ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દ્વૈતવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



દ્વૈતવાદ : સવિશેષ બ્રહ્મવાદની વિષ્ણુપરક વિચારધારાઓમાં દ્વૈતવાદ મધ્વસમ્પ્રદાયના પ્રવર્તક શ્રીમન્મધ્વાચાર્ય [જન્મ : ઉડુપી, ૧૧૯૯-૧૩૦૩. સન્યસ્ત લીધા પછી પૂર્ણપ્રજ્ઞ અને વેદાન્તમાં પારંગત થયા પછી આનન્દતીર્થના નામે ઓળખાયા]. તેમના પ્રસ્થાનત્રયી પરના ભાષ્ય-પ્રતિ-પાદિત દ્વિધાતત્ત્વયુક્ત સિદ્ધાન્ત પ્રમાણે : विष्णोर्दोत् जगत्सर्वभाविरासीत् : પરમાત્મામાંથી જગત આવિર્ભૂત હોઈ, પરમાત્મા અને જીવાત્મા ઉભય અનાદિ છે. ઉભયમાં વૃક્ષ-રસ, નદી-સમુદ્ર જેવી વિભિન્નતા છે. જીવ સત્ત્વગુણસમ્પન્ન વિષ્ણુનો દાસ હોઈ, તેની સમતા કરી શકે નહિ. અદ્વૈતવાદની પ્રતિક્રિયા રૂપે ઉદ્ભવેલા આ વાદમાં શ્રુતિ અને તર્ક દ્વારા અભેદનું ખંડન કરી; સંસાર રજ્જુસર્પ ન્યાયે મિથ્યા નથી, જીવ બ્રહ્માનો આભાસ નથી તથા બ્રહ્મ જ એકમાત્ર સત્ નથી એ સિદ્ધ કરવા માટે મધ્વાચાર્યે અદ્વૈતની સ્પષ્ટ પુષ્ટિ કરતાં ઔપનિષદ વાક્યોની દ્વૈતવાદી વ્યાખ્યા કરી. જેમકે तत्त्वमसि ‘તે તું છે’ એમ નહિ, પણ तदीय : (तस्य) त्वम् असि ‘તે તેનો છે’ એટલેકે તેનામાં અને તારામાં ભેદ છે. अयम् आत्मा ब्रह्म – આ આત્મા બ્રહ્મ છે; કિન્તુ મધ્વ પ્રમાણે अयम् आत्मा (जीवात्मा) ब्रह्म (वर्धनशीलः) अस्ति આ જીવાત્મા વર્ધમાન છે. ઈશ્વર-જીવ, ઈશ્વર-જડ, જીવ-જડ, જીવ-જીવ, જડજડ એ નિત્યભેદના પ્રતિપાદનથી આ વાદ પંચભેદવાદ તરીકે ઓળખાય છે. કાયિક-વાચિક-માનસિક ભજન-અનુષ્ઠાન દ્વારા વિષ્ણુને સમર્પિત થવાની ઉપાસના તેમજ જ્ઞાન, આનન્દ અને મુક્તિના તારતમ્યના સિદ્ધાન્તોનું વિશદ નિરૂપણ આ વાદનું મુખ્ય પ્રદાન છે. શા.જ.દ.