ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/ઉપસંહાર : હરિવલ્લભભાયાણી

ઉપસંહાર

હરિવલ્લભ ભાયાણી

પ્રત્યેક પ્રદેશની ભૂગોળ તે તે પ્રદેશના લોકોના આર્થિક જીવનને ઘડનારું એક પાયાનું બળ છે, અને તે જ પ્રમાણે તેમની આર્થિક તથા રાજકીય પરિસ્થિતિ તેમના સાંસ્કૃતિક જીવનમાં નિર્ણાયક બળનું કામ કરે છે. એટલે, સાહિત્ય સાંસ્કૃતિક જીવનનું એક અંગ હોઈને, કોઈપણ સાહિત્યના કાલક્રમિક વૃત્તાંતને તેના ભૌગોલિક, આર્થિક, રાજકીય તથા સાંસ્કૃતિક સંદર્ભમાં રાખીને આપણે જોઈએ તો જ તેનું વિશિષ્ટ સ્વરૂપ, વિકાસ અને ચડતીપડતીને આપણે સમગ્રતાથી અને યોગ્ય રીતે સમજી શકીએ. આ દૃષ્ટિએ આપણે પહેલા વિભાગમાં પ્રથમ ગુજરાતનું – એટલે કે ગુજરાતના લોકોનું ઘડતર કરનારાં ઐતિહાસિક પરિબળોનો પરિચય કર્યો. આપણે જોયું કે ગુજરાતના રાજકીય સીમાડા સતત ફરતા રહ્યા છે. દક્ષિણ બાજુ લાટપ્રદેશનો ઘણીવાર અન્ય રાજ્યમાં સમાવેશ થયેલો છે, તો સામે પક્ષે કેટલીક વાર ગુજરાત ખાનદેશ કે મુંબઈ સુધી પણ વિસ્તર્યું છે. ઉત્તર અને પૂર્વ બાજુ પશ્ચિમ રાજસ્થાનના અને માળવાના પ્રદેશોનો પણ કેટલાંક શાસનો નીચે ગુજરાતમાં સમાવેશ થયેલો, બીજી બાજુ પશ્ચિમ રાજસ્થાનના કોઈ કેન્દ્ર કે ઉજ્જેનમાંથી શાસન કરતી સત્તા નીચે ગુજરાતનો કેટલોક ભાગ રહેલો. સૌરાષ્ટ્ર, લાટ અને ઉત્તર ગુજરાત ઉપર એક સાર્વભૌમ સત્તા હોય તેવી પરિસ્થિતિ ઘણા પાછળના સમયમાં સ્થપાઈ છે. આનાં પરિણામો સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણાં મહત્ત્વનાં છે. એક જ શાસન નીચેના પડોશી પ્રદેશોના લોકો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનની તકો વધે છે. જેમ સાગરકાંઠો અને વેપારવણજનો વ્યવસાય પરાપૂર્વથી અહીંના લોકો માટે બીજી સંસ્કૃતિની અસરોના વાહક રહ્યા છે તેમ રાજ્યશાસનને લગતી પરિસ્થિતિ પણ સમયેસમયે નવનવા પ્રભાવનું કારણ બની છે. બૅક્ત્રિઅન ગ્રીકો અને ક્ષત્રપોનો પરદેશી પ્રભાવ, મૌર્યોના અને ગુપ્તોના કાળમાં મગધનો પ્રભાવ, તે પછીના દક્ષિણના ત્રૈકૂટકો, કટચ્ચુરિઓ, ચાલુક્યો અને રાષ્ટ્રકૂટોનો દક્ષિણ ગુજરાત પર પ્રભાવ, પાંચમી-છઠ્ઠી શતાબ્દીથી રાજસ્થાન અને માળવાનો સતત વધ્યે જતો પ્રભાવ વગેરેનો આ દૃષ્ટિએ ઉપર નિર્દેશ કરેલો છે. આમાં ઉત્તરપશ્ચિમે સિંધનો, ઉત્તરે રાજસ્થાનનો અને પૂર્વ બાજુએ માળવાનો પ્રભાવ મધ્યકાળમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે, અને તેમાં પણ રાજસ્થાનને પહેલો દરજ્જો આપવો ઘટે. ગુજરાતના સાંસ્કૃતિક જીવનના કેટલાક વાણાતાણાનું જેમ આ ભૌગોલિક અને રાજકીય પરિબળોએ નિર્માણ કર્યું તેમ ધાર્મિક પરિબળોએ તેમાં તેથી પણ અધિક મહત્ત્વનો ફાળો આપ્યો. વૈદિક, જૈન અને બૌદ્ધ પરંપરાએ ઈસવી પહેલી સહસ્રાબ્દી સુધીના આપણા સંસ્કાર અને સાહિત્યનું ઘડતર કર્યું છે. ત્યાં સુધીના સાહિત્યની ભાવના અને સ્વરૂપ સમજવા માટે ઉક્ત ધર્મસંપ્રદાયોનાં આચારવિચાર, માન્યતાઓ અને મૂલ્યોની જાણકારી અનિવાર્ય છે. આઠમી શતાબ્દી પછીથી બૌદ્ધ પરંપરા અહીંથી લુપ્ત થઈ છે, પણ તે પહેલાં, ઈસવી સનના આરંભથી મૈત્રક કાળના અંત સુધીના ગાળામાં, પાલિ અને ઇતર ભાષાઓમાં બૌદ્ધ સાહિત્યનું ખેડાણ ગુજરાતમાં પણ થયેલું. એ જ ગાળામાં (તેમજ પછીથી લઈને ઠેઠ આજ સુધી) રાજસ્થાન અને ગુજરાત જૈન ધર્મનાં પણ પ્રમુખ કેન્દ્રો હોવાથી પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં જૈનોએ સર્વાધિક પ્રદાન કર્યું છે. તેમણે સંસ્કૃતનો પણ સમાદર કર્યો છે. સિદ્ધસેન, મલ્લવાદી, દેવર્દ્ધિ, સંઘદાસ, જિનભદ્ર, જિનદાસ, ઉદ્દ્યોતન, જિનસેન, હરિભદ્ર, બપ્પભટ્ટિ, સિદ્ધર્ષિ, હરિષેણ, હેમચંદ્ર વગેરે અનેક પ્રકાંડ પંડિતોએ નિર્માણ કરેલ પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ સાહિત્યનું પ્રમાણ ઘણું વિશાળ છે. ગુણવત્તાની દૃષ્ટિએ પણ તેમાં ગૌરવ લઈ શકાય તેવું ઘણું છે અને કથાસાહિત્યના નિર્માણમાં તો ગુજરાત-રાજસ્થાનના જૈનોનો ફાળો અનન્ય છે. આ કથાસાહિત્યમાં તત્કાલીન સમાજના ઉચ્ચ વર્ગ કરતાં વધુ તો મધ્યમ વર્ગના લોકોના જીવનમાંથી સામગ્રી લેવાઈ છે. તે ગાળાના વ્યાપક જનજીવનનો ચિતાર મેળવવાનું તે ઘણું જ મૂલ્યવાન સાધન છે. વળી ભારત બહાર પરદેશમાં પરંપરાથી પ્રચલિત અનેક લોકકથાઓનાં પ્રાચીન સ્વરૂપો આ પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ કથાઓમાં મળતાં હોવાથી લોકકથાઓના ઐતિહાસિક અને તુલનાત્મક અધ્યયન માટે પણ મધ્યયુગીન કથાસાહિત્યનું અસાધારણ મહત્ત્વ છે. વૈદિક પરંપરામાં અહીં ખેડાયેલું સંસ્કૃત સાહિત્ય અખિલ ભારતીય પરંપરાઓ અને પ્રણાલિઓ જાળવે છે. દુર્ગ, સ્કંદસ્વામી, ભટ્ટિ વગેરે નામો સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં ખ્યાતિ ધરાવે છે. મહાક્ષત્રપ રુદ્રદામાની ગિરનારની પ્રશસ્તિમાં ઈસવી સનની બીજી શતાબ્દી જેટલું વહેલું જે આલંકારિક કાવ્યશૈલીનું ઉચ્ચ સંસ્કૃત ગદ્ય જોવા મળે છે તે આ પ્રદેશમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યના પહેલેથી જ થતા પરિશીલનનો અત્યંત મૂલ્યવાન પુરાવો છે. લલિત સાહિત્ય કરતાં ધાર્મિક અને શાસ્ત્રીય સાહિત્યની તથા શાસ્ત્રકાવ્ય અને ઔપદેશિક કાવ્યની પ્રત્યે ગુજરાતની વિશેષ રુચિ રહી છે. આપણે એ ભૂલવાનું નથી કે ઈસવી સન ૧૦૦૦ પૂર્વે પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત અને માળવાને સાંસ્કૃતિક અને સાહિત્યિક એકમ ગણવું જરૂરી છે, અને એ દૃષ્ટિએ ઉપર ગણાવેલું સમગ્ર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્ય જેટલું ગુજરાતનું ગણાય, તેટલું જ રાજસ્થાનનું અને માળવાનું ગણાય. ઈસવી સનની પહેલી સહસ્રાબ્દીના અંત સુધી ગુજરાત અખિલ ભારતીય સાંસ્કૃતિક પ્રવાહોની સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલું હતું. સંસ્કારજીવનના બધા પ્રદેશોમાં – ધર્મ, સાહિત્ય, પ્રશિષ્ટ ભાષા, કળા, શાસનપ્રણાલી વગેરે વિષયમાં સર્વસામાન્ય ભારતીય જીવનમાં તે ભાગીદાર હતું. તેની સ્થાનિક, પ્રાદેશિક, વિશિષ્ટતાઓ ન હતી એવું કહેવાનું તાત્પર્ય નથી. પણ તેવી વિશિષ્ટતાઓ મુકાબલે ઠીકઠીક ગૌણ હતી, અને ઉચ્ચ સંસ્કારજીવનની અભિવ્યક્તિની મુદ્રા પ્રધાનપણે અખિલ ભારતીય હતી. ભારતનાં અન્ય સંસ્કારકેન્દ્રો સાથે આદાનપ્રદાનની પ્રક્રિયા સતત, પ્રબળ અને સર્વાંગીણ હતી, અને જેમ અન્યત્ર તેમ અહીં પશ્ચિમ પ્રદેશમાં પ્રશિષ્ટ ભાષા અને સાહિત્યના ખેડાણની એક દીર્ઘકાલીન અને દૃઢ પરંપરા પ્રવર્તતી હતી. પણ ઈસવી સનની બીજી સહસ્રાબ્દીથી આ પરિસ્થિતિ અમુક અંશે મૂળભૂત રીતે પલટાઈ. સાર્વભૌમ પરિબળો મોળાં પડ્યાં અને પ્રાદેશિક વ્યક્તિત્વનું વર્ચસ સ્થાપતાં પરિબળો ઓછેવત્તે અંશે સર્વત્ર વિકસ્યાં અને પુષ્ટ થતાં ગયાં. ચૌલુક્યોના શાસન નીચે ગુજરાતનું સ્વતંત્ર રાજકીય વ્યક્તિત્વ સ્થપાયું અને પછીની શતાબ્દીઓમાં તે પરિપુષ્ટ થયું. આનો સ્પષ્ટ સંકેત આપણને સાહિત્યરચનાની સ્થાપિત પ્રણાલીમાં જે એક નવીન વલણનો ઉદ્ભવ થાય છે તેમાં મળે છે. સાહિત્યના માધ્યમ લેખે સંસ્કૃત ઉપરાંત જ્યારે પ્રાકૃત, અને પછીથી અપભ્રંશ ભાષા ચલણી બની ત્યારે પણ થોડેક અંશે પૂર્વપરંપરામાં નવતર વળાંક આવેલા ખરા. પણ એકંદરે એ વળાંકો નાના બળવાની કોટિના નીવડ્યા, જ્યારે ઈસવી સન અગિયારસો લગભગ સાહિત્યિક માધ્યમમાં થયેલો વિકાસ ઘણો ક્રાંતિકારક પુરવાર થયો. એક તરફ મધ્યપ્રદેશના ભાષાજૂથથી (એટલે કે પ્રાક્-પશ્ચિમી હિન્દીથી), તો બીજી તરફ દક્ષિણ-પશ્ચિમની મરાઠી-કોંકણીથી પશ્ચિમની રાજસ્થાની-ગુજરાતી જુદી પડી અને પરંપરાગત સાહિત્યભાષાઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ઉપરાંત આ ‘લોકભાષા’ રાજસ્થાની-ગુજરાતીમાં પણ સાહિત્ય રચાવા લાગ્યું. આ ઘટનાનું અસાધારણ મહત્ત્વ એ રીતે છે કે સાહિત્યિક પ્રાકૃત અપભ્રંશ પ્રાદેશિક નહીં, પણ અખિલ ભારતીય માન્ય ભાષાઓ – ‘રાષ્ટ્રભાષા’ઓ હતી, અને એ દૃષ્ટિએ તેઓ સંસ્કૃતની સમકક્ષ હતી. સાહિત્યિક વ્યવહારનાં એ ત્રણેય સર્વસામાન્ય વ્યાપક માધ્યમ હતાં. આના વિરોધમાં, આ સમયમાં પ્રચારમાં આવેલાં નવાં માધ્યમો કેવળ તે પ્રદેશ પૂરતાં જ માધ્યમો હતાં. તેમાં રચાયેલાં સાહિત્યો કેવળ તે તે પ્રદેશનાં લોકો માટે જ હતાં. આમ ઈસવી બીજી સહસ્રાબ્દીથી ભારતીય પ્રદેશોનું રાજકીય, ભાષાકીય અને સાહિત્યિક દૃષ્ટિએ આગવું વ્યક્તિત્વ સ્પષ્ટ રૂપે સ્થાપિત થતું ગયું. સાહિત્યિક પ્રાકૃત અને અપભ્રંશ સાધારણ જનતા માટે સારા પ્રમાણમાં દુર્બોધ બની ગયાને કારણે જ હવેથી લોકભાષામાં પણ સાહિત્ય રચવું જરૂરી બન્યું. એ યાદ રાખવાનું છે કે સાથોસાથ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં પણ સાહિત્ય રચવાની પ્રવૃત્તિ ચાલુ જ છે. પ્રાદેશિક સાહિત્ય ઘણુંખરું તો અશિક્ષિત જનસમૂહ માટે – જેમની સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશ સુધી પહોંચ ન હતી તેવા વર્ગો માટે જ રચાતું હતું. એક દૃષ્ટિએ જોતાં સાહિત્યના રચનારાઓએ વિશાળ સમાજના સંસ્કાર-ઘડતરનું કાર્ય પોતાને માથે લીધું. પ્રશિષ્ટ સાહિત્યનો પ્રાચીન પરંપરાગત વારસો પ્રાદેશિક ભાષા દ્વારા લોકો સુધી પહોંચાડવાનું તેમણે આરંભ્યું. સેંકડો પ્રાચીન કૃતિઓનાં અનુવાદ, રૂપાંતર, પુનર્વિધાન કે નવનિર્માણ લોકભોગ્ય ભાષા અને શૈલીમાં અને સમકાલીન જીવનનો પાસ લગાડીને પ્રસ્તુત કરવાના પ્રચંડ અને ભગીરથ કાર્યના ગણેશ મંડાયા, અને આઠસો વરસ સુધી એ પ્રવૃત્તિ ચાલુ રહી. આપણે આગળ જોઈશું કે આ પ્રયોજન સિદ્ધ કરવા માટે આવશ્યક એવું લોકભાષાનું નવનિર્માણ કરવાનું કાર્ય પણ એ લેખકોએ પ્રશસ્ય રીતે પાર પાડ્યું. ઉત્તરકાલીન અપભ્રંશે બોલચાલની ભાષાનાં તત્ત્વો લઈને અમુક વ્યાપકતા સાધી હતી. સંસ્કૃત અને પ્રાકૃતના જરૂરી શબ્દો, પ્રયોગ વગેરે અપનાવીને પ્રાદેશિક સાહિત્યકારોએ વિચાર અને ભાવની યોગ્ય અભિવ્યક્તિ માટેનું અને કથન, વર્ણન વગેરેની અનુકૂળતા આપે એવું ભાષાકીય માધ્યમ સફળતાથી ઘડી કાઢ્યું. પશ્ચિમના સંપર્ક પછી અર્વાચીન સમયમાં ઓગણીસમી શતાબ્દીમાં ફરીથી ગુજરાતી વગેરે અર્વાચીન ભારતીય ભાષાઓ સામે અભિવ્યક્તિ સિદ્ધ કરવાની સમસ્યા આવી ઊભી ત્યારે આપણા લેખકોએ જે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેની સાથે પ્રાચીન-મધ્યકાલીન લેખકોની સિદ્ધિ (તેમના પ્રયોજનની મર્યાદામાં) સરખામણીમાં ઊભી રહી શકે છે તે આપણે હવે પછી જોઈશું. આ નવીન સાહિત્યનાં સ્વરૂપ, વ્યાપ અને મૂલ્ય સમજવા માટે કેટલીક પાયાની હકીકતો લક્ષમાં રાખવાની છે. આ સાહિત્ય અશિક્ષિત જનસમૂહનાં સંસ્કારઘડતર અને મનોરંજન માટે રચાયું છે. તેના રચનારાઓ (સંત ભક્તના થોડાક અપવાદે) સંસ્કૃત આદિ પ્રશિષ્ટ ભાષાઓમાં પણ રચના કરતા કે તે ભાષાઓના સાહિત્યના જાણકાર હતા. આ સાહિત્ય ‘શ્રૌત’ હતું, ‘પાઠ્ય’ નહીં – ઘણુંખરું તે સંભળાવવા માટે હતું, શ્રોતાઓ માટે હતું, પાઠકો માટે નહીં. ઘણે અંશે આ સાહિત્ય સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યનું ઉપજીવી હતું. આ સૌ કારણોને લીધે, આપણે આ પછીના વૃત્તાંતમાં જોઈશું તેમ, ભાષા-સાહિત્યમાં ઉપદેશાત્મક અંશની પ્રબળતા રહી છે. શુદ્ધ સાહિત્યિક રચનાઓ ઓછી છે. સ્વરૂપે અને ભાવનાએ તે, ઘણા પ્રમાણમાં, ‘ઉચ્ચ’ કે ‘વિદગ્ધ’ હોવા કરતાં ‘લૌકિક’ કોટિનું છે. આ વિધાનો આ સાહિત્યના સર્વસામાન્ય પ્રકાર અને પ્રકૃતિ પરત્વે સમજવાનાં છે. તેમાં તેની ગુણવત્તા વિશેનો કશો પૂર્વનિર્ણય અભિપ્રેત નથી. પ્રાચીન પ્રશિષ્ટ સાહિત્યમાંથી પ્રધાનપણે પોષણ મેળવતું આ ભાષાસાહિત્ય અભિવ્યક્તિની પોતાની જ તરેહો વિકસાવે છે. છંદોવિધાન, સ્વરૂપ-વિધાન, ભાવાલેખન, કથનશૈલી અને વર્ણનશૈલી પરત્વે તે પોતીકા માર્ગે વિચરે છે. હવે સાહિત્ય અત્યંત મર્યાદિત ઉચ્ચ વર્ગની મૂડી ન રહેતાં, થોડેઘણે અંશે પણ વ્યાપક જનજીવનના ધબકાર ઝીલવા લાગે છે, અને એટલા પ્રમાણમાં તે જીવંતપણું અને તાજગી ધરાવતું થાય છે. આનું સવિસ્તર દર્શન આ પછીના બીજા વિભાગમાં આપણે કરીશું.