ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટકચન્દ્રિકા


નાટકચન્દ્રિકા : પંદરમી સદીમાં થયેલા વૃંદાવનના છ ગોસ્વામીઓમાંના એક અને ચૈતન્યસંપ્રદાયના તેમજ વૈષ્ણવધર્મના પુરસ્કર્તા રૂપગોસ્વામીનો નાટકના સ્વરૂપ ઉપરનો સંસ્કૃત ગ્રન્થ. પ્રારંભમાં જ કહેવાયું છે કે આ ગ્રન્થને રચવામાં ભરતના નાટ્યશાસ્ત્રનો અને ‘રસાર્ણવસુધાકર’નો આધાર લેવાયો છે. પણ વિશ્વનાથના ‘સાહિત્યદર્પણ’નો અસ્વીકાર કર્યો છે. કારણ કે ભરતના નાટ્યશાસ્ત્રથી એ વિરુદ્ધ છે. ૮ વિભાગમાં આ ગ્રન્થ નાટકનાં સર્વસામાન્ય લક્ષણો, રૂપકોના ભેદ, અભિનય અને અભિનયના પ્રકારો, અર્થોપક્ષેપકો અને એના ભેદ, અંક અને દૃશ્યોનાં વિભાજન, નાટ્યશૈલીઓ વગેરેને ચર્ચે છે. એમાં આવતાં દૃષ્ટાંતો મુખ્યત્વે વૈષ્ણવ લખાણોમાંથી ઉદ્ધૃત છે. ચં.ટો.