ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરચનવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



વિરચનવાદ(Deconstruction) : ઝાક દેરિદાએ બતાવ્યું કે સોસ્યૂરનો ભાષાવિચાર મૂળમાં જ યુરોપીય તત્ત્વ-વિચારથી અત્યંત પ્રભાવિત અને અભિભૂત રહ્યો છે અને તેથી યુરોપીય તત્ત્વવિચારથી અભિભૂત ભાષાવિચાર જે સંકેતવિચાર કે સાહિત્યવિચારમાં ઊભો છે એને એનાથી મુક્ત કેમ કરવો, તત્ત્વવિચારની ચૂડમાંથી એને કેમ છોડાવવો એ જ મુખ્ય પ્રશ્ન હોઈ શકે. આ માટે દેરિદાએ ઊભી કરેલી વિરચન કે વિઘટન અંગેની પ્રવૃત્તિ આજના વિવેચનક્ષેત્રમાં અત્યંત વિવાદાસ્પદ બની છે. વાણી અને લેખન આ બે શબ્દો દેરિદાની ભાષાવિચારણામાં અત્યંત મહત્ત્વના છે. દેરિદાનું માનવું છે કે ઉચ્ચારિત શબ્દને મુખ્ય અને લેખિત શબ્દને ગૌણ ગણવાની અને અર્થને સર્વોપરી ગણવાની પરંપરાગત વિચારણા તત્ત્વવિચારપરક છે, જેને દેરિદા તત્ત્વવિચારકેન્દ્રિતા(logocentrism) ઓળખાવે છે. વળી તત્ત્વવિચારકેન્દ્રિતાના મૂળમાં ધ્વનિકેન્દ્રિતા (Phonocentrism) રહેલી છે. તત્ત્વવિચારકેન્દ્રિતા અને ધ્વનિકેન્દ્રિતા બંને નાદ પર ભાર મૂકે છે. આની સામે દેરિદા નવી સંજ્ઞા પ્રયોજે છે અને તે છે આલેખકેન્દ્રિતા(graphocentrism). પરંપરાના ઉચ્ચાવચ મૉડેલમાં વિચારો કે અર્થોનું સ્થાન શિખરબિંદુએ છે, જ્યારે લેખનને અપકૃષ્ટ સ્વરૂપ તરીકે છેક તળિયે સમજવામાં આવે છે. પણ દેરિદાની આલેખકેન્દ્રિતાને કારણે વાણી પરથી હટીને ભાર લેખન પર આવે છે, દેરિદાની લેખન અંગેની નવી આલેખકેન્દ્રી વિભાવના ત્રણ સંકુલ શબ્દ પર આધારિત છે; વ્યતિરેક/વ્યાક્ષેપ(differAnce) (જુઓ, વ્યતિરેકવ્યાક્ષેપ), મૃગણા(trace) (જુઓ, મૃગણા) અને મૂળ લેખન(Archewriting) (જુઓ, મૂળલેખન). દેરિદા સ્પષ્ટ કરે છે કે સંકેતનું સ્વરૂપ સંકેતક સંકેતિતના દ્વન્દ્વથી નહિ પણ વ્યતિરેક અને વ્યાક્ષેપથી અભિસંધિત છે. એટલેકે પ્રત્યેક સંકેત અન્ય પ્રત્યેક સંકેતથી જુદો પડે છે અને પ્રત્યેક સંકેતમાં વિલંબની શક્તિ છે. કોઈપણ સંકેત કશાક શાશ્વતને ચીંધતો નથી. એનું કોઈ નિશ્ચલ મૂલ્ય નથી. સંકેત જો કાંઈ કરી શકે તો એટલું જ કે એનામાં જેનો અભાવ હોય એની શોધમાં આપણને મોકલી શકે. આથી સંકેત એ મૃગણા છે. આમ ‘સંકેત’માં જે છે તે સંકેતમાં જે નથી એની દિશામાં ચિત્તને ગતિ આપે છે. આ અર્થમાં બધું જ ‘લેખન’ છે. દેરિદા ‘લેખન’ને મૂળ લેખન કહે છે. દેરિદા માને છે કે સાહિત્ય પણ એક લેખનનું સ્વરૂપ છે; મૃગણાનું ક્ષેત્ર છે. મૂળભૂત રીતે ચિત્તને સંવેદનના ક્ષેત્રમાંથી અર્થઘટનના હેતુ માટે શોધના ક્ષેત્રમાં ગતિ કરાવતા શબ્દ, પંક્તિ કે કૃતિ અંગેનો વિમર્શ તે વિવેચન. દેરિદાના સિદ્ધાન્તમાં વિવેચન ‘સંશય’થી શરૂ થાય છે. વિવેચક શબ્દ પંક્તિ વાર્તા કે વ્યક્તિચિત્ર ઇત્યાદિ સંકેતના દેખાવ પરથી સંશય કરે છે. એની માન્યતા એવી છે કે સંકેત એ કંઈ બીજું છે અને ત્યાંથી મૃગણા શરૂ થાય છે. આમ, વિરચન સિદ્ધાન્ત સાથે અનિર્ણયાત્મકતા સંકળાયેલી છે. પરંતુ એ પ્રતિતત્ત્વવિચારકેન્દ્રી દિશામાં મેળવેલી મુક્તિનો પર્યાય છે. ચં.ટો.