ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દ્રષ્ટાન્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search



દૃષ્ટાન્ત : સાદૃશ્યમૂલક અલંકાર. બે વાક્યોમાં જ્યારે સાધારણધર્મ વગેરેમાં બિંબપ્રતિબિંબભાવ હોય ત્યારે દૃષ્ટાન્ત અલંકાર કહેવાય. દૃષ્ટાન્ત સંજ્ઞા સાર્થક છે. અન્ત એટલે નિશ્ચય. દૃષ્ટાન્ત આપવાને પરિણામે પ્રકૃત વિધાનનો અર્થ પૂર્ણપણે નિશ્ચિત બને છે. એટલે દૃષ્ટાન્ત કહેવાય છે. અહીં બન્ને વાક્યો ભિન્ન છે છતાં એકબીજા સાથે એ સાદૃશ્યના સંબંધથી સંકળાયેલાં હોય છે. આ અલંકારમાં ધર્મો અને ધર્મીઓ વચ્ચે બિંબપ્રતિબિંબભાવ આવશ્યક છે. દૃષ્ટાન્તના બે પ્રકારો છે. ૧, સાધર્મ્ય દ્વારા અને ૨, વૈધર્મ્ય દ્વારા. પહેલા પ્રકારમાં બન્ને વાક્યો વચ્ચેનું સાદૃશ્ય પ્રત્યક્ષ રીતે ગમ્ય, જ્યારે બીજા પ્રકારમાં આવું સાદૃશ્ય પરોક્ષ રીતે નકારવાચક શબ્દો દ્વારા ગમ્ય બને છે. કેટલાક આલંકારિકો એ બન્ને પ્રકારના પાછા શુદ્ધ અને માલા એવા પેટા પ્રકારો પણ દર્શાવે છે. જેમકે ‘તને જોતાં જ એનું કામથી સંતપ્ત મન શાતા અનુભવે છે. ચંદ્રને જોતાં જ કુમુદ ખીલી ઊઠે છે.’ જ.દ.