ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રેરણા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેરણા (Inspiration) : પોતાની સર્જનપ્રક્રિયાના ઉદ્ગમ અંગે વાત કરતાં લેખકો ઘણીવાર આ સંજ્ઞાનો ઉપયોગ કરતા આવ્યા છે; જેની પાછળ પારલૌકિક શક્તિ, અતિમાનુષી કે દૈવી બલનું સૂચન રહ્યું છે. પ્રાચીન સમયથી લેખક પરના આ દિવ્ય પ્રભાવ પરની શ્રદ્ધા કોઈ ને કોઈ પ્રકારે ચાલુ રહી છે. અલબત્ત, સમાજનાં પ્રવર્તમાન ધોરણો મુજબ એનું સ્વરૂપ બદલાતું ગયું છે. આ સંજ્ઞાનો લેટિનમાં મૂળ અર્થ ‘પ્રાણ ફૂંકવો’ એવો થાય છે. એટલેકે પ્રેરણા એ લેખકનો વેગ યા આવેગ છે જે એને રચનામાં પ્રેરે છે અને નિષ્ઠાપૂર્વક રચના સાથે સંલગ્ન રાખે છે. પ્રેરણા અંગે બે સિદ્ધાન્તો પ્રવર્તે છે : બ્રાહ્ય પ્રેરણાનો સિદ્ધાન્ત અને આંતરિક પ્રેરણાનો સિદ્ધાન્ત. કેટલાક ગ્રીક અને લેટિન લેખકોએ પ્રેરણા બહારથી દિવ્યસ્રોતરૂપે આવે છે એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ડિમોક્રિટસ પાસેથી આવેલા વિચાર પ્રમાણે પ્લેટો કહે છે કે લોહચુંબક દ્વારા જેમ લોઢું લોહચુંબક થાય છે તેમ દિવ્યશક્તિ દ્વારા કવિ પ્રેરાય છે. આથી એને મતે સાધારણ સ્તરનો કવિ પણ પ્રેરણાના બળે ઉત્તમ કાવ્ય રચી શકે, જ્યારે ઉત્તમ કવિ પ્રેરણા વિના સાધારણ કાવ્ય રચે એવું બને. આ કારણે કવિ, દેવોની આરાધના કરે એ સર્વસામાન્ય છે અને એની એક સાહિત્યપ્રણાલિ પણ છે. હોમરનાં બંને મહાકાવ્યોમાં દૈવી પ્રેરણાનો ઉલ્લેખ છે. આપણે ત્યાં સંસ્કૃત કૃતિઓમાં અને ગુજરાતી મધ્યકાલીન કૃતિઓમાં પ્રારંભે કાવ્યસફળતા માટે સ્તુતિ કરવાનો ચાલ અજાણ્યો નથી. આ સિદ્ધાન્ત જે સામગ્રી પર આધારિત છે તે સામગ્રી સાહિત્ય અને નૃવંશશાસ્ત્રમાંથી મળી આવે છે. પુનરુત્થાનકાળ દરમ્યાન અને અઢારમી સદી સુધી પશ્ચિમમાં બાહ્ય પ્રેરણાનું આ પ્રશિષ્ટ દૃષ્ટિબિંદુ ચાલુ રહ્યું. ક્રોચે જેવાએ પણ બાહ્ય પ્રેરણાને નિર્દેશી કવિમાં રહેલી વ્યક્તિને ઇઓલિયન હાર્પ સાથે સરખાવી છે, જેને વિશ્વનો પવન કંપાવ્યા કરે છે. કેટલાક લેખકોનું વલણ આંતરિક પ્રેરણાના બીજા સિદ્ધાન્ત તરફ વળેલું છે. આ સિદ્ધાન્તમાં પ્રેરણાને વૈયક્તિક પ્રતિભાની કામગીરી સાથે જોડવામાં આવે છે. બીજો સિદ્ધાન્ત મનોવિજ્ઞાન અને મનોવિશ્લેષણની સામગ્રીને આધારે સૂચવે છે કે પ્રેરણાનું મૂળ અચેતન કે અર્ધચેતનમાં છે, જે અભિવ્યક્તિ માટે વ્યાકુળ દમિત લાગણીઓનું પ્રભવસ્થાન છે. પરાવાસ્તવવાદીઓએ ચેતનાના કે તર્કના નિયંત્રણના અભાવમાં લખવાનું આ કારણે જ પસંદ કર્યું. એડગર ઍલન પૉ દ્વારા ઊભો થયેલો પ્રતિપ્રેરણા(Antiinspiration)નો આદર્શ પણ પ્રચલિત છે. પૉ કવિને સાહિત્યિક ઇજનેર ગણે છે. આ જ વિચારણાને કારણે પ્રતીકવાદી કવિ વાલેરીએ કલ્પેલો કવિ પણ શાંત વિજ્ઞાની જેવો છે. પ્રેરણા એના કાનમાં ગમે તે ઉચ્ચારે પણ એને જેમનું તેમ એ સ્વીકારી લેતો નથી. પ્રેરણા કરતાં એને પોતાના સભાન પરિશ્રમમાં વધુ વિશ્વાસ છે. શિલ્પી રોદાંએ પણ નવલકથાકાર ફ્લોબેરને સ્પષ્ટ સૂચવેલું કે પ્રેરણાને લગતું જે કાંઈ હોય એના પર વિશ્વાસ ન મૂકવો. ભૂતકાળમાં લાદેવિકો કાસ્તેલ્વેત્રો (૧૫૭૦), ડ્રાયડન્ (૧૬૭૯) અને વિલ્યમ મોરિસ (ઓગણીસમી સદી) જેવાઓએ પણ પ્રેરણાના મૂળને નકારેલું. લેખકો પોતે કેટલીક વાર કોઈ મન :સ્થિતિ, કોઈ કલ્પન, કોઈ લય, કોઈ ઘટના કે વિચારને પ્રારંભિક વેગ તરીકે કે રચનાના ઉદ્દીપક તરીકે ઓળખાવે છે; તેમ છતાં સર્જનપ્રક્રિયાનું રહસ્ય હજી રહસ્ય જ રહ્યું છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કાવ્યહેતુને અનુલક્ષીને નૈસર્ગિક પ્રતિભા, વ્યુત્પત્તિ અને નિપુણતા અંગે થયેલો વિચાર આ સંજ્ઞા પર પ્રકાશ પાડી શકે તેમ છે. ચં.ટો.