ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્રેયસાધક અધિકારી વર્ગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રેયસાધક અધિકારી વર્ગ : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પાશ્ચાત્ય શિક્ષણના પ્રભાવે સમાજસુધારાની અનેકવિધ પ્રવૃત્તિઓ હિંદમાં અને સવિશેષ ગુજરાતમાં થઈ. અંગ્રેજ પ્રજાએ ભારતીય પ્રજામાનસમાં ધર્મ, સમાજ, શિક્ષણ, વગેરે વિશે એક પ્રકારની લઘુતાગ્રંથિ જન્માવી હતી. પશ્ચિમની સંસ્કૃતિના વંટોળિયા સામે એક પ્રતિકારાત્મક બળ પેદા કરવાનું ભગીરથ કાર્ય કરનારી અનેક સંસ્થાઓ આર્વિભાવ પામી. હિન્દુ સંસ્કૃતિનાં મૂલ્યોને જેવાં ને તેવાં રાખી, તેને નવા જમાનાની વૈજ્ઞાનિક આબોહવામાં ગોઠવી, અર્થઘટન અને જરૂરી સુધારા-વધારા કરી પશ્ચિમના સુધારા સામે શાંત આંદોલન સર્જી આ સંસ્થાઓએ હિન્દુધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું. આ સંસ્થાઓના સર્જકો પ્રખર બુદ્ધિમત્તાવાળા-પ્રતિભાશાળી હોવા ઉપરાંત ઉચ્ચ આધ્યાત્મિક સંપત્તિવાળા હતા. તેમણે પોતાની પ્રતિભાના બળે સમાજમાં હિન્દુધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા જન્માવી. બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ વગેરે જેવી ગુજરાતકેન્દ્રી સંસ્થા તે શ્રેયસ્સાધક અધિકારી વર્ગ. વર્ગના આદ્યસંસ્થાપક શ્રીમન્ નૃસિંહાચાર્યજીએ સુરત, વડોદરામાં સમાજસુધારણા, ધર્મવિકાસની પ્રવૃત્તિઓ શરૂ કરતાં અવિધિસરની સંસ્થા સર્જાઈ. ૧૮૨૨માં આ સંસ્થા/વર્ગના પ્રથમ આચાર્ય તરીકે સમાજે તેમને સન્માન્યા. તેમના સમર્થ શિષ્ય છોટાલાલ માસ્તરે (‘વિશ્વવંદ્ય’) સાધનસમારંભ, જેવા અપૂર્વ આત્મશક્તિ પ્રેરક અનુકરણીય ઉત્સવની કેડી પાડી. એમણે તથા વિદ્વાન સાધકોએ ‘મહાકાલ’, ‘પ્રાત :કાલ’, ‘યમદંડ’, ‘ધર્મધ્વજ’, ‘ભક્ત’, ‘શ્રેયસ્સાધક’ વગેરે સામયિકોનું સંચાલન કર્યું. શ્રીનૃસિંહાચાર્યજીએ અનેક ગદ્યપદ્ય કૃતિઓમાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનો વિનિયોગ કરી ત્યાગ, સંન્યાસના શુદ્ધ સ્વરૂપ સાથે ગૃહસ્થાશ્રમનું ગૌરવ પ્રતિસ્થાપિત કર્યું. યોગનો, અધિકારાનુસાર ક્રમબોધનો અનુરોધ કર્યો. સંસારનાં વિહિત કર્તવ્યોના પાલન સાથે અધ્યાત્મઅનુભૂતિમાં સ્થિર થવાની કલા સિદ્ધ કરવાનો અનુરોધ કરતું સાહિત્ય સર્જ્યું. શ્રીમાન વિશ્વવંદ્યૈ ઐહિક તથા આમુષ્મિક સર્વ પ્રકારના સુખ-આનંદના એકમાત્ર અધિષ્ઠાન રૂપે ચિતિશક્તિ(આત્મ વિચારના આંદોલનની સામર્થ્ય સિદ્ધિ)નું બહુમૂલ્ય આંક્યું. વીસમી સદીના ત્રીજા અને ચોથા દશક દરમ્યાન વર્ગના ઉત્સવનાં વિવિધ અંગોમાં, કીર્તનાદિ સાહિત્યમાં સાત્ત્વિકતા સાથે કલાત્મક રસદૃષ્ટિનો સમન્વય સધાવા લાગ્યો. સંગીત, નૃત્ય, રાસ-ગરબા અને સંવાદો દ્વારા ધર્મતત્ત્વ અને સંસારસુધારણાનો બોધ પ્રગટવા માંડ્યો. શ્રીમન્ નૃસિંહાચાર્યજીના પુત્ર શ્રીઉપેન્દ્રાચાર્યજીએ રંગભૂમિના નિર્માણ સાથે ‘રસદર્શન’નું સાહિત્ય સર્જી આબાલવૃદ્ધનું જીવનઘડતર કર્યું. વર્ગમાં સ્ત્રીઓને બ્રહ્મજિજ્ઞાસા માટે અધિકારિણી ગણવામાં આવી છે. ગુપ્તવિદ્યાસામર્થ્ય છતાં આ વર્ગે સ્થૂલ ચમત્કારને મહત્ત્વ ન આપતાં સ્વસ્વરૂપાવબોધને મહત્ત્વ આપ્યું. વર્ગના સાધકોનું સાહિત્ય જીવનલક્ષી હોઈને પોતાના સાહિત્યની સમાલોચના પ્રત્યે નિ :સ્પૃહ રહ્યા. રમણલાલ વ. દેસાઈએ આ વર્ગ વિશે પોતાનો અભિપ્રાય આપતાં ‘જીવન અને સાહિત્ય ભાગ-૨’ (પૃ. ૩૨૬-૩૭)માં લખ્યું છે. “ગુજરાતના સાંસ્કારિક જીવનમાં શ્રેય :- સાધક વર્ગનો મોટો ભાગ છે. વર્તમાન અંગ્રેજી શિક્ષણ પામેલો યુગ સ્વીકારી શકે એવું સ્વરૂપ આપણા ધર્મને આ વર્ગે આપ્યું છે. અંધશ્રદ્ધાને બદલે બુદ્ધિને ગમી જાય એવી ઢબનાં વિવરણોથી આપણા પ્રાચીન માર્ગનો જીર્ણોદ્ધાર કરવાનું માન ગુજરાતમાં તો મોટે અંશે શ્રીમન્ નૃસિંહાચાર્યજી અને તેમણે સ્થાપેલા સાધકવર્ગને જ ફાળે જાય છે. એની પ્રણાલિકામાં જડતા, અંધશ્રદ્ધા, વિતંડા, સંકુચિતપણું, નવીનતાનો દ્રોહ એ છે જ નહિ. એ વર્ગે ધર્મ અને કલાનો સુંદર સમન્વય કરી આપ્યો છે.” દે.જો.