ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યગૃહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાટ્યગૃહ/પ્રેક્ષાગૃહ (Auditorium) : નાટક ભજવવા માટેનો તખ્તો, પ્રેક્ષકોની બેઠકો તથા નાટકની ભજવણી માટે આવશ્યક અન્ય ઓરડાઓ વગેરેનું સમગ્ર સંકુલ તે નાટ્યગૃહ. ભરતમુનિ એને ‘નાટ્યશાસ્ત્ર’માં નાટકશાળા તરીકે ઓળખાવે છે. પહેલાંના સમયમાં લોકનાટ્યોની ભજવણી વેળાએ ગામના ચોકમાં કે ખુલ્લા મેદાનમાં જરૂરી ગોઠવણો કરી આ સંકુલ ઊભું કરાતું. ગ્રીસમાં રંગભૂમિના સુવર્ણકાળમાં પહાડોને કોતરીને વિશિષ્ટ પ્રકારનાં નાટ્યગૃહો ઊભાં કરાયેલાં. જૂની ગુજરાતી રંગભૂમિ તેમજ સ્વાતંત્ર્યપૂર્વ ભારતીય રંગભૂમિમાં નટો, કસબીઓ તથા નાટકકંપનીના માલિકો કંપનીનાં સ્થાયી નાટ્યગૃહોમાં જ વસવાટ કરતા, નાટક અંગેની તાલીમનું આયોજન કરતા, તથા તે જ સ્થળે નાટકની ભજવણી કરતા. આ અર્થમાં ભરતમુનિ ‘નાટકશાળા’ શબ્દ પ્રયોજે છે. ‘નાટ્યશાસ્ત્ર’માં ભરતમુનિ નાટ્યગૃહના ત્રણ પ્રકારના આકારો (લાંબું, ચતુષ્કોણ, ત્રિકોણ) સૂચવે છે. પ.ના.