ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરામચિહ્નો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિરામચિહ્નો : લખાતી ભાષામાં વિરામચિહ્નોનું આગવું મહત્ત્વ છે. વિરામચિહ્નો લિપિવ્યવસ્થાના એક ભાગરૂપ છે. બોલાતી ભાષામાં ઉક્તિનું પરસ્પર કે આંતરિક વિભાજન કરવા વિરામ, વિલંબનનો આશ્રય લેવાય છે. તો સૂરના આરોહ-અવરોહથી વિશિષ્ટ પ્રકારના અર્થભેદો વ્યક્ત કરાય છે, તેમજ મુખભાવ, ચેષ્ટા વગેરે અભિવ્યક્તિ માટે કામ આપે છે. બોલાતી ભાષાનું વિશ્રાંતિ, ઇષ્ટ અર્થની સંક્રાન્તિ અને હૃદગત ભાવની વિશિષ્ટ સ-ભાર અભિવ્યક્તિનું કાર્ય લેખનમાં વિરામચિહ્નો કરે છે. અમુક પ્રકારનાં ભાષાગત ઉચ્ચારણો માટે જેમ ‘ક’, ‘ખ’ આદિ સંકેતચિત્રોની વ્યવસ્થા છે, તેમ ભાષાગત ઉચ્ચારણોની અમુક અમુક લાક્ષણિકતાઓ માટે , ; : .!? – જેવાં સંકેતચિત્રોની વ્યવસ્થા તે વિરામચિહ્નો. દરેક વિરામચિહ્નને પોતાનો ચોક્કસ અર્થસંકેત છે. મનુષ્યની ભાષા-ઉક્તિમાં વિરામોની બાબતમાં જે કંઈ વૈવિધ્ય છે એ સમગ્રને આવરી લે એવી સંપૂર્ણ વ્યવસ્થા વિરામચિહ્નોની નથી. પરંતુ વિરામચિહ્નોના પ્રયોગથી વાક્યાર્થ સહેલાઈથી સ્પષ્ટ રીતે અને સચોટ રીતે પામી શકાય છે. વિરામચિહ્નોની મહત્ત્વની ચાર પ્રકારની કામગીરી છે : પૂર્ણવિરામ, ઉદ્ગારચિહ્ન, પ્રશ્નચિહ્ન, ગુરુવિરામ વગેરેથી આવશ્યક્તા અનુસાર વિરામચિહ્ન વાક્યનું સમાપન કરે છે; કેટલીકવાર : , જેવાં વિરામચિહ્નોથી અંત પામતા વાક્યખંડો પછીના કથનને ઉદ્ઘાટિત કરે છે; કેટલીકવાર શબ્દો કે વાક્યોનું વિભાજન કરે છે; અને બહુધા જોડકામાં રહેતાં વિરામચિહ્નો વાગ્ગત ઉક્તિના અમુક ખંડનું સીમાંકન કરે છે. લેખનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતાં વિરામચિહ્નનો અતંત્ર ઉપયોગ કરવામાં આવે તો અનવસ્થા ઊભી થાય. વિરામચિહ્ન ન મૂકવાથી કે મૂકવામાં ભૂલ થવાથી અર્થ ગ્રહણ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. તેથી વિચારોનું બરાબર પ્રત્યાયન સાધવા માટે વિરામચિહ્નોનો કાળજીપૂર્વક અને વિવેકપૂર્વકનો પ્રયોગ અનિવાર્ય છે. ઈ.ના.