ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્લેષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્લેષ : એક જ વિધાનમાં એક કરતાં વધારે અર્થો વ્યક્ત થાય તે શ્લેષ અલંકાર કહેવાય. શ્લેષ શબ્દાલંકાર અને અર્થાલંકાર બંને છે. જ્યાં બે જુદા પણ એક જ શ્રુતિવાળા શબ્દો દ્વારા ક્રમશઃ પોતપોતાના અર્થની પ્રતીતિ થાય ત્યાં શબ્દશ્લેષ અલંકાર કહેવાય. અહીં શબ્દમાં પરિવર્તન કરીએ તો બંને અર્થોની પ્રાપ્તિ થતી નથી. શબ્દોમાં પરિવર્તન કરવા છતાં બંને અર્થોની પ્રતીતિમાં બાધા ઉત્પન્ન ન થાય તે અર્થશ્લેષ અલંકાર કહેવાય. જેમકે ‘જરાકમાં ઉન્નતિ સાધે છે અને જરાકમાં અધોગતિ સાધે છે. તુલા અને દુષ્ટોની વૃત્તિ એક જ પ્રકારની હોય છે.’ ઉન્નતિ અને અધોગતિ બંને શબ્દ ત્રાજવાં અને દુષ્ટ માટે ઉચિત છે. અહીં આ શબ્દોમાં પરિવર્તન કરીએ તો પણ અર્થ જળવાઈ રહે છે એવો અર્થશ્લેષ છે. જ.દ.