ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવેચનમાં સાપેક્ષવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેચનમાં સાપેક્ષવાદ(Relativism in Criticism) : સાહિત્યિક વિવેચનક્ષેત્રે કૃતિમાં પ્રતિબિંબિત થતાં મૂલ્યો (Values) વિશે વિવેચક સીધી યા આડકતરી રીતે નિર્ણય આપતો હોય છે. મૂલ્યો વિશે વિવેચકોમાં જુદી જુદી માન્યતા પ્રવર્તે છે. કૃતિમાં પ્રતિબિંબિત થતાં મૂલ્યોને શાશ્વત વાસ્તવ (Permanent Reality)ના ભાગ તરીકે જોતો વિવેચક નિરપેક્ષતાવાદી(Absolutist) તરીકે ઓળખાય છે, જેઓ મૂલ્યોના સર્વસ્વીકૃત, સાર્વત્રિક અનુક્રમને અનુસરે છે. સાપેક્ષવાદી(Relativist) વિવેચક મૂલ્યોને વ્યક્તિગત અનુભવો, માન્યતાઓના આધારે અથવા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તપાસે છે. – પહેલા પ્રકારનો વિવેચક વૈયક્તિક સાપેક્ષવાદ(Personal Relativism)ને અનુસરે છે; જ્યારે બીજા પ્રકારનો વિવેચક ઐતિહાસિક સાપેક્ષવાદ(Historical Relativism)ને અનુસરતો જણાય છે. વૈયક્તિક સાપેક્ષવાદી વલણમાં આત્મલક્ષિતાનો દોષ જોવા મળે છે જે ઐતિહાસિક સાપેક્ષવાદમાં હોતો નથી. ઐતિહાસિક સાપેક્ષવાદી વિવેચક કૃતિ અને સર્જકના સમયગાળાને ધ્યાનમાં રાખીને તેમાં પ્રતિબિંબિત મૂલ્યો વિશે નિર્ણય આપે છે. હ.ત્રિ.