ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિચ્છેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



વિચ્છેદ(Alienation) : આ સંજ્ઞા બે ભિન્ન અર્થમાં પ્રયોજાય છે : ૧, સામાજિક નિસબતનો સ્વેચ્છાપૂર્વક અસ્વીકાર કરવાનું કેટલાક સર્જકોનું વલણ. સર્જકો પોતાને સામાન્ય મનુષ્યથી ઉચ્ચ કોટિના ગણી કૃતિમાં સામાજિક પ્રશ્નોનો વિનિયોગ કરવાનું અનુચિત લેખે છે. ૨, જર્મન નાટ્યકાર બ્રેસ્ત દ્વારા પ્રસ્થાપિત વિભાવના. બ્રેસ્તના મત અનુસાર કૃતિમાં થતાં લાગણીઓનાં નિરૂપણ દ્વારા ભાવકની વિચારશક્તિને નિષ્ક્રિય બનાવી દેવામાં આવે છે. વાસ્તવવાદી સાહિત્યકૃતિઓના આ લક્ષણના વિરોધમાં બ્રેસ્તે વિચ્છેદની વિભાવના પ્રસ્તુત કરી, તે મુજબ ભાવક (પ્રેક્ષક) અને સર્જક(નાટ્યકાર, અભિનેતા) બન્નેએ કૃતિના ભાવન અને સર્જન વખતે પાત્રોની લાગણીઓને તટસ્થ ભૂમિકાએ મૂલવવી જોઈએ અને સાહિત્યકૃતિ એ માત્ર જીવનની કાલ્પનિક અભિવ્યક્તિ છે તે વિશે સભાન રહેવું જોઈએ. કૃતિનાં પાત્રો અને ક્રિયા સાથે સર્જક કે ભાવકે તાદાત્મ્ય ન સ્થાપવું જોઈએ. રંગભૂમિના સંદર્ભમાં બ્રેસ્તે આ વિભાવનાને અનુરૂપ કેટલીક પ્રવિધિઓ યોજી. જેમકે, પ્રેક્ષકો સાથે પાત્ર દ્વારા સીધી વાતચીત, નાટકની ક્રિયાને અચાનક થોભાવી ગીત, પોસ્ટર્ઝ, સ્લાઇડ્ઝ વગેરેની રજૂઆત, અવાસ્તવિક પાત્રનિરૂપણ વગેરે. પ.ના.