ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દીવાન-એ-ગાલિબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



દીવાન-એ-ગાલિબ : (૧૮૪૧) ફારસી અને ઉર્દૂના ખ્યાતનામ કવિ મિર્ઝા અસદ્દુલ્લાખાં ‘ગાલિબ’નો ઉર્દૂ કવિતાનો લઘુસંગ્રહ. ફારસી તેમજ ઉર્દૂ કવિતાની તત્કાલીન પલાયનવાદી પરંપરાથી ઉફરા ચાલીને ગાલિબે આ સંગ્રહની રચનાઓ દ્વારા ધાર્મિક-જડ રીતિરિવાજોનો ઉપહાસ માત્ર ન કરતાં, જીવન વિશેનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને ઉદારમતવાદી અભિગમ, વ્યંગપૂર્ણ છતાં લોકસુલભ તેમજ સૌહાર્દપૂર્ણ ભાષામાં આલેખ્યો છે. ગાલિબની કવિતા એક તરફ વૈચારિક ગહનતા, સઘન સંવેદના, ચિંતનજન્ય જાગરુકતા, માનવમૂલ્યો માટેના અપરિહાર્ય લગાવથી સમૃદ્ધ છે તો બીજી બાજુ સંવેદનજન્ય તાઝગી અને નિરૂપણગત નાવીન્યથી વિરલ છે. અલબત્ત, એ અત્યંત દુઃખદ વાસ્તવિકતા છે કે ગાલિબની એક અત્યંત સશક્ત, લોકપ્રિય અને વિવેચક વર્ગનો પણ આદર પામેલી આ ગ્રન્થકૃતિનો સ્વીકાર અને પુરસ્કાર તેના પ્રકાશન પછીના, ગાલિબના ૨૮ વર્ષોના લાંબા જીવનકાળ દરમ્યાન લગભગ નહિવત્ થયેલો. ર.ર.દ.