ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દ્વૈતાદ્વૈતવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



દ્વૈતાદ્વૈતવાદ : સવિશેષ બ્રહ્મવાદની વિષ્ણુપરક વિચારધારાઓમાં દ્વૈતાદ્વૈત-ભેદાભેદવાદના પ્રવર્તક નિમ્બાર્કે [તેલઙ્ગ બ્રાહ્મણ, નિમ્બગામ. અગિયારમી સદી] બ્રહ્મસૂત્રના ભાષ્ય વેદાન્ત પારિજાત, દશશ્લોકી જેવા ગ્રન્થો દ્વારા દ્વૈત-અદ્વૈતના સમન્વયનો સિદ્ધાન્ત પ્રસ્થાપિત કર્યો : બ્રહ્મ (કારણ) અદ્વૈત અને સંસાર (કાર્ય) દ્વૈત – નાનાવિધ હોઈ, બ્રહ્મ જ સંસારનું રૂપ ધારણ કરતું હોવાથી ઉભય નિત્ય-સત્ય છે. તત્ત્વત : બાદરાયણની પૂર્વે ઔડુલોમિ અને આશ્મરથ ભેદાભેદવાદી હોવાનું બ્રહ્મસૂત્ર પરથી જણાય છે. સિદ્ધાન્તત : આ વિચારધારા જ્ઞાનકર્મ-સમુચ્ચયવાદી અને બ્રહ્મપરિણામવાદી છે. તેના મતે જીવનમુક્તિ નહિ; વિદેહમુક્તિ જ સંભવ છે. ઈશ્વર, ચિત્ (જીવ), અચિત્ (જડ) ત્રણ પરમતત્ત્વો છે. ઉત્પન્ન કરવાની શક્તિના અનુભવમાત્રથી ઈશ્વર સંસારનું સ્વરૂપ ધારણ કરે છે. જીવ જ્ઞાનસ્વરૂપ – જ્ઞાનાશ્રય, જ્ઞાતા, કર્તા, ભોક્તારૂપ અણુ છે. ભેદ માત્ર એટલો જ છે કે ઈશ્વર નિયન્તા અને જીવ નિયમ્ય છે. નિમ્બાર્ક પ્રથમ વૈષ્ણવ હતા જેમણે સખીઓથી ઘેરાયેલા રાધા અને સગુણસર્વવ્યાપક વલ્લભ-કૃષ્ણને પોતાના આરાધ્ય માની તેમની લીલામાં રહેલા સૃષ્ટિના રહસ્યને પ્રમાણ્ય . એ રહસ્યને પામવા માટે જીવે પ્રપત્તિ-આત્મસમર્પણ કરવાનું છે. પ્રપત્તિ એટલે : સમર્પણનો સંકલ્પ [आनुकूलस्य सङ्कल्प :], વિરોધના પરિહાર [प्रातिकूल्य सवज्रानम्], ઈશ્વર રક્ષણ કરશે એવો વિશ્વાસ [रक्षिष्यतीतिविश्वास :], ઈશ્વરના રક્ષણ-ગોપ્તૃત્વનો સ્વીકાર [गोप्तृत्ववरणम्], તેના પર પોતે ન્યોચ્છાવર થવું [आत्मनिक्षेप :] અને નિ :સહાયતાનો અનુભવ [कार्पणम्य] એ નિમ્બાર્ક સૂચિત સાધના છે. તેમના મતનો પ્રચાર વૃન્દાવન અને બંગાળમાં વિશેષ થયો. પ્રતિપક્ષીનું આક્ષેપાત્મક ખંડન કર્યા વિના તેમણે અને અનુયાયીઓએ અદ્વૈત અને દ્વૈતનો સમન્વય સાધી બતાવ્યો. શા.જ.દ.