ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પારસી રંગબૂમિ
પારસી રંગભૂમિ : ૧૮૧૮માં ગુજરાતમાં અંગ્રેજી અમલ સ્થાપિત થયા પછી, પ્રજામાં નવી વિદ્યાકળા માટે ઉત્સાહ જાગ્યો. અંગ્રેજી ભાષા, સાહિત્ય અને મુદ્રણકળાના પરિચયને કારણે ગુજરાતમાં શિક્ષણ અને સાહિત્યનો નવો યુગ બેઠો. ગુજરાતમાં એ સમયે દસમા સૈકાથી પોતાની માતૃભૂમિ ઈરાન ત્યજીને આવીને વસેલી નાનકડી ખોબા જેવડી પારસી કોમે પણ પશ્ચિમી સંસ્કૃતિના આ પ્રચંડ મોજાંનો સ્પર્શ અનુભવ્યો. પારસી કોમના અગ્રણી શિક્ષિતોએ વર્તમાનપત્ર, નવલકથા, નાટક વગેરે ક્ષેત્રમાં અંગ્રેજી સાહિત્યના પ્રભાવ હેઠળ પોતાની પ્રવૃત્તિનો આરંભ કર્યો. નાટકના ક્ષેત્રમાં તેમણે મહત્ત્વની કામગીરી બજાવી. ગુજરાતી રંગભૂમિનો ઉદ્ભવ થયો એ પહેલાં પારસી કોમના ઉત્સાહી નાટ્યરસિકોએ ઉર્દૂ, ફારસી અને અંગ્રેજી નાટકોનાં રૂપાન્તર કરીને હોંશથી તે ભજવ્યાં. ઈ.સ. ૧૮૫૦ અને ૧૮૬૦ વચ્ચે મુંબઈ અને સુરતમાં મુખ્યત્વે પારસીઓએ ઘણાં નાટકો ભજવ્યાં હતાં. ૧૯મા સૈકાના ઉત્તરાર્ધમાં નાટકો રચાવાં શરૂ થયાં ત્યારે તો કેટકેટલા સુશિક્ષિત પારસીઓએ રંગભૂમિને ઘાટ આપવામાં, વિકસાવવામાં જીવંત રસ લીધો હતો. એક પારસી નાટકમંડળીની સ્થાપનામાં આપણા સુપ્રસિદ્ધ દાદાભાઈ નવરોજી હતા અને તેમના સાથીદારોમાં સોરાબજી, શાપુરજી બંગાલી, નવરોજી, ફરદુનજી, મુસ, વાચ્છા વગેરે પારસી વિદ્વાનો હતા. એક પારસી ક્લબની સાથે ફિરોજશા મહેતા ગાઢપણે સંકળાયેલા હતા અને શેક્સપિયરનાં નાટકો અંગ્રેજીમાં ભજવવાનો તેમને શોખ હતો. પારસી નાટ્યરસિકોએ બીજી સંખ્યાબંધ નાટકમંડળી કે ક્લબો સ્થાપી હતી. તેમાંથી પારસી સ્ટેજ પ્લેયર્સ, જેન્ટલમેન એમેટર્સ ક્લબ, ઝોરાષ્ટ્રીયન ડ્રામેટિક ક્લબ, ઓરિએન્ટલ ડ્રામેટિક ક્લબ, પર્સિયન ઓરિએન્ટલ ડ્રામેટિક ક્લબ, પારસી એલફિન્સ્ટન ડ્રામેટિક ક્લબ, બૅરોનેટ થીયેટ્રિકલ, ઓરિજીનલ ઝોરાષ્ટ્રીયન ક્લબનો સમાવેશ થાય છે. શિક્ષિત પારસી યુવાનોને કવિઓને અને લેખકોને – સમાજના અગ્રણીઓને રંગભૂમિનો રંગ બરાબર લાગ્યો હતો. એ લોકો તખ્તા પરની ઇજ્જતને ‘જાનથી જ્યાદી બ્હાલી’ લેખતા હતા. કુશળમાં કુશળ પારસી નટો દારૂનો કોગળો કરીને પોતાનો ‘પાર્ટ’ ભજવતા હતા. અભિનયનો નશો ચડે તે માટે એ જરૂરી હતું એવું ગણાતું. જુદી જુદી પારસી મંડળીઓ વચ્ચે સ્પર્ધા પણ ચાલતી અને નાટક કંપનીના માલિકો કંઈક નવા પ્રયોગો કરી બતાવવા ઉત્સુક જ નહિ, મહત્ત્વાકાંક્ષી હતા. કુંવરજી નાજર નામના એક સદ્ગૃહસ્થ બે નાટક કંપનીના સૂત્રધાર હતા. અને ‘Taming of the shrew’, ‘Honey Moon’ એ બે નાટકોમાંથી સામગ્રી ભેગી કરીને પોતે જાતે જ ‘કડક કન્યાને ખીસેલા પરણ્યા’ નામનું ફારસ રચેલું. એમણે ઇંગ્લૅન્ડથી મશહૂર નાટક કંપનીઓને આમંત્રીને તેમની પાસે નાટ્યપ્રયોગો કરાવેલા. એક અંગ્રેજલેડી મિસ ગ્રેસ ડાર્લિંગની પાસે એક પારસી નાટકમાં પારસી વેશભૂષામાં “રતી મૅડમ ઈઝ માય નેઈમ’નું ગાયન તેમણે ગવડાવેલું. નાટક કંપનીના મહત્ત્વાકાંક્ષી માલિકો નાટકના પ્રચાર માટે પરદેશ પણ ખેડતા હતા. નાટકના માલિકો, દિગ્દર્શકો પોતે નટ તરીકે પણ ભાગ ભજવતા હતા. તખ્તા ઉપર ટ્રીકસીનો યોજવામાં તો આ બધી નાટકમંડળીઓ વચ્ચે અડસાચડસી ચાલતી હતી. શેક્સપીયરનાં નાટકો પ્રત્યે એ યુગમાં ઘણાબધા નાટ્યલેખકોનું ધ્યાન આકર્ષિત થયું હતું. ‘હેમલેટ’, ‘ઓથેલો’, ‘ટેઈમીંગ ઓફ ધી શ્રુ’, ‘કોમેડી ઓફ એરર્સ’, ‘સીમ્બલીન’, ઇત્યાદિ નાટકો અંગ્રેજીમાં અથવા અનુવાદ કે રૂપાન્તર રૂપે ભજવાતાં હતાં. અને ઈરાનના ઇતિહાસની સામગ્રીનો આધાર લઈને પણ કેટલાકે નાટકો લખ્યાં હતાં. બીજો એક માનીતો વિષય પારસી લેખકોએ હિન્દુ પુરાણકથાઓનો અપનાવ્યો હતો. કેખુશરુ કાબરાજી, બમનજી કાબરાજી, નાનાભાઈ રાણીના, જહાંગીર ખંભાતા, જાહાંગીર મર્ઝબાન, ખુરશેદજી બાલીવાલા, એદલજી ખોરી, ‘પિજામ’ (ફિરોજ જહાંગીર મર્ઝબાન) એ સર્વે તે યુગના પ્રસિદ્ધ પારસી નાટ્યકારો હતા. કેટલાક નાટ્યકારો નાટકોમાં પોતે રચેલાં ગાયનો મૂકતા હતા. કેખુશરુ કાબરાજી એનું ખાસ ઉદાહરણ ગણી શકાય. નાટકોમાં સ્ત્રીઓ પાત્ર ભજવે તે સામે ઘણા નાટ્યલેખકોનો વિરોધ હતો. દાદી પટેલ નામના એક દિગ્દર્શકે તખ્તા પર સ્ત્રીઓને એમનાં પાત્રો ભજવવા માટે ઉતારવાનો પ્રયોગ કરેલો, ત્યારે ચોમેર ઘણી ટીકાઓ થઈ હતી. પણ ધીમે ધીમે સ્ત્રીઓનાં પાત્રો સ્ત્રીઓ જ ભજવતી થઈ. પારસી નાટ્યકારો એમની વિલક્ષણ પારસી ગુજરાતી બોલીમાં નાટકો લખતા હતા. એમનો મુખ્ય હેતુ મનોરંજન અને સમાજશિક્ષણનો હતો. આધુનિક પારસી રંગભૂમિના ક્ષેત્રમાં પારસી ગુજરાતી બોલીમાં નાટક રજૂ કરનારામાં અદી મર્ઝબાન, ફીરોજ આંટિયા વગેરેનાં નામ ખાસ મહત્ત્વનાં ગણાય. હજુ પણ પારસી નાટ્યકારોની આ પ્રવૃત્તિ કોઈ ને કોઈ રીતે ચાલતી રહી છે. અંગ્રેજી રંગભૂમિનો પ્રભાવ ઝીલી પારસી રંગભૂમિ વિકસાવવાનો પારસીઓએ જે પુરુષાર્થ કર્યો એ અતિ મહત્ત્વની બાબત છે. મ.પા.