ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુસ્તક-પ્રકાશન

From Ekatra Wiki
Jump to navigation Jump to search



પુસ્તક-પ્રકાશન : પ્રકાશક એ પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિનો સૂત્રધાર છે. પ્રકાશકનું મુખ્ય કામ કઈ કૃતિ પ્રકાશન માટે સ્વીકારવી કે ન સ્વીકારવી તે નક્કી કરવાનું અને સ્વીકારેલી કૃતિને એવી કીમતે સુલભ કરવાનું છે કે જેથી એ કીમતે વધારેમાં વધારે નકલો તેના ઉપભોક્તાઓ, પુસ્તકાલયો તથા વાચકો, સુધી પહોંચી શકે. સાહિત્યનાં વિવિધ સ્વરૂપો તથા જ્ઞાનવિજ્ઞાનની વિવિધ શાખાઓ વિશે યા તે પર આધારિત તમામ કૃતિઓના સ્વીકાર-અસ્વીકારની કામગીરી કરનાર પ્રકાશક સાહિત્યના હજારો પ્રકારો તથા જ્ઞાનવિજ્ઞાનની તમામ શાખાઓનો જાણકાર હોય એવું શક્ય નથી. એટલે પોતાની પાસે આવતી કૃતિઓને જે તે વિષયના નિષ્ણાતો દ્વારા નાણી જુએ છે, જરૂર હોય તો તેને સુધરાવે છે, સંક્ષેપ કરાવે છે અને પ્રકાશનને યોગ્ય બનાવડાવી તેનું પ્રકાશન કરે છે. પ્રકાશન માટે સ્વીકારેલી હસ્તપ્રતને પુસ્તક સ્વરૂપે ફેરવવાનું કામ મુદ્રક કરે છે. હસ્તપ્રત મુદ્રકને આપતાં પહેલાં તેને મુદ્રણક્ષમ બનાવવાનું કામ ‘કૉપી એડિટર’ કરે છે. ‘કૉપી એડિટર, હસ્તપ્રતને ઝીણવટથી જોઈ જઈ તેમાં લેખકની કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને સુધરાવી લે છે. તે હસ્તપ્રતને સુવાચ્ય બનાવે છે; જરૂર પડે તો સારા હસ્તાક્ષરમાં લખાવે છે. યા ટાઈપ કરાવે છે. જોડણી, લિપ્યંતર, વિરામચિહ્નો, મિતાક્ષર, વૈકલ્પિક પ્રયોગો, સંદર્ભો, પાદટીપો વગેરેમાં એકસૂત્રતા આણે છે, વ્યાકરણની ભૂલો સુધારે છે; લેખકની સંમતિથી લખાણમાંની સંદિગ્ધતાઓ દૂર કરે છે, લેખનને આધારભૂત બનાવવા તેમાં આવતી હકીકતોને ચકાસી તેમાં દેખીતી ભૂલ હોય તો સુધારી લે છે; લેખકે અજાણતાં કંઈ દેશના કાનૂન વિરુદ્ધનું યા ઔચિત્યભંગનું આરોપણ થાય તેવું લખ્યું હોય તો તે લેખકને મળી સુધરાવી લે છે. પ્રાંતીય ભાષાઓના પ્રકાશનમાં ‘કૉપી એડિટર’નું મહત્ત્વ જોઈએ તેટલું અપાયું નથી. એ વેચાણમાં જોવા મળતાં નબળાં યા ઊતરતી કક્ષાનાં પુસ્તકો પરથી તારવી શકાય તેમ છે. ‘કૉપી એડિટર’ પ્રકાશક વતી લેખક સાથે મસલત કરી, હસ્તપ્રતમાં ઉપર જોયું તેવી ક્ષતિઓ સુધારી લઈ હસ્તપ્રતને હતી તેના કર તાં સારી બનાવવા ઉપરાંત મુદ્રણ માટે યા ઉત્પાદન માટે આપવી પડતી સૂચનાઓ હસ્તપ્રતમાં જ્યાં જ્યાં જરૂરી હોય ત્યાં આપે છે અને આમ હસ્તપ્રતને મુદ્રણક્ષમ બનાવે છે. પુસ્તકમાં ચિત્રો લેવાનાં હોય તો તે તૈયાર કરાવે છે, પુસ્તકનું મુખપૃષ્ઠ તૈયાર કરાવે છે. તે લેખક અને પ્રકાશક તેમજ પ્રકાશક અને મુદ્રક વચ્ચેની ઉપયોગી અને મહત્ત્વની કડી છે. પ્રકાશન વ્યવસાયમાં કે પ્રકાશન-પ્રવૃત્તિમાં ‘કૉપી એડિટર’ એ લેખક અને પ્રકાશક જેટલી જ અગત્યની કડી છે. પ્રકાશન માટે સ્વીકારાયેલી હસ્તપ્રત પ્રકાશિત કરવા માટે પ્રકાશક લેખક સાથે કરાર કરે છે. આવા કરાર દ્વારા લેખક પોતાના કોપીરાઈટ પ્રકાશકને તબદીલ કરે છે યા વેચે છે. પ્રકાશક લેખકનું પુસ્તક અમુક સમય સુધીમાં પ્રકાશિત કરવાનું અને પ્રકાશિત થયા પછી વેચાણ પર અમુક દરે રોયલ્ટી ચૂકવવાનું સ્વીકારે છે. પ્રકાશન-પ્રવૃત્તિનું સૌથી અઘરું પાસું પુસ્તક-વેચાણનું છે. આર્થિક સગવડ હોય તો પ્રકાશન પ્રવૃત્તિમાં પુસ્તકના ઉત્પાદન સુધીના કામમાં ખાસ મુશ્કેલી પડતી નથી, પરંતુ પ્રકાશકની ખરી કસોટી પુસ્તકવેચાણને તબક્કે શરૂ થાય છે. પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણનું પ્રમાણ, લોકોની ખરીદશક્તિ વાચનરસ અથવા વાચનભૂખ તેમ જ પુસ્તકની ઉપલબ્ધિની જાણ જેવી અનેક બાબતો પુસ્તકવેચાણ પર અસર કરે છે. વેપારી યા સંસ્થાગત પ્રકાશન-પ્રવૃત્તિમાં પુસ્તકવેચાણ એ આ પ્રવૃત્તિની મહત્ત્વની છતાં પ્રમાણમાં કંઈક નબળી કડી છે. પુસ્તકોની વ્યક્તિગત ગ્રાહકો દ્વારા થતી ખરીદી હજુ ઘણી ઓછી છે. આખી પ્રકાશન પ્રવૃત્તિ સરકારી ગ્રાન્ટો દ્વારા થતી પુસ્તકાલયોની ખરીદી પર આધારિત બની ગઈ છે. રાજ્ય તરફથી પુસ્તકાલયોની પ્રવૃત્તિને કેવો અને કેટલો વેગ આપવામાં આવે છે તે બાબત પ્રકાશન વ્યવસાય સાથે, ખાસ કરીને પુસ્તકોના વેચાણ સાથે, ગાઢ રીતે સંકળાયેલી છે. પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ યા વ્યવસાયની સફળતા યોગ્ય અને કસદાર હસ્તપ્રતની પસંદગીમાં, તેને સારા કૉપી એડિટર દ્વારા વાચક માટે વધુ સક્ષમ બનાવવામાં, તે પછી તેને વાચકને પરવડે તેવી કીંમતે આપવા માટે તેની પડતર કીમતને કાબૂમાં રાખવામાં યા ગોઠવવામાં અને તેના સંભવિત ગ્રાહકો અંગે બને તેટલો સાચો અંદાજ મૂકી તેટલી, તેનાથી થોડી વધુ પ્રતો છાપવામાં અને વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં રહેલી છે. જિ.દે.