ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્ય પર પારસીઓનો પ્રભાવ
ગુજરાતી સાહિત્ય પર પારસીઓનો પ્રભાવ: દસમા સૈકામાં ગુજરાતમાં સંજાણ મુકામે પારસીઓનું આગમન થયું એ વિશિષ્ટ ઘટના કહી શકાય. અત્યાર સુધી બીજી પ્રજાઓ ભારત પર આક્રમણ લઈને આવી હતી. – ધર્મ પ્રચાર અર્થે આવી હતી. પારસી કોમ એ બધાથી જુદી રીતે પોતાનાં જીવન અને સંસ્કૃતિની સલામતી માટે ગુજરાતમાં ઊતરી હતી. તેમનું ઉતરાણ ગુજરાતમાં થવાથી સ્વાભાવિક રીતે તેમણે ગુજરાતી ભાષા તથા ગુજરાતી પ્રજાના વ્યવહારો અને રીતિરિવાજો અપનાવી લીધાં. પારસીકોમ તેમના આનંદી, મળતાવડા અને રમૂજી સ્વભાવને કારણે ગુજરાતમાં સારી રીતે ભળી ગઈ. ઊર્મિલતા તેમના સ્વભાવનું એક વિશિષ્ટ લક્ષણ કહી શકાય. પારસીઓએ ગુજરાતી ભાષા અપનાવી તો ખરી પણ અમુક જાતનાં ગુજરાતી ઉચ્ચારણો કરવાની તેમને ટેવ અથવા ફાવટ ન હોવાને કારણે તેમણે ગુજરાતી ભાષાનાં ઉચ્ચારણો કેટલેક અંશે બદલી નાખ્યાં. તદુપરાંત તેમણે અરબી, ફારસી, ઉર્દૂ વગેરે ભાષાના સંસ્કારો પણ ઝીલ્યા હોવાથી ગુજરાતીમાં એનું પણ મિશ્રણ કર્યું, અને એક અનોખી પારસી-ગુજરાતી બોલીમાં મોટા ભાગના પારસી લેખકોએ સાહિત્ય રચ્યું. પારસીઓએ ગુજરાતીમાં લખવાનું તો લગભગ ચૌદમાપંદરમા સૈકાથી શરૂ કર્યું હતું. તેમ છતાં કંઈક સાહિત્યક્ષમ કહી શકાય તેવી તેમની પારસી-ગુજરાતીમાં તેમણે સત્તરમા સૈકાથી લેખનપ્રવૃત્તિ કરવા માંડી. ઓગણીસમા સૈકામાં ગુજરાતમાં અંગ્રેજી રાજ્ય સ્થપાયું, અને અંગ્રેજી વિદ્યા, કળા, આચાર, વિચાર, સંસ્કૃતિનો પ્રભાવ ગુજરાતની પ્રજા પર પડ્યો તેમાં એ પ્રભાવ ઝીલનારા પારસીઓ પણ હતા. તેમણે પણ પાશ્ચાત્ય સંસ્કારો ઝીલીને હિંદુ પ્રજાની માફક નવી વિદ્યા, કળા, પ્રત્યે અભિરુચિ પ્રગટ કરી. મુદ્રણકળાનો પહેલો લાભ પારસીકોમે ઉઠાવ્યો એને ૧૮૨૨માં મોબેદ ફરદૂનજી મર્ઝબાને સમાચાર શરૂ કરી ગુજરાતી પત્રકારત્વનું મંડાણ કર્યું. પારસી કોમમાં નવું અપનાવવાની ખૂબ ધગશ હતી, અને અરબી, ફારસી, ઉર્દૂ સાથે તેમનો સારો એવો સંપર્ક હતો. તદુપરાંત અંગ્રેજી ભાષા સાહિત્ય સાથેનો સંપર્ક પણ તેમાં ઉમેરાયો. અંગ્રેજી સાહિત્યના સંપર્કને કારણે આપણે ત્યાં જેને અંગ્રેજી ઢબનાં કહી શકાય એવાં કવિતા, નાટક, નવલકથા વગેરે સ્વરૂપો ઉદ્ભવ્યાં. પારસી કોમના ઉત્સાહી યુવાનોએ અંગ્રેજી સાહિત્ય વાંચી વાંચીને તેનો રંગ ઝીલવા માંડ્યો. અલબત્ત, એમને શિષ્ટ ભાષામાં સાહિત્ય રચવાની મુશ્કેલી તો હતી જ, તેમ છતાં તેમણે પોતાની જેવીતેવી પણ પારસી ગુજરાતી બોલીમાં કવિતા, નાટકો, નવલકથા વગેરે સાહિત્યસ્વરૂપો પર કલમ અજમાવવા માંડી અને કવિ ‘મનસુખ’, ‘(મંચેરજી કાવસજી લંગડાના), રૂસ્તમ ઇરાની, ફિરોજશાહ બાટલીવાળા, જહાંગીર તાલિયારખાન વગેરે કવિઓએ પારસી શૈલીની કવિતાઓ અને ગઝલો રચવા માંડી. બહેરામજી મલબારી અને ખબરદાર જેવા પારસી કવિઓએ શિષ્ટ ગુજરાતીમાં કાવ્યો રચીને મહત્ત્વનું પ્રદાન કર્યું છે. પારસી કોમ નાટ્યસિક પણ હતી. નાટકો રચવાનું તથા ભજવવાનું, નટ તરીકે કામ કરવાનું તેમને ગમતું કામ હતું. ગુજરાતી રંગભૂમિ રચાઈ તે પૂર્વે ઓગણીસમી સદીના પાંચમા દાયકાથી તેમણે ઉર્દૂ, ફારસી ઉપરથી નાટકો રચીને ભજવવા માંડ્યાં. તદુપરાંત શેક્સપીયરનાં સંખ્યાબંધ નાટકો તેમણે અંગ્રેજીમાં, ઉર્દૂમાં તેમજ ગુજરાતીમાં ભજવ્યાં. દાદાભાઈ નવરોજી, ડૉ. ભાઉદાજી, કામા, વાચ્છા અને બીજા અનેક પારસી મહાનુભાવોએ અનેક નાટ્યમંડળીઓ પણ સ્થાપી. તેમણે હિંદુ ધર્મગ્રન્થો ઉપરથી પણ નાટકો રચ્યાં અને ભજવ્યાં. પારસી કોમે સૌથી વિશિષ્ટ અર્પણ કર્યું હોય તો તે નવલકથાસાહિત્યના ક્ષેત્રે છે. ગુજરાતી ભાષાની પહેલી નવલકથા ‘કરણઘેલો’ ૧૮૬૬માં રચાઈ તે પૂર્વે એક પારસી લેખક સોરાબશા દાદાભાઈ મુનસફનાએ એક ફ્રેન્ચ કૃતિના અંગ્રેજી અનુવાદ ‘Indiya Cottage’ ઉપરથી ગુજરાતીમાં ‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝૂંપડું’ નામથી અનૂદિત નવલકથા પ્રસિદ્ધ કરી હતી. ૧૮૬૨માં આ નવલકથાની પાંચ વર્ષમાં ત્રણ આવૃત્તિ થઈ હતી. એ પછી જહાંગીર તાલિયારખાન, કેખુશરુ કાબરાજી, દાદી તારાપોરવાળા, જહાંગીર મર્ઝબાન, ફિરોજ જહાંગીર, મર્ઝબાન (પિજામ), અને બીજા સેંકડો નવલકથાકારોએ વિપુલ સંખ્યામાં નવલકથાઓ રચી હતી. ૧૯મા સૈકાના ઉત્તરાર્ધમાં ગુજરાતી નવલકથાના પ્રવાહની સાથોસાથ સમાંતરે પારસી નવલકથાનો પ્રવાહ વેગથી વહેતો હતો. પારસી લેખકોએ મોટે ભાગે અંગ્રેજી ઉપરથી રૂપાન્તર કરીને નવલકથાઓ રચી છે અને પોતાના સમાજનું તેમાં પ્રતિબિંબ પણ પાડ્યું છે અને સમાજની સમીક્ષા પણ કરી છે. એ જમાનામાં સંસાર સુધારો એ સાહિત્યનું એક મુખ્ય પરિબળ હતું તે ધ્યાનમાં રહે. કલાદૃષ્ટિએ પારસી સાહિત્ય ઉચ્ચ કોટિનું ગણી શકાય નહિ. તેમ છતાં પરદેશથી આવેલી પારસી પ્રજાએ ગુજરાતી ભાષા આત્મસાત્ કરીને વિપુલ પ્રમાણમાં લલિત સાહિત્ય રચીને ગુજરાતી સાહિત્યમાં યથાશક્તિ જે ફાળો આપ્યો તેની કદર થવી ઘટે. મ.પા.