ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નલચંપૂ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નલચંપૂ : સંસ્કૃત સાહિત્યપ્રકાર ચંપૂમાં ગદ્ય અને પદ્ય બંનેને સર્જનાત્મક માધ્યમ તરીકે સરખો અવકાશ છે. કર્તા આવશ્યકતા પ્રમાણે કથાપ્રવાહ પ્રાસાદિક ગદ્યમાં વર્ણવી શકે અને લાગણીસભર સંવાદો કે પ્રસંગોને પદ્યમાં ગૂંથી લઈ શકે. છેક દસમી સદીમાં ત્રિવિક્રમ ભટ્ટરચિત ‘નલચંપૂ’ નામનું (જે ‘નલદમયંતીની કથા’ તરીકે પણ પ્રસિદ્ધ છે.) પ્રથમ ચંપૂ ઉપલબ્ધ સામગ્રીના સંદર્ભમાં મળે છે. ‘નલચંપૂ’ની રચના મહાભારતમાં આવતી નલ-દમયંતીની કથા પરથી કરવામાં આવી છે. સાત ઉચ્છ્વાસમાં બહુ થોડો કથાભાગ નાના નાના પ્રસંગોને વિસ્તારીને કહેવામાં આવ્યો છે. જે શ્લિષ્ટ અને ક્લિષ્ટ વાક્યસંરચનાઓથી ભરપૂર છે. કૃતિને બાણ-સુબંધુની શૈલીમાં આલેખવાનો પ્રયાસ છે. પણ વિશેષ તો તે સુબંધુની છાપ ઝીલે છે. શૈલી આયાસિત અને અલંકારપ્રચુર છે. વર્ણનોમાં નલની નગરીનું, દમયંતીના નગરનું, હંસનું, ઇન્દ્રાદિ લોકપાલોના આગમનનું વર્ણન ચિત્તાકર્ષક છે. ચન્દ્રોદય અને સૂર્યોદયનાં વર્ણન પણ આહ્લાદક બન્યાં છે. આમ છતાં લાંબાં વાક્યો, અનુપ્રાસો, વિશેષણોની ભરમાર, સમાસભરપૂરતા ક્લિષ્ટ કાવ્યશૈલી જોઈ શકાય છે. નલના દેવદૌત્ય પછીની કથા પ્રાપ્ત થતી નથી. કથા અપૂર્ણ છે. પા.માં.