ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યભિજ્ઞાદર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search



પ્રત્યભિજ્ઞાદર્શન : આ કાશ્મીર શૈવમતના પ્રવર્તક વસુગુપ્ત અને સોમાનન્દ છે. સોનાનન્દના ‘શિવદૃષ્ટિ’ ગ્રન્થ પર ઉત્પલાચાર્યની સંક્ષિપ્ત કૃતિ ‘પ્રત્યભિજ્ઞાસૂત્ર’ મળે છે જેના પર પ્રસિદ્ધ આલંકારિક અભિનવગુપ્તે બે ટીકાઓ લખેલી છે. અનુભૂત અને સ્મૃત – આ બે વચ્ચેના અભેદને પ્રત્યભિજ્ઞા કહે છે. એટલેકે એ કેવળ ઇન્દ્રિયોથી નહિ પણ સંસ્કારો સાથે ઇન્દ્રિયોથી જન્મે છે. આ દર્શનમાં જીવાત્મા અને પરમ શિવ પરમાત્મા એ બંનેમાં જ્યાં સુધી ‘હું જ એ છું’ એ સ્વરૂપની ઐક્યાનુભૂતિ કે પ્રત્યભિજ્ઞાન ન થાય ત્યાં સુધી મુક્તિ નથી. પરંતુ જીવ મલની મર્યાદાથી આવૃત્ત હોવાથી બદ્ધ રહે છે. પ્રકાશ અને વિમર્શ જ એને મુક્ત કરી શકે. આમ સોમાનન્દની સ્થાપના મુજબ પ્રત્યેક વ્યક્તિ વ્યાવહારિક જીવનમાં પોતાના સ્વરૂપના પરિચય દ્વારા, પુન : સ્વરૂપપ્રાપ્તિ દ્વારા, મોક્ષ પામે છે. આ દર્શનનો સાહિત્યશાસ્ત્ર અને ખાસ તો રસવિચાર પર ખાસ્સો પ્રભાવ પડ્યો છે. વ્યક્તિને એની સીમાથી વિમુક્ત કરીને એની વિરાટતાનો બોધ કરાવવાનો હેતુ જો આ દર્શનનો છે તો સાહિત્યશાસ્ત્રનું પણ એ જ ચરમ લક્ષ્ય છે. રસવાદની પ્રતિષ્ઠા આ પ્રત્યભિજ્ઞાનદર્શનની ભૂમિકા પર થઈ છે. ચં.ટો.