ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પારસી બોલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પારસી બોલી : પારસી કોમની માતૃભાષા ગુજરાતી છે, પરંતુ લાંબા સમયના જુદાપણાને કારણે તેમજ ગુજરાતની બીજી પ્રજા સાથે સ્વતંત્ર રીતે સમાગમના કારણે તેમણે પ્રાચીન ગુજરાતીની કેટલીક જૂની રીતો જાળવી રાખી છે. દા.ત. પારસી બોલીમાં ભૂતકૃદંત ‘ઇયો’માં અંત પામે છે, જે સત્તરમી અને અઢારમી સદીની મધ્યકાલીન જૂની ગુજરાતીમાં જોવા મળે છે. જ્યારે પારસીઓ ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે ગુજરાતી ભાષાને માતૃભાષા તરીકે સ્વીકારી હતી અને તેથી તેમની મૂળ ફારસી ભાષા ઉપર ગુજરાતીએ સ્થાન જમાવ્યું હતું. ફારસી ભાષા તેમના ધર્મની અને અવેસ્તાની ભાષા છે. તેમાં મૂર્ધન્ય ધ્વનિઓ નથી. નીચલા થરની ભાષાઓની અસર હજુયે મૂર્ધન્ય ધ્વનિઓને ઉચ્ચારવાની તેમની અશક્તિમાં જણાઈ આવે છે. જો કે તેઓ પહેલાં તો મૂર્ધન્ય ધ્વનિઓની પ્રબળતા ધરાવતું ગુજરાતી ભાષાનું સુરતી સ્વરૂપ જ શીખ્યા હતા. પારસીઓ આજે પણ ગુજરાતી મૂર્ધન્ય ધ્વનિઓ અથવા તો અંગ્રેજી તાલવ્ય ધ્વનિઓની જગ્યાએ નિર્ભેળ સાચા દંત્ય ધ્વનિઓ ઉચ્ચારે છે એવું ટી. એન. દવેનું નિરીક્ષણ છે. તેઓ ‘ડ’ની જગ્યાએ ‘ર’ અને ‘લ’ને પ્રથમ સ્થાન આપે છે. જેમકે ‘પડ્યો’નું ‘પરીયો’ ‘આગળ’નું ‘આગલ’ ઇત્યાદિ. હ.ત્રિ.