ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રોક્તિ
પ્રોક્તિ/વાક્યબંધ (Discourse) : કોઈ ચોક્કસ હેતુની સિદ્ધિ માટે પ્રયોજાયેલાં વિશિષ્ટ સંકેતો કે ઉચ્ચારણોની શ્રેણી. આધુનિક સમાજભાષાવિજ્ઞાન, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદી સાહિત્યવિચાર, પાઠવ્યાકરણ વગેરેમાં આ સંજ્ઞા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભાષાવિજ્ઞાનમાં વાક્ય જ ભાષાવૈજ્ઞાનિક વિશ્લેષણનું અંતિમ ધ્યેય મનાતું રહ્યું છે. આથી ભાષાવિજ્ઞાનમાં વાક્યકેન્દ્રિત વ્યાકરણનું પ્રાધાન્ય રહ્યું છે. પરંતુ હવે ભાષાવિજ્ઞાનીઓ એવું માનવા લાગ્યા છે કે ભાષાના એકમોના સ્વરૂપનિર્ધારણ માટે આપણે વાક્યની સીમા ઓળંગવી પડશે. આનું ઉત્તમ ઉદાહરણ સર્વનામ છે. સર્વનામ નક્કી કરવા માટે વાક્યથી આગળના એકમ ‘વાક્યબંધ’ સુધી જવું આવશ્યક છે. વાક્યબંધને એકથી વધુ વાક્યોનો માત્ર ગુચ્છ ન માની શકાય, એમાં એક પ્રકારની આંતરિક અન્વિતિ હોય છે. આંતરિક અન્વિતિથી યુક્ત વાક્યસમષ્ટિના રૂપમાં વાક્યબંધ પોતાનાં ઘટકવાક્યોના અલગ અલગ અર્થોના કુલ સરવાળાથી કંઈક વધુ હોય છે. જો વાક્યબંધ સાહિત્યિક હોય તો સૌન્દર્યગુણોની સમષ્ટિની સાથેસાથ એમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિમાણો પણ સંલગ્ન હોય છે. તોદોરોવ, વેન ડિક જેવા વિદ્વાનો આ વિચારના પુરસ્કર્તાઓ છે. હ.ત્રિ.