાષાના સંપર્કમાં આવ્યા તે તે ભાષામાંથી અનેક શબ્દો આપણા શબ્દભંડોળમાં ઉમેરાયા છે. જેમકે આઠ-દસમી સદીથી ગુજરાતનો આરબ રાજ્યો સાથેનો વેપાર ચાલુ હતો. આથી વહાણવટાને લગતા ઘણા શબ્દો અરબી છે. જેમકે ટંડેલ...વળી મોગલો અને મુસલમાનોના રાજ્ય દરમ્યાન ફારસી ભાષા રાજભાષા હતી. તેથી ફારસીના તથા ફારસી દ્વારા આયાત થયેલા અરબીના ઘણા શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં સ્થાન પામ્યા છે. જેમકે અરબી શબ્દો: અકલ, આબેહૂબ, ઇન્સાફ વગેરે. ફારસી શબ્દો: અજમાયશ, આબાદી, ખરીદ, ગુમાસ્તો ગુજરાન, તાજગી, તવંગર.. વગેરે. ઉર્દૂ ભાષાના થોડા શબ્દો: પરદો મહાવરો, અનામત આપણી ભાષામાં ઊતરી આવ્યા છે. ત્યારબાદ, પંદરમી સદીથી યુરોપીય વેપારીઓ સાથેના વ્યાપારિક સંબંધો બંધાયા. સોળમી સદીથી તો યુરોપીય લોકોનું આક્રમણ થયું. સૌ પ્રથમ પોર્ટુગીઝ લોકોના સંપર્કમાંથી એમની ભાષાના શબ્દો ગુજરાતીમાં આવ્યા. જેમકે પોર્ટુગીઝ શબ્દો: પગાર, પલટન લિલામ વગેરે. ડચ લોકોનું આક્રમણ થયું. તેની ભાષાનો બહુ પ્રભાવ ન પડ્યો. ‘વલંદા’ જેવો શબ્દ આપણે અપનાવ્યો. ત્યારબાદ ફ્રેન્ચોનું આક્રમણ થયું. તેની અસર પણ ભાષા ઉપર બહુ જ થઈ. અમુક ફ્રેન્ચ શબ્દો જેવા કે રેસ્ટોરાં, કાફેટેરિયા..વગેરે. અંગ્રેજી દ્વારા પ્રચારમાં આવ્યા. અંગ્રેજોની અસર વિપુલ પ્રમાણમાં પડી અને અનેક અંગ્રેજી શબ્દો વપરાશમાં આવ્યા. જેવા કે રસીદ, દાક્તર, સ્કૂલ, કૉલેજ, બૂટ, અપીલ, ટેબલ, એન્જિન, રેલ્વે, પ્લેટફોર્મ, ટિકિટ, મોટર, બસ, પેન, પેન્સિલ, નોટ...વગેરે. અંગ્રેજી પ્રજાના અમલ દરમ્યાન આધુનિક કેળવણીનો પાયો નંખાયો. અને જ્ઞાનની ક્ષિતિજો ખૂલી ગઈ. અનેક નવા વિષયોનો અભ્યાસ શરૂ થયો. ઉચ્ચ કેળવણીનું માધ્યમ અંગ્રેજી હતું. તેથી રસાયણશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર વગેરે વિષયોના પારિભાષિક શબ્દો ગ્રીક, લેટિનના તે અંગ્રેજી દ્વારા શિક્ષિત લોકોમાં પ્રચાર પામ્યા. ઉપરાંત બિશપ, ચર્ચ જેવા લેટિન શબ્દો પણ આવ્યા. અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ ઘણો ઊંડો પડ્યો. તેથી નવલિકા, નવલકથા, ઊર્મિકાવ્યો સૉનેટ જેવા શબ્દો અને સાહિત્યસ્વરૂપો અંગ્રેજીની અસરથી ઘડાયાં. ભાષાન્તર પ્રવૃત્તિને લીધે આપણા ચાલુ ગુજરાતી શબ્દોના સંદર્ભો પણ બદલાયા. જેમકે પગલાં લેવાં – steps to be takenનું ભાષાંતર છે આ સિવાય ગુજરાતી શબ્દભંડોળ ઉપર બીજી નવ્ય ભારતીય આર્યભાષાઓની અસર પણ એટલી જ રહી. સંતોની પ્રવૃત્તિને કારણે વ્રજભાષાની અસર વધુ વ્યાપક રહી. દયારામ, અખો જેવા ગુજરાતી સાહિત્યકારોએ વ્રજમાં રચના પણ કરી. આ ઉપરાંત મરાઠી સંતોની આવનજાવનને કારણે મરાઠી ભાષાની પણ અસર પડી. નરસિંહની રચનામાં ‘નરસૈયાચા સ્વામી’ શબ્દપ્રયોગ જોવા મળે છે. જેમાં ચા મરાઠીનો પ્રત્યય છે. વળી ગુજરાતમાં ગાયકવાડી રાજ્ય સ્થપાયું તેથી મરાઠી સાથેના સંપર્કથી આઈ, આપા, ભાંગ, ચીચોડો, નિદાન, ચળવળ, વાટાઘાટ, અટકળ, કુટકળ, મવાલ, હલકટ, તાબડતોબ, નિમણૂક, વર્તણૂક, પંતુજી, ગપ...વગેરે મરાઠી શબ્દો વપરાશમાં આવ્યા. રવીન્દ્રનાથ ટાગોરની અને બંગાળી સાહિત્યની અસરથી થોડાક બંગાળી શબ્દો ગુજરાતીમાં વપરાવા લાગ્યા. જેમકે બંગલો, અપરૂપ, રૂપસી, મહાશય, બાબુ, બાની, શિલ્પ (રચનાકળાના અર્થમાં)...વગેરે. નવ્ય ભારતીય-આર્ય ભાષાઓમાં સૌથી વધુ અસર હિન્દીની પડી. ગાંધીજીએ હિન્દીનો કરેલો વ્યાપક પ્રયોગ અને રાષ્ટ્રભાષા બનતાં તેનું વધેલું મહત્ત્વ, વ્રજભાષા સાથે તેનો સીધો સંબંધ, હિન્દી ચલચિત્રોની વ્યાપક અસર આ બધાં કારણોને લીધે ઘણા હિન્દી શબ્દો વપરાશમાં આવ્યા. જેમકે બહાર (વસંત) કૃપયા, બુઢ્ઢો, બોજો, બિરાજવું, બંસી, બડભાગી, બાદલ, જોબન, નેન, ભલમનસાઈ, આબાદી, ભભૂત, આસાની, શહીદ, હસ્તી, જિંદગી, મંજિલ, શાયર, હમદર્દી, આરઝૂ, ગાયકો, અપનાવવું... વગેરે. આ સિવાય બીજી પરદેશી ભાષાના રડ્યાખડ્યા શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં સ્થાન પામ્યા છે. જેવા કે રશિયન શબ્દ: સ્પુટનીક; જાપાની શબ્દ: કિમોનો; મલયી શબ્દ: બામ્બુ; ઑસ્ટ્રેલિયન શબ્દ: કાંગારુ, બૂમરેંગ; મોરેશિયન શબ્દ: મોરસ; તુર્કી શબ્દ: તોપચી, તોપ, દારોગા, બેગમ.. ઊ.દે.