ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તોલકાપ્પિયમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તોલકાપ્પિયમ : ભારતીય કાવ્યશાસ્ત્રની સંસ્કૃત ઉપરાંતની તમિળ પરંપરાનો ઈ.સ. પૂર્વે ત્રીજી સદીનો પ્રાચીનતમ ઉપલબ્ધ તોલકાપ્પિયમનો આ અપૂર્વ વ્યાકરણ ગ્રન્થ છે. એમાં પહેલા બે વિભાગ ‘એલુત્તદિકારમ્’ અને ‘શોલ્લદિકારમ્’માં તમિળભાષાનો વર્ણ-શબ્દ-વિચાર અને વાક્યવિચાર નિરૂપાયો છે, પણ ત્રીજો વિભાગ ‘પોરુળદિકારમ્’ સાહિત્યપ્રણાલિઓને નિરૂપે છે. એમાં છંદશાસ્ત્ર, અલંકરશાસ્ત્ર તેમજ નાટ્યકલાનું વિસ્તૃત નિરૂપણ છે. પશ્ચિમના વિદ્વાનોમાં એરિસ્ટોટલના ‘પોએટિક્સ્’નું જે સ્થાન છે તેવું જ તમિળ વિદ્વાનોમાં એનું સ્થાન છે. સાહિત્ય પ્રણાલિઓને અતિક્રમીને તમિળ સાહિત્ય ખૂબ આગળ નીકળી ગયું હોવા છતાં આજે પણ ગ્રન્થનો ત્રીજો વિભાગ એટલો જ સંગત છે. ‘તોલ’ એટલે પ્રાચીન અને ‘કપ્પિયમ્’ એટલે મહાકાવ્ય. આમ ‘પ્રાચીન મહાકાવ્ય’ એવું એનું મૂળ શીર્ષક ન હોઈ શકે એમ કેટલાકનું માનવું છે. ગ્રન્થને શીર્ષક પછીની પેઢીઓએ આપ્યું હોવાની એક સંભાવના છે. સંસ્કૃતવાદીઓએ ગ્રન્થ સંસ્કૃત આધારિત છે એવું સ્થાપિત કરવાનો પ્રયત્ન કરેલો પણ આજે ભારતની કાવ્યશાસ્ત્રીય પરંપરાનો આ પ્રાચીનતમ ગ્રન્થ છે એ વાત નિ :શંક બની છે. એમાં આવતા ૨૫૦ જેટલા નિર્દેશો પરથી આ ગ્રન્થની પૂર્વે તમિળમાં ઘણા બધા પ્રશિષ્ટ ગ્રન્થો અને વ્યાકરણગ્રન્થો હયાત હતા એનું પ્રમાણ મળી રહે છે. બીજી રીતે જોઈએ તો પ્રાચીન સમયમાં ઉત્તર દક્ષિણના પરસ્પરના આદાનપ્રદાનના સંદર્ભે પણ આ મહત્ત્વનો ગ્રન્થ છે. આ ગ્રન્થ સૂત્રશૈલીમાં રચાયેલો છે. એમાં ૧૬૦૦ સૂત્રો છે જેમાંથી ૬૫૦ ત્રીજા વિભાગમાં છે. કર્તાએ સાહિત્યને ‘ઈયલ’ (કાવ્ય), ઈશૈ (સંગીત) અને ‘નાડહમ’ (નાટક અને નૃત્ય) એમ ત્રણ વિભાગમાં વહેંચીને ‘ઈયલ’નું વિસ્તારથી વિવરણ કર્યું છે. તેમાં તત્કાલીન સંઘમ્ યુગની કવિતાનું પૃથક્કરણ થયું છે. કવિતાને અકમ્ (શૃંગારકવિતા) અને પુરમ્ (વીર કવિતા) વિભાગમાં વહેંચી શૃંગાર કવિતાના પણ ‘કલવુ’ (પ્રચ્છન્ન પ્રેમ) અને ‘કર્પું’ (લગ્નપ્રેમ) એવા ભાગ કર્યા છે. પ્રેમગીતોમાં નામ ન આવે એવી પ્રણાલિ સાથે એમાં સ્ત્રી, પુરુષ અને સખી હાજર હોય છે. પ્રણયીઓની વિવિધ વ્યંજિત ભાવસ્થિતિ અને એ માટેનાં ભૂમિદૃશ્યો, વનસ્પતિ પશુપંખી વગેરેની સંકેતકોની પ્રણાલિનું વીગતે વર્ણન છે. પ્રાકૃતિક દૃશ્ય દ્વારા ભાવ કે રસને વ્યંજિત રીતે પ્રસ્તુત કરવાની આ સાહિત્યપ્રણાલિ નિશ્ચિત અને કંઈક અંશે યાદૃચ્છિક હતી. ભાવનિરૂપણના આ તિણૈ સિદ્ધાન્તની કેટલીક સમાન્તરતાઓ સંસ્કૃત-રસવિચારમાં જોઈ શકાય છે. આ સિદ્ધાન્ત પછી નક્કીરાર દ્વારા વિસ્તારવામાં આવ્યો. અર્વાચીન ભારતીય ભાષાઓ દસમી સદી પછી ઉત્ક્રાંત થઈ. એમનું સાહિત્ય વિકસ્યું. પણ એ કોઈ ને કોઈ એક વ્યવસ્થામાં ઢળીને વિકસ્યું. કારણ, ભારતીય આર્ય ભાષાઓનો ઉદ્ગમસ્રોત એક છે, જ્યારે દ્રવિડી ભાષાઓનું સાંસ્કૃતિક સ્વરૂપ એક છે. વળી ભારતીય આર્યભાષાઓ પાસે એનું સંસ્કૃત કાવ્યશાસ્ત્ર – એમાં ય ‘ધ્વન્યાલોક’ – કેન્દ્રમાં હતું, તો દ્રવિડી સાહિત્ય પાસે એનું તોલકાપ્પિયમ્ કેન્દ્રમાં હતું. આ બંને પરંપરાની ઓળખ વગર અને એમાં નિરૂપિત સિદ્ધાન્તોના નવેસરથી વિવેકપૂર્વકના વિનિયોગ વગર ભારતીય કાવ્યસમજ અધૂરી રહેવા સંભવ છે. ચં.ટો.