ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્થાનવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંસ્થાનવાદ(Colonialism) : આ સંજ્ઞા સાથે પરાવલંબનનો કે પરોપજીવિતાનો અર્થ સંકળાયેલો હતો. માતૃપ્રદેશો(ઇંગ્લેન્ડ કે બ્રિટન, ફ્રાન્સ વગેરે)ની જે નીપજ હોય એનું ચઢિયાતું મૂલ્ય અને એના તાબા હેઠળનાં સંસ્થાઓની જે નીપજ હોય એનું ઊતરતું મૂલ્ય એમાં સૂચવાતું હતું. સામ્રાજ્યવાદની જેમ હવે આ સંજ્ઞાએ નકારાત્મક અર્થ ધારણ કર્યો છે. માનક અંગ્રેજી કે માતૃપ્રદેશની ભાષા, યુરોપીય જીવન અને યુરોપીય ઇતિહાસનું મહત્ત્વ વગેરે ઓસરતાં ગયાં છે અને હવે બીજા વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રીય, રાજકીય, સાંસ્કૃતિક ઝુંબેશો સાથે વિસંસ્થાનવાદી વલણો તેમજ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય, સ્થાનિક સંસ્કૃતિઓ અને સાહિત્યિક તેમજ શૈક્ષણિક બજારો વિકસતાં ગયાં છે. ઉત્તરસંસ્થાનવાદમાં આયાતી સાંસ્કૃતિક મૂલ્યોને નકારવામાં આવી રહ્યાં છે અને દેશીવાદને ઉત્તેજન અપાઈ રહ્યું છે. ઉત્તરસંસ્થાનવાદી સિદ્ધાન્ત દર્શાવે છે કે સંસ્થાનવાદી પ્રજાએ જે વાસ્તવ અનુભવ્યું છે તે સંસ્થાનવાદી માળખાંઓએ ઊભું કરેલું વાસ્તવ છે અને એ વાસ્તવનું વિકૃતીકરણ છે. આથી હવે પ્રતિસંસ્થાનવાદી અભિગમ પ્રબળ બન્યો છે. આ સંદર્ભમાં ઉત્તરસંસ્થાનવાદી સાહિત્ય અને ખાસ કરીને આફ્રિકી તેમજ કરેબિયન લખાણોમાં એની તીવ્રતા જોઈ શકાય છે. ભારતીય સાહિત્યની સાંપ્રત સ્થિતિમાં દેશીવાદ પરત્વેનો ઝોક પણ આ વાતની સાક્ષી પૂરે છે. ચં.ટો.