ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભારતીય સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ
ભારતીય સાહિત્યોનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ : ગુજરાતી સાહિત્ય પર પાશ્ચાત્ય સાહિત્યોનો પ્રભાવ જેવો ઊડીને આંખે વળગે છે એવો ભારતનાં અન્ય ભાષાસાહિત્યોનો પ્રભાવ ઉપલક નજરે જણાતો નથી, પરંતુ વિદેશી ભાષાસાહિત્યોનો પ્રભાવ ઝીલનાર સંવેદનપટુ ગુજરાતી ભાષાસાહિત્ય ભારતીય-ભગિની ભાષાઓનાં સાહિત્યોનો પ્રભાવ ઝીલ્યા વિના રહી શકે એ શક્ય નથી. આ પ્રભાવ પ્રમાણમાં વધારે સૂક્ષ્મ હોવાથી તેની તપાસ ઝીણવટથી કરવી જરૂરી બને છે. આજે આપણે જેને ‘ગુજરાતી’ ભાષા કહીએ છીએ તે વાસ્તવમાં હિન્દી, બંગાળી, મરાઠી વગેરેની જેમ ભારતની આર્યકુળની જ ભાષા છે. ભારતીય-આર્ય(Indo-Aryan) ભાષાની ત્રીજી અર્થાત્ અર્વાચીન ભૂમિકાનું એ એક પ્રાદેશિક સ્વરૂપ છે. ગુજરાતી ભાષાનો સીધો સંબંધ અપભ્રંશ, પ્રાકૃત અને સંસ્કૃત સાથે છે. તેથી સ્વાભાવિક રીતે જ આ ભાષાઓનાં સાહિત્યોનો વ્યાપક પ્રભાવ ગુજરાતી સાહિત્ય પર હોય. સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ બધી જ અર્વાચીન ભારતીય ભાષાઓ પર પડ્યો છે. ગુજરાતી ભાષાસાહિત્ય પર પણ આજ દિન સુધી સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ વરતાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રાકૃત, અપભ્રંશ સાથે સંસ્કૃતનો પ્રભાવ વિપુલ પ્રમાણમાં દૃષ્ટિગોચર થાય છે. મધ્યકાળમાં જે સાહિત્યસ્વરૂપો વિકસ્યાં તે પૈકી મોટા ભાગનાં સંસ્કૃતમાંથી ઊતરી આવ્યાં છે. મુક્તકનો પ્રકાર સંસ્કૃતમાંથી આવ્યો હોઈ મધ્યકાળમાં રચાયેલાં અનેક મુક્તકો પર સંસ્કૃત મુક્તકોનો પ્રભાવ પડેલો જોઈ શકાય છે. મુક્તકમાંથી જ પદનો પ્રકાર વિકસ્યો છે. પદનાં ઉત્પત્તિ અને વિકાસમાં મંદિરોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. શણગારનાં, હિંડોળાનાં, થાળનાં, ફાગનાં, કૃષ્ણજન્મનાં, વસંતનાં, હોળીનાં, આરતીનાં પદો આ રીતે રચાયાં છે. મધ્યકાળમાં મધુરાભક્તિનું પ્રાબલ્ય હોવાથી શૃંગારનાં પદો વિશેષ માત્રામાં રચાયાં છે. આ બધાં પદો પર સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ ઠેર ઠેર અનુભવાય છે. દા.ત. નરસિંહનાં શૃંગારનાં પદો પર જયદેવના ‘ગીતગોવિંદ’ની અસર જોઈ શકાય છે. કૃષ્ણપ્રેમ વિષયક પદો પર ‘શ્રીમદ્ભાગવત’નો પ્રભાવ તો નરસિંહ, મીરાં, દયારામ વગેરે અનેક કવિઓ પર પડ્યો છે. ભાલણ ‘દશમસ્કંધ’ આપે છે. પછી પ્રેમાનંદ પાસેથી પણ ‘દશમસ્કંધ’ પ્રાપ્ત થાય છે. મધ્યકાળનો સમૃદ્ધ સાહિત્યપ્રકાર છે ‘આખ્યાન’. ભાલણથી આરંભી દયારામ સુધી સંખ્યાબંધ કવિઓએ આખ્યાનો રચ્યાં છે. સંસ્કૃત સાહિત્યમાં, ખાસ કરી રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યો અને પુરાણોમાં ઉપાખ્યાનો આવતાં. મધ્યકાળનાં અધિકાંશ આખ્યાનો આ ઉપાખ્યાનો ઉપર આધારિત છે. હરિશ્ચંદ્ર, નળ, પ્રહ્લાદ, ચંદ્રહાસ વગેરેની જે કથાઓ સંસ્કૃત ઉપાખ્યાનોમાં સાંપડે છે તે કથાઓ પર મધ્યકાળમાં સંખ્યાબંધ આખ્યાનો રચાયાં છે. કથાવાર્તા કે પદ્યવાર્તાનું સ્વરૂપ પણ મધ્યકાળમાં ઠીક ઠીક ખેડાયું છે. મધ્યકાળમાં રચાયેલી અધિકાંશ પદ્યવાર્તાઓનો સ્રોત સંસ્કૃત સાહિત્યની કથાઓ ‘કથાસરિત્સાગર’, ‘દશકુમારચરિત’, ‘પંચતંત્ર’, ‘કાદંબરી’ વગેરેએ પૂરો પાડ્યો છે. મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલ જ્ઞાનમાર્ગી કવિતા, અખાકૃત ‘અખેગીતા’, બ્રહેદેવકૃત ‘ભ્રમરગીતા’, પ્રીતમકૃત ‘સરસગીતા’, ભાણદાસકૃત ‘હસ્તામલક’, દયારામરચિત ‘રસિકવલ્લભ’ વગેરે સ્વરૂપની રચનાઓ તથા રાસ-રાસા પર પણ વત્તાઓછા પ્રમાણમાં સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ પડ્યો છે. મધ્યકાલીન સાહિત્યની સરખામણીમાં અર્વાચીન ગુજરાતી સાહિત્ય પર સંસ્કૃતનો પ્રભાવ ઓછો થયો છે. પણ નોંધ લેવી પડે તેટલો તો અવશ્ય છે જ. સંસ્કૃતના પ્રશિષ્ટગ્રન્થોના સારાનુવાદ-સંક્ષેપો તો મધ્યકાળથી જ મળવા શરૂ થયેલા. જેમકે ભાલણે ‘દશમસ્કંધ’ અને ‘કાદંબરી’ના સંક્ષિપ્ત અનુવાદ કરેલા, પણ અર્વાચીનકાળમાં સભાનતાપૂર્વક અનુવાદ કરવાની પ્રવૃત્તિ વેગ પકડે છે. ૧૮૬૭ થી ૧૯૬૧ સુધીમાં ૪૪ જેટલાં સંસ્કૃત નાટકો ગુજરાતીમાં અનૂદિત થયાં હતાં. કાલિદાસકૃત ‘શાકુંતલ’ના જ બારેક અનુવાદો સાંપડે છે. જયદેવકૃત ‘ગીતગોવિંદ’, તેમજ ‘હિતોપદેશ’, ‘પંચતંત્ર’ વગેરેના અનુવાદો પ્રાપ્ત થાય છે. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાની આ પ્રવૃત્તિએ સંસ્કૃતવૃત્તોની પ્રતિષ્ઠા અને તેમના પ્રયોગ-પ્રસારમાં, મુક્તકકાવ્ય, સ્તોત્ર વગેરે વિવિધ કાવ્યપ્રકારોના ખેડાણમાં અને પ્રશિષ્ટ કાવ્યશૈલીના નિર્માણમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યું છે. ગુજરાતી રંગભૂમિ અને નાટકનાં ઘડતર-વિકાસમાંયે સંસ્કૃત-ગુજરાતી અનુવાદ પ્રવૃત્તિનો પ્રભાવ ધ્યાન ખેંચે એવો છે. પંડિતયુગમાં અને તે પછી અનેક સર્જકો સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરે છે. આ અભ્યાસની અસર તેમના સર્જન પર પડે તે સ્વાભાવિક છે. પંડિતયુગના સમર્થ કવિ ‘કાન્ત’ મહાભારતનાં કથાનકો પર આધારિત ઉત્કૃષ્ટ ખંડકાવ્યો ‘વસંતવિજય’, અતિજ્ઞાન’ વગેરે લખે છે. ગાંધીયુગમાં ઉમાશંકર જોશીએ મુખ્યત્વે સંસ્કૃત મહાકાવ્યોનાં કથાનકોને વિષય બનાવી ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’માં પદ્યનાટકના પ્રયોગો કર્યા છે. રસિકલાલ પરીખ સંસ્કૃત નાટક ‘મૃચ્છકટિકમ્’ પર આધારિત ‘શર્વિલક’ નાટકની રચના કરે છે. કનૈયાલાલ મુનશી ‘પુરંદર પરાજય’, ‘અવિભક્ત આત્મા’, ‘પુત્રસમોવડી’ વગેરે પૌરાણિક નાટકોનું સર્જન કરે છે તથા કૃષ્ણના પાત્રને કેન્દ્રમાં રાખી ‘કૃષ્ણાવતાર’ નામક બૃહદ્ નવલકથાના આઠ ભાગ લખે છે. હરીન્દ્ર દવે પણ કૃષ્ણને જ કેન્દ્ર બનાવી ‘માધવ ક્યાંય નથી’ જેવી સંવેદનભીની નવલ આપે છે. પન્નાલાલ પટેલ, પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ વગેરે અનેક લેખકોએ રામાયણ-મહાભારતની સામગ્રી ખપમાં લીધી છે. દુર્ગેશ શુક્લ ‘ઉર્વશી’ નાટિકા લખે છે તો સર્રિયલ સફર આદરનાર સિતાંશુ યશશ્ચંદ્ર જેવા આધુનિક કવિ પણ ‘જટાયુ’ જેવી રચનામાં પુરાકલ્પનનો આશ્રય લે છે. રાજેન્દ્ર શાહ, હસમુખ પાઠક, પ્રિયકાંત મણિયાર વગેરે કવિઓ પણ સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ તેમની કેટલીક કૃતિઓમાં ઝીલે છે. ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી સીધી ઊતરી આવી નથી પણ પ્રાકૃત-અપભ્રંશમાંથી ઊતરી આવી છે. તેથી સ્વાભાવિક રીતે જ પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યનો પ્રભાવ પણ ગુજરાતી સાહિત્ય પર પડે જ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેને આપણે પ્રાગ્નરસિંહયુગનું સાહિત્ય કહીએ છીએ તે લગભગ ત્રણસો વર્ષના સાહિત્ય પર પ્રાકૃત-અપભ્રંશનો વિશેષ પ્રભાવ પડ્યો છે. ‘સિદ્ધહૈમ’ના દુહા અપભ્રંશ અને ગુજરાતી વચ્ચેની સંક્રાન્તિકાળની ભાષા પ્રગટ કરે છે. જૂની પશ્ચિમી રાજસ્થાની ભાષા તરીકે ઓળખાવવામાં આવેલી એ ભાષામાં પ્રાપ્ત થયેલી એ મૂલ્યવાન સાહિત્યસંપત્તિ વાસ્તવમાં ગુજરાતીની અને રાજસ્થાનીની સહિયારી સંપત્તિ છે. દુહાની પ્રણાલિકા પછી આપણા લોકસાહિત્યમાં ચાલુ રહી છે. ‘દુહો દસમો વેદ’ એમ કહીને બિરદાવાયેલ સોરઠી દુહાનું મૂળ અપભ્રંશના દુહામાં છે. પ્રારંભિક ત્રણસો વર્ષ (૧૧૫૦થી ૧૪૫૦) દરમિયાન જે સાહિત્યસ્વરૂપોનું સવિશેષ ખેડાણ થયું છે તેમાં રાસા, ફાગુ વગેરે પર પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યનો વ્યાપક પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. બારમા શતકમાં પ્રારંભાયેલો પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યનો પ્રભાવ ૧૪૫૦થી ૧૬૦૦ સુધીના વર્ષના ગાળામાં વધારે પુષ્ટ બને છે. આ સમયગાળામાં નાનામોટા બસો કરતાં વધુ જૈનસાધુ અને શ્રાવક કવિઓ કાવ્યસર્જનમાં પ્રવૃત્ત થાય છે. દોઢસો વર્ષના સમયપટમાં બસો કરતાંયે વધુ રાસકૃતિઓ ઉપલબ્ધ થાય છે. ધીમે ધીમે રાસનું કદ વિસ્તાર પામે છે. ચુસ્ત ધાર્મિક વિષયોની મર્યાદા ન રહેતાં, ચરિત્ર ઉપરાંત ઇતિહાસ અને લોકકથાના ક્ષેત્ર સુધી તે વિસ્તરે છે. એમાંનાં કેટલાંક કથાનકો જૈન ધર્મગ્રન્થોમાંથી લેવાયાં છે તો કેટલાંક લોકકથામાંથી લેવાયાં છે અને તેને જૈન સ્વરૂપ અપાયું છે. આ ગાળામાં લખાયેલી રાસકૃતિઓમાં આ રીતે મદનરેખા, ત્રિવિક્રમ, શાલિભદ્ર, વિદ્યાવિલાસ, ઋષભદેવ, ભરતબાહુબલિ, સ્થૂલિભદ્ર, જંબુસ્વામી, નલદવદંતી, મલયસુંદરી, મૃગાવતી, ગૌતમસ્વામી, વિમલમંત્રી, સનતકુમાર, રાજા વિક્રમ, યશોધર, કલાવતી, સુબાહુ, માધવાનલ, કનક શેઠ, સુરસુંદરી, રત્નકુમાર વગેરેનાં કથાનકો લેવાયાં છે. આ કથાનકો પૈકી કેટલાંક સંસ્કૃત સાહિત્યમાંથી તો કેટલાંક પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યમાંથી લેવામાં આવ્યાં છે. એ જ રીતે પદ્યવાર્તાનાં કેટલાંક કથાનકો કથાકારોને પ્રાકૃતઅપભ્રંશ સાહિત્યમાંથી સાંપડ્યાં છે. અર્વાચીન ગુજરાતી સાહિત્ય પર પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યનો પ્રભાવ નહિવત્ જણાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પર અર્વાચીન ભારતીય ભાષાઓ પૈકી વ્રજ-હિન્દીનો વ્યાપક પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. કવિ ભાલણ પાસેથી વ્રજભાષાનાં પાંચ-છ પદો પ્રાપ્ત થાય છે. મીરાંની તો ઘણીબધી રચનાઓ વ્રજ-હિન્દીમાં છે. એ ભાષાની કવિતાથી તે માત્ર પરિચિત જ નથી, પ્રભાવિત પણ છે. મધ્યકાળમાં દયારામ સુધીના અનેકવિધ કવિઓ પર વ્રજ-હિન્દીનો પ્રભાવ પડેલો જોઈ શકાય છે. મધ્યકાળના સાહિત્યનું કેન્દ્રબિંદુ ભક્તિ હતું. મોટા ભાગના ભક્તકવિઓ યાત્રા નિમિત્તે હિન્દીભાષી પ્રદેશોના સંપર્કમાં આવતા, વ્રજહિન્દી કવિઓ પણ ગુજરાત આવતા. પરિણામે આદાનપ્રદાન થતું રહેતું. તુલસીદાસ, સૂરદાસ વગેરે કવિઓની કવિતા ગુજરાતમાં લોકપ્રિય થઈ ચૂકી હતી. કબીર-રહીમ વગેરેના દોહા પણ ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિઓ માટે પ્રેરક બની રહે છે. વ્રજ-હિન્દી કવિતા-સાહિત્યનો પ્રભાવ અર્વાચીન ગુજરાતી સાહિત્ય પર પણ પડે છે. અર્વાચીન કવિ દલપતરામ તો વ્રજભાષામાં કાવ્યરચના સુધ્ધાં કરે છે. સુન્દરમ્ પણ વ્રજભાષામાં ‘મેરે પિયા’ જેવું પદ રચે છે. ગુજરાતી સર્જકો હિન્દી-વ્રજ સાહિત્યનો સીધો અભ્યાસ કરી શકે છે. આમ છતાં હિન્દીમાંથી ‘રામચરિતમાનસ’, ‘રસિકપ્રિયા’, ‘બિહારીસતસઇ’, ‘કબીર વચનાવલિ’, ‘ચિંદબરા’, ‘જૂઠાસચ’, ‘અપને લોગ’ વગેરે અનેક રચનાઓ ગુજરાતીમાં અનૂદિત થઈ છે. પ્રેમચંદ, સુમિત્રાનંદન પંત, જૈનેન્દ્રકુમાર, વિષ્ણુ પ્રભાકર, ધર્મવીર ભારતી જેવા હિન્દી સાહિત્યકારોનાં પુસ્તકો ગુજરાતીમાં થયાં છે. આ ઉપરાંત ભારતની અનેક પ્રાદેશિક ભાષાઓનાં પુસ્તકો હિન્દી દ્વારા ગુજરાતીમાં ઊતર્યાં છે. આ રીતે હિન્દી ભાષા-સાહિત્ય ભારતીય સાહિત્યોનું માધ્યમ બને છે. રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ વગેરે ગુજરાતીના સર્જકો હિન્દી ભાષાસાહિત્યના અધ્યાપકો હોવાથી સ્વાભાવિક રીતે જ હિન્દી સાહિત્યથી પ્રભાવિત થયા છે. રઘુવીર ચૌધરીની યશસ્વી નવલકથા ‘અમૃતા’ પર અજ્ઞેયની નવલકથા ‘નદી કે દ્વીપ’નો પ્રભાવ વરતાય છે. ભોળાભાઈ પટેલ હિન્દીના અધ્યાપક હોવા છતાં તેમના સાહિત્ય પર હિન્દી કરતાં બંગાળી સાહિત્યનો પ્રભાવ વિશેષ પડ્યો છે. તેમણે બંગાળીની અનેક કૃતિઓના ગુજરાતી અનુવાદ કર્યા છે. કાલિદાસ અને રવીન્દ્રનાથ તેમના પ્રિય સર્જકો-કવિઓ છે. રવીન્દ્રનાથ અને શરદબાબુ જેવા મોટા ગજાના બંગાળી સર્જકોનું મોટાભાગનું સાહિત્ય ગુજરાતીમાં રૂપાંતરિત થયું છે. બંગાળી જાણનાર કે ન જાણનાર અનેક ગુજરાતી સર્જકો પર બંગાળી સાહિત્યનો પ્રભાવ પડ્યો છે. પ્રહ્લાદ પારેખ જેવા અનુગાંધીયુગના કવિ તો શાંતિનિકેતનમાં રહી આવ્યા હતા. તેથી તેમની કવિતા પર રવીન્દ્રનાથનો પ્રગાઢ પ્રભાવ પડે છે. તેમનો કાવ્યસંગ્રહ ‘બારીબહાર’ ગાંધીયુગની વાસ્તવાભિમુખ કવિતાથી ભિન્ન એવી સૌન્દર્યાભિમુખ કાવ્યધારાનો પ્રારંભક પુરવાર થાય છે. પછી તો રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત જેવા મોટા ગજાના કવિઓ રવીન્દ્રપ્રભાવ તળે સૌન્દર્યાભિમુખ કવિતાનું સર્જન કરે છે જેને પરિણામે ગુજરાતી સાહિત્યમાં, ખાસ તો કવિતામાં રાજેન્દ્ર-નિરંજનયુગ અસ્તિત્વમાં આવે છે. ગુજરાતી ગીતરચના પર રવીન્દ્રશૈલીનાં તત્ત્વો દૃષ્ટિગોચર થાય છે. જીવનાનંદ દાસ, બુદ્ધદેવ બસુ, સુનીલ ગંગોપાધ્યાય જેવા આધુનિક બંગાળી સર્જકોનો પ્રભાવ પણ ગુજરાતી સાહિત્ય પર પડ્યો છે. શિવકુમાર જોશી, ચંદ્રકાંત બક્ષી અને મધુ રાય જેવા સક્ષમ સર્જકો કલકત્તામાં વત્તાઓછાં વર્ષ રહ્યા અને બંગાળી સાહિત્યના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યા તેને કારણે તેમના સાહિત્ય પર બંગાળી સાહિત્યનો સવિશેષ પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. કાકા કાલેલકર, જયભિખ્ખુ, મેઘાણી, ધૂમકેતુ, સુરેશ જોષી, નિરંજન ભગત વગેરે અનેક ગુજરાતી સાહિત્યકારો બંગાળી ભાષાસાહિત્યથી પરિચિત પણ રહ્યા છે. હિન્દી-બંગાળી ભાષાઓની સરખામણીમાં મરાઠી ભાષા આપણી વધારે નજીક છે. ૧૯૬૦ સુધી તો ગુજરાત-મહારાષ્ટ્રનું એક જ રાજ્ય હતું. વર્ષો સુધી ગુજરાતના કેટલાક ભાગ પર ગાયકવાડનું શાસન રહ્યું. વડોદરામાં આજે પણ મરાઠીભાષીની સારી સંખ્યા છે. બીજી બાજુ મુંબઈ-પૂના-સોલાપુર વગેરે મહારાષ્ટ્રનાં શહેરોમાં ગુજરાતીઓની સંખ્યા પ્રમાણમાં મોટી છે. મુંબઈ-મહારાષ્ટ્રમાં વત્તાઓછા પ્રમાણમાં રહેલા ગુજરાતી સાહિત્યકારો મરાઠી ભાષાસાહિત્યથી સુપેરે પરિચિત હોય એ સમજી શકાય. સુરેશ દલાલ, ભારતી વૈદ્ય, જયા મહેતા, જગદીશ જોષી વગેરે અનેક સાહિત્યકારોએ મરાઠીમાંથી કેટલીક કૃતિઓ ગુજરાતીમાં ઉતારી છે. વિ.સ. ખાંડેકર જેવા નવલકથાકારની મોટાભાગની કૃતિઓ ગોપાળરાવ વિદ્વાંસના અનુવાદો દ્વારા ગુજરાતીમાં આવી ચૂકી છે. ઉમાશંકરના ગંગોત્રી ટ્રસ્ટ દ્વારા સાત અગ્રણી આધુનિક મરાઠી કવિઓની કવિતા પણ ગુજરાતીમાં અવતરી છે. છેક મધ્યકાળથી આજ સુધીના અનેક કવિઓ મરાઠી ભક્તિકવિતાથી પ્રભાવિત થયેલા. અર્વાચીન ગુજરાતી સાહિત્યકારો પૈકી વર્ષો સુધી મુંબઈમાં રહેલા અનેક સર્જકો – બ. ક. ઠાકોર, મનસુખલાલ ઝવેરી, કરસનદાસ માણેક, ગુલાબદાસ બ્રોકર, વેણીભાઈ પુરોહિત, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે, અનિલ જોશી, જગદીશ જોષી, સિતાંશુ યશશ્ચંદ્ર, ચંદ્રકાન્ત બક્ષી વગેરે પર ક્યાંક ને ક્યાંક મરાઠી સાહિત્યનો પ્રભાવ જોઈ શકાય. ગુજરાતી સાહિત્ય પર સંસ્કૃત-બંગાળી-હિન્દી સાહિત્યની સરખામણીમાં અન્ય ભારતીય સાહિત્યોનો પ્રભાવ ખૂબ જ ઓછો પડ્યો છે, કહો કે એવો પ્રભાવ નહિવત્ છે. ઉપર્યુક્ત સાહિત્યોનો પ્રભાવ જેટલી સરળતાથી દર્શાવી શકાય છે તેવી રીતે અન્ય ભાષાસાહિત્યોનો પ્રભાવ તારવવો શક્ય નથી. તેમ છતાં અન્ય ભારતીય સાહિત્યોનો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પર પડ્યો જ નથી એવું પણ કહી શકાશે નહીં. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સાહિત્ય અકાદમી, દિલ્હી તથા નેશનલ બુક ટ્રસ્ટ જેવી સંસ્થાઓએ દેશની પ્રાદેશિક ભાષાઓના ઉત્તમ સાહિત્યને અનુવાદ દ્વારા અખિલ ભારતીય સ્તરે પ્રતિષ્ઠિત કરી પ્રસારવાનું કાર્ય હાથમાં લીધું છે. એને લીધે આપણને લગભગ બધી ભારતીય ભાષાઓનું સત્ત્વશીલ સાહિત્ય ક્યાંક સીધું જ તે ભાષામાંથી તો ક્યાંક હિન્દી-અંગ્રેજી અનુવાદ મારફતે ગુજરાતીમાં ઉપલબ્ધ થયું છે. નવનીત મદ્રાસીએ અકિલનની જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા ‘ચિત્રપ્રિયા’ ઉપરાંત તમિળભાષાની કેટલીક નોંધપાત્ર નવલકથાઓ અને વાર્તાઓના ગુજરાતી અનુવાદ કર્યા છે. ‘કથાભારતી’ને કારણે આપણને પંજાબી, ઉર્દૂ, તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓની શ્રેષ્ઠ વાર્તાના સંચયો, ‘બશેર ડાંગર’, ‘ચિક્કવીર રાજેન્દ્ર’, ‘રત્નાકર’ જેવી નવલકથાઓ સાંપડ્યાં છે. ભારતીય ભાષાસાહિત્યોની ઉત્તમ કૃતિઓ પૈકી કેટલીક ગુજરાતીમાં, કેટલીક હિન્દી-અંગ્રેજીમાં ઉપલબ્ધ થવાથી ગુજરાતી સાહિત્યકારો માટે તે હવે સાવ અસ્પૃશ્ય રહી નથી. વળી સાહિત્ય અકાદમી, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓને કારણે ગુજરાતી સાહિત્યકાર ભારતીય સાહિત્યકારોના સીધા સંપર્કમાં પણ આવ્યો છે. તે હવે અખિલ ભારતીય કક્ષાના સાહિત્યિક પરિસંવાદો, પુરસ્કાર વિતરણ સમારંભો, કવિ સંમેલનોમાં સમ્મિલિત થવા લાગ્યો છે. એ બધાને કારણે પણ તે ભારતીય સાહિત્યકારો અને તેમના સાહિત્યથી પરિચિત થાય છે, અને અમુક અંશે પ્રભાવિત પણ થાય છે. આ પ્રભાવ પ્રમાણમાં સૂક્ષ્મ હોવાથી આંગળી ચીંધી બનાવી ન શકાય પણ તેનો ઇન્કાર પણ કરી શકાશે નહીં. નવમા દાયકામાં ગુજરાતમાં ત્રણ સમર્થ ભારતીય સાહિત્ય કારો – રવીન્દ્રનાથ ટાગોર, શરદબાબુ અને પ્રેમચંદની ગ્રન્થાવલિ – રૂપે તેમનું લગભગ સમગ્ર સાહિત્ય એક સાથે ઉપલબ્ધ થાય છે એ નોંધપાત્ર ઘટના છે. ગુજરાત પર, ગુજરાતી સાહિત્ય પર આ ભારતીય સાહિત્યકારોનો કેટલો જબરદસ્ત પ્રભાવ પડ્યો છે તેનો આછો ખ્યાલ એ પરથી આવી શકશે. મૈત્રેયીદેવીની આત્મકથનાત્મક નવલકથા ‘ન હન્યતે’ના ગુજરાતી અનુવાદની કેટલી બધી આવૃત્તિઓ કેટલાં ઓછાં વર્ષોમાં પ્રગટ થઈ ગઈ! બહુ ઓછી ગુજરાતી નવલકથાની પણ એટલી બધી નકલો એટલા ઓછા સમયમાં વેચાઈ હશે! ‘ન હન્યતે’ના ગુજરાતમાં પ્રાગટ્ય પછી એ વિષયવસ્તુ પર આધારિત કેટલી બધી કૃતિઓ ગુજરાતી સાહિત્યમાં રચાઈ છે એનો અભ્યાસ કરવામાં આવે તો એનો કેવો અને કેટલો પ્રભાવ પડ્યો છે એ જાણી શકાય. વીનેશ અંતાણીની લોકપ્રિય નવલકથા ‘પ્રિયજન’ આ સંદર્ભે તરત સ્મરણે ચડે છે. ગુજરાતમાં છેલ્લાં થોડાંક વર્ષોથી તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ થવા લાગ્યો છે. તેમાં બે ભિન્ન ભિન્ન ભાષાસાહિત્યની કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. તેમાં એક કૃતિના અન્ય કૃતિ પરના પ્રભાવનો અભ્યાસ પણ થાય છે. આવા સઘન અભ્યાસ પછી જ એક કૃતિ પર કે સાહિત્યકાર પર કઈ કૃતિ કે કયા સર્જકનો કેટલો પ્રભાવ પડ્યો એ ચોક્કસ રીતે કહી શકાય. પ્ર.બ્ર.