zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને શીલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્ય અને શીલ : સાહિત્ય અને શીલ વચ્ચે પરોક્ષ રૂપે કૃતિ અને કર્તાનો સંબંધ પ્રવર્તે છે. આ ભૂમિકાએ, સાહિત્ય જો તેના વ્યાપક અર્થમાં અનુસાર ઉત્પાદન(Production) છે તો, શીલ એ આ ઉત્પાદનના ઉત્પાદક એવા સર્જક(producer)નું સંવિત્ છે.

સર્જકનું શીલ તેના સાહિત્યસર્જનમાં શૈલી રૂપે અનિવાર્યતઃ પ્રતિબિંબિત થાય જ છે એવી માન્યતા આપણી સાહિત્ય-મીમાંસામાં બહુ લાંબા સમયથી પ્રવર્તિત-ચર્ચાતી રહી છે. એ માન્યતાની યોગ્યાયોગ્યતાની છણાવટ માટે સાહિત્ય અને શીલ ઉપરાંત શૈલી સંજ્ઞાની ચર્ચા પણ આવશ્યક બને છે. શીલ એ જો વ્યક્તિની સંવિત્મૂલક અન્તર્સમૃદ્ધિ છે તો, તેની સર્જનાત્મકકૃતિમાં પરિવ્યાપ્ત એવી શૈલી એ, સર્જકસંવેદ્ય મનોભાવને રસ રૂપે સંક્રાન્ત કરવા માટે તેની દર્શન અને વર્ણનશક્તિએ દાખવેલી વિશિષ્ટ કલાકીય છટા છે.

ફ્રેન્ચ વિવેચક બૂફોં(Buffon) અનુસાર ‘શીલ તેવી શૈલી એ મતને રસ્કિનનું અનુમોદન પણ પ્રાપ્ત થયું છે પરંતુ અહીં શીલને તેના પ્રાથમિક અર્થમાં સ્વીકારતાં અને શીલ તથા શૈલીને એકરૂપ અને અભિન્ન માનીને ચાલતાં શૈલીકાર સર્જક અને શીલવાન વ્યક્તિ વચ્ચે પણ અભેદ જોવો અનિવાર્ય બને છે. જ્યારે વાસ્તવમાં તો જેનું શીલ ઉત્તમ છે તેની શૈલી તેવી અને તેટલી ઉત્તમ ન હોય એથી ઊલટું જે ઉત્તમ શૈલીકાર છે તેવા સર્જકનું શીલ શૈલીની અપેક્ષાએ ઊણું ઊતરતું હોય એવાં દૃષ્ટાંતો પણ મળી આવે છે.

આ ભૂમિકાએ સાહિત્યિક કૃતિમાં વ્યક્ત થતા સર્જકના શીલને તેનો વ્યક્તિ-સંસ્કાર ન ગણતાં, એ માત્ર તેનો સર્જક-સંસ્કાર(Artist’s conscience) છે, એમ સ્વીકારવું જોઈએ. એમ થાય તો જ સાહિત્ય અને શીલ વચ્ચેનો અવિનાભાવિ સંબંધ ગ્રાહ્ય બને છે.

ર.ર.દ.