ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાચ્યવિદ્યા મંદિર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રાચ્યવિદ્યા મંદિર : ૧૮૯૩માં વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ને એક એવી સંસ્થા સ્થાપવાનો વિચાર સ્ફુર્યો કે જેમાં આપણા વિરલ હસ્તપ્રતોના વારસાને જાળવી એને આધારે પુસ્તકો પ્રકાશિત કરી શકાય. એમના આદેશથી મણિલાલ ન. ત્રિવેદીની પાટણના હસ્તપ્રત ભંડારમાંની મહત્ત્વની સંસ્કૃત કૃતિઓના ગુજરાતીમાં અનુવાદ માટે નિમણૂંક થઈ. ત્યારબાદ વડોદરાના મધ્યવર્તી પુસ્તકાલયમાં એક સંસ્કૃત વિભાગ શરૂ કરવામાં આવ્યો. તેમાં પુસ્તકો તથા હસ્તપ્રતો ધરાવતાં અંગત પુસ્તકાલયોને આમેજ કરવામાં આવ્યાં. દેશના વિવિધ ભાગોમાંથી ૧૦,૦૦૦ જેટલી હસ્તપ્રતો એકઠી કરવામાં આવી. ૧૯૧૫માં મૂલ્યવાન હસ્તપ્રતોને પ્રકાશિત કરવા મહારાજાના આદેશથી શ્રી ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સીરીઝ શરૂ કરવામાં આવી, એમાં અત્યાર સુધીમાં દેશી-વિદેશી વિદ્વાનોએ સંપાદિત કરેલા ૧૭૪ ગ્રન્થો પ્રકાશિત થયા છે. ૧૯૨૭માં મધ્યવર્તી પુસ્તકાલયથી સંસ્કૃત વિભાગને અલગ કરવામાં આવ્યો. અને હસ્તપ્રતો તથા પ્રકાશિત ગ્રન્થો સાથેના પ્રાચ્યવિદ્યા મંદિરનો ઉદ્ભવ થયો. ૧૯૧૭માં આરંભાયેલ રાજ્યના કેળવણીખાતાની ભાષાન્તરશાખાનું ૧૯૩૧માં પ્રાચ્યવિદ્યા મંદિર સાથે જોડાણ થયું. એ જ વર્ષથી અનુસ્નાતક અભ્યાસક્રમનું શિક્ષણકાર્ય પણ સંસ્થામાં શરૂ થયું. ૬૪૪ જેટલા ગુજરાતી, મરાઠી, હિન્દી ગ્રન્થો વિવિધ ગ્રન્થમાળામાં પ્રકાશિત થયા. ૧૯૪૯માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના સાથે આ સંસ્થા યુનિ.ની એક અંગભૂત સંસ્થા બની. ૧૯૫૧માં ‘જર્નલ ઓફ ધ ઓરિએન્ટલ્ ઇન્સ્ટિટ્યુટ’ સંશોધન ત્રૈમાસિક શરૂ થયું તથા વાલ્મીકિ રામાયણની સચિત્ર સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવાનો આરંભ થયો. જે ૧૯૭૫માં તૈયાર થઈ. ૧૯૬૨માં ગુજરાતી ત્રૈમાસિક ‘સ્વાધ્યાય’ શરૂ કર્યું. આ સંસ્થામાં વિવિધ વિષયનાં ૪૩,૩૦૦ જેટલાં પુસ્તકો અને ૨૭,૧૦૨ જેટલી વિવિધ વિષયની વિવિધ પત્રો પર વિવિધ લિપિમાં લખાયેલી હસ્તપ્રતો છે. કેટલીક સચિત્ર હસ્તપ્રતો ઉપરાંત વિવિધ પ્રાચીન લેખનસામગ્રી અહીં છે. દે.જો.