ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિક્લાન્તિનું સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરિક્લાન્તિનું સાહિત્ય (Literature of exhaustion) : અનુઆધુનિક અમેરિકન નવલકથાકાર જોન બાર્ટને મતે આધુનિક સાહિત્યની પરંપરા વિદ્રોહની પણ એક પરંપરા છે. આધુનિકતાએ રૈખિકતા, તાર્કિકતા, ચેતનસ્તર, કાર્યકારણશ્રેણી, પારદર્શક ભાષા, મધ્યમવર્ગીય નૈતિક રૂઢિઓની સામે જેહાદ પોકારી અને એમ કરવામાં ચોક્કસ સ્વરૂપો અને ચોક્કસ શક્યતાઓ ખર્ચાઈ ચૂકેલાં. બાર્ટ એને ‘પરિક્લાન્તિનું સાહિત્ય’ કહે છે. બાર્ટનું સ્પષ્ટ માનવું છે કે વિ-સંયોજન, સમાન્તરતા, અતાર્કિકતા, ભાષાભિમુખતા, નૈતિક બહુવાદ વગેરે પણ આધુનિકતાએ ખર્ચી નાખેલી મૂડી છે. અતિ આધુનિકતાની ખર્ચાઈ ચૂકેલી આ સૌન્દર્યમીમાંસાની સામે જવું હોય તો એક પગ પૂર્વઆધુનિક નિરૂપણમાં અને બીજો પગ વર્તમાન અનુસંરચનાવાદમાં રાખીને જ અનુઆધુનિકતામાં પ્રવેશી શકાય. તો જ ખર્ચાઈ ચૂકેલું સાહિત્ય ફરીને પ્રાણવાન બને. બાર્ટ એને ‘પરિપૂર્તિ સાહિત્ય’ (Literature of replenishment) કહે છે. અનુઆધુનિક બાર્ટની ‘ધ ફ્લોટિંગ ઑપેરા’ કે ‘ધી ઍન્ડ ઑવ ધ રૉડ’ જેવી નવલકથાઓ આથી જ કસબની ઊંચી ગુણવત્તા સાથે એક કરતાં વધુ વાચકગણને પ્રસન્ન કરે છે. ચં.ટો.