ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભારતીય સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભારતીય સાહિત્ય : પહેલાં તો ભારતીય સાહિત્ય એટલે સંસ્કૃત સાહિત્ય એવો એક ખ્યાલ પ્રવર્તતો હતો, પરંતુ પછી અર્થ વ્યાપક થતાં એમાં પાલિ, પ્રાકૃત, અપભ્રંશ ઉમેરાયાં, ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી અર્થ વધુ વિસ્તર્યો અને એમાં આધુનિક ભારતીય ભાષાઓને પણ સમાવવામાં આવી. આજે ભારતીય ભાષાઓમાં રચાયેલું સાહિત્ય એવો એનો અર્થ સ્પષ્ટ છે. એટલું જ નહિ ઘણીબધી ભાષાઓમાં લખાતું હોવા છતાં એ એક છે, એમાં ભારતીય સામૂહિક ચેતનાની કે ભારતીય વિશ્વદૃષ્ટિની કલાત્મક અભિવ્યક્તિ છે, વિવિધ ભાષાઓ કે સાહિત્યોનો એ શંભુમેળો નથી; કોઈ એક કલેવરમાં ઢળેલું એ યાંત્રિક સંમિશ્રણ નથી, એવી માન્યતા દૃઢ બની છે. એમાં ભારતીય પ્રજાઓની માનસિક સમાન્તરતાઓ જોઈ શકાય છે. મોટેભાગે સાહિત્યોના સરવાળા રૂપે ભારતીય સાહિત્યને રજૂ કરવામાં આવે છે એ તો ગાણિતિક અભિગમ છે. એનાથી અલગ અલગ ભાષાઓનો વિકાસ મળી શકે પણ સાહિત્યો વચ્ચેના પરસ્પરસંબંધને માટે એ પર્યાપ્ત નથી. વળી, એ પણ સમજવું જરૂરી છે કે વિવિધ પ્રજાઓ અને વિવિધ સાહિત્યોમાં રહેલી એકતા એ કેવળ સંસ્થાનવાદી સત્તા સામેની પ્રતિક્રિયા નથી કે નથી એ રાષ્ટ્રીય ચળવળની આડપેદાશ. ભારતીય સ્થાપત્ય, સંગીત, શિલ્પ અને ચિત્રની જેમ ભારતીય સાહિત્ય પણ વિવિધ ભાષાકીય આવિષ્કારો છતાં એકીકૃત વિશ્વ છે. ભારતીય સાહિત્યે વિવિધ રાજકીય અને સામાજિક પરિવર્તનોની પ્રક્રિયા મારફતે એક સંયોજિત રૂપ ધારણ કર્યું છે. ચૈતન્ય, નાનક, નામદેવ કે વિવેકાનન્દ જેવા ભારતીય ચેતનાના પ્રણેતાઓએ માત્ર એકતાનો ઉપદેશ નથી આપ્યો પણ એકતાના સંદેશને દૂર દૂરના ખૂણાઓમાં પરિવ્રાજક થઈને પહોંચાડ્યો છે અને એટલે જ આજે એક રાષ્ટ્રીય ઓળખ ઊભી થઈ છે. અનેક ધર્મો, વિચારધારાઓ અને જીવનપ્રણાલિઓ છતાં ભારતીય સંસ્કૃતિની એકતા અસંદિગ્ધ છે; અને એનાં આધારતત્ત્વો સ્પષ્ટ જોઈ શકાય છે. દક્ષિણમાં તમિળ અને ઉર્દૂને બાદ કરતાં ભારતીય ભાષાઓનો જન્મકાળ અને એમના વિકાસના તબક્કાઓ લગભગ સરખા છે. શાસન ભિન્ન છતાં સામન્તીય શાસનપ્રણાલિ તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ પણ સમાન રહી છે. અંગ્રેજી શાસન અને પાશ્ચાત્ય સંપર્કથી અર્વાચીન સાહિત્યોનો વિકાસક્રમ પણ લગભગ સમાન છે. ભારતીય સાહિત્યોને વધુમાં વધુ સાંકળનાર તો સમાન ભારતીય આધારગ્રન્થો છે. વેદો અને ઉપનિષદો રામાયણ, મહાભારત, પુરાણો, ભાગવત જેવા ગ્રન્થો, કાલિદાસ, ભવભૂતિ ભાસ, જયદેવ જેવા સર્જકો – વગેરે સમાન ભારતીય વારસો છે. ઉપરાંત ‘ધ્વન્યાલોક’, ‘કાવ્યપ્રકાશ’, ‘સાહિત્યદર્પણ’, ‘રસગંગાધાર’ જેવાં ભારતીય કાવ્યશાસ્ત્રોએ જન્માવેલી સમાન કાવ્યભૂમિકાએ ભારતીય સાહિત્યદૃષ્ટિને પોષી છે. વળી, વિષયોનું, સ્વરૂપોનું અને વર્ણિક કે દેશી છંદોનું સામ્ય પણ અવગણી શકાય તેમ નથી. પરંતુ ભારતીય સાહિત્યના અભ્યાસનો અર્થ એ નથી કે પ્રત્યેક ભાષાસાહિત્ય પાર્શ્વભૂમાં ધકેલાઈ જાય, એનો છેદ ઉડાડવામાં આવે, ખરેખર તો ભારતીય સાહિત્યમાં પ્રત્યેક ભાષાસાહિત્ય એની પોતાની ઓળખ અને વ્યક્તિત્વ ગુમાવતું નથી પણ ભારતીય સાહિત્યના બૃહદ્ સંદર્ભમાં પ્રત્યેક ભાષા-સાહિત્યની વિશિષ્ટતા તીવ્રપણે ઊપસી આવે છે. આનો અર્થ એ થયો કે ભારતીય સાહિત્ય, ભારતીય સાહિત્યોને સ્થાને નહિ પણ ભારતીય સાહિત્યોમાંથી પ્રગટે છે. ભારતીય સાહિત્યની આ સંકલ્પના, બહુભાષી સમાજનો પડકાર, ભાષાઓની સીમાઓ તોડીને અપાર વૈવિધ્યને અને રાષ્ટ્રના વારસાને અંકે કરવાનો પ્રયત્ન જુદાં જુદાં સાહિત્યોના ઇતિહાસો સાથે ભારતીય સાહિત્યના એક સંકલિત ઇતિહાસનું, ભારતીય વિચારોના ઇતિહાસનું તેમજ ભારતીય સાહિત્યના ઘડવૈયાઓના ઇતિહાસનું સમાયોજન તેમજ વિવિધ સાહિત્યોનાં સંકલનો, ભારતીય સાહિત્યનાં સંકલનો, અનુવાદસંચયો તુલનાત્મક અનુસન્ધાનો – વગેરેથી વધુ પુષ્ટ થશે. ચં.ટો.