ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/સાહિત્યિક પૂર્વપરંપરા : હરિવલ્લભ ભાયાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪ સાહિત્યિક પૂર્વપરંપરા

હરિવલ્લભ ભાયાણી

(૧) પ્રાદેશિક સાહિત્યનો ઉદય

ભારતની સંસ્કૃતોત્થ ભાષાઓના સાહિત્યનો ઇતિહાસ જોનારને તેની એક અત્યંત લાક્ષણિક ઘટના તરત જ ધ્યાનમાં આવશે. જ્યારેજ્યારે સાહિત્યભાષા અને લોકભાષા વચ્ચે સારું એવું અંતર પડી ગયું છે, ત્યારેત્યારે લોકભાષાનાં તત્ત્વોવાળી નવી સાહિત્યભાષા ઉદ્ભવી છે. વૈદિક ભાષા અને શિષ્ટ સંસ્કૃત, સંસ્કૃત અને પ્રાકૃત, પ્રાકૃત અને અપભ્રંશ, અપભ્રંશ અને પ્રાદેશિક ભાષાઓ, તે તે પ્રાદેશિક ભાષાનું ‘ઉચ્ચ’ કે ‘સાધુ’ સ્વરૂપ અને ‘આમ’ કે ‘ચલિત’ સ્વરૂપ – આ સૌનો સાહિત્યભાષા તરીકે થયેલો વિકાસ ઉક્ત ઘટનાનો સાક્ષી છે. આમાં ઘણી વાર પહેલો ધક્કો ધાર્મિક પરિબળો તરફથી મળતો, પણ નાટ્ય જેવાં દૃશ્ય સ્વરૂપોમાં લૌકિક પરિબળો પણ પ્રભાવક બનતાં. સાહિત્યના ઇતિહાસની આ લાક્ષણિકતાની સાથે બીજી પણ એક એટલા જ મહત્ત્વની લાક્ષણિકતા આપણે નોંધવી જોઈએ. નૂતન સાહિત્યનો અને સાહિત્યભાષાનો ઉદય થવાને પરિણામે પૂર્વપ્રચલિત સાહિત્યભાષાનો અસ્ત નહોતો થતો, તે પણ સાથોસાથ વપરાતી રહેતી. પ્રાકૃતની સાથે સંસ્કૃત, અપભ્રંશની સાથોસાથ સંસ્કૃત અને પ્રાકૃત અને પ્રાચીન ભાષાસાહિત્યની સાથોસાથ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યનું ખેડાણ થતું રહેલું. માત્ર અર્વાચીન સમયનો આમાં અપવાદ કરવો પડશે. અર્વાચીન ભાષાસાહિત્યના ઉદય સાથે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનો સાહિત્યભાષાઓ લેખે અસ્ત થયો. સાહિત્યિક માધ્યમોના વિકાસની આ એક લસરકે દોરેલી આછી રૂપરેખાને, વિકાસક્રમને વધુ ધ્યાનથી તપાસતાં અનેક રીતે મઠારવી પડે એ તો દેખીતું છે. ખાસ કરીને અપભ્રંશની પછી જે સંજોગોમાં પ્રાદેશિક ભાષાઓને સાહિત્યિક મોભો પ્રાપ્ત થયો છે, તે સંજોગો અમુક રીતે નિરાળા અને આગવા હોવાનું તદ્દન ઉઘાડું છે. ઈ. ૧૦૦૦ લગભગ ભારતના ઇતિહાસમાં એક ધરમૂળનો વળાંક આવ્યો હોવાનું પ્રતીત થાય છે. ઐતિહાસિક બળોએ તે સમયે સર્જેલી પરિસ્થિતિને પરિણામે આપણે એક જબરું સાંસ્કૃતિક પરિવર્તન આરંભાતું અને વેગપૂર્વક સર્વત્ર પ્રસરતું નિહાળીએ છીએ. એ યુગપલટાનું એક અત્યંત મહત્ત્વનું પાસું કે પરિણામ તે પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યોનો ઉદ્ગમ. અત્યારસુધીની સાહિત્યભાષાઓ – સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – સમગ્ર ભારતની સાહિત્યભાષાઓ હતી. ભારતના કોઈ પણ પ્રદેશનો કવિ કે પંડિત એ ભાષાઓમાં સાહિત્યરચના કરતો અને તે સાહિત્ય કોઈ એક જ પ્રદેશના નહીં, પણ સમગ્ર ભારતના અધિકારી શ્રોતા કે પાઠકને માટે હતું. પણ ઈ. ૧૦૦૦ લગભગ એ પરિસ્થિતિ અમુક અંશે મૂળભૂત રીતે પલટાવા લાગી. વ્યાપક સાહિત્યભાષાઓ ઉપરાંત આગવાં સાહિત્યોનો ઉદય થયો. આનાં કારણોમાં (૧) અખિલ ભારતીય સંપર્કો ઓછા થયા હોય અને પ્રાદેશિક સંકોચક બળો વધવા લાગ્યાં હોય; (૨) લોકવ્યવહારની બોલીઓ અને સાહિત્યભાષાઓ વચ્ચેનું અંતર એટલું વધી ગયું હોય કે લોકસમૂહને માટે પરંપરાગત સાહિત્યો વધુ ને વધુ દુર્ગમ બનતાં જતાં હોય; (૩) ઉચ્ચતર સાંસ્કૃતિક જીવન અત્યંત સાંકડા, ઉપરના વર્ગ પૂરતું મર્યાદિત રહેતું તેને બદલે વિશાળ વર્ગને તેમાં ભાગીદાર બનાવવાની અનિવાર્યતા લાગી હોય – આવાં કે અન્ય કોઈ કારણો હોય, પણ હવે પોતપોતાના પ્રદેશના લોકો સુધી પહોંચે તેવી ભાષામાં પણ સાહિત્ય રચવાનું આવશ્યક બન્યું. આગળના સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યથી આ નવું સાહિત્ય જે એક બાબતમાં જુદું પડે છે તે એ છે કે આ સાહિત્ય તે તે પ્રાદેશિક ભાષાવિસ્તારના લોકોને માટે જ હતું; પ્રાદેશિક ભાષાઓની વચ્ચે સારી એવી ભિન્નતાને કારણે એક પ્રદેશનું સાહિત્ય બીજા પ્રદેશને સમજવું પણ અત્યંત મુશ્કેલ હતું. આમ દસમી શતાબ્દી આસપાસ ભારતીય સાહિત્યના ઇતિહાસમાં, જે વ્યાપકપણે અખિલ ભારતીય ન હોય, પણ સ્થાનિક હોય તેવાં સાહિત્યોનો – પ્રાદેશિક સાહિત્યોનો ઉદ્ભવ થયો. બદલાયેલા પરિવેશને અને જીવનસંદર્ભને કારણે અભિવ્યક્તિ, સ્વરૂપ અને સામગ્રીની દૃષ્ટિએ નવા સાહિત્યે આગળના સાહિત્યથી કેટલીક બાબતોમાં જુદે જ માર્ગે ગતિ કરી. તેની ચર્ચા આગળ આવશે. તે ઉપરાંત સાહિત્યના માધ્યમ તરીકે પ્રયોજાવાને કારણે લોકભાષાઓ પણ જુદી રીતે ઘડાવા લાગી, અને તેમના ભાવિ પર દૂરગામી અસરો પડી. મહાવીર અને બુદ્ધથી સ્થપાયેલી સાહિત્યના `લૌકિકીકરણ’ની (democratizationની) પરંપરા લુપ્ત થયા પછી, મધ્ય કાળમાં તાંત્રિક અને સિદ્ધસંત સંપ્રદાયોમાં તેવું વલણ ફરી જોવા મળે છે, પણ તે પછીનું દસમી શતાબ્દીના અરસામાં પ્રગટેલું નૂતન વલણ તેની વ્યાપકતા અને પ્રબળતામાં આગળનાં વલણોથી તદ્દન જુદું પડી આવે છે: અને તેમાં કેવળ ધાર્મિક જ નહીં, પણ રાજકીય, આર્થિક અને સામાજિક બળોએ પણ વ્યાપક ભાગ ભજવ્યો હોવાનું સ્વીકારીએ તો જ તેનો ઘટતો ખુલાસો મળે. ગુજરાતી સાહિત્ય પૂરતી વાત કરીએ તો બારમી શતાબ્દીના ઉત્તરાર્ધથી આપણને પ્રાદેશિક ભાષામાં રચાયેલી કૃતિઓ મળવા લાગે છે, એટલે હેમચંદ્રાચાર્યને અપભ્રંશના અંતિમ પ્રતિનિધિ ગણીને આપણે ચાલી શકીએ. આ જે નૂતન સાહિત્યનો ઉદય થયો તે અનેક રીતે પોતાની વિશિષ્ટતા વિકસાવતું અને નિરાળી મુદ્રા ધારણ કરતું ચાલે છે. સાથે એ પણ સ્પષ્ટ છે કે પુરોગામી સાહિત્યનાં પણ તેમાં ઘણા મોટા પ્રમાણમાં અનુવાદ, અનુકરણ કે અનુવર્તન છે, અને પછીના ઘણા લાંબા ગાળા સુધી પણ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યોનો તેના પર સતત અને વ્યાપક પ્રભાવ પડતો રહ્યો છે. આથી ગુજરાતી સાહિત્યનાં મૂળ, ઉદ્ગમ અને વિકાસને યોગ્ય રીતે સમજવા માટે તેના પુરોગામી (અને સમકાલીન) સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યોની પરંપરા અને પ્રણાલિઓનો પરિચય હોવો અત્યંત આવશ્યક છે.

(૨) સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની પરંપરા

દસમી શતાબ્દી સુધીમાં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યના વિવિધ પ્રકારો વિશાળ પ્રમાણમાં ખેડાઈ ચૂક્યા હતા. આમાં (૧) મહાકાવ્ય, (૨) ગદ્યકાવ્ય, (કથા, આખ્યાયિકા), (૩) ચંપૂ, (૪) ખંડકાવ્ય(સંઘાત), (૫) મુક્તક (સુભાષિતસમુચ્ચય, કોશ), (૬) લૌકિક કથા, (૭) દૃષ્ટાંત કથા, અને (૮) દૃશ્યકાવ્ય(રૂપક, ઉપરૂપક) એવા પ્રકારો લૌકિક સાહિત્યમાં હતા, તો (૧) પૌરાણિક આખ્યાન, (૨) ધર્મકથા(બોધકથા), (૩) સ્તોત્ર વગેરે પ્રકારો ધાર્મિક સાહિત્યમાં હતા. આ ઉપરાંત, વિવિધ વિષયોને લગતું શાસ્ત્રીય સાહિત્ય અત્યંત વિપુલ હતું. ગુજરાત, રાજસ્થાન અને માળવાનો સમાવેશ કરતું પશ્ચિમ ભારત પણ પોતાનો ફાળો વિવિધ સાહિત્યપ્રકારો અને વિદ્યાવિષયોમાં આપતું આવ્યું હતું. ઉજ્જયિની, વલભી અને ભિલ્લમાલ(અને પછીથી ધારા અણહિલ્લપાટક) તે તે સમયનાં મહાન વિદ્યાકેન્દ્રો હતાં, જેમાં વિવિધ પ્રશિષ્ટ સાહિત્યોના અને ધર્મોના મહત્ત્વના ગ્રંથો રચાયા હતા. માત્ર થોડીક કળશરૂપ કૃતિઓના નિર્દેશથી પણ ઉક્ત પ્રદેશોની પ્રબળ પરંપરાઓનો અંદાજ મળી રહે તેમ છે: ભટ્ટિનું ‘રાવણવધ’, હરિભદ્રસૂરિનાં ‘સમરાઇચ્ચકહા’ અને ‘ધૂર્તાખ્યાન’, ઉદ્દ્યોતનસૂરિની ચંપૂકથા ‘કુવલયમાલા’, સિદ્ધર્ષિની ‘ઉપમિતિભવપ્રપંચકથા’, હરિષેણનો ‘બૃહત્કથાકોશ’ તે ઉપરાંત શ્વેતાંબરજૈનોના અર્ધમાગધી આગમ સાહિત્યની પ્રચલિત વાચના વલભીમાં તૈયાર થયેલી, તથા દિગંબર જૈન સિદ્ધાંતગ્રંથ વીરસેનકૃત ‘જયધવલા’ સંભવતઃ ગુજરાતના વાટગ્રામપુરમાં સમાપ્ત થયેલો એ હકીકતો પણ અત્યંત નોંધપાત્ર છે. આ પછી એક તરફ ધારામાં, તો બીજી તરફ અણહિલ્લપાટકમાં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યક્ષેત્ર નવાં ચેતન અને બળથી ધમધમતું થાય છે. આમાં ભોજ અને હેમચંદ્રનું કાર્ય સૌને મોખરે છે. કથા, કાવ્ય આદિ સાહિત્ય ઉપરાંત વિશેષે તો તેમણે લાખો શ્લોક પ્રમાણ આકરગ્રંથોની રચના કરી અને વ્યાકરણ, કોશ, અલંકાર, છંદ, પુરાણ, દર્શન, ધર્મશાસ્ત્ર વગેરે ક્ષેત્રોના જાણે કે જ્ઞાનકોશો બનાવ્યા. તેમના નિકટવર્તીઓ અને અનુગામીઓનો ફાળો પણ જેવોતેવો ન હતો. મો. દ. દેસાઈના ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ભો. જ. સાંડેસરાના ‘લિટ૨રી સર્કલ ઑવ મહામાત્ય વસ્તુપાલ’માં તેમજ અન્યત્ર આ કાળના જે સેંકડો કર્તાઓ અને કૃતિઓની માહિતી સંચિત કરાઈ છે તે ઉપરથી જોઈ શકાશે કે ઈસવી બીજી સહસ્રાબ્દીના આરંભના સૈકાઓમાં ગુજરાત-રાજસ્થાનમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યોના જબ્બર પ્રવાહો વેગે વહી રહ્યા હતા અને તેમને પડખે પ્રાચીન ગુર્જર સાહિત્યની પણ એક નાની-શી સરવાણી પ્રગટીને વહેવા લાગી હતી. લગભગ પાંચમી શતાબ્દીથી અપભ્રંશ સાહિત્ય સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યની સાથોસાથ ખેડાવા લાગ્યું હતું. ગુજરાત, રાજસ્થાન, મધ્યદેશ, માળવા, વિદર્ભ વગેરેમાં તેનાં મુખ્ય કેન્દ્રો હતાં. અપભ્રંશ વ્યાકરણ અને છંદોરચનાને લગતો જે અમુક પ્રમાણભૂત અને વ્યાપક વૃત્તાંત આપણી પાસે છે, તે મોટેભાગે તો ગુજરાતના હેમચંદ્રાચાર્યના ગ્રંથોમાંથી જ મળે છે. જળવાયેલા અપભ્રંશ સાહિત્યમાં ઘણો મોટો ભાગ દિગંબર જૈન સાહિત્યનો અને ગુજરાતની બહારનો છે. શ્વેતાંબર જૈનોનું અને ગુજરાત, રાજસ્થાન અને માળવામાં રચાયેલું અપભ્રંશ સાહિત્ય પણ તેવું જ વિપુલ હોવાનું જણાય છે, પણ સાધારણની ‘વિલાસવઇકહા,’ હરિભદ્રસૂરિની ‘નેમિનાહચરિય’ અને ધાહિલની ‘પઉમસિરિચરિય’ જેવી થોડીક કૃતિઓ જ બચી છે.

(૩) પ્રશિષ્ટ સાહિત્યોનો વારસો

ભાષાદૃષ્ટિએ અપભ્રંશને સહેજે પ્રાકૃતોનો જ એક પ્રકાર ગણી શકાય છે, પણ સાહિત્યદૃષ્ટિએ અપભ્રંશનું વ્યક્તિત્વ ગણનાપાત્ર પ્રમાણમાં પ્રાકૃતથી નિરાળું છે. અપભ્રંશનાં કેટલાંક આગવાં સાહિત્યસ્વરૂપો છે, અને પ્રાકૃત છંદોગ્રંથોમાં અપભ્રંશ છંદોનો એક અલગ વિભાગ કરેલો છે. અપભ્રંશ મહાકાવ્યનું સ્વરૂપ સંસ્કૃત અને પ્રાકૃત મહાકાવ્યથી જુદું હતું. જેમ સંસ્કૃતમાં સર્ગબંધ છે અને પ્રાકૃતમાં આશ્વાસકબંધ છે તેમ અપભ્રંશમાં સંધિબંધ છે. વૃત્તાંતકથનાત્મક અપભ્રંશ કાવ્યો –પછી તે મહાકાવ્યની શૈલીએ રચાયેલાં પૌરાણિક કે ચરિતકાવ્યો હોય અથવા તો કોઈ નાનો પ્રસંગ કે ઘટના લઈને રચાયેલ ટૂંકાં કાવ્યો હોય – સંધિબંધ સ્વરૂપનાં હતાં. આ વર્ગનાં કાવ્યોમાં આખી કૃતિ અમુક સંધિઓમાં વહેંચાયેલી હોય છે. પૌરાણિક કાવ્યોમાં પચાસ, પોણોસો કે શતાધિક સંધિઓ હોય. દરેક સંધિ દસ પંદરથી માંડીને ત્રીસચાળીસ સુધીનાં કડવકોની બનેલી હોય. દરેક કડવકમાં મુખ્ય શરીર તરીકે આઠદસથી માંડીને ત્રીસચાળીસ સુધીની પ્રાસબદ્ધ પંક્તિ-જોડ કે યમકો હોય, અને તેમને અંતે ઉપસંહારાત્મક ચાર પંક્તિઓ જુદા છંદમાં હોય. ક્વચિત્ કડવકને આરંભે પણ મુખડારૂપ બે પંક્તિઓ જુદા છંદમાં હોય. ઘણુંખરું દરેક સંધિનાં બધાં કડવકોમાં મુખ્ય ભાગનો છંદ સમાન હોય, અને તે જ પ્રમાણે તેનાં બધાં ઉપસંહારાત્મક કે ઉપક્રમાત્મક ધ્રુવકો પણ સમાન છંદમાં હોય. તો ક્વચિત્ વૈવિધ્ય ખાતર કોઈ એક સંધિમાં કડવક દીઠ જુદાજુદા છંદો પણ વાપરવામાં આવે. જોઈ શકાશે કે સંધિબંધ એક સુઘટ્ટ પોતવાળો રચનાબંધ હતો. મહાકવિ ચતુર્મુખ, સ્વયંભૂ અને પુષ્પદંતના અપભ્રંશ સંધિબંધોનો આપણે ઉદાહરણ તરીકે નિર્દેશ કરી શકીએ. વિષયોમાં પૌરાણિક વિષયો – મહાભારત અને રામાયણની કથા, તીર્થંકર અને ચક્રવર્તી જેવા પૌરાણિક મહાપુરુષોનાં ચરિત્ર અથવા તો ઇતિહાસ, દંતકથા કે લોકકથામાં પ્રસિદ્ધ પ્રભાવક, પરાક્રમી કે ધાર્મિક પુરુષોનાં ચરિત્ર અને કથાકોશોથી માંડીને નાનાં નાનાં રોચક કે બોધક કથાનકો સુધીનો વ્યાપ હતો. પાછળથી માત્ર એક જ સંધિ ધરાવતી ‘સંધિ’ નામક લઘુકૃતિઓ પણ રચાવા લાગી. અપભ્રંશ કવિ પાસે છંદોની બાબતમાં અસાધારણ મોકળાશ હતી. અપભ્રંશના અનેક આગવા છંદો ઉપરાંત તે પ્રાકૃત અને ક્વચિત્ સંસ્કૃત છંદોનો પણ મુક્તપણે ઉપયોગ કરી શકતો. પ્રાકૃતની જેમ અપભ્રંશ છંદો પણ માત્રિક હતા. ૧૬ માત્રાના વદનક અને પદ્ધડી તથા ૧૫ માત્રાનો પારણક – એ છંદોનો સંધિકાવ્યમાં કાઠું બાંધવા માટે ઉપયોગ થતો. અન્યત્ર દ્વિપદી, ચતુષ્પદી, પંચપદી અને ષટ્પદી છંદો વપરાતા. બે કે વધુ છંદોનાં સંવાદી મિશ્રણો (દ્વિભંગી અને ત્રિભંગી) પણ સારી રીતે પ્રચલિત હતાં. અપભ્રંશ મહાકાવ્ય અનિવાર્યપણે સંધિબદ્ધ જ હોય એવું નહોતું, કોઈ એક જ છંદમાં અખંડપણે આખું મહાકાવ્ય પણ રચી શકાતું; જેમકે હરિભદ્રના ‘નેમિનાહચરિય’નો મુખ્ય છંદ રડ્ડા નામનો દ્વિભંગી છંદ છે. તેની પહેલાં ગોવિંદ કવિનું કૃષ્ણવિષયક કાવ્ય પણ આ જ છંદમાં રચાયું હોવાના પુરાવા છે. જેમ દીર્ઘ અને વૃત્તાંતાત્મક કાવ્યસ્વરૂપ તરીકે સંધિબંધ અપભ્રંશ સાહિત્યની વિશિષ્ટતા હતી તેમ ખંડકાવ્યની કોટિનો રાસાબંધ એ તેની બીજી વિશિષ્ટતા હતી. રાસાબંધ મધ્યમ કે લઘુ કદનો હોવા સાથે ભાવપ્રધાન રહેતો. વિવિધ છંદોવાપરીને તેનું નિરૂપણવૈવિધ્ય સધાતું. રાસા, અડિલ્લા, દોહા, વસ્તુ, ષટ્પદ કે રોળા, માત્રા, વદનક, પદ્ધડી, દુમિલા, મદનાવતાર, ભ્રમરાવલી, દ્વિપદી, સ્કંધક, ગાથા, ઉત્સાહ, માગધિકા વગેરે છંદો રાસાબંધમાં વપરાયા છે. આ ઉપરાંત બીજા પણ રાસાબંધના એક-બે પ્રકાર હતા. વસ્તુ, વિદારી, વિસ્તારિતક, દ્વિપથક અને ગીતિકા વડે બનેલાં સંકુલ એકમો વડે પણ અમુક પ્રકારના રાસા રચાતા. આ ઉપરાંત ધવલ, મંગલ, ઉત્સાહ, હરિયાળી, ફૂલડાં, ઝંબટક જેવા લૌકિક ગીતપ્રકારો પણ હતા, અને ગેયતાપ્રધાન તથા નૃત્યપ્રધાન ઉપરૂપકોમાં પણ અપભ્રંશનો ઉપયોગ થતો. અપભ્રંશ છંદો (અને પરિણામે પ્રબંધો) પાઠ્ય હોવા કરતાં વધુ તો ગેય હતા. વળી તેમાં વચ્ચેવચ્ચે અમુક અંશ શાસ્ત્રીય રાગમાં પણ રજૂ કરાતો. રાસાબંધના અમુક પ્રકાર તો નૃત્ત સાથે તાલબદ્ધ રીતે રજૂ કરવા માટે જ હતા. પ્રાચીન ગુજરાતીને અપભ્રંશનાં આ સાહિત્યસ્વરૂપો, છંદો, રચનાશૈલી અને વર્ણનપરિપાટીનો સમૃદ્ધ વારસો મળેલો છે. ગુજરાતી આખ્યાનકાવ્યને અમુક અંશે સંધિબંધનો વારસો મળ્યો છે. અવધી ભાષાના પ્રેમાખ્યાનક કાવ્ય (જાયસીનું ‘પદમાવત’, મુલ્લાં દાઉદકૃત ‘ચંદાયન’ વગેરે) કે તુલસીના ‘રામચિરતમાનસ’માં વ્યક્ત થતી રચનાપરંપરા સંધિબંધની જેટલી નિકટ છે તેટલી નિકટ ગુજરાતી આખ્યાનશૈલી નથી એ ખરું, પણ આખ્યાનનું કડવાબદ્ધ સ્વરૂપ, અંતે ઊથલો અને આરંભે મુખડું તથા પૌરાણિક અને કથાપ્રધાન વિષય માટે તેનો વિનિયોગ વગેરે લક્ષણો સંધિબંધનો જ વારસો છે. તે જ પ્રમાણે પ્રાચીન ગુજરાતી રાસાઓમાં અપભ્રંશના એક રાસાપ્રકારનું અનુવર્તન જણાય છે. પાદાકુલ ચોપાઈ અને લઘુ ચોપાઈ (એટલે કે અપભ્રંશના વદનક અને પારણક), દોહા, રાસા, વસ્તુ, રોળા, ઉલ્લાલ, દુમિલા, મદનાવતાર, બીજાં કેટલાંક આંતરસમ અને અર્ધસમ માત્રાવૃત્તો તથા ત્રિપદીઓ, પંચપદીઓ અને ષટ્પદીઓ વગેરે પ્રાચીન ગુજરાતી સાહિત્યના અત્યંત માનીતા છંદો છે. પહેલાં કરતાં દોહાની લોકપ્રિયતા વધી છે. હરિગીત, ઝૂલણા વગેરે નવાનવા છંદો પ્રચારમાં આવે છે અને પૂર્વપ્રચલિત છંદોના વિનિયોગ પરત્વે પણ કેટલાંક નવાં વલણો વિકસે છે. લૌકિક કથા માટે કથનના માધ્યમ તરીકે ચોપાઈ, દોહા કે બંનેનું મિશ્રણ કામમાં લેવાય છે. આખ્યાનો માટે કેટલીક ૧૫+૧૩, ૧૫+૧૧ જેવી આંતરસમા ચતુષ્પદીઓ, પણ મુખ્યત્વે તો અપભ્રંશ છંદોમાંથી બનેલી વિવિધ ગેય દેશીઓ વપરાય છે, અને તે સાથે શાસ્ત્રીય રાગો અને લૌકિક ગીતોના ઢાળો પણ ઉપયોગમાં લેવાય છે. આટલા ઉપરથી અપભ્રંશ સાહિત્ય સાથે પ્રાચીન ગુજરાતી સાહિત્યનો જે અત્યંત ગાઢ સંબંધ રહેલો છે તેનો કાંઈક ખ્યાલ આવશે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે જેમ જેમ અર્વાચીન સમયથી પાછળ જઈએ છીએ તેમ તેમ આપણને પ્રતીત થાય છે કે અપભ્રંશ સાહિત્યના સારા એવા પરિચય વિના આપણા જૂના સાહિત્યને સમજવું, માણવું અને મૂલવવું ઘણું જ દુષ્કર છે, તો બીજે પક્ષે પ્રાચીન ગુજરાતી સાહિત્ય પણ અપભ્રંશ સાહિત્યને સમજવામાં ઘણું સહાયક બને છે. અપભ્રંશોત્તર કાળનું નવોદિત ભાષાસાહિત્ય સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશથી અનભિજ્ઞ (એટલે કે નિરક્ષર) એવા સામાન્ય લોકોને માટે હતું. કંઠસ્થ ગીતો, કથાઓ આદિ પરંપરાગત લોકસાહિત્યથી આ સાહિત્યને ભિન્ન ગણવું પડશે. મુખ્ય ઉદ્દેશ શુદ્ધ સાહિત્યના નહીં, પણ ઉપદેશાત્મક સાહિત્યના નિર્માણનો હતો – સંસ્કૃત-પ્રાકૃતમાં રહેલું કેટલુંક ધાર્મિક સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનો હતો. પણ શ્રોતાઓની મર્યાદિત સમજ અને સંસ્કારભૂમિકાની તેને મર્યાદા હતી. મોટેભાગે તો તે માન્ય, પ્રમાણભૂત કે લોકપ્રિય મૂળ કૃતિઓના અનુવાદ (સીધો, આંશિક, સંક્ષિપ્ત કે વિસ્તારિત) અથવા નવવિધાનના રૂપમાં હતું. વિષયો પૌરાણિક, ચરિતાત્મક કે ઉપદેશાત્મક (ધાર્મિક અગર તો સર્વસામાન્ય) રહેતા. સ્વરૂપ પરત્વે તેમાં અપભ્રંશની પરંપરા જ આગળ ચાલી, પણ કેવળ લોકલક્ષી હોવાથી મોટે ભાગે તો તે લોકસાહિત્યનાં સ્વરૂપો અને રચનાશૈલીનો પણ વધુ ને વધુ સમાદર કરતું થયું. સંસ્કૃત અને પ્રાકૃતનો પ્રભાવ મુખ્યત્વે તો વિષયસામગ્રી પૂરતો હતો. સંસ્કૃતપ્રાકૃત કૃતિનો સીધો અનુવાદ રૂપાંતર કે સંક્ષેપ ન હોય ત્યારે પણ જૂની ગુજરાતી કૃતિઓની વસ્તુસામગ્રીના મૂળ સ્રોત તરીકે પ્રાચીન કૃતિઓ જ હોય છે. ખાસ કરીને કથાસાહિત્ય પરત્વે તો આપણું પ્રાચીન સાહિત્ય સંસ્કૃતના અને વિશેષે તો પ્રાકૃતના પૌરાણિક તથા કથાસાહિત્યના વિપુલ ભંડારને છૂટે હાથે લૂંટે છે. અનેક કથાઘટકો ને કથાપ્રકૃતિઓનાં મૂળ, વિકાસ અને વિસ્તરણની તપાસ પ્રાચીન શિષ્ટસાહિત્યને આધારે જ થઈ શકે તેમ છે. સંસ્કૃતપ્રાકૃત કૃતિની વસ્તુસામગ્રી જૂની ગુજરાતી રચનામાં નવા ઢાળામાં ઢાળવામાં આવી છે. સ્વરૂપ પૂરતો તો માત્ર ‘દશકુમારચરિત’ કે ‘કાદંબરી’ જેવી ગદ્યકથાનો પ્રભાવ કદાચ ‘પૃથ્વીચંદ્રચરિત’ જેવી આલંકારિક પ્રાસબદ્ધ ગદ્યની (`બોલી’ કે `વચનિકા’ શૈલીની) રચનાઓમાં જોઈ શકાય. છંદોમાં સંસ્કૃત વૃત્તોનો વિનિયોગ જૂની ગુજરાતીમાં થોડાથોડા પ્રમાણમાં પણ લગાતાર થતો રહ્યો છે. સાહિત્ય અનુવાદપ્રધાન હોઈને તેની પદાવલિ ઉપર સંસ્કૃતનો (તથા જૈન કૃતિઓમાં પ્રાકૃતઅપભ્રંશનો) સારો એવો પ્રભાવ પડ્યા વિના ન જ રહે. જૂની ગુજરાતીના સાહિત્ય ઉપર સંસ્કૃતપ્રાકૃત સાહિત્યના પ્રભાવની વાત કરતાં બીજી એક હકીકત પણ લક્ષમાં લેવાની છે. પ્રાચીન તેમજ મધ્યકાલીન ગુજરાતી કૃતિઓના ઘણાખરા કર્તાઓ સંસ્કૃતપ્રાકૃતના પંડિત કે જાણકાર હતા. (આમાં માત્ર કેટલાક સંતો, ભજનિકો અને ઉત્તરકાલીન લેખકોનો અપવાદ હતો.) તેમાંના અનેક જણે સ્વયં સંસ્કૃત કે પ્રાકૃતમાં ગ્રંથો રચેલા હતા. આ હકીકતનું પણ તેમની ગુજરાતી કૃતિઓનાં વિધાન, શૈલી, પદાવલિ આદિને સમજવા માટે ઘણું મહત્ત્વ છે. આવા લેખકોમાં ‘રેવંતગિરિરાસુ’ના કર્તા વિજયસેનસૂરિ, ‘નેમિનાથચતુષ્પદિકા’ના કર્તા વિનયચંદ્ર, ‘નેમિનાથ ફાગુ’ના કર્તા રાજશેખરસૂરિ, જયસિંહસૂરિ, રત્નમંડનગણિ, તરુણપ્રભ, સોમસુંદર, મુનિસુંદર, માણિક્યસુંદર, મેરુસુંદર, કુલમંડન, લાવણ્યસમય, સમયસુંદર, યશોવિજય, વસંતવિલાસકાર, શ્રીધર વ્યાસ, અસાઈત, ભીમ, કેશવદાસ, ભાલણ, હરિવિલાસકાર, રત્નેશ્વર, ચતુર્ભુજ, વિશ્વનાથ જાની, દયારામ – એમ કોડીબંધ નામો ગણાવી શકાય. જૂની ગુજરાતીનાં આખ્યાન, ચરિત, રાસ અને કથા એ પ્રકારો સ્વરૂપની દૃષ્ટિએ અપભ્રંશ સાહિત્યનો વારસો છે. પઠન, ગાન અને અભિનય સાથે ગ્રંથિક કે કથક વડે રજૂ કરાતા પૌરાણિક ઉપાખ્યાનને ભોજ અને હેમચંદ્રે આખ્યાન નામના એક વિશિષ્ટ સાહિત્યપ્રકાર તરીકે સ્વીકાર્યું છે, અને એનાં ઉદાહરણ તરીકે સંસ્કૃતમાં ‘રામાખ્યાન’, ‘સામ્બાખ્યાન’ અને ‘ગોવિન્દાખ્યાન’નો નિર્દેશ કરેલ છે. પણ આ આખ્યાનો મિશ્ર ગદ્ય અને પદ્યમાં હોવાનું જણાય છે. પ્રાકૃતમાં પણ હરિભદ્રસૂરિકૃત ‘ધૂર્તાખ્યાન’ કટાક્ષાત્મક પ્રતિરચના છે, જેમાં પૌરાણિક સામગ્રીની અનુકૃતિવાળાં પાંચ ગાથાબદ્ધ આખ્યાનો આપેલાં છે. અપભ્રંશમાં જૈન ‘સુલસક્ખાણુ’ (સુલસાખ્યાન) મળે છે, અને એ પ્રકારના કડવાબદ્ધ અપભ્રંશ આખ્યાનની જ પ્રણાલિક પ્રાચીન ગુજરાતી આખ્યાનમાં આગળ ચાલી છે. ઉપર નિર્દેશ કર્યો છે તેમ અપભ્રંશમાં પાછળના સમયમાં ‘સંધિ’ નામક કેટલીક લઘુ રચનાઓ મળે છે (જેમ કે ‘કેસીગોયમ સંધિ’, ‘સીલ સંધિ’, ‘અંતરંગ સંધિ’ વગેરે), તેમાં મર્યાદિત સંખ્યાનાં કડવકોની બનેલી એક સંધિ જેટલો જ કૃતિવ્યાપ હોય છે. સંધિબંધનું આ એક લઘુતમ સ્વરૂપ છે. આવા સંધિકાવ્યનું વિસ્તરણ થઈને જૂની ગુજરાતીનું આખ્યાનસ્વરૂપ ઉદ્ભવ્યું હોવાની સંભાવનાનો પણ ઉપર ઉલ્લેખ કર્યો છે. ‘આખ્યાન’ની જેમ અપભ્રંશ સાહિત્યની જે બીજી મહત્ત્વની દેણ છે તે ‘રાસાબંધ’ના સ્વરૂપને સ્વયંભૂ, હેમચંદ્ર વગેરેએ વ્યાખ્યાબદ્ધ કર્યું છે. ‘રાસક’માં વપરાતા વિશિષ્ટ છંદોનું પણ અપભ્રંશ પિંગળોમાં વ્યવસ્થિત અને સવિસ્તર વર્ણન છે. સમગ્ર અપભ્રંશ યુગ દરમ્યાન ખંડકાવ્યકોટિની રચનાઓ તરીકે રાસકનો પ્રચાર હતો. સ્વરૂપદૃષ્ટિએ તેના જ બે કે ત્રણ પ્રકારો હતા તેમાંથી એકાદ-બે પ્રકાર પ્રાચીન ગુજરાતીમાં કેટલાક પરિવર્તન સાથે ચાલુ રહે છે. પણ આ અંગે હજી સંશોધન થયું નથી. વળી અપભ્રંશ ચરિતકાવ્ય પણ પ્રાચીન ગુજરાતીમાં ‘પ્રબંધ’, ‘પવાડુ’ વગેરે નામ નીચે બદલાયેલા ‘રાસો’ સ્વરૂપમાં જળવાયું હોવાનું ગણી શકાય. આ ઉપરાંત લૌકિક કથા, ધર્મકથા અને દૃષ્ટાંત કથાની પણ પ્રાકૃત અને અપભ્રંશની પરંપરા ગુજરાતીમાં આગળ ચાલતી રહી છે. માત્રિક છંદોના પાયા પર રચાયેલી ગેય દેશીઓ તથા શાસ્ત્રીય રાગોનો ઉપયોગ ઉત્તરકાલીન અપભ્રંશથી જ શરૂ થઈ ગયો હતો. સ્વયંભૂના અપભ્રંશ પૌરાણિક કાવ્ય ‘પઉમચરિય’માં તેમજ તે પછીનાં કેટલાંક સંધિબંધ અપભ્રંશ કાવ્યોમાં કડવક કયા રાગમાં ગાવું તેના નિર્દેશ ક્વચિત્ આપેલા છે. જયદેવના ‘ગીતગોવિંદ’માં લૌકિક રચનાઓની પરિસ્થિતિનું પ્રતિબિંબ પડેલું જોઈ શકાય છે. આગળ જતાં ગુજરાતી સાહિત્યમાં ગેય દેશીઓ સાર્વત્રિક વર્ચસ્વ પ્રાપ્ત કરે છે. પદાવલી અને શૈલી પર સંસ્કૃતનો પ્રભાવ હોવો સ્વાભાવિક છે, પણ મુખ્યત્વે તો તેમાં પ્રાચીન ગુજરાતી સાહિત્ય અપભ્રંશની પ્રણાલી જાળવે છે. અપભ્રંશનાં વિશિષ્ટ શબ્દો અને શબ્દગુચ્છો, રૂઢિપ્રયોગો, લઢણો, કહેવતો, ઉપમાનો વગેરે એમ ને એમ કે જૂજ ફેરફાર સાથે શતાબ્દીઓ સુધી ગુજરાતી સાહિત્યમાં મળ્યાં કરે છે. જૂની ગુજરાતીના અનેક ભાષાપ્રયોગોની અભિવ્યક્તિની રીતિઓની સ્પષ્ટતા અપભ્રંશને આધારે જ મેળવી શકાય છે. જ્યારે અર્વાચીન ગુજરાતીમાં તેમનું નામનિશાન પણ જળવાયેલું નથી. અપભ્રંશ તત્ત્વ ઘટતુંઘટતું પણ ઠેઠ અઢારમી શતાબ્દી સુધી જૂની ગુજરાતી ભાષા અને સાહિત્યમાં ચાલુ રહે છે. અપભ્રંશ ભાષા અને સાહિત્યની સારી એવી જાણ વિનાના જૂની ગુજરાતી સાહિત્યનાં સમજણ, રસાસ્વાદ અને મૂલ્યાંકન તદ્દન ઉપરછલ્લાં, અધૂરાં કે એકાંગી જ રહેવાનાં. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની સાથે જૂની ગુજરાતીના સાહિત્યનો સંબંધ ઘણે અંશે બિંબ સાથે પ્રતિબિંબના, નદી સાથે કુલ્યાના કે ઉપજીવ્ય સાથે ઉપજીવીના સંબંધ જેવો છે. સમગ્રપણે વ્યક્તિત્વમાં પોતાપણું હોવા છતાં દૃષ્ટિ અને ભાવના, વાતાવરણ અને વિષયનિરૂપણ, ભાષાપ્રયોગ, શૈલી અને રચનારીતિ દરેક પાસા કે અંગ પર પ્રશિષ્ટ રચનાઓનો પ્રભાવ છવાયેલો કે તેમાં અનુસ્યૂત રહેલો જોઈ શકાય છે.