ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભવાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભવાઈ : ‘હંસાઉલી’ની હસ્તપ્રતોને આધારે અસાઈતનો સમય ૧૩૨૦થી ૧૩૯૦નો માનવામાં આવે છે. એણે ‘હંસાઉલી’ ઉપરાંત ભવાઈના ૩૬૦ વેશો લખ્યાનું કહેવાય છે. ભવાઈ શબ્દની વ્યુત્પત્તિ અંગે અનેક મતો પ્રવર્તે છે. કેટલાક ભવ એ શિવનું નામ છે અને તે પરથી ભવાઈ શબ્દ આવ્યાનું કહે છે. તો કોઈએ એનો અર્થ ભવની વહી, જગતનું જમા-ઉધાર પાસું, એમ કર્યો છે. ભપકો, શોભાના અર્થમાં પણ એ શબ્દ સમજાવાયો છે. છતાં ભવાયાઓ એવું દૃઢપણે માને છે કે અંબા ભવાનીએ આ હુન્નર શીખવ્યો છે અને અસલ ભવાની આગળ તે નાચ થતો. આજે પણ લોકમાતાની આગળ – રંગમંચ વગર, પ્રેક્ષકગણની વચ્ચે, વર્તુળ આકારે જગ્યા આંતરીને સંગીત, નૃત્ય તેમ સંવાદ વડે એક-મેકથી ભિન્ન પ્રસંગો, આ નાચ, જેને વેશ એમ કહેવાય છે – તે ભજવાય છે. અંબામાતાના ચાચરમાં થતું તે ભાવન છે. ભાવન એટલે ભક્તિ અથવા ગુણગાન કે લીલાવિસ્તાર. આમ છતાં એના વેશો માત્ર ધાર્મિક પ્રકારના જ છે એમ નથી. એ સામાજિક તેમજ ઐતિહાસિક વગેરે પ્રકારના પણ છે. અને લોકશિક્ષણના અસરકારક માધ્યમ તરીકે પણ તેણે કામ કર્યું છે જે તેની વિશેષતા છે. આ ગુજરાતી લોક-નાટ્યમાં ગ્રામ-પ્રજાની જ્ઞાતિગત વિશેષતાઓ, સંવેદનાઓ, વિચારો, ઉચ્ચારણો વગેરે પ્રવેશ્યાં અને સહજરૂપથી શહેરોથી દૂર રહીને આ કલા વિકસી છે. છતાં આદાન-પ્રદાનને કારણે શહેરોની કેટલીક, જેમકે; નાટક-સિનેમા વગેરેની, અસરો પણ એમાં આવી. પ્રવૃત્તિ નદીની ધારાની માફક વહી હોવાને કારણે જાદુના ખેલો, અંગ-કસરતના પ્રયોગો ઇત્યાદિ પણ એમાં પ્રવેશ્યાં છે અને તે ભવાઈ-પ્રવૃત્તિનો જ એક ભાગ બનીને રહ્યાં છે. નવથી ઓછા નહિ એટલા માણસોની મંડળી કે પેડું બાંધવામાં આવે છે જે વર્ષમાં સાતથી આઠ માસ ભવાઈ ભજવે છે. કેટલીક મંડળીઓ માત્ર નવરાત્રિ કે જન્માષ્ટમી જેવા ઉત્સવ પ્રસંગે જ ભવાઈ રમે છે. ટોળીનો નાયક કે મુખી વેશગોર કહેવાય છે. સ્ત્રીપાત્ર પુરુષો જ કરે છે. ભવાઈમાં પરંપરાગત ભજવણી અને ગોઠવણી હોય છે તથા એના પોતાના નિયમો હોય છે. ભવાઈનો નાયક બહુધા ગદ્યમાં બોલે છે. વાર્તાલાપમાં અન્ય પાત્રો પણ ગદ્યનો ઉપયોગ કરે છે. છતાં કથાનો ઘણો ભાગ ગદ્ય ઉપરાંત કુંડળિયા, દોહરા, સાખી, છપ્પા વગેરેમાં કહેવાય છે અને દાદરો, જપતાલ, દીપચંદી, ચોતાલ, જેવા તાલો ઉપયોગમાં લેવાય છે. આખું સ્વરૂપ સ્વાભાવિકતાનું લક્ષણ એટલા માટે ધરાવે છે કે તે બંધનમુક્ત અને સ્વતંત્ર છે. કલાકારમાં મૌલિકતાનું લક્ષણ હોવા ઉપરાંત પ્રેક્ષકો સાથેનું એમનું સહકર્મ એ પણ એક અગત્યનું લક્ષણ છે. ભવાઈની ભજવણી ગામના ચોક કે ચોરા આગળ, માતાના મંદિર આગળ, શેરી-રસ્તાના ચોકઠામાં અથવા ગામ બહાર આવેલા શાળાના મેદાનમાં થતી હોય છે. ચાચરની ચારે બાજુ વર્તુળાકારમાં પ્રેક્ષકો ગોઠવાય છે અને વચમાં ભવાઈ રમાય છે. ચાચર કોઈપણ પ્રકારની સામગ્રી વિનાની સાવ ખાલી જગ્યા છે. ઉતારે મંગળ દીવા આગળ ઘૂઘરા બંધાય છે અને માતાની ગરબીઓ ગવાય છે. પછી માતાનું સામૈયું કાઢી, ચાચર નોંધી, સાંધી, જગાવી, તેને મંતરવામાં આવે છે. વેશગોર કંકુ છાંટી, તેલ સીંચી, ચાચરની પૂજા કરે છે અને ત્યારપછી જ તેમાં ભવાઈ રમતી કરવામાં આવે છે. સાંસ્કૃતિક-સામ્રાજ્યવાદના મહાપ્રાસાદો વચ્ચે ગૂંગળાતી કલા તો એ નથી જ, એ મુક્તાવકાશી છે. માણસો બાધા રાખે ને ભવાઈ રમવા ભવાયાઓને નિમંત્રે, તે વેળાએ રમાતી ભવાઈ માનતાની અથવા બાધાની ભવાઈ કહેવાય છે. નવરાત્રિ જેવા ઉત્સવે, ધાર્મિક સ્થળે કે ચોરે જઈ, રમાતી ભવાઈ જાતરની ભવાઈ કહેવાય છે. પ્રથમ ગરબા થાય છે. પછી પૂર્વરંગમાં ચાચરમાં ગણેશ આવે અને કંકુ છાંટે. કાલી આવે અને તેલ સીંચી રોગ-દોગ દૂર કરે. બ્રાહ્મણ આવે, મુહૂર્ત જુએ, આશીર્વાદ આપે. ડાગલો આવે, રોગ-દોગ એ સમુદ્રમાં નાંખે. પૂર્વરંગ પછી ડાગલો રંગલો થઈ જાય અને વેશ શરૂ કરતાં પહેલાં તે અથવા નાયક વસ્તુનું નિરૂપણ કરે. વેશ તેની વાર્તા અને વાર્તા તેનો વેશ, ભવાઈ વાર્તાને વેશમાં અભિવ્યક્ત કરે છે. વેશોમાં એક જ પાત્ર હોય તો પણ વેશધારી વાર્તા કહી જાય, કેટલાક અપવાદરૂપ વેશોમાં વાર્તાને બદલે અંગ-કસરતના પ્રયોગો, મદારીના ખેલો, શીશાનૃત્ય વગેરે પણ રજૂ થાય છે. પૂર્વરંગ પછી મણિયાર, ફકીર, નાયકા જેવા મુસલમાન મુખ્ય પાત્રોવાળા, શૂરો, સધરા-જેસંગ, જસમા જેવા રાજપૂત મુખ્ય પાત્રોવાળા કે વિવિધ કોમોવાળા જેવા કે, વણઝારો, કંસારો, દરજી વગેરે વેશો ભજવાય છે. ઇતિહાસ-પુરાણવિષયક વેશો દા.ત. પતાઈ રાવળ, કાન-ગોપી, બહુચર, અર્ધનારી-નટેશ્વર અને બીજાં પણ ભવાઈમાં છે તે પણ ભજવાય છે. ભવાઈ મહોત્સવને અંતે રામદેવનો વેશ થાય છે. તે પૂરો થતાં થાપા મારી, ઉતારે મંગલ દીવા પાસે માતાજીની છેલ્લી ગરબીઓ ગાઈ, ઘૂઘરા છૂટે છે, ત્યાં ભવાઈ પૂરી થાય છે. ભવાઈમાં ગરીબ-સામાન્ય પ્રજા કામ કરતી હોય છે. એટલે વેશભૂષા, રંગભૂષા મોંઘીદાટ હોતી નથી. દેવી પણ હાથમાં આંગળીએ સાદા વેઢ પહેરશે અને પગનાં ઘરેણાં ગામડાની સામાન્ય સ્ત્રીનાં હશે. વસ્ત્રો પણ કિંમતી નહિ હોય. ગણપતિને સોહામણા મુગટવાળો, સૂંઢવાળો તથા મૂલ્યવાન ઘરેણાંવાળો કહ્યો છે. છતાં તે માત્ર માથા ઉપર કપડું નાખી આગળ સ્વસ્તિકવાળી થાળી સાથે આવશે. આમ, મોંઘાદાટ આહાર્યમાંથી બચવા કલાકારોએ આવી લોકધર્મી શૈલીનો સ્વીકાર કર્યો છે. તેમ છતાં નાટ્યધર્મી શૈલી પણ છે જ. ઘાઘર ખુલ્લા મેદાનને અનુકૂળ આવે તેવા પહોળા હોય છે. થિયેટર કોસ્ચ્યુમ તરીકે પણ ઘાઘર તેમજ એવાં વસ્ત્રો ઉપયોગમાં લેવાય છે. રાજા કિંમતી વસ્ત્રો તથા બ્રાહ્મણ ખૂબ લાંબું ટીપણું, સરસ દોરી-લોટો, ઉપસાવેલું શિવતિલક વગેરેથી સજ્જ થઈને આવશે. અને ઝંડો પણ એવો જ, નાટ્યધર્મી, સજ્જ થયેલી વેશભૂષા તેમ રંગભૂષાથી આવશે. આમ, બંને શૈલીનું મિશ્રણ અહીં દેખાય છે. બોદાર ભવાઈ-કલાકારોની રંગભૂષાનું અગત્યનું માધ્યમ છે. ઉપરાંત લાલી, મેશ, શંખજીરૂ વગેરે પણ વપરાય છે. ભૂંગળ, તબલાં, ઝાંઝ અને ઘૂંઘરુ મુખ્ય વાજિંત્રો છે. ધ્વનિઆયોજન તથા રસ-જમાવટ માટે ભૂંગળ અગત્યનું વાજિંત્ર છે. તે વગર ભવાઈ રમી શકાય નહિ. વેશની જરૂરિયાત પ્રમાણે અન્ય વાજિંત્રો પણ ઉમેરાય છે. કૃષ્ણ વાંસળી વગાડશે, પાવો, નગારું, રાવણહત્થો વગેરે પણ કોઈવાર ઉપયોગમાં લેવાય છે. સીટી, તાળી વગેરે પણ એમનાં વાજિંત્રો છે. ભવાઈ-સંગીતના અગત્યનાં તત્ત્વો તે રસો તથા વાત્સલ્ય, કૌટુંબિક પ્રેમ, સામાજિક લાગણી વગેરે છે. ભવાઈને ચલતી, હીંચ, ત્રગડો જેવા પોતાના તાલ છે. શાસ્ત્રીય તાલોનો અણસાર પણ એમાં આવ્યા કરે છે. પરંતુ તે તાલો શાસ્ત્રના નિયમ રૂપે નહિ, પોતાની રીતે ઉપયોગમાં લેવાય છે, તબલાંના શાહી ભાગનો જ ઉપયોગ થાય છે તેથી બધું સંગીત ખુલ્લી થાપી પર ચાલ્યું જાય છે અને જુદું પડે છે. માટે તે વગાડવા ભવાઈ તબલચી જ બોલાવવો પડે છે. ચાચરકર્મની આખી પ્રવૃત્તિમાં સમાન ભાગીદાર એવો પ્રેક્ષક પણ હાકોટા, હોંકારા કરે છે. મોટા ભાગનાં ગીતો ગાવા માટે નહિ, જોવા, રમવા તેમ સાંભળવા માટે હોય છે. ભવાઈના વેશો નૃત્ત તેમ નૃત્યથી સભર છે. એનાં પ્રારંભનાં ગીતોમાં ગણપતિને નર્તન કરતા કહ્યા છે. યજમાનોમાં જેને ત્યાં છોકરો આવ્યો હોય તે ભવાયાઓને હાલરડાં, એટલેકે માતાજીનો વધાવો, ગાવા બોલાવે છે. કેટલીક મંડળીઓ મરણ પાછળ પણ મરનારનું મંગળ થાય તે હેતુથી ભવાઈ-મહોત્સવ કરવા જાય છે. એ લોકો ત્યાં હાલરડાં પણ ગાય છે. આવા પ્રકારના નૃત્ત શુકન જેવા કે મંગળ પ્રસંગો વગેરે વેળાએ પણ થાય છે. ભવાઈનું નૃત્ય પરંપરાગત છે. લોકનૃત્યનાં પ્રાકૃતિક જોમ તથા જુસ્સો એમાં સતત વરતાયા કરે છે. ભવાઈ નૃત્યમાં થાય છે ખરી, પણ એનું રૂપાન્તર નાટ્યરૂપમાં છે અને જ્યાં આખાં નૃત્ય નથી ત્યાં ઘણી ક્રિયાઓ તેમ સંવાદો નૃત્યના રૂપમાં બતાવાય છે. રાસ, રાસડા, ગરબા, ગરબી, ગોફગૂંફણ વગેરે જે છે તેને પણ એક યા બીજી રીતે ભવાઈએ પોતાનામાં સમાવી લીધાં છે. કોઈ વાર તે અથવા તેમાંનો કેટલોક અંશ શુદ્ધ નર્તન રૂપે કે અર્થઘટન કરનાર નર્તન રૂપે પ્રયોજાય છે. એટલું જ નહિ, નાટ્ય એવા અર્થમાં પણ નર્તન અહીં પ્રયોજાય છે. આમ નૃત્ત, નૃત્ય અને નાટ્ય એવા નર્તનના ત્રણેય પ્રકારો માટે સામાન્ય નામ તરીકે ભવાઈમાં આપણને નર્તન જોવા મળે છે. તેને નર્તનપ્રધાન લોકનાટ્ય જ કહી શકાય. કૃ.ક.