ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધ
વિરોધ : વાસ્તવિક વિરોધ ન હોવા છતાં પણ વિરોધ હોય એ રીતે કથન કરવામાં આવે તે વિરોધ અલંકાર કહેવાય. અહીં વિરોધનો આભાસ સર્જીને તે દ્વારા કોઈ સત્યની રજૂઆત કરાય છે. ‘પણ’ શબ્દનો પ્રયોગ કરવાથી વિરોધ શબ્દ બને છે અને તેના અભાવમાં તે આર્થ હોય છે. જેમકે, ‘હે રાજા, તારી સમક્ષ પર્વતો ઊંચાઈરહિત છે, પવન ગતિરહિત છે, સમુદ્રો ગંભીરતા વિનાના છે અને પૃથ્વી લઘુ છે.’
જ.દ.
વિરોધ(Contrast) : સૂચક રીતે ભિન્ન એવા બે ભાવ, વિચાર કે કલ્પનની સહોપસ્થિતિ. આ સહોપસ્થિતિ ઘટના, વિષયવસ્તુ કે દૃશ્યને સ્પષ્ટ કરે છે યા ઉત્કટ કરે છે. ટૂંકમાં, પ્રસ્તુતના ઉત્કર્ષ કે પ્રદર્શન માટે વિરોધી પદાર્થોની સહોપસ્થિતિ સાહિત્યકલાની જાણીતી પ્રવિધિ છે. જેમકે, મકરંદ દવેની પંક્તિઓ જુઓ : ‘અમે રે સૂકું રૂનું પૂમડું/તમે અત્તર રંગીલા રસદાર/તરબોળી દ્યો ને તારેતારને/વીંધો અમને વ્હાલા, અપરંપાર/આવો રે આવો હો જીવણ આમના’.
ચં.ટો.