ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪ નરસિંહ મહેતા

ઉમાશંકર જોશી

૧. ભક્તિ-આંદોલનનો પ્રતિનિધિ ઉદ્ગાતા

આદિकवि

ગુજરાતી સાહિત્યનો ઉગમ ઈસ્વી સનના બારમા સૈકામાં થયો હોવા છતાં, અને કેટલીક ગણનાપાત્ર કૃતિઓ ભાષામાં રચાઈ ચૂકી હોવા છતાં, સામાન્યપણે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ‘આદિકવિ’નું બિરુદ મળ્યું છે, તેમાં મહત્ત્વ ‘આદિ’ કરતાં વધુ તો ‘કવિ’ પદને લોકસમાજે આપ્યું છે. નરસિંહ પહેલાં રચાયેલી કૃતિઓ પ્રજાના થોડા વર્ગમાં–જૈનસમાજમાં પ્રચલિત હશે, પણ અંતે તો એ ઉપાશ્રયોની જ્ઞાન-ભંડારોની પોથીઓમાં સચવાઈ. નરસિંહનાં ભક્તિનાં ને જ્ઞાનનાં પદ લોકજીભે ચઢી ગયાં, તે એટલે સુધી કે જમાને જમાને બદલાતી ભાષાના સંસ્કાર ઝીલતાં અત્યારે પ્રચલિત ભાષામાં તે પ્રાપ્ત થાય છે. એ ઉપરથી, ભાષા-વિજ્ઞાનનો અભ્યાસ ઠીક રીતે શરૂ થયો ન હતો ત્યારે, કેટલાક એમ કહેતા કે જુઓ, અત્યારેબોલાય છે એવી જ ભાષા નરસિંહના સમયમાં પણ હતી. નરસિંહનાં પદો નિરંતર લોકજીભે રહ્યાં કેમકે તે લોકહૈયે વસી જાય એવાં હતાં. ક્યાં નરસિંહની ભૂમિ, ગિરનાર તળેટી, અને ક્યાં ગુજરાતના ઉત્તર સીમાડાની અરવલ્લીની ટેકરીઓ? પણ એ ટેકરીઓમાં પછાત વર્ગના અભણને મુખે પણ નિત્ય સવારે નરસિંહની પંક્તિઓ[1] ગવાતી સાંભળવા મળે છે :

જાગો જાગોને જાદવા તમને જગવે જશોદા માત;
તમારે જાગ્યે રે સરવે જાગશે, તમે જાગોને જગનાથ.
લીલી પીળી ને પોપટી કાંઈ બગલા પારેવડી ગાય,
બોલાવી ટહુકો કર્યો...

આ પંક્તિઓમાં માત્ર કૃષ્ણભક્તિનું આકર્ષણ નથી. રંગરંગી ગાયોના ધણનું ચિત્રણ અને એ પશુઓને એક-કાન કરવાની બાલ ગોપાલની શક્તિનો સંકેત – એમાં આ પંક્તિઓનું વશીકરણ છે. ભક્તિની સાથે સાથે માણસમાં રહેલી સૌંદર્યવૃત્તિને સંતોષવાની નરસિંહની ભાષાની શક્તિ તરત ધ્યાન ખેંચે છે. નરસિંહ ગુજરાતી ભાષાનો ‘આદિકવિ’ ઇતિહાસદૃષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો ‘આદિकवि’ જરૂર છે.

મધ્યકાલીન ભક્તિઆંદોલન

નરસિંહની કવિતામાં ભક્તિની કહો કે ભરતીનો પરિચય થાય છે. ભક્તિનો આગળ પડતો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પશ્ચિમના સાહિત્યના સંપર્કમાં આવ્યું ત્યાં સુધી નહીં, ૧૮૫૨માં દયારામનું મૃત્યુ થયું ત્યાં સુધીના, સમયમાં સતત દેખાયા કરે છે. અને તે પછી પણ નામશેષ થતો નથી. નર્મદ પાસેથી મેળવેલા ‘પ્રેમભક્તિ’ પદને નાનાલાલ પોતાના ઉપનામ તરીકે યોજે છે. નરસિંહની કવિતામાં ઉત્તરંગિત થતો ભક્તિનો જુવાળ આવ્યો ક્યાંથી? માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, ભારતની બીજી અર્વાચીન ભાષાઓમાં પણ આ દૃશ્ય જોવા મળે છે. મધ્યકાલીન ભારતમાં ભક્તિસાહિત્યનો પ્રાદુર્ભાવ એ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના રૂપે પ્રતીત થાય છે. દેશમાં ચાલી રહેલા કોઈ મહાન પ્રબળ ભક્તિઆંદોલનની એ સાહિત્ય સાક્ષી પૂરે છે. બલકે ભક્તિસાહિત્યના પ્રાદુર્ભાવ પછી અર્વાચીન ભારતીય ભાષાઓ પહેલીવાર સોળે કળાએ ખીલવા પામતી હોય એમ દેખાય છે. જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે. ભક્તિ તો મનુષ્યહૃદય જેટલી જૂની છે. વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે. ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી. ભક્તિના મત્ત આવેશની વાત – લોકલાજ કે શાસ્ત્રબંધનની પરવા ન કરવાની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવાંમાં થઈ છે. મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જેનું વિશેષ ભાવે મહત્ત્વ થયું તે બાલકૃષ્ણની લીલા તે પણ હરિવંશમાં અને પુરાણસાહિત્યમાં અને ભાસના ‘બાલચરિત’ નાટક આદિમાં વર્ણવાઈ છે. વિષ્ણુ, ગોપાલ, બાલકૃષ્ણ ઉપર અવલંબતા ભાગવત સંપ્રદાયની વ્યાપકતા જૂના સમયમાં હતી. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંયે મધ્યકાળમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો ઐકાન્તિક આદર થાય છે અને ભક્તિ સાહિત્યસર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દૃશ્ય જોવા મળતું નથી. ગ્રિયર્સન જેવા[2] તો બૌદ્ધધર્મના આંદોલન કરતાં પણ આ ભક્તિઆંદોલનને વધારે વ્યાપક અને વિશાળ લેખે છે કેમ કે આ આંદોલનનો પ્રભાવ હજી આજે પણ વરતાય છે. ગ્રિયર્સન કહે છે કે આ આંદોલનમાં ધર્મ એ જ્ઞાનનો નહીં પણ ભાવાવેશનો વિષય બને છે. અને તેને પ્રવર્તાવનારાઓ તે કાશીના પ્રકાંડ પંડિતો નથી પણ યુરોપના સેઈન્ટ બર્નાર્ડ, ટોમસ-ઈ-કેમ્પિસ અને સેઈન્ટ ટેરેસા જેવાં સાથે જેમની તુલના થઈ શકે એવાં પૃથગ્જનો છે. વળી તેઓ કહે છે કે વીજળીના ઝબકારની પેઠે તમામ પુરાણા ધાર્મિક મતોની ઉપર આ એક નવી વસ્તુએ દેખા દીધી અને એ ક્યાંથી પ્રગટી તે નિશ્ચિતપણે કોઈ કહી શકતું નથી. ગોવર્ધનરામ ત્રિપાઠીએ[3] પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાતના ભક્તિવાઙ્મયની ‘આ મૂળ દીવીઓમાં, કોઈપણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ’ એ વિચાર આગળ ધર્યો હતો. આનંદશંકર ધ્રુવ[4] પણ ભક્તિની એ જ્વાળાઓ ક્યાંથી ફૂટી એની તપાસમાં, મુખ્યત્વે નરસિંહના જીવનસમયના નિર્ણયને અંગે, ગૂંથાય છે અને ચૈતન્યસંપ્રદાય સાથે અથવા તો ભવિષ્યોત્તર પુરાણ સાથે નરસિંહમાં આવતાં રાધાની સખીઓનાં નામોનો સંબંધ વિચારે છે. સવાલ આ કે તે કવિઓની કવિતામાં આ કે તે વિગતો કેવી રીતે આવી એટલો નથી, રામાનુજ, વલ્લભાચાર્ય, ચૈતન્ય – એ ભક્તિમાર્ગ-પ્રવર્તકો મધ્યકાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોને પરિણામે પ્રગટ્યા અને અનેક કવિકંઠોને ગાતા કરનાર ભક્તિને ચાલના મળી તે છે. ગ્રિયર્સને ખ્રિસ્તી ધર્મના પ્રભાવની વાત કરી છે. અનુમાન એ છે[5] કે તામિલનાડુમાં બીજી ત્રીજી સદીમાં આવી વસેલા ખ્રિસ્તીઓના સમાજની પ્રપન્નભાવભરી ભક્તિચર્યાનો પ્રભાવ રામાનુજ પર પડ્યો હોય. એક ઇતિહાસકારે હિજરી સનના આરંભમાં શંકરાચાર્યના વતન કાલડીમાં મુસલમાનોના આવવાનો અને ત્યાંનો રાજા મુસલમાન થયાનો પ્રભાવ શંકરાચાર્યના અદ્વૈતવાદ ઉપર પડેલો માન્યો છે. પણ અદ્વૈતવાદની–બ્રહ્મ એક છે એ વાતની ઉપનિષદોમાં, અને વેદમાં પણ एकं सद् विप्रा वसुधा वदन्ति – સત્ય એક છે, અનુભવી સુજ્ઞો એને જુદી જુદી રીતે વર્ણવે છે – જેવાં વાક્યોમાં, ભારપૂર્વક સ્થાપના થયેલી છે તેનું શું? ભક્તિચર્યાં પણ ભારતીય સમાજમાં ખૂબ ખીલેલી હતી. દા.ત. ગીતા સર્વસમર્પણભાવથી અનન્યભાવે ભક્તિ કરવા કહે છે. ભક્તિમાર્ગમાં વ્યક્તિનો પરમાત્મા સાથેનો અંગત સંબંધ ગૃહીત છે. આત્મીય દેવ (પર્સનલ ગૉડ)ની એ અપેક્ષા રાખે છે. સમાજમાં યજ્ઞયાગ, કર્મકાંડ, શાસ્ત્રચર્ચા વગેરે ચાલ્યાં કરતાં, પણ તેની સાથે સાથે બહુજનસમાજમાં તો ભગવાન સાથેના આત્મીય સંબંધને પોષનારી, પ્રભુના કોઈ ને કોઈ અવતાર–ખાસ કરીને કૃષ્ણ કે રામ–નું અવલંબન લેનારી, સરળ ઉપાસના ચાલતી. અભીપ્સાવાળાં સામાન્ય માણસો શાસ્ત્રના આધાર વગર જ, સહજભાવે, આવા ભક્તિમાર્ગને અનુસરતાં. શંકરાચાર્યે અદ્વૈતવાદની તર્કબદ્ધ સ્થાપના કરી, લગભગ તે અરસામાં જ દક્ષિણના આળવાર સંતોની વાણી દ્વારા ભક્તિનાં પાતાળજળ સમાજની ધર્મતૃષા છીપવી રહ્યાં હતાં. ત્યાં આવ્યો ભક્તિનો મુખ્ય ગ્રંથ ભાગવતપુરાણ. રામાનુજ (ઈ. ૧૧મી સદી) આદિ આચાર્યોએ શાસ્ત્રીય ભૂમિકાએ ભક્તિની રજૂઆત કરી. પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિને જયદેવ (ઈ. ૧૨મી સદી)ની ‘ગીતગોવિંદ’ રચના અને ચૈતન્ય મહાપ્રભુ (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ની ભક્તિચર્યા દ્વારા અપૂર્વ વેગ મળ્યો. ઉત્તરમાં ગુરુપરંપરામાં રામાનુજની ૧૪મી પેઢીએ આવતા રામાનંદ સ્વામી (જન્મ ઈ. ૧૩૦૦) દ્વારા રામભક્તિને પ્રાધાન્ય મળ્યું અને એમના ઉદાર નેતૃત્વ નીચે ભક્તિમાર્ગમાં સગુણોપાસના, નિર્ગુણોપાસના અને યોગસાધના–દરેકને અવકાશ મળ્યો. દક્ષિણના શ્રીમદ્ વલ્લભાચાર્યે (ઈ. ૧૪૭૮-૧૫૩૦) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કૃષ્ણાશ્રયી પુષ્ટિમાર્ગ પ્રવર્તાવ્યો. જોતજોતામાં ભક્તિનું એક પ્રચંડ આંદોલન દેશમાં વ્યાપી વળ્યું. એ નવી ઋતુમાં અનેક કવિકંઠ ઊઘડ્યા. એ કવિઓ મોટા ભાગે સંતો હતા. સૌ સંતકવિઓની જીવનચર્યા તેમજ વાણીના પ્રતાપે દેશના જીવનમાં જાણે કે ભક્તિનો જુવાળ ચઢ્યો હોય એવું સાંસ્કૃતિક દૃશ્ય મધ્યકાળમાં નજરે પડે છે. જોઈ શકાશે કે આ બધું અકસ્માત બન્યું નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ભક્તિમાં ભેદભાવને સ્થાન નથી. ગીતા પણ કહે છે કે સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો, તે પણ મારો આશ્રય લઈને પરમ ગતિને પામે છે’ (૯.૩૨). શંકરાચાર્યે બુદ્ધિની ભૂમિકાએ બૌદ્ધધર્મને શિકસ્ત આપી. શાસ્ત્રપ્રતિષ્ઠિત વર્ણાશ્રમભેદમૂલક બ્રાહ્મણધર્મ સુરક્ષિત બન્યો. કરુણાપ્રધાન બૌદ્ધધર્મે બહુજનસમાજને સરળ ધર્મચર્યા અને ભેદરહિતતા તરફ વાળ્યો હતો તે કામ ફરી ઉપાડવાનું આવ્યું. દક્ષિણમાં આળવાર સંતો, જેમનામાંના કેટલાક શૂદ્રો હતા અને એક તો સ્ત્રી-સંત (આંડાલ) હતાં, તેમની ભક્તિચર્યાં દ્વારા એનો જાણે કે આરંભ થતો ન હોય. દક્ષિણના આળવારોનું ભક્તિનું મોજું, ક્રમેક્રમે સંબલ મેળવતું જતું અંતે હિમાલય ઊંચું ઊછળે છે. એમાં ઉપકારક એવી એક બીજી વસ્તુ પણ જોઈ શકાય છે, તે છે ઇસ્લામનું આગમન. બૌદ્ધધર્મ ઉપર બ્રાહ્મણધર્મે વિજય તો મેળવ્યો પણ એમાં એ પોતે ખખડી ગયો હતો, દોદળો બન્યો હતો, અને ત્યાં એક અપૂર્વ તાજગીભર્યા ધર્મે હિંદુસ્તાનનાં બારણાં ખખડાવ્યાં. એ ધર્મમાં સરળતા હતી, એક-ઈશ્વરની ઉપાસના હતી, શાસ્ત્રનાં જાળાં ન હતાં, સામાજિક ભેદભાવનો અભાવ હતો. નવા ધર્મ આગળ આ દેશનું ધર્મજીવન યજ્ઞયાગ પર આધાર રાખીને કે શાસ્ત્રોનું અવલંબન લઈને એટલું નહીં ટકી શક્યું હોત, જેટલું ભક્તિના આશ્રયે એ ટકી શક્યું. બંનેના સમન્વયની અથવા નજીક આવવાની ભૂમિકા પણ અન્ય રીતે નીપજી શકી ન હોત. પરમેશ્વરની અનન્યભાવે ભક્તિ, જ્ઞાતિજાતિના ભેદને ભૂલવાની વૃત્તિ, સામાન્યમાં સામાન્ય માણસને માટે પણ ધર્મજીવન જીવવાની તક – આ વસ્તુઓને ભક્તિમાર્ગને લીધે ઉઠાવ મળ્યો. અને નવા આવેલા ધર્મમાં પ્રધાનપણે દેખાતી વસ્તુઓ પણ આ જ હતી. આ રીતે ભારતમાં આવેલા ઇસ્લામનો ભક્તિઆંદોલનને વેગ આપવામાં ફાળો જોવો શક્ય છે. સૂફીઓની પ્રેમમાર્ગી નિર્ગુણધારાનો એક બાજુ પ્રેમલક્ષણાભક્તિને તો બીજી બાજુ જ્ઞાનાશ્રયી નિર્ગુણધારાને થોડેવત્તે અંશે ટેકો મળ્યો હોય એ પણ સંભવિત છે. સમય જતાં ભારતીય સમન્વયપ્રતિભાના નિદર્શન રૂપે અત્રત્ય ઉપાસનાધારા અને આગંતુક ઇસ્લામી ઉપાસનાધારા – એ બંનેનો ગંગાજમની સંગમ રચવાના કબીર અને નાનક જેવાના પુરુષાર્થો પણ પ્રગટ્યા. મધ્યકાલીન ભક્તિઆંદોલનનો વિચાર ભારતના ઇતિહાસની બે મહાઘટનાઓના – અગાઉની બૌદ્ધકાલીન જાગૃતિના અને યુરોપના સંપર્કમાં મુકાયા પછીની અર્વાચીન જાગૃતિના – ઉપલક્ષમાં કરવા જેવો છે. તે પ્રત્યેકમાં દેશની કેટલીક ઊંચામાં ઊંચી વ્યક્તિઓ પાકી છે, જે આદર્શો આગળ ધરાયા છે તે ભૌગોલિક સીમાથી બદ્ધ નથી, સારી માનવજાતિ માટેના છે. અર્થાત્ તે પ્રત્યેકમાં ઉચ્ચ માનવી મૂલ્યોને વફાદારી અર્પિત થઈ છે. તે પ્રત્યેકમાં બહુજનસમાજમાં બોલાતી ભાષાઓનું નવપલ્લવન થયું છે. એક દુઃખદ વસ્તુ પ્રત્યેકમાં જોવા મળે છે તે એ છે કે જ્ઞાતિજાતિના ભેદ ભૂંસવાનો પ્રબળ સામાજિક આવેગ એ પ્રત્યેકને અંતે ઠીંગરાયો છે, જ્ઞાતિજાતિનાં ચોકઠાં ઊલટાં વધુ તંગ બન્યાં છે. આથી તો, મધ્યકાળમાં દક્ષિણના આળવારોના, મૂળ ભરૂચના પણ પછી મહારાષ્ટ્રમાં જઈ મહાનુભાવપંથ સ્થાપનાર ચક્રધરસ્વામીના, કર્ણાટકના બસવેશ્વરના અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નાગર નરસિંહના અસ્પૃશ્યોને પોતાના આત્મીય લેખવાના પ્રયત્નો ખાસ આદરપાત્ર બને છે. કનૈયાલાલ મુનશીએ મધ્યકાળના કવિ અખા વિશે વાત કરતાં અખાનો જીવનસંદેશ પારલૌકિકતાનો છે,[6] દુનિયાનો થાક લાગ્યાની એ નિશાની છે, ગુજરાતની સામાજિક અને રાજકીય બંધિયાર સ્થિતિથી થાકેલા એવા કટુ હૃદયમાંથી બહાર આવતા સૂર મધ્યકાળના સાહિત્યમાં સંભળાયાં કરે છે[7] —એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અર્વાચીન સમયમાં જ એ સૂરને દબાવીને જીવનના ઉલ્લાસમાં રાચતી નવી શ્રદ્ધા પ્રગટ થયાનું તેઓ સૂચવે છે.[8] નરસિંહ જેવામાં એમને જીવનના ઉલ્લાસની કમી કદાચ એવી નહીં વરતાય. એમની ટીકા વિશેષ તો જ્ઞાનાશ્રયી કવિઓ માટે સંભવે છે પણ જે સામાજિક રાજકીય સ્થિતિની તે વાત કરે છે તે સારાય મધ્યકાળની છે. અને એમનું તહોમતનામું એકલા અખાની કે જ્ઞાનાશ્રયી કવિઓની કવિતા સામેનું ન રહેતાં સારીયે મધ્યકાલીન કવિતા સામે પણ બની રહે. અખા જેવાની જ્ઞાનાશ્રયી કવિતાધારા પણ નિર્ગુણ ભક્તિમાર્ગની નીપજ હોઈ મધ્યકાળના વિરાટ ભક્તિઆંદોલનનો એક ભાગ જ છે. એ ભક્તિઆંદોલનને પ્રજાના તેજોવધના પરિણામરૂપ લેખવું અથવા જીવનના બંધિયારપણાના સંતાનરૂપે જોવું એ બરોબર થશે નહીં. જો કાંઈ પણ હોય તો બંધિયારપણાને ફેડવાનો ભક્તિ-આંદોલનનો પ્રયત્ન છે. તેજના હ્રાસની નહીં, પણ સત્ત્વ પ્રગટ થયાની એ નિશાની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં મુકાયા પછી અનેકવિધ ઊથલપાથલો શરૂ થઈ અને બંધિયારપણાને તોડવા ભારતનું હીર બહાર આવ્યું. એ જ રીતે મધ્યકાળમાં ઇસ્લામના સંપર્કમાં મુકાયા પછી જે ઊથલપાથલો થઈ તેના પરિણામે ખાસ કરીને જડ રૂઢિઓના પોપડાઓ તોડવા માટેનો ભક્તિઆંદોલનનો ઉપક્રમ છે. તેજોવધનો નહિ પણ તેજોવૃદ્ધિનો એ પુરાવો છે. એ આંદોલનને વેગ આપવામાં ઇસ્લામના આગમને ભાગ ભજવ્યો છે. મધ્યકાળમાં અનેકવિધ પરિબળોને પ્રતાપે, અનેકવિધ ઉપાસનાઓ-સાધનાઓના સંઘર્ષ-સંમિલનને પરિણામે, ભીતરનો સંચિત રસ ઉપચય પામતોપામતો ભક્તિના ફુવારા રૂપે ભારતના હૃદયમાંથી ફૂટી રહે છે. પ્રજાના જીવનમાં એ એક મહાન ચૈતન્ય-ઉછાળો છે. એની સર્જકતા, એનું સૌંદર્ય, જે અનેક એકએકથી ચઢિયાતાં પુરુષરત્નો-સ્ત્રીરત્નો પાક્યાં તેમના જીવન પર નજર નાખતાં પ્રતીત થાય છે. અને તેમાંથી મોટા ભાગનાં તો ધરતીની સામાન્ય ધૂળનો વારસો લઈને જ આવેલાં છે. ભક્તિના પારસસ્પર્શથી એમનું જીવન પલટાયું છે. એમની વાણીનું – શબ્દનું, લયનું–સૌન્દર્ય એમની આંતર સૌન્દર્યરિદ્ધિની સાક્ષી પૂરે છે. ભક્તિમાર્ગના પ્રભાવ નીચે દેશની વિવિધ ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું, તેમાં કંઠ ભલે વિવિધ રહ્યા, ભાષાઓ ભલે વિવિધ રહી, બધાની પાછળની પ્રેરણા, અને પરિણામે બધાનો સૂર એક જ છે. સમગ્ર મધ્યકાળમાં એક જ સંસ્કૃતિઆત્મા પૂર્વમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ, ઉત્તરમાં કબીર, સૂરદાસ, તુલસીદાસ, પશ્ચિમમાં નરસિંહ, મીરાં, અખો અને દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એમ અનેક કંઠે ગાઈ રહ્યો છે. ભારતની ઉજ્જ્વળ સંતમાળામાં નરસિંહ હરિજનોને અપનાવવાના એના વીરકર્મથી વિરલ આધ્યાત્મિક ખમીર દાખવે છે અને અનેરા અધ્યાત્મવીરોની જમાતમાં સ્થાન પામે છે.

પ્રેમભક્તિ

ભક્તિસ્રોતના મૂળમાં અવતાર એક આલંબન તરીકે જોઈ શકાય છે. કૃષ્ણાવતારની ચરિત્રકથા, ખાસ કરીને બાળકૃષ્ણની કથા અને તેમાં પણ વૃન્દાવનમાં ગોપીઓ સાથેની કૃષ્ણની રાસલીલા, એનું સૈકાઓથી આકર્ષણ હતું, ભાગવતના સમય સુધીમાં એ વશીકરણ સમાન બની જાય છે. ભાગવતે સંસ્કૃતમાં લીલાગાનની પરંપરાઓને સાંકળી લીધી. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ’માં એ તરફની પરંપરાઓ અભિવ્યક્તિ પામી. ભાગવતમાં રાધાનું નામ સરખું નથી, રાધા વગર ‘ગીતગોવિંદ’ કલ્પવું શક્ય નથી. એ સંસ્કૃત રચનાના આકર્ષણમાં લોકભાષાના ગેય ઢાળોનો ફાળો મુખ્ય છે. જયદેવ (ઈ. ૧૨મી સદી) પછી બંગાળામાં ચંડીદાસે (ઈ. ૧૫મી સદી) અને મૈથિલીમાં ‘અભિનવ જયદેવ’નું બિરુદ પામેલા વિદ્યાપતિ (ઈ. ૧૩૫૦-૧૪૫૦) એ રાધાકૃષ્ણ અંગેનાં પદો લખ્યાં છે. આમ, પૂર્વમાં લીલાગાનની એક સમૃદ્ધ પરંપરા લોકભાષાઓમાં વિકસી છે. ઉત્તરમાં સૂરદાસે શ્રીમદ્ વલ્લભાચાર્યના સંપર્કમાં (ઈ. ૧૫૨૩ આસપાસ) આવ્યા પછી એમના કહેવાથી લીલાગાન શરૂ કર્યું. તે પહેલાં પોતે લીલાનાં પદ ગાયાં લાગતાં નથી. સંભવ છે એમની પૂર્વે લીલાગાનની કવિતા રચાઈ હોય, જેના પરિપાક રૂપે એમની શૈલી વિકસી હોય. દક્ષિણમાં ચક્રધરસ્વામી (મૃત્યુ ઈ. ૧૨૭૪) ના મહાનુભાવપંથને પાંચ અવતારો માન્ય છે તેમાં એકી સાથે દત્તાત્રેય અને શ્રીકૃષ્ણની પૂજાને સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. પછી આવતા નિવૃત્તિનાથ, એમના નાનાભાઈ જ્ઞાનેશ્વર (ઈ. ૧૨૭૫-૧૨૯૬) અને નામદેવ (ઈ. ૧૨૭૦-૧૩૫૦)માં શ્રીકૃષ્ણનું મોટું સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. નરસિંહના જ્યેષ્ઠ સમકાલીન વારાણસીવાસી કબીર (જન્મ ઈ. ૧૩૯૯)માં પણ નથી. પાછળથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યની પ્રેરણા હેઠળ સૂરદાસ આદિ અષ્ટછાપ કવિઓમાં મળે છે તેવા લીલાગાનનો ફુવારો તેમની પહેલાં થઈ ગયેલા નરસિંહમાં શી રીતે ફૂટી નીકળ્યો? જયદેવ, નામદેવ અને કબીરથી નરસિંહ પરિચિત છે. જયદેવનો એની રચનામાં વારંવાર ઉલ્લેખ છે : ‘એ રસ જાણે વ્રજની રે નારી, કે જેદેવ પીધા રે’[9], ‘સારમાં સાર શણગાર રસ કીધલા, તેહ તણી જાણ થઈ મુખ મોડે. એ રસ શુકદેવે જેદેવે ચાખિયો’ (૩૮૯). ત્રણેનો એક પદમાં સાથે ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. ‘નામાચે હાથ તેં દૂધ પિઉલા; મ્લેચ્છ જન ‘માટે તેં કબીરને ઊધર્યો; નામાચાં છાપરાં આપ્યાં છાહી; જે દેવને પદમાવતી આપી’ (‘આત્મચરિતનાં કાવ્યો’, પૃ ૮૯). જયદેવનો ઉલ્લેખ છે એટલું જ નહીં, ‘ગીતગોવિંદ’થી નરસિંહ સુપરિચિત છે. ઈ. ૧૨૯૨માં સારંગદેવ વાઘેલાના અનાવડના શિલાલેખમાં ‘ગીતગોવિંદ’નો वेदानुध्दरते એ દશાવતારસ્તુતિનો શ્લોક મળે છે. નરસિંહના એક ગીત : त्वमसि शृंगार मम, હાર ઉર ભૂષણ, त्वमसि मम મગ્ન ચિત સંગ દોલે’ (૧૫)માં ‘ગીતગોવિંદ’(૧૧-૩)માંથી શબ્દો ઉતાર્યા છે. ‘ચાતુરીઓ’માં ‘ગીતગોવિંદ’નું સ્પષ્ટ અનુગુંજન છે. નરસિંહ શૃંગારરસને ‘સારમાં સાર’ લેખે છે અને એ રસ જયદેવે ‘ચાખિયો’ એમ કહે છે. નરસિંહ ઉપર જયદેવની છાપ ગાઢ જણાય છે. કાંઈ નહીં તો પ્રારંભનાં વરસોમાં પોતાનાં પદોમાં ઉઘાડા શૃંગારને એ આવકારે છે તેમાં એ છાપ ચોખ્ખી જણાય છે. ચંડીદાસ અને વિદ્યાપતિની રચનાઓનો યાત્રિકો દ્વારા નરસિંહને પરિચય થયો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ચંડીદાસ રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી ઉન્મત્ત વિશુદ્ધ પ્રેમતત્ત્વનાં, આત્માપરમાત્માના સંબંધને ઉદાત્ત રીતે સૂચવતાં, ઊર્મિગીતો આપે છે. વિદ્યાપતિમાં રાધાકૃષ્ણનો સંબંધ વધુ શારીર બને છે, પણ વિદ્યાપતિ તો રહ્યા આશ્રયદાતા રાજાના દરબારી કવિ, ઘડાયેલા, કસબી કલાકાર, એમનાં ઊર્મિંગીતો ભાવની નાજુકાઈ અને નાગરતાયુક્ત ઉક્તિભંગિથી આકર્ષક બને છે. એ વિરહદશાને, અભિસારને, તલસાટને વધુ મહત્ત્વ આપે છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારની સ્થૂળતા જોવા મળે છે, તો બીજી બાજુ જયદેવ કરતાં તો વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. એ રીતે નરસિંહનો લીલાલક્ષી પ્રેમભક્તિનો લલકાર એના સમય સુધીમાં અનોખો છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં કે વૃન્દાવન-ગોકુળમાં એ લીલાગાનની પૂર્વવર્તી પરંપરાઓ હશે પણ એમનો સગડ મળવો બાકી છે. વૃન્દાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે ને ગોપીની ચેતના પોતાની આસપાસનો સારોય સંસાર ખંખેરી નાખીને એ નાદસ્રોતના મૂળ તરફ ઉન્મત્તપણે ધસે છે, એમાં ભક્તકવિઓએ જીવાત્માની પરમાત્મા પ્રત્યેની તલસાટભરી દોડનું રૂપક જોયું છે. એ આકર્ષણ એવું સૂક્ષ્મ, ઇન્દ્રિયાતીત છે કે કામવાસનાના અવલેપોથી એ પર રહી જાય છે અને એટલે જ વ્યવહારજગતના પરકીયાપ્રીતિ આદિ સામેના વાંધાઓ પણ એમાં ગૌણ બની રહે છે. ગોપીનો સમગ્ર પ્રાણ પ્રેમરૂપ બની ધસે છે, એ વાત અનેકાએક ભાવપરિસ્થિતિઓમાં પ્રગટ થતી કવિઓ જુએ છે અને ગાય છે. નરસિંહની પ્રતિભા આ જાતના લીલાગાનમાં રાચે છે. નરસિંહને ગોપીભાવે, સખીભાવે ભક્તિ કરવી ઇષ્ટ છે. વળી, રાધાકૃષ્ણ-ગોપીકૃષ્ણની લીલામાં એક પાત્ર તરીકે કરતાલ વગાડનાર, દૂતીકાર્ય કરનાર, મશાલ ધરનાર (‘દીવટિયા’) તરીકે પ્રવેશવામાં પોતાને એ ધન્ય માને છે. પ્રેમભક્તિ નવધા ભક્તિથી પારની છે. ભાગવતમાં પ્રેમભક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે અંકિત થયો છે. આજની પરિભાષા પ્રમાણે પ્રેમભક્તિના માર્ગને શૃંગારરસમૂલક રહસ્યવાદ (erotic mysticism)નો માર્ગ કહી શકાય. પરમાત્મા સાથેનો સંબંધ એવો ગૂઢ, ગાઢ અને ઉન્માદક છે કે તેની ઉપમા સહેજે પ્રણયી સ્ત્રી-પુરુષના દેહસંબંધ સાથે આપવા કેટલાક પ્રેરાયા છે. વેદમાં સુંદર વસ્ત્રો પહેરેલી જાયા પતિ પાસે પોતાનું રૂપ ખુલ્લું કરે છે તેની ઉપમા ‘જાયેવ પત્યુઃ ઉશતિ સુવાસાઃ’ (ઋગ્વેદ. ૧૦-૭૧-૪) અપાઈ છે. ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણના પોતાની સાથેના સંબંધ માટે ‘પ્રિયઃ પ્રિયાયાઃ’ (પ્રિયતમ જેમ પ્રિયતમા અંગે) એ ઉપમા વાપરે છે. ખ્રિસ્તી ધર્મમાં ખુદ ઈશુએ જ અભીપ્સુ આત્માને વરની રાહ જોતી કુમારિકા સાથે સરખાવ્યો છે. સેઈન્ટ બર્નાર્ડ કહે છે, પરમાત્મા અને આત્માના પ્રેમની તુલના વર અને વધૂના પરસ્પરના પ્રેમ સાથે થાય એથી વધુ સંપૂર્ણપણે બીજા કશા સાથે થઈ શકે નહીં, કારણ કે એ સંબંધમાં સર્વ કંઈ એ બંનેનું સહિયારું છે અને બન્નેમાંથી કોઈને કશુંય આગવી માલિકીનું હોતું નથી. સૂફીવાદમાં પણ પ્રણયની ભૂમિકા સ્વીકારવામાં આવી છે. એક માર્મિક નિવેદન છે : ચાર આંખો મળી. બે આત્મામાં ફેરફારો થવા માંડ્યા. હવે મને ખબર નથી કે હું સ્ત્રી છું ને તે પુરુષ, અથવા હું પુરુષ ને તે સ્ત્રી. ભક્તિમાં ભાવાવેશની ઉત્કટતા દર્શાવવા સ્ત્રી-પુરુષના સંબંધની ઉપમા લીધી, પણ ભક્તિનો એવો સંબંધ કામુકતાથી અસ્પૃષ્ટ છે. નરસિંહ પોતે પણ પ્રભુનો પ્રથમ પ્રસાદ મળતાં જ ‘પુરુષ-પુરુષાતન લીન થયું માહરું, સખી રૂપે થયો મધ્ય ગાવા’ અને ‘દેહદશા ટળી’ એમ કહે છે. નરસિંહની પછીથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અંગે બે સુંદર પ્રતિપાદનો કર્યાં છે : ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા’ – આત્મા એસ્તો રાધા કહેવાય છે. અને ‘રસિકાઃ કામવર્જિતાઃ’ – જેઓ રસિક છે તેઓ કામરહિત છે. નામદેવનો ઉલ્લેખ નરસિંહે કર્યો છે. નરસિંહમાં મળતા ‘વિઠ્ઠલ’ નામના ઉપયોગ અને મરાઠી પ્રત્યયો અને બીજાં રૂપો ઉપરથી નામદેવની અસર અંગે અત્યુક્તિભરી અટકળો થઈ છે. ‘વિઠ્ઠલ’ શબ્દ નરસિંહ ઉપરાંત એના બીજા સમકાલીનોમાં પણ મળે છે અને ‘ચા’-‘ચી’ પ્રત્યય નરસિંહની પણ એક સૈકા પૂર્વે ગુજરાતીમાં પ્રચલિત છે, એટલે એટલા ઉપરથી નામદેવની અસર વિશે અંદાજ બાંધવાનો રહેતો નથી. નરસિંહમાં નામદેવનો એક ઉત્તમ ભગવદ્ભક્ત તરીકે ઉલ્લેખ થયો છે, એટલું જ નહીં. નામદેવના ચરિત્ર વિશે એ જાણકાર લાગે છે. ભગવાને પોતાને માથે હાથ મૂક્યો એ વાત નામદેવ અને નરસિંહ બંને કરે છે. બંને પોતાને અંગે થયેલા ચમત્કારની સ્વમુખે વાત કરે છે. પણ આવી વસ્તુઓ પણ આ બે જ નહીં, સામાન્ય રીતે અનેક ઉત્તમ ભક્તો અંગે હોવા સંભવ છે. કૃષ્ણ માટે વલવલાટભરી પ્રાર્થના બંનેના હૃદયમાંથી ઊઠે છે. પ્રભુમય જીવનની – અધ્યાત્મજીવનની અનેક વસ્તુઓ વિશે ઉક્તિસામ્યો પણ અહીંતહીં જોવા મળશે. પણ એમાં બીજું હોઈ શકે પણ શું? પ્રભાવ નીચે આવ્યા વગર પણ આમ બનવું શક્ય છે. ‘વિઠ્ઠલ માઉલી, કૃપેચી સાવલી’ (નામદેવગાથા, ૪૭૧,[10] અને ‘માહરે માત તું, ભ્રાત તું, ભૂધરા,’ એવાં અનેકાનેક ઉદ્ગારસામ્યો ન હોય તો જ નવાઈ. કેટલાંક તો સંસ્કૃત (‘ત્વમેવ માતા’ આદિ)માંથી દરેકને મળે, અથવા સહેજે સૂઝે એવાં હોવાનાં. ‘હરિશ્ચંદ્ર રાજા હોતા સત્ત્વગુણી, વાહાતસે પાણી ડીંબાઘરી’ અને ‘પંડુપુત્ર’ની કસોટી (૨૦૪૬-૭) – આવી વાત ઘણાઓની રચનામાં સહેજે આવે. સંતનાં લક્ષણો લગભગ બધા જ ભક્તકવિઓ શબ્દબદ્ધ કરે છે. ‘પાહા પરદારા જનનિયે સમાન, પરદ્રવ્ય પાષાણ મ્હણોનિમાની... પરાકારણે પ્રાણ વેંચિ જો સર્વથા, જાણે પરવેથા કળકળોની’ (૧૮૬૬). ભક્તનાં સામાન્ય લક્ષણોમાંથી થોડાંક આવાં કોઈકોઈમાં સરખાં પણ નીકળવાના. ‘નામદેવગાથા’ ધ્યાનપૂર્વક વાંચવાથી જણાશે કે બંને ભક્તકવિઓના અવાજ આગવા છે. બંનેના અભિગમમાં અને રચનાની ઇબારતમાં નિજનિજની લાક્ષણિકતાઓ છે. બંનેને અભીષ્ટ કેટલીક પાયાની વસ્તુઓ વિશે બંનેના ઉદ્ગારો સરખાવવા જેવા છે. ‘હરિના ભક્ત તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ –નરસિંહ કહે છે. નામદેવે કહ્યું છે: ‘આમ્હાસિ મુક્તતા નકો બાપા’ (૧૫૧૧). પણ પછી સરસ રીતે વાત સ્પષ્ટ કરે છે, તું મળ્યો એટલે સંસારની વ્યથા ટળી, પણ નવી એક ચિંતા જાગી. પાંડુરંગ મુક્તિ આપી બેસશે, પછી આ સત્સંગ ક્યાંથી મળશે? આ અમૃતસંજીવની જેવી હરિકથા કાને સાંભળવા ક્યાંથી મળશે? એને માટે તો અનંત જન્મ જોઈશે. ‘અનન્ત જન્મ હોયે યાચિ લાગી’ (૧૫૭૩). નરસિંહ પોતાની રીતે વાત મૂકે છે : જે અન્ય લોકમાં જાય (‘પ્રેત’) તેને મુક્તિ ઇષ્ટ-‘પ્રેતને મુક્તિ તો પરમવલ્લભ સદા’. પણ જેને આ લોક છોડવાનો ખ્યાલ જ નથી, પણ જન્મોજન્મ લીલારસ ગાવો છે, તેને મુક્તિની ક્યાં જરૂર રહી? સગુણનિર્ગુણ અંગે બંને જણા પોતપોતાની રીતે માર્મિક નિરૂપણ કરે છે. નામદેવ કહે છે : ‘નિર્ગુણ સાંડુનિ વ્હાવે જી સગુણ, ઐસેં તુમ્હાં કોણ બોલિયેલે’ – નિર્ગુણ છોડીને સગુણ થવું એવું તને કોણે કહ્યું હતું? પોતાની કરણી તું મનમાં લેતો નથી! સુખે બંને એકરૂપ હતા. આ સૃષ્ટિ શું કરવા વિસ્તારી? યુગયુગાન્તર સુધી શ્રીહરિની સમીપ હું હતો. તું ત્યાં હું અને હું ત્યાં તું ‘તુમ્હીં તેથેં આમ્હીં, આમ્હીં તેધેં તુમ્હીં,’ પણ હવે તો કલ્પને અંતે તારી-મારી ભેટ થશે – ‘કલ્પનાચે શેવટી તુમ્હાં આ હાં ભેટી’ (૧૬૪૨). નરસિંહ કહે છે : ‘હું ખરે, તું ખરો, હું વિના તું નહીં, હું રે હૈશ તાંહાં લગી તું રે હૈશે.’ મને ખડો કરીને તેં તારી હસ્તી ખડી કરી છે. હવે તારું શમવું એ મારે હાથ છે : જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો : ઢળી જાય દ્વં દ્વ-હ નામ દોયે’. જીવશિવનું દ્વંદ્વ શમવા માટે છે, એનો નાશ છે, છેવટે બ્રહ્મવસ્તુ જ કાયમ રહેશે : ‘તાહરા મારા નામનો નાશ છે, લૂણને નીર દૃષ્ટાંત જોતે; મહેતા નરસૈં કહે, વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.’ અધ્યાત્મજીવનના મુખ્ય મુખ્ય પદાર્થો બંનેએ પોતપોતાની રીતે નાણ્યા છે. નામદેવ ‘અખંડ સદોદિત પ્રેમ’ની એમના એક ઉત્તમ અભંગ (૧૫૫૨)માં વાત કરે છે, છતાં તેમનામાં લીલાગાન નથી. ભાગવતને અનુસરી કૃષ્ણની બાળલીલા તેમણે વર્ણવી છે. બાળક કૃષ્ણ રડે છે તેને છાનો રાખવા પોતાને ઘેર લઈ જવા રાધાને યશોદા કહે છે (૮૪). રાધા ઘેરે લઈ જઈને કહે છે, તું મોટો હોત તો સારું, કૃષ્ણ મોટું રૂપ ધારણ કરે છે. તેઓ એકાંતમાં છે ત્યાં રાધાનો વર ઘેર આવે છે અને કોની સાથે તું વાત કરે છે એમ રાધાને પૂછે છે. રાધા કૃષ્ણને નાના થવા વીનવે છે. કૃષ્ણ બાળરૂપ ધારણ કરે છે. કાવડ મૂકીને રાધાપતિ અંદર આવીને બાળક કૃષ્ણને દહીંભાત જમતા જુએ છે. (૮૫). રાધાને એ કહે છે, ઘરમાં તું એકલી પડે છે, ‘ખેડાવ્યા હરી આણીત જાઈ’ –હરિને રમાડવા લાવતી રહેજે (૮૬), – વગેરે નામદેવમાં મળે છે. પણ નરસિંહ અને સૂરદાસમાં છે તેવું લીલાગાન તેમનામાં નથી. ભાગવતને અનુસરી રાસપંચાધ્યાયીનો પ્રસંગ અભંગોમાં આપતાં, ગોપીઓને પાછી ઘેર જવા કૃષ્ણ કહે છે, ગોપીઓને અભિમાન આવતાં પોતે અલોપ થાય છે, ગોપીઓ આર્તતાથી કૃષ્ણ માટે વલવલે છે તે પછી કૃષ્ણ પ્રગટ થાય છે અને રાસક્રીડા જામે છે. – એ બધું નામદેવ આલેખે છે (૧૫૦-૧૭૨). પણ નામદેવ એ આખી કથામાં કામને એનું સ્થાન બતાવે છે. ગોપીઓ વીનવે છે : ‘કામ-રૂપ દૈત્ય મારિતો આમ્હાસી, ભક્તાંસી રક્ષિસી કીર્તિ જગી’ (૧૫૭) – કામદેવરૂપી દૈત્ય અમને મારી રહ્યો છે, તું ભક્તોનું રક્ષણ કરે છે એવી જગતમાં તારી કીર્તિ છે. રાસક્રીડાને અંતે પણ નામદેવ સ્પષ્ટ કરે છે :

ધન્ય ત્યાં ગોપિકા, ધન્ય ત્યાંચે પુણ્ય, ભોગિતા તી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ.
નામા મ્હણે હોય કામાચી તે પૂર્તી, નવ્હે વીર્યચ્યુતિ ગોવિંદાચી. (૧૭૧)

ગોપીઓના કામની એવી રીતે પૂર્તિ થઈ કે જેમાં કૃષ્ણને શરીરસંબંધની જરૂર પડી નથી. आदित्यस्य शुक्लं : सैव साथ यन्नीलं पर :कृष्णम् – એવો છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યના શુભ્ર તેજ સાથે નીલ અને કૃષ્ણ પ્રકાશનો જે ઉલ્લેખ છે, તેની વાત નિવૃત્તિનાથે ‘કૃષ્ણ-નીળ શોભા વિકાસલી’ આદિમાં કરી છે અને ‘યોગી ડોળા પાહતી’ -યોગીઓ આંખ વડે જુએ છે, એટલે ઉન્મની અવસ્થામાં હૃદયાકાશમાં આનંદમય નીલકૃષ્ણ તેજની–સગુણ સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે એમ એ કહે છે. ‘હા પુરુષ કી નારી નવ્હે તો રૂપસ... ત્યાં ગોપિકા ભોગિતી કામરૂપે. નિવૃત્તિચે બ્રહ્મ કૃષ્ણનામ ખેળે’ –આદિ બાળક્રીડા પરના પોતાના ૨૯ અભંગોમાં નિવૃત્તિનાથ કહે છે કે જે પુરુષ અથવા સ્ત્રી નથી, તેને ગોપીઓ કામરૂપે ભોગવે છે, નિવૃત્તિનાથનો પરબ્રહ્મ જ કૃષ્ણરૂપે ખેલી રહ્યો છે. ગોપીઓ તે બાહ્ય વિષય તરફ દોડતી વૃત્તિઓ લેખાઈ છે, અને વિષયને છોડી જ્યારે તે અંતર્મુખ થાય છે અને અનાહત નાદરૂપી મુરલીરવથી ખેંચાઈ પરમાત્મા તરફ વળે છે ત્યારે તે પોતાના વિષયરૂપી પતિને છોડી પરપુરુષ તરફ વળી એવું રૂપક ભાગવતે રજૂ કર્યું છે. રાસક્રીડા એ પરબ્રહ્મરૂપી કૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇંદ્રિયવૃત્તિઓનું રૂપક લેખાય છે. જ્ઞાનેશ્વર પણ ભાગવતના એ રૂપકને સ્વીકારે છે અને વ્રજાંગનાના કૃષ્ણવિષયક ‘વાલ્લભ’નો–પ્રેમનો ઉલ્લેખ કરે છે, પણ કહે છે કે ઇન્દ્રિયવૃત્તિ (રૂપી ગોપીઓ) વિષયોને છોડીને પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે (જ્ઞાનેશ્વરી ૯,૪૬૩-૪૬૫). શ્રી૰ મ૰ માટેએ[11]દર્શાવ્યું છે કે ભાગવતકારે દશમસ્કંધ (અધ્યાય ૨૯-૩૨)માં રાસક્રીડાના વર્ણનમાં કૃષ્ણે હસ્તસ્પર્શ આલિંગન આદિ કામચેષ્ટાઓથી ગોપીઓનો મદનાગ્નિ પ્રજ્વલિત કરીને તેમને રમાડી એવું કહ્યું અને એને અનુસરીને ભક્તિમાર્ગના અનેક સંપ્રદાયોએ એ અવિવેક કર્યો અને તેનું ભારે દુષ્પરિણામ આવ્યું, પણ જ્ઞાનેશ્વરે એ અવિવેક કર્યો નહિ, કારણ કે મૂળ રૂપક એ વીસર્યા ન હતા. કૃષ્ણ-ગોપીનું કામવર્જિત દશાનું રૂપક નિવૃત્તિનાથ પાસેથી જ્ઞાનેશ્વરને, જ્ઞાનેશ્વર પાસેથી વિસોબા ખેચરને અને ખેચર પાસેથી નામદેવને મળ્યું હતું.[12] નામદેવથી – નામદેવની રચનાઓથી નરસિંહ પરિચિત હોવા છતાં પ્રેમભક્તિ-શૃંગારભક્તિની મુખ્ય બાબતમાં નામદેવથી એ તદ્દન જુદો પડે છે, બીજા શબ્દોમાં, નામદેવની અસરનો મુખ્ય બાબતમાં જ અભાવ છે. નરસિંહનું દર્શન જુદું છે. પણ જયદેવ જેવાઓની અસર નીચે લેવાઈને સુરતસાધનાનાં–સુરતસંગ્રામનાં સ્થૂળ વર્ણનો એ આપે છે તેમાં લગામરૂપે પણ જો નામદેવ જેવાની (એમની દ્વારા નિવૃત્તિ-જ્ઞાનદેવની), ભાગવત કરતાં પણ વધુ પરિષ્કૃત એવી, દૃષ્ટિ એને વરી હોત તો એની શૃંગારભક્તિની કેટલીક કવિતા વાચ્યાર્થની વિરૂપતાઓમાંથી બચવા પામત. પ્રેમભક્તિનો માર્ગ નરસિંહે ખેડી જાણ્યો છે. એની, ખાસ કરીને આરંભની, કવિતા ભલે જયદેવ-રંગી હોય, એને પ્રેમભક્તિની ઉચ્ચતર શુચિતર ભૂમિકા સુસાધ્ય છે. ‘હરિ દીઠડે, હરિ સરખા થઈએ’ અને ‘જે દિન દેખું, તે દિન લેખું’ – એવો પ્રિયતમદર્શનનો એ મહિમા કરે છે. ‘જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ’ જેવામાં પ્રેમભક્તિ એ વૈરાગ્યની પરિસીમાએ પહોંચાડનારી છે એમ એ કહે છે. ‘નારસિંયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે’ – એમ કહી પ્રેમભક્તિ એ અશારીર દિવ્ય રસ હોવાનું એ સૂચવે છે. પોતે પ્રેમભક્તિના રંગોમાં કેવો ચકચૂર છે અને દેહદશા ભૂલવામાં કેવો ધન્યધન્ય થઈ ગયો છે એ એના આનંદઉન્માદના ‘નરસૈંયે રંગની રેલમાં દીધી, હરિ તાલી લીધી હાથ’ એ ઉદ્ગારમાં પ્રતીત થાય છે. પ્રેમભક્તિનું શુદ્ધ અ-લૌકિક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે, એ સાથે જ નરસિંહમાં પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે. મધ્યકાળમાં આ દૃશ્ય વારંવાર જોવા મળતું નથી, નરસિંહની પહેલાં તો એ વિરલ છે.

અદ્વૈતાનુભવની અષ્ટપદી

કારકિર્દીના અંતભાગમાં નરસિંહ અદ્વૈતાનુભવના ગાન તરફ વળે છે તેમાં પરોક્ષ રીતે નામદેવનો પ્રભાવ હોય અને સંભવ છે કે જ્યેષ્ઠ સમકાલીન કબીરની – જેમણે પણ લીલાગાન કર્યું નથી તેમની પણ અસર હોય. નરસિંહની ભક્તિચર્ચાના – ભક્તિગાનના પ્રાસાદના કળશરૂપે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એ સહેજે આગળ તરી આવે એવાં આઠેક પદોની અષ્ટપદી આવે છે. એના વગર કાંઈક અધૂરું લાગત. એ અષ્ટપદીમાં અવાજ પેલો શૃંગારપ્રીતિનો જ છે, એટલો જ આર્દ્ર, એટલો જ આર્ત, પણ એ પ્રગલ્ભ અને પ્રૌઢ બન્યો છે. રા’ મંડલિકની સભામાં પોતાને ‘કામી’ ‘લંપટ’ તરીકે ખડો કરવાનો પ્રસંગ બન્યો એમાં પોતે નિર્દોષ છૂટ્યો, બલકે પ્રભુના લાડીલા તરીકે બહાર આવ્યો. પણ શૃંગારભક્તિને નામે કામુકતાને છૂટો દોર મળ્યાના દાખલા એના અનુભવમાં નહીં જ આવ્યા હોય એવું ન બને. કબીર જેવાની વાણી તેને જે કાંઈ પહોંચી હશે તે નિર્ગુણ અંગેની જોવા મળી હશે – અને છતાં પરમ આકર્ષક અને તૃપ્તિકર લાગી હશે. રા’ મંડલિકનું મૃત્યુ, ધર્માંતર પહેલાં અથવા પછી, થયા બાદ નરસિંહ જૂનાગઢથી માંગરોળ જઈને રહ્યો એવી જનશ્રુતિ છે. ઇસ્લામી સંતોનો સંપર્ક પણ જીવનની સંધ્યાએ થયો હોય. ઉત્તરાવસ્થાનો બધો સંદર્ભ વિચારતાં નરસિંહની પ્રેમભક્તિની ચર્યાનું પરિણમન અદ્વૈતાનુભવમાં થાય છે એ ક્રમ સહજ અને સંગત બની રહે છે. નરસિંહ મધ્યકાલીન ભારતમાં સોળે કળાએ ખીલેલા ભક્તિયુગનો પ્રતિનિધિ ઉદ્ગાતા બની રહે છે.

૨. નરસિંહનો સમય

નરસિંહની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રતો ઈ.સ. ૧૭મા સૈકાના આરંભની મળે છે. કેશવરામ શાસ્ત્રીએ ‘નરસૈં મહેતાનાં પદ’માં આરંભમાં ૧૫ પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૬૮ (ઈ. ૧૬૧૨) જેટલી[13] જૂની હસ્તપ્રતમાંથી આપ્યાં છે તે જૂનામાં જૂની છે. ‘હારસમેના’નાં સાત પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૭૫ (ઈ. ૧૬૧૯) જેટલી જૂની હસ્તપ્રતમાંથી[14] મળે છે. નરસિંહ ઉપર અન્ય કવિઓએ કાવ્યરચના કરી છે. વિષ્ણુદાસ (કવનકાળ ઈ. ૧૫૬૮ થી ૧૬૧૨)૧૫[15] ‘કુંવરબાઈનું મોસાળું’ લખે છે. મીરાંબાઈએ ‘નરસિંહકા માહ્યરા’ લખ્યાનું કહેવાય છે. મીરાં વ્રજમાં જીવ ગોસ્વામીને મળી હતી. જીવ ગોસ્વામી ઈ. ૧૫૩૩માં ગુજરી ગયા,[16] તે પહેલાં મીરાં હયાત હોવી જોઈએ. એટલે કે નરસિંહ ઈ. ૧૫૩૩ પૂર્વે હયાત હોય. નરસિંહના સમયની આ ઉત્તરમર્યાદા. ઉપરની સં. ૧૬૬૮ની પ્રતમાંથી મળેલા બારમા પદમાં ‘કે રસ જાણે વ્રજની રે નારી કે જેદેવે પીધો રે’ એ પંક્તિમાં જયદેવનો ઉલ્લેખ આવે છે, અને ઉપર જોઈ ગયા તેમ પદ ૧૫મા માં त्वमसि शृंगार मम હાર ઉર ભૂષણા, त्वमसि मम મગ્ન ચિત સંગ ડોલે’ એ પંક્તિમાં જયદેવકૃત ગીતગોવિંદ (૧૧-૩) ના શબ્દો મળે છે. જયદેવનો સમય બારમી સદીનો લેખાય છે. બારથી સોળ વચ્ચેના સૈકાઓમાં નરસિંહનો નિશ્ચિત સમય કયો? એક જ આધાર મળે છે. ‘હારમાળા’માં નરસિંહને કંઠે કૃષ્ણભગવાને પોતાનો હાર પહેરાવ્યાના પ્રસંગની તિથિનો ઉલ્લેખ છે : ‘સંવત પંનર બારોતર સપતમી અને સોમવાર રે, વૈશાખ અજુઆલિ-પખે નરસિનિં આપ્યો હાર રે.’[17] એટલે કે એ પ્રસંગ સં. ૧૫૧૨ના વૈશાખ સુદિ ૭ને સોમવાર (તા. ૧૨-૪-૧૪૫૬) ના દિવસે બન્યો. ગણિતની દૃષ્ટિએ તિથિ અને વાર તે વર્ષમાં તે દિવસે મેળમાં છે. ‘હારમાળા’ના કર્તૃત્વ અંગે વિચારવાનું રહે છે. ઉપર તિથિનો ઉલ્લેખ જેમાંથી ઉતાર્યો છે તે પ્રત ‘પચાશ પદ નિર્મલ’ (?ની માલા)[18] આપે છે, તો બીજી કેટલીક ‘પાંસઠ પદની માલા’, તો કોઈક ‘પદ અઠોતરની માલા’ આપે છે.[19] સં. ૧૭૬૨માં નકલ થયેલી ૯૦ પદવાળી હસ્તપ્રત પણ મળે છે.[20] ૭૮ પદ આપતી હસ્તપ્રતનો ક્રમ સાચવતી પણ ૬૬મા પદે તૂટતી, તનસુખરામ મહેતાવાળી હસ્તપ્રતની નકલ ઉતાર્યાનો સમય સં. ૧૭૩૧-૩૩ વચ્ચેનો છે.[21] એટલે કે લગભગ સં. ૧૭૩૧ સુધીમાં ‘હારમાળા’ ૭૮ પદની અને સં. ૧૭૬૨ સુધીમાં ૯૦ પદની થઈ ચૂકી હતી.પદ ૧૦– ‘જપ્યનિં જિહવા વિમલ નામ રાઘવ તણું’–રચનાર તરીકે ‘ભીમ’ના ઉલ્લેખ સાથેનું છે તે થોડાક પાઠભેદથી પણ કર્તા તરીકે ‘ભીમ’નો ઉલ્લેખ કરતું ભીમના ‘પ્રબોધપ્રકાશ’ની સં. ૧૫૭૫ જેટલી જૂની પ્રતમાં છૂટક મળે છે.[22] ‘હારમાળા’નાં સંવર્ધિત સંકલન લગભગ ઈ. સોળમા સૈકાના પ્રથમ ચરણમાં થવા માંડ્યાં હોય. કનૈયાલાલ મુનશીએ ‘હારમાળા’ની સં. ૧૭૯૭ની હસ્તપ્રતમાંથી ‘સંવત ૧૫૭૨ વર્ષે મહા સુદ ૭ સોમવાર’ એ ઉતારો આપી ‘બારોતરો’ને બદલે ‘બાહોતરો’ પાઠ સૂચવી, બીજી જ એક પ્રતનાં તિથિવાર (‘બાહોતરો માગશર સુદિ-૭ સોમવાર’) સ્વીકારી ગણિતદૃષ્ટિએ એ સાચાં છે, એમ કહ્યું છે, પણ સં. ૧૫૭૨ના માગશર સુદિ ૭મે ગણિતદૃષ્ટિએ મંગળવાર હોવો જોઈએ.[23] આમ, સં. ૧૫૭૨ની સંભાવનાને પુષ્ટિ મળતી નથી. સં. ૧૫૧૨ આપનારી પ્રતોમાંથી ત્રણ પ્રતો ‘માગશર સુદિ-૭ રવિવાર’ આપે છે તે પણ ગણિતદૃષ્ટિએ મેળમાં છે.[24] આ રીતે હારનો પ્રસંગ ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨ના માગશર સુદિ-૭ રવિવાર (તા. ૧૬-૧૧-૧૪૫૫) અથવા તો વૈશાખ સુદ -૭ સોમવાર (૧૨-૪-૧૪૫૬) એ બેમાંથી ગમે તે એક દિવસે બનવો શક્ય છે. અગાઉની તિથિને હારમાળામાંના એક પદની ‘અરૂણ ઉદયો ને હરણલી આથમી તોહે તુંનિ કરુણા ન આવે રે’ એ પંક્તિમાંના મૃગશીર્ષનક્ષત્રના આથમવાની સ્થિતિના ઉલ્લેખનો ટેકો છે.[25] તિથિના ઉલ્લેખવાળા પદના કર્તૃત્વ વિશે ખાતરી ન હોવા છતાં અને તિથિઓ જુદી જુદી અપાઈ હોવા છતાં ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨માં મેળમાં આવતી બે તિથિઓ ધ્યાનપાત્ર ઠરે છે, ખાસ કરીને માગશરમાસની તિથિ. નરસિંહને પોતાને હાથે અથવા જાણકાર એવા બીજા કોઈને હાથે આ હારપ્રસંગની તિથિ સચવાઈ હોય. સં. ૧૫૧૨ના વર્ષના પક્ષમાં એક વધુ હકીકત પણ નોંધવા જેવી છે. સં ૧૬૭૫ હસ્તપ્રતમાં ‘મંડલિક’ રાજાના નામોલ્લેખવાળાં પદો છે. મંડલિક પાંચમાનો સમય સં. ૧૪૮૮-૧૫૨૦ છે.[26] આમ નરસિંહ સં. ૧૫૧૨ (ઈ. ૧૪૫૫-૫૬)માં હયાત હોવાની સંભાવના વિચારવા જેવી ઠરે છે. નરસિંહનો આયુષ્યકાળ ઈસ્વીસન પંદરમા સૈકાના અંત પહેલાં પૂરો થયો હોય. નકારાત્મક પુરાવાઓનો બહુ અર્થ નહીં તેમ છતાં નરસિંહ જેવા પરમ વૈષ્ણવના કવનમાં પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રીમદ્ વલ્લભાચાર્ય (ઈ. ૧૪૭૮-૧૫૩૦)ના પ્રભાવનાં ચિહ્નો જોવા મળે નહીં તો એ વસ્તુ નોંધપાત્ર જરૂર બને છે. શ્રીમદ્ વલ્લભાચાર્યનો એ સમકાલીન ન હોય એટલે કે સોળમા સૈકાના આરંભમાં એ વિદ્યમાન ન હોય એ સંભવિત છે. નરસિંહના સમય વિશે મુનશીની પૂર્વે આનંદશંકર ધ્રુવે[27] ઊહાપોહ કર્યો હતો. આનંદશંકરે નરસિંહના ‘સુરતસંગ્રામ’માં રાધાની સખીઓ ચંદ્રાવલી, વિશાખા અને લલિતાનાં નામ આવે છે તે જયદેવના ‘ગીતગોવિંદ’માં નથી તો નરસિંહમાં ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન ઊભો કર્યો અને ચૈતન્યના શિષ્ય રૂપ ગોસ્વામીના સંસ્કૃત ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’માંથી એ નામો મળ્યાં હોય એમ સૂચવ્યું. રૂપ ગોસ્વામી ઈ. ૧૪૮૮ પછી થયા, રાધાની સખીઓનાં નામ ભવિષ્યોત્તર આદિ પુરાણમાંથી મળી શક્યાં હોય, પણ આનંદશંકર કહે છે, ‘નરસિંહ મહેતાની આજ સુધી મનાતી તારીખમાં થોડાંક વર્ષનો ફેરફાર કરવો ઉચિત છે, કારણ કે ભવિષ્યોત્તરપુરાણના એક ખૂણામાંથી નરસિંહ મહેતાને એ નામ મળ્યાં હોય – જે નામ તે વખત સુધીના બીજા કોઈપણ પ્રસિદ્ધ સાહિત્યગ્રંથમાં ઊતરેલાં નથી– એમ માનવા કરતાં એમને સમયમાં ચૈતન્યસંપ્રદાયે એ નામ પ્રસિદ્ધિમાં આણ્યાં હતાં અને ત્યાંથી એમને મળ્યાં એમ માનવું વધારે યોગ્ય છે.’[28] ‘સુરતસંગ્રામ’ તેમ જ ‘ગોવિંદગમન’ ‘પ્રાચીન કાવ્યમાળા’માં નકલની નકલ ઉપરથી છપાયાં છે, હસ્તપ્રત કોઈને જોવા મળી નથી. ‘સુરતસંગ્રામ’ના ભાષાપ્રયોગો પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રયોગોની યાદ આપે છે. એ બે કૃતિઓ નરસિંહની હોવા વિશે શંકા છે. નરસિંહની ‘ચાતુરીઓ’માં રાધાની સખી તરીકે માત્ર ‘લલિતા’નું નામ છે. ગુજરાતમાં ચૈતન્ય (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ના સંપ્રદાયની અસર પૂર્વે ગોપાંગનાઓનાં નામ પ્રચારમાં છે. ઈ. ૧૫૨૦માં ‘ભ્રમરગીતા’નો કવિ ચતુર્ભુજ ‘ચન્દ્રાઊલી’ નામ આપે છે. પુરાણોની જાણકારી ગુજરાતીમાં જૈન લેખકોમાં પણ જોવા મળે છે. ભવિષ્યોત્તરપુરાણ આદિની અસર નીચે ગોપીઓનાં નામ ગુજરાતમાં પ્રચારમાં હોય એમ માનવામાં હરકત નથી, એવો કેશવરામ શાસ્ત્રીનો અભિપ્રાય યોગ્ય લાગે છે.[29] આનંદશંકર પણ કહે જ છે કે ‘આજ સુધી મનાતી આવેલી તારીખ અચળ માલુમ પડે તો ચૈતન્યને બદલે ભવિષ્યોત્તર પુરાણની કલ્પના કરીને નિર્વાહ કરવામાં બાધ નથી.’[30] નરસિંહરાવે વધુમાં નરસિંહમાં આવતા ‘વિઠ્ઠલ’ શબ્દ તરફ અને મરાઠી ‘ચા,ચી’ વગેરે પ્રત્યય તરફ ધ્યાન ખેંચ્યું છે.[31] ‘વિઠ્ઠલ’ શબ્દ ભીમ, માંડણ, ભાલણ, કેશવદાસ એ બધા કવિઓમાં મળે છે. અને ‘ચા,ચી’ પ્રત્યય છેક ઈ. ૧૩૦૪ આસપાસના ‘પેથડરાસ’માં (‘તમ્હચી પાય એ કમલ ભર...’) જોવા મળે છે. ‘વિઠ્ઠલ’ શબ્દ કે ‘ચા,ચી’ પ્રત્યયોને કારણે નરસિંહનો સમય ખસેડવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઈ. ૧૪૫૫માં નરસિંહની ઉપર રાજાના દરબારમાં ચારિત્ર્ય વિશે આળ ચડાવવામાં આવ્યું ત્યારે એની પત્ની અને પુત્ર અવસાન પામેલાં છે અને મામેરાનો પ્રસંગ નીપટી ચૂકેલો છે એ જોતાં, અને અન્ય સંપ્રદાયવાળાઓએ એની જામેલી પ્રતિષ્ઠા તોડવા આ કારસો રચ્યો હોય એમ માનીએ તો એની ઉંમર પચાસ લગભગ હોય. તે પછી માંગરોળમાં એ જઈને રહ્યાનું કહેવાય છે. એક-બે દસકા ત્યાં કાઢ્યા હોય એમ બને. એ સમય દરમ્યાન જ્ઞાનનાં ‘પ્રભાતિયાં’ રચાયાં હોય. ‘હારસમેનાં પદ’ના ઝૂલણાનાં લય અને કવિત્વ અને ‘પ્રભાતિયાં’નાં લય અને કવિત્વ વચ્ચે થોડીક વિકાસયાત્રા જરૂર છે. કવિની રચનાસૃષ્ટિના આંતર પુરાવા ઉપરથી કરેલું આ અનુમાન ઠીક હોય તો સદીના ત્રીજા ચરણના મોટા ભાગમાં કવિ વિદ્યમાન હોય. આમ, નરસિંહનો આયુષ્યકાળ ઈ. ૧૪૦૮ થી ઈ. ૧૪૭૫નો અંદાજી શકાય. ઈચ્છારામ દેસાઈ નરસિંહનો જન્મ મણિશંકર જટાશંકર કીકાણી જેવા જાણકારોને પૂછીને સં. ૧૪૬૯-૭૧ (ઈ. ૧૪૧૩-૧૫) દરમ્યાન થયાનું નોંધે છે.[32] અને મૃત્યુ ૬૬ વર્ષની વયે[33] (ઈ. ૧૪૮૦-૮૨ દરમ્યાન) થયાનું કહે છે. કેશવરામ શાસ્ત્રી જન્મ ૧૪૧૦-૧૧માં થયાનું સૂચવે છે.[34] કવિના સમય અંગે કાંઈક નિશ્ચિત જેવી એક માત્ર વીગત હોય તો તે ઈ. ૧૪૫૫ના હારપ્રસંગની છે. અને તે ઉપરાંત એના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગો કેટકેટલાં વરસને આંતરે બન્યા તે અંગે કૃતિઓમાંથી મળતી માહિતી છે. હારપ્રસંગ વખતે એની ઉંમર કેટલી હતી તેનો અંદાજ બાંધવા ઉપર જન્મ અને બીજા પ્રસંગોના વરસનો અંદાજ પણ આધાર રાખશે. મુનશી આદિ જે કારણોસર નરસિંહનો સમય અર્ધીક સદી જેટલો પાછળ લાવવા માગતા હતા તે સબળ પુરવાર થયાં નથી તે જોયા પછી, ઈ. ૧૪૫૫ની સમયખીંટીને વળગી રહેતાં નરસિંહનો સમય સં. ૧૪૭૦ (ઈ. ૧૪૧૪) આસપાસ જન્મવર્ષ અને સં. ૧૫૩૬ (ઈ. ૧૪૮૦) આસપાસ મૃત્યુવર્ષ એ રીતે માનવાનો રહે. જન્મવર્ષ ઈ. ૧૪૦૮ લેવા પાછળ એના જીવનના મહત્ત્વના તે તે પ્રસંગે એની કેટલી ઉંમર હોય એ અંગે શો અંદાજ છે અને તે કેવા અનુમાનના આધારે તે ટૂંકમાં જોઈએ. ગૃહત્યાગ, તપસ્યા અને જીવનપરિવર્તનનો પ્રસંગ નરસિંહની કાચી ઉંમરે બન્યો હોય એમ માનવું ઠીક નથી. ભાભી નાના છોકરાને મહેણું મારે એના કરતાં મોટી ઉંમરના, પરણેલા, બાળકવાળા અને ખાસ કાંઈ ન કમાતા જુવાન આગળ અણગમો પ્રદર્શિત કરી બેસે એ વધુ સંભવિત છે. હિંદુ સમાજમાં, ખાસ કરીને મધ્યકાળમાં, સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા પ્રચલિત હતી. માણસે સંસાર માંડ્યો હોય, અને ભરણપોષણ અંગે એ જવાબદારી ઉઠાવતો ન હોય તો એ સમાજદૃષ્ટિએ પણ ઠપકાને પાત્ર ઠરે. નરસિંહનું લગ્ન સોળેક વરસની ઉંમરે થયું હોય, વીસેકની ઉંમરે પુત્ર જન્મ્યો હોય, બાવીસેકની ઉંમરે ભાભીના મહેણાનો પ્રસંગ બન્યો હોય. જીવનનું આમૂલ પરિવર્તન કરી દેતી અધ્યાત્મ-અનુભૂતિ વિશે કહેતાં નરસિંહ નોંધે છેઃ ‘પુરુષ પુરુષાતન લીન થયું માહરૂં, સખી-રૂપે થયો મધ્ય ગાવા; દેહદશા ટળી...’ એવા અનુમાનને અવકાશ રહે છે કે નરસિંહનું સંસારી જીવન એ પછી પૂરું થાય છે. એ વખતે પુત્ર બે વરસનો હોય અને પુત્રી જન્મવાની હોય. ‘વિવાહ’માં એ વખતની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે, ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’. માણસ પરિણીત હોય, એને એક પુત્ર હોય, પત્નીને બીજું બાળક અવતરવાનું હોય (અને હવે સુવાવડની વ્યવસ્થા એને પિયર નહીં પણ સાસરે જ કરવાની હોય) તેવા સંજોગોમાં, ખાસ કરીને એ જવાબદારી બરોબર ઉઠાવતો ન હોય તો ભાભી મહેણું આપી બેસેય તે. તો, નરસિંહની બાવીસેકની ઉંમરે અધ્યાત્મ-અનુભવ અને કુંવરબાઈનો જન્મ, અને પુત્રનું લગ્ન બાર વરસની ઉંમરે થયું હતું એટલે એ પ્રસંગ બન્યો હોય કવિની બત્રીસેકની ઉંમરે. મામેરાનો પ્રસંગ કુંવરબાઈની સત્તરેકની ઉંમરે એટલે કે કવિની ઓગણચાલીસેકની ઉંમરે આવ્યો હોય. પત્ની અને પુત્ર તે પહેલાં અવસાન પામ્યાં છે. તે પછી, હારમાળાનો પ્રસંગ બન્યો છે. કવિની પ્રૌઢ ઉંમરે એટલે કે ઈ. ૧૪૫૫માં નરસિંહ સુડતાળીસનો હોય. પુત્રના વિવાહ અંગે ‘વૈશાખ સુદ દિન શુભ છે. પંચમી વાર ગુરુએ નિરધાર કીધું’ એમ કવિ નોંધે છે તે પરથી કેશવરામ શાસ્ત્રી ગણિતદૃષ્ટિએ સં. ૧૪૯૬ (તારીખ ૭-૪-૧૪૪૦) ની સાલ બેસતી આવે છે,[35] એમ કહે છે તે બરોબર હોય તો (ઉપરના અંદાજમાં પુત્રવિવાહ વખતે કવિની ઉંમર બત્રીસેક વરસની સૂચવી છે તે જોતાં) એના જન્મનું વરસ ઈ. ૧૪૦૮ ઠરે છે, એ જોઈ શકાશે.

૩. કૃતિઓ

નરસિંહની જૂનામાં જૂની હસ્તપ્રત, ઉપર જોયું તેમ, ઈ. ૧૬૧૨ની મળે છે. લોકપ્રિય એવા સંતકોટિના કવિની રચનાઓ લોકજીભે સચવાય અને હસ્તપ્રતો તેના સમયની તો ઠીક પણ એના જીવનકાળ પછીના સૈકાની પણ મળે નહીં, ત્યારે એ રચનાઓમાં તેની પોતાની કેટલી અને એનું નામ ધારણ કરીને લખનાર બીજાઓની કેટલી એ પ્રશ્ન વિચારવાનો રહે. દા.ત. વિદ્યાપતિને નામે અને નામદેવને નામે બીજાઓએ લખેલી કૃતિઓ ચઢેલી છે. નામદેવ નરસિંહથી અર્ધી સદી જેટલા વહેલા થઈ ગયા, છતાં કોઈ નામધારી નામદેવે ‘નામા મ્હણે ધન્ય નરસી મહેતા’ કરીને હૂંડીનો પ્રસંગ ગાયો છે! નરસિંહની ગણાતી તમામ રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતો સામે રાખીને, કર્તૃત્વનો પ્રશ્ન પૂરેપૂરો તપાસવાનો હજી બાકી છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ભેગી કરેલી અને તેમના મૃત્યુ પછી તેમના પુત્ર મણિલાલ દેસાઈએ ઈ. ૧૯૧૩માં ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’—એ ગ્રંથરૂપે પ્રગટ કરેલી નરસિંહની કૃતિઓ છે : ૧. હારમાળા, ૨. ગોવિંદગમન, ૩. સામળદાસનો વિવાહ, ૪. સુરતસંગ્રામ, ૫. ચાતુરીછત્રીશી, ૬. ચાતુરીષોડશી, ૭. દાણલીલા, ૮. સુદામા-ચરિત્ર, ૯. રાસસહસ્રપદી, ૧૦. વસંતનાં પદ, ૧૧. શૃંગારમાળા, ૧૨. શ્રીકૃષ્ણજન્મ-સમાનાં પદ, ૧૩. શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ, ૧૪. હીંડોળાનાં પદ, ૧૫. બાળલીલા અને ૧૬. ભક્તિજ્ઞાનનાં પદો. પ્રાચીન કાવ્યમાળામાં ‘ગોવિંદગમન’નું અને ‘સુરતસંગ્રામ’નું પ્રકાશન થયું તેના સંજોગોનું અને એમાંના કેટલાક ભાષાપ્રયોગોનું પણ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રકાશનના સંજોગો સાથે અને તેમાંના ભાષાપ્રયોગો સાથે સામ્ય જણાતાં તે બે રચનાઓ નરસિંહની લેખવામાં આવતી નથી. નરસિંહની બાનીનો સ્પર્શસરખો આ બે રચનાઓમાં નથી. ‘ભક્તિજ્ઞાનનાં પદો’ના, ‘સુદામાચરિત્ર’ના અને અન્ય ઝૂલણા અને આ બે કૃતિઓના ઝૂલણા સરખાવવામાં આવશે તો આ કૃતિઓના આંતરપ્રાસના ઠાલા ખખડાટ અને રસનાં સૂકવણાં કોઈ કૃતક-નરસિંહની એ બંને કૃતિઓ હોવાની પ્રતીતિ કરાવશે. ઇચ્છારામ સૂ. દેસાઈ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત (૧) નરસૈં મહેતાનાં પદ (૨૦૮ નવાં પદો સાથે)–૧૯૬૫, (૨) નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હાર)–૧૯૬૯, અને એમના માર્ગદર્શન નીચે કુ. ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા સંપાદિત (૩) નરસિંહ મહેતા કૃત ચાતુરી-૧૯૪૯– એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઇચ્છારામ સૂ. દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતા-કૃત કાવ્યસંગ્રહ’માંથી આપ્યાં છે. નરસિંહના કૃતિસમૂહને નીચેના વિભાગોમાં વિગતે અવલોકીએ :

(૧) આત્મકથનાત્મક કૃતિઓ – પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદ, ઝારીનાં પદ, હરિજનોને અપનાવ્યાનાં પદ;
(૨) અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ – ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા;
(૩) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિંગીતો - શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો, વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો;
(૪) ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો.

૧. આત્મકથનાત્મક કૃતિઓ

આ કૃતિસમૂહ અવલોકતાં નરસિંહના જીવનનો તેમ જ એની કવનશક્તિનો કેટલોક અંદાજ મળી રહે છે. નરસિંહનો જન્મ સૌરાષ્ટ્રમાં તળાજામાં થયો હતો. તળાજા પાસેના જંગલમાં અપૂજ શિવલિંગ પૂજતાં એને આધ્યાત્મિક અનુભવ થયો. પછીથી એ જૂનાગઢ જઈને વસે છે. અંતકાળ માંગરોળમાં વીતાવ્યાની જનશ્રુતિ છે. નરસિંહના મહત્ત્વના જીવનપ્રસંગો વિશે પાછળથી મીરાં, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, દયારામ આદિ અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. નાભાજીની ભક્તમાલમાં એનું ચરિત્ર મળે છે. મરાઠીમાં પણ નરસિંહની જીવનઘટનાના ઉલ્લેખ છે. પણ એ બધાં બયાનોના મૂળમાં નરસિંહની પોતાની જ છ આત્મકથનાત્મક કૃતિઓ છે. તેમાં કાંઈક વિસ્તૃત એવાં ચાર આખ્યાનકો છે : ૧. પુત્રનો વિવાહ, ૨. પુત્રીનું મામેરું, ૩. હૂંડી, ૪. હારસમેનાં પદ.[36] તે ઉપરાંત છૂટક ૫. પ્રભુ પોતે પાણી પાવા ઝારી લઈને મોહિનીરૂપે આવ્યાના પ્રસંગનાં ચાર પદ છે અને ૬. પોતે હરિજનોનું નિમંત્રણ સ્વીકાર્યાંનાં બે પદ છે. ‘સાચું કે સ્વપ્ન’– છમાંથી પાંચ કૃતિઓમાં સંકટપ્રસંગે ભગવાને સ્વયં મદદ કર્યાંનું વર્ણન નરસિંહે કર્યું છે. પણ એ બધા પાછળ જે મુખ્ય ઘટના છે તે છે જુવાનીમાં જ એના જીવનમાં આમૂલ પરિવર્તન થયા અંગેની. ‘મામેરું’ના આરંભમાં જન્મસ્થળનો ઉલ્લેખ કરી નરસિંહ એ ઘટનાનું મૂળ નિર્દેશે છે :

ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મ્હેણું દીધું.
વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું.

‘પુત્રનો વિવાહ’માં એ આખો પ્રસંગ વીગતે આલેખાયો છે : -

મરમવચન કહ્યાં હુંને ભાભીએ તે માહરા પ્રાણમાં રહ્યા વળૂંધી;
શિવ આગળ જઈ એક-મનો થઈ ધ્યાન કીધું દિવસ સાત સુધી.

શિવે પ્રસન્ન થઈ વર માગવા કહ્યું :

ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગધ જાણી.
અચેત ચેતન થયો, ભવતણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી.

‘તમને જે વલ્લભ, હોય કંઈ સુલ્લભ, આપો, પ્રભુજી, હુંને દયા રે આણી.’

નરસિંહ બીજા પદમાં કહે છે :

‘ગોપનાથે હુંને અભેપદ આપિયું’.
...‘જો જો, ભાઈઓ, મારું ભાગ્ય મોટું–
કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું.

શિવ પોતાને હાથ ઝાલીને ‘કનકની ભોમ વિક્રમના થાંભલા’વાળી ‘મુગતિપુરી’માં ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ છે ત્યાં લઈ જઈને સોંપણી કરે છે.

ભક્ત મારો મૃતલોકથી આવિયો, કરોને ક્રિપા એને દીન જાણી.

મુગતિપુરી–દ્વારકા એ મૃત્યુલોકની નથી. નરસિંહ કહે છે :

તે જ વેળા હરિ મુજને કૃપા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.

ત્રીજા પદમાં કહે છે કે શિવ જાય છે, પણ નરસિંહને દ્વારકામાં રાખે છે. કૃષ્ણ એને રિદ્ધિ, સિદ્ધિ, દ્વારકા-કૈલાસવાસ જે જોઈએ તે માગવા કહે છે. નરસિંહ માગે છે :

રિધિસિદ્ધિરાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું...
કષ્ટ પડે તિહાં સાહ્ય થાજો તમ્યો, ગાઉં જશ તાહરા મધુરી વાણી.

વળી માગ્યું કે વૃંદાવનના રાસમંડળની ‘અખંડલીલા મારે નયણે નીરખું.’

હસિયા કમળાપતિ, ‘ધન્ય તારી રતિ,’ પ્રેમની ભક્તિ નરસૈંને આપી.

ચોથા પદમાં શરદપૂનમ આવી અને રાસ જામ્યો તેની વાત છે : ‘નરસિંહે તિહાં કરતાળ સાહ્યો.’

પુરુષપુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા;
દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, દૂતી થૈ માનિનીને મનાવા.

પાંચમા પદમાં કહે છે કે પછી તો દ્વારકામાં ‘માસ વીતી ગયો’. નરસિંહે પ્રાર્થના કરી :

જે રસથી અનુભવ્યો, ગાઉં તે નિતનવો, પ્રગટ ભૂતળે કરું અંતરજામી...
‘હું અને તું વિશે ભેદ નહીં, નાગરા, શ્રીમુખે કહું રે ગુણડા રે તારા.
જે રસ ગૂઝ બ્રહ્માદિક નવ લહે, તે પ્રગટ ગાજે; તુંને વચન દીધું.
નિશ્ચે રાખી નિરભે થઈ માણજે.’ – દાસનું અતિ સનમાન કીધું.

‘માસ ને ત્રણ તિહાં’ વીતી ગયા. છઠ્ઠા પદમાં કહે છે કે વિદાય પૂર્વે રુક્મિણીએ સ્નેહભાવ રાખજો એમ કહી પોતાને મૃત્યુલોક જોવાની હોંશ હોઈ પુત્રના લગ્નમાં તેડવા માટે ખાનગીમાં કહ્યું. ‘પાળજો, માતાજી, વચન’– એમ નરસિંહ એમને બાંધ્યાં અને એમનો નિશ્ચય જોઈ યાદદાસ્ત માટે ‘પોતાના વસ્ત્રે ‘ગાંઠ બાંધી’. નરસિંહ હવે –

શીશ નમાવીને તિહાં થકી નીસર્યો, પૂરણબ્રહ્મ શું પ્રીત સાંધી...
પુષ્પ આપ્યું હુંને નાથ લક્ષ્મી તણે, સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટ દીઠું.
લક્ષ સવા કીર્તન તણો નીમ કરી, નરસિંયાને મન લાગ્યું મીઠું.

આ ઘટનાને પરિણામે કવિ કહે છે તેમ ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી’. સવાલાખ ભક્તિપદો ગાવાનો એ સંકલ્પ કરે છે. નરસિંહનું આખું જીવન પલટાવી નાખે એવો આ બનાવ હતો. કવિઓ, કલાકારો, જીવનવીરોની બાબતમાં આ અસ્તિત્વ પલટાવી નાખનાર કોઈ ને કોઈ બનાવ ક્યારેક જોવા મળતો હોય છે. નરસિંહ પોતાનું સ્વરૂપાન્તર કરનાર બનાવ નિરૂપતાં ઉમેરે છે કે એ સાચો હોય કે સ્વપ્નવત્ હોય, પણ પોતાને લક્ષ્મીનાથે હાથોહાથ પુષ્પ આપ્યું વગેરે બધું પોતે તો પ્રત્યક્ષ અનુભવ્યું છે અને એને પોતાને માટે તો એ વાસ્તવિક ઘટના છે, પોતે આખો પલટાઈ ગયો છે એ એની સાબિતી છે. ‘ચાતુરીઓ’(૯)માં રાધાકૃષ્ણના કામવિલાસનો પોતે સાક્ષી બને છે, પોતે ભામિનીઓમાં ભળી જઈ ‘મહારસ’માં ઝીલે છે, પ્રભુનું સોંપ્યું દૂતીકાર્ય કરે છે – એ બધી કૃપા પાર્વતીના નાથે કરી, તેમણે ‘દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક મેલ્યો હાથ’, એ વિગતો ટૂંકમાં એણે નિરૂપી છે. ‘પુત્રનો વિવાહ’ના સાતમા પદમાં નરસિંહ નવા અવતારે એને શોભે એ રીતે ભાભીનો અને જનનીજનકનો અહેસાન માને છે.

ધન્ય ભાભી તમ્યો, ધન્ય માતાપિતા, શઠ જાણી હુંને દયા રે કીધી.
તમારી ક્રિપા થકી હરિહર ભેટિયા, કૃષ્ણજીએ મારી સૂધ લીધી.

સાચું હોય કે સ્વપ્ન હોય કે દિવ્યચક્ષુનો પ્રતાપ હોય – હવે નરસૈંયો ભગવાનના રંગે રંગાઈ ચૂક્યો છે. ભાભીએ દિયર પરણેલો છે, પિતા છે અને વ્યવહાર સંભાળતો નથી, એટલે આવેશમાં એને ‘મૂર્ખ’ કહી દીધો હશે. પણ એ ‘મૂર્ખતા’ પાછળ બે વસ્તુઓ બીજ-દશામાં હોવી જોઈએ. એક તો તીવ્ર કલ્પનાશક્તિ અને બીજી તે સંસાર પ્રત્યે વિરક્તિ સાથે ભગવાન પ્રત્યે અનુરાગ. વનના એકાન્તમાં એકાગ્ર સાધનામાં એ બીજના અંકુર ફૂલ્યાફાલ્યા, ત્યાં સુધીમાં મળેલા–સંચિત થયેલા સંસ્કારોએ એક આકાર ધારણ કર્યો. સંભવ છે કે કોઈ જંગમ વિદ્યાપીઠ જેવા આગળ વધેલા વડેરા સાધકનું માર્ગદર્શન પણ એને મળ્યું હોય. એકાગ્ર સાધના સાત દિવસની છે પણ પછી એક અથવા તો ત્રણ મહિના સુધી એ વિસ્તરે છે. બ્રાહ્મણો શિવના ઉપાસક. નરસિંહ એના સમયમાં ભારતને પરિપ્લાવિત કરનાર કૃષ્ણભક્તિના પૂરમાં તણાય છે, પણ તે સ્વયં શિવનો દોર્યો, શિવનો સોંપ્યો શ્રી કૃષ્ણચરણે ઠર્યો છે, એ વસ્તુને ‘સાચું કે સ્વપ્ન’ એ પ્રસંગના આલેખનમાં ઉઠાવ મળ્યો છે. રામનું શરણું શોધનાર ભક્તકવિઓ પણ શિવને રામ ઇષ્ટ છે એ દર્શાવવા ખાસ કાળજી સેવતા જણાય છે. (જુઓ ‘રામચરિતમાનસ’માં બાલકાંડનો આરંભ.) હરિ-હરના એકત્વના ભાવને મધ્ય કાળમાં ખાસ ઉઠાવ મળ્યો છે, દા.ત. ‘નામા-મ્હણે શિવવિષ્ણુ મૂર્તિ એક’ (નામદેવગાથા ૧૭૯૬). નરસિંહને કોઈ સંન્યાસી, વિષ્ણુ(કૃષ્ણ)નો પણ ભક્ત હોય એવો સંન્યાસી માર્ગદર્શક મળ્યો હશે? ગમે તેમ પણ કૃષ્ણભક્તિ નરસિંહના સમય સુધીમાં જે રીતે વિકસી છે તેનો સંસ્પર્શ એની ચેતનાએ પરિવર્તનક્ષણે પૂરેપૂરો અનુભવ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં ખીલેલી ગોપીભાવથી ભક્તિ કરવાની પ્રણાલી એની ઉપર પ્રભાવ પાડી ગઈ છે. પોતે પ્રેમભક્તિ પામ્યો એટલે પુરુષભાવ છોડ્યો, ‘સખીરૂપે થયો.’ દક્ષિણના-મહારાષ્ટ્રના નામદેવ સખીભાવથી ભક્તિ કરનારા નથી પણ તેમનાથી નરસિંહ પરિચિત છે. પ્રભુએ માથે હાથ મૂક્યો અને વિશ્વપિતાએ પોતાને લીલા ગાવાનું કહ્યું એ જાતની પ્રતીતિના ઉદ્ગારો નામદેવમાં પણ મળે છે. माथा ठेऊनि हात्र बोले विश्र्वाचा जो बाप। वर्णिरे प्रत्राप नामदेवा॥ (૨૦) ભક્તકવિઓમાં આવી પ્રતીતિ કદાચ સામાન્ય હોય. આ આખી અનુભૂતિ માનસલોકની છે. દ્વારકા પૃથ્વી પરનું નગર નથી. ‘દ્વારકાકૈલાસ’ સાથે ઉલ્લેખાયાં છે. રુક્મિણી ‘મૃતલોક’ જોવાની હોંસ બતાવે છે. અંતે ‘મૂહરત એકમાં ભૂતળે આવિયો’ એ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આંતરપ્રતીતિની એ વાત કરી રહ્યો છે. તેમ છતાં તળાજાથી એક (કે ત્રણ) માસ એ દૂર રહ્યો તે દરમિયાન ભૂતળ પરના દ્વારકામંદિરે ગયો પણ હોય. પૂર્વ ભારતના વૈષ્ણવ ભક્તો આજે પણ દ્વારકામાં જોવા મળે છે. દ્વારકામાં કે સૌરાષ્ટ્રમાં બીજે કોઈ સ્થળે યાત્રાપથમાં પૂર્વભારતના ભક્ત યાત્રિકો પાસેથી જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિની કૃતિઓનો પરિચય નરસિંહને થવા પામ્યો હોય. નામદેવ અભંગોમાં દ્વારકા આદિ ગુજરાતનાં તીર્થોમાં પોતે ફર્યાનું લખે છે. મહારાષ્ટ્રના યાત્રિકભક્તોના સંપર્કમાં પણ નરસિંહ આવ્યો લાગે છે. એક મુહૂર્તમાં એ ભૂતળે આવ્યો, ત્યાં ‘ભાભી આવ્યાં છે નરસિંયો જાણી.’ ભાભી હવે મળે છે તે પોતે જેને મહેણું દીધેલું તે ‘મૂર્ખ’ને નહીં પણ એ વખતના ભારતમાં ભક્તિનું જે પ્રચંડ આંદોલન દેશને ચારેખૂણે ગાજતું હતું તેના એક મુખ્ય માધ્યમને. ચેતનાપરિવર્તન–‘અચેત ચેતન થયો’ તે−નું આ વર્ણન થોડાં વરસો બાદ પુત્રના વિવાહ પછી કરેલું છે. પણ એમાં કવિની આદ્યવાણી જાગ્રત થયાની એંધાણીઓ મળે છે. ‘મરમવચન... પ્રાણમાં રહ્યાં વળૂંધી’, ‘કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો’, ‘વિદ્રુમના થાંભલા’, ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ આદિમાં પ્રત્યક્ષીકરણની શક્તિ દીપી ઊઠે છે. ‘મધુરી વાણી’માં એને પ્રભુનું કીર્તન કરવું છે. વાણીનું માધુર્ય એને ભરપટ્ટે મળ્યું છે. ‘લક્ષ સવા’ કીર્તનો ગાયાં હશે કદાચ, પણ રચનાઓ કાગળ ઉપર ઊતરેલી કે લોકકંઠે સચવાયેલી એટલી બધી મળી નથી.

૧. પુત્રનો વિવાહ – ઉપરની કેન્દ્રિય અનુભૂતિના ઉપપ્રમેય રૂપે કવિચરિત્રના બીજા અધ્યાયો એમાંથી વહી આવે છે. ‘હરિરસ ગાવા ને જે મળે ખાવા’ તેથી સંતોષ માનતા કવિની માણેકબાઈ નામે ‘દારા ઘણું સુંદરી સાધવી’ છે. ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’ તેમનાં નામ શામળ અને કુંવરબાઈ છે. ચેતનામાં પરિવર્તન થયું તે ક્ષણે પુરુષપુરુષાતન લીન થઈ ગયું, સખી ભાવ જાગ્યો, ‘દેહદશા ટળી’, એ જોતાં નરસિંહનું ગૃહસંસારનું જીવન બાવીસેક વર્ષની વયે સંકેલાઈ ગયું માની શકાય. એ પહેલાંનાં બે બાળકો છે. ‘મામેરું’ (કડવું ૨) માં હવે પછીની કવિની ચર્ચાનું વર્ણન છે :

નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી,
ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લ્હાર લાગી.
ભાઈ ભોજાઈ ચકળાઈને એમ કહે : હવે તમો અમ થકી દૂર રહીએ.
મ્હેતાજી તિહાં પછે કહે છે નિજ નારને : નગર જૂનાગઢમાંહે જઈએ.

‘હૂંડી’ (૧) માં વર્ણવ્યા પ્રમાણેનાં ‘નીચાં મંદિર ને નિપટ જૂનાં ઘણાં’માં પોતે રહે છે અને ‘એક ઉદ્યમ કરે સંતસેવા’. શામળ બાર વરસનો થતાં પત્ની વિવાહની ચિંતા કરવા લાગી. વડનગરના મદન મહેતાએ મોકલેલા ગોરને જૂનાગઢમાં કોઈ નાગરપુત્ર મનમાં વસ્યો નહીં ત્યારે નાગરોએ મજાકમાં એને મહેતાનું ઘર ચીંધ્યું. ગોરે સંબંધ નક્કી કર્યો. મદનની પત્ની એ સમાચારે બેહોશ થઈ. પણ મદન એને હિંમત આપે છે. વિવાહની તિથિ નક્કી થઈ. નરસિંહ પ્રભુને વલવલે છે : પેલા સાચા સ્વપ્નમાં તો ‘પરિયંક ઉપર હુંને હેતે પોઢાડિયો, વીંઝણો લઈ કરતા રે સેવા’. હવે ‘રંક જાણી તમો લાજો છો આવતાં?’

તવ હરિ ધાઈ સ્વધામથી ઊઠિયા, ‘દારુક! દારુક!’ વદતા વાણી;
‘ચાલ ચતુરા’, ચતુર્ભુજ મુખેથી ભણે, ‘દુઃખ ધરે દાસ, મને દોહ્યલું આણી....’
અંતરિખમારગે પળ માંહે આવિયા, રથ તણી ગરજના શ્રવણે જાણી.
અવર બીજો કોઈ જાનમાં નવ લહે નરસિંયો નીરખે શ્રી ચક્રપાણિ. (૨૭)

નરસિંહ ચમત્કારના તત્ત્વને આ રીતે હળવું કરે છે. ગાજતા રથમાં આવતા ચતુર્ભુજને આખી જાનમાં પોતે જ એકલો જુએ છે : ‘દુરિજનાં લોક તે નવ લહે વારતા, આડ અંતરાયનાં બાંધ્યાં કર્મ’. જાનનું વર્ણન તાદૃશ છે :

ત્રણસેં ત્રીસ રેવંત તિહાં પાખર્યા, વીસ તોખારના રથ રે જોડ્યા.
નીલાપીળા વળી લાલ કસુંબિયા એકબીજા પર જાય દોડ્યા.
ઘૂઘરા ઘમઘમે ટોકા ટમટમે, રમઝમ ઘમઘમ શબ્દ ઊઠે. (૨૮)

મદન મહેતો ‘ધાઈ ચરણે નમ્યો, વહેવાઈ મન ગમ્યો, નરસિંયો દીઠો નરસિંગ-સરખો.’ રૂડી રીતે લગ્ન પાર પડ્યાં. કન્યાને સ્વસ્તિ ભણાવતાં ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’. નરસિંહે હું અને તું વિશે ભેદ નહીં, ‘નાગરા’ અનુભવ્યું હતું તેમાં એ તો સતત ચકચૂર છે. ભગવાનનું સાન્નિધ્ય અને સાયુજ્ય એ અનુભવી રહ્યો છે, અને કોઈ ભાવિક ધનિક અનુયાયીએ પ્રસંગ વ્યાવહારિક દૃષ્ટિએ પાર પાડી આપ્યો હશે. પોતે ભગવાન આગળ ‘પ્રેમ ભરાણો ને બોલી શકું નહીં, રુદિયા ભીડ્યો મારા હાથ સાહી.’ ભક્તોના આવા સ્વાનુભવો સામાન્ય છે. નામદેવે પણ પ્રભુએ ‘उचलोनि दोहीं बाही, नामा धरिला ह्रदयीं (૧૭૭૬) બે હાથે ઊંચકીને નામાને છાતીએ લગાડ્યો – એ વાત કરી છે.

૨. પુત્રીનું મામેરું – વિરક્ત પિતાને માથે મામેરું કરવાની જવાબદારી આવી કેમ કે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં’. ઊનાથી કુંવરબાઈના સાસરેથી ખોખલો પંડ્યો ખબર લાવ્યો. એક માનવીની જેમ નરસિંહના ઉદ્ગારો નીકળે છે : ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય’. માણેકબાઈ જતાં ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ’ એવો ઉદ્ગાર નરસિંહના મુખમાં મૂકવામાં લોકજીભને પ્રેમાનંદ જેવાએ પણ અનુમોદન આપ્યું છે, પણ નરસિંહના હૃદયની સ્થિતિ જુદી જ હતી અને સ્વયં કવિને મુખે જ ગુજરાતી કવિતામાં એ અપૂર્વ આલેખન પામી છે. વળી એ કહે છે : ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રીહરિ?... એક પરિભવ કેમ સહીએ રે સામળા?’ તાલ મૃદંગચંગ વગાડતા સૌ ઊના પહોંચ્યા. ‘તાત, ત્રેવડ નહીં, શીદ આવ્યા, તમો હાંસુ થાવા’ – એમ દુ:ખી થતી દીકરીને એ એટલું જ કહે છે : ‘દુઃખ મ કર દીકરી, ગાઓ ગોવિંદ હરિ.’ નિર્ધનનો વેવાઈગણ અને તે પણ નાગરની નાત. ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો રે આવ્યો’. નરસિંહ તો મસ્ત છે : ‘ગોપાળજી, તમચી ભક્તિ છે દોહ્યલી, પણ તે દાસને સદા સોહ્યલી.’ નાહવાનો સમય થયો ત્યારે માત્ર ઊકળતું પાણી આપીને વેવાઈએ કહ્યું કે તમને તો ભગવાન ઉમેરવાનું ઠંડું પાણી આપશે. ભગતે મલ્હાર ગાયો. ત્યાં તો ‘થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું. વાય છે વાવડો, વીજ ચમકા કરે...’, અને ‘ચૈત્ર સુદ દ્વાદશી મેઘઘટા ચડી, ગડગડીને કૂંડી માંહે વૂઠો’. વેવાઈપક્ષને ભક્તિની પ્રતીતિ થઈ. નરસિંહે દીકરીને પહેરામણીની વસ્તુઓની યાદી કરાવી લાવવા કહ્યું. દીકરી યાદીનો કાગળ આપતાં ‘આંખ પાણી ભરી વાણી ભાખી : સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું સીમંત માહરે શીદ આવ્યું?’ નરસિંહ ભગવાનને વીનવે છે એમાં નર્મમર્મ લાડ રીસ ડારો એ બધું પ્રગટ થાય છે : ‘ઊઠ રે જાદવા, જાઉં કેમે જાચવા? તાહરી ભક્તિ તાં કોણ કરશે? પુત્રી છે તાહરી, નાત છે માહરી.’ રાધિકાને કહે છે, ‘ક્ષણ એક નાથને બાથ અળગી કરો’ અને પછી એને ઉઘાડી પાડવાની ધમકી પણ આપે છે, ‘મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતાં’.’ ત્યાં ‘ઊધડકી ઊઠિયો વેગે વિઠ્ઠલ હરિ, ગરુડ ક્યાં? ગરુડ ક્યાં? – વદત વાણી’. ભક્તે પ્રભુને ‘પ્રેમને તાંતણે આણ્યો તાણી.’ નરસિંહને ‘હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો’. પુત્રીને પિતાએ કહ્યું : ‘આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પ્રસિદ્ધ દામોદર દોશી.’ સૌ ‘સગાંસંબંધી આડોશીપાડોશી ગોરાણી જોશી’ સૌને પહેરામણી કરી અને ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી’. શેઠાણી ‘મસ્તક હાથ મૂકીને’ પૂછે છે : ‘આવડી દૂબળી કેમ કરી દીકરી? કહે વારુ તને દુઃખ શું છે?’ – એ એક સુંદર સ્વભાવોક્તિ છે. ‘હસિતવદને હરિ ઓચર્યા... આવતાં વાર લાગી રે કાંઈ અમને. એટલું તમ્યો અમ ક્ષમા રે કરજો.’

૩. હૂંડી – જૂનાગઢના નાગરોએ તીર્થયાત્રીઓને દ્વારકાની હૂંડી મેળવવા માટે મજાકમાં નરસિંહ પાસે ધકેલ્યા એમાંથી હૂંડીનો પ્રસંગ થયો. નરસિંહ રૂપિયા સાતસો ગણી લઈ, ‘હુડિયામણ મારે નામ છે હરિતણું’ કરતોક લાંબી લેખણે સામળશા પર હૂંડી લખી આપે છે :

દીધા છે દોકડા લીધા છે રોકડા સર્વે કૃષ્ણાર્પણ તમને કીધા.
પત્ર વાંચી કરી તર્ત દેજો ગણી, જેમ આપણી આડત જાય ચાલી.

પછી હરિને એ વીનવે છે : ‘નકાળજો વણજ મેં કીધો છે, વીઠલા; રાખશો શરમ તો લાજ રહેશે... માહરે મંત્ર તું, જંત્ર તું ત્રીકમા!’ દ્વારકામાં તીર્થયાત્રીઓને કોઈ સામળશા શેઠ મળતો નથી. નરસિંહની વિનવણીઓ ચાલુ છે : ‘પછે શું કૃષ્ણજી, કરો આવી? મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા, તુંને લાજ ના’વે? દાસની હાસ થશે, લાજ તારી જશે, પછે તુંને વ્હાલાજી, કોણ વ્યારો?’ ત્યાં લક્ષ્મીનાથ ‘ઊધડકી ઊઠિયો’ અને દ્વારકાની બજરે ‘શેઠ સામળ આવ્યો’ કહી પૈસા ગણી આપ્યા – થોડાક અધિક આપ્યા. પહોંચ લખી આપી : ‘તમ્યો છૌં શેઠ ને અમ્યો છૌં વાણોતર, તમારું ને અમારું છે એક નામ... એક અધક્ષણુ નથી રે તું વેગળો, નરસિંયો, નરસિંયો, – એક ધ્યાન.’ યાત્રિકો પાસેથી બધું જાણ્યું ત્યારે ‘નરસિંયો ફૂલિયો, અતિરંગે ઝૂલિયો, આપ્યો પરસાદ ને માળ દીધી.’

૪. હારસમેનાં પદ – જૂનાગઢના રા’ મંડલિક પાસે ‘નરસિંયો લંપટી’ છે એવી વાત પહોંચી. એણે નરસિંહને તેડાવ્યો અને કહ્યું કે તારે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ છે એ વાત તેમના ગળામાંનો હાર તે તને પહેરાવે તો અમે માનીએ. નરસિંહ સારી રાત હરિને વિનવે છે, એની એ વિનવણીની વાણીમાં ક્યાંક મરાઠીની છાંટ પણ આવે છે : ‘દેવા હમચીવાર કા બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ ‘ભક્તિ કરતાં, કહેશે, નરસિંયો માર્યો, તો ભક્તવચ્છલ તારું બિરુદ જાશે’, ‘અમ્યો ખળભળતાં તમો ખળભળશો’, ‘મૃત્યુને ભે નરસિંયો બીતો નથી, તાહરા દાસનાં ચિત્ત ચળશે.’ મામેરા વખતની જેમ ઉપાલંભ, લાડ, ધમકી બધાનો એ ઉપયોગ કરે છે : વિવચારાં શી પ્રીતડી જે સ્ત્રી-રંગ રાતો!’ ‘સાર કર, સામળા, મેલ મન-આંબળા, ઊઠ ગોપાળ રાય, અસૂર થાય; નરસિંયાને રે એક હાર આપતાં તાહરા બાપનું શું રે જાયે?’ ‘તૂટશે સ્નેહ ત્રીકમ તાણ્યું’, ‘ગરજ માટે માય–બાપ તેં બે કયાઁ, શર્વરી રે થોડી રહી, આપ તસ્કર, મુંને શું સંતાપાં?’ ‘આપને હાર કે હવણાં પ્રગટ કરું જેહ કીધું બંસીવટની વાટે’, ‘ઊઠ તું અટપટા, બોલ તું ચટપટા, લંપટા, લાજ તોરી રે જાશે; વ્રજપતિ રંગમાં કેલિ-ઘટા કરાં નરસિંયાની વ્હારે કોણ જાશે?’ ‘કપટ કરીને રંગ રાસ રમાડિયા, પછે બાપડાં મૂક્યાં વન રોતાં; ગાય ચારી, કહ્યો મેં ગોવાળ’, ‘કો કહેશે... કુજાત રે.. કંઠ લંપટ ચાડિયો... નવનીત કેરો ચોર રે;’ ‘ઢાંક મારાં, ઉઘાડેશ તારાં’. આખી રાત વિનવણી ચાલે છે એમાં આ બધા રંગ આવે છે. પણ તેમાં મુખ્ય તો એના હૃદયની કોમળતાનો છે. ‘હું રે હળવો પડ્યો, તારા ગુણલડા કોણ ગાશે?’ ‘નંદના નંદ, કાં વાર લાગે ઘણી?’ ‘મેં ભજ્યો, તો હવે કાં તજો?’ ‘મૂક માં, મૂક માં, ગ્રહ્યો રે હાથ’. ‘મુંને અપજશ તો તૂંને અપજશ થશે’. ‘કુસુમની માળ તાં કઠણ શું થૈ રહ્યો?’ ‘રસ આપેશ તો રસ ઘણો વાધશે’. પોતે કહે છે કે ‘હું દુઃખ પામું તે તો મારે પામે’ અને પૂરું જાણે છે કે ‘અકળિતાં ચરિત તારાં, મુરારિ.’ માગશરની રાત્રિ પૂરી થવા આવી, ‘હરણલી આથમી’ – મૃગશીર્ષ નક્ષત્ર આથમ્યું, દીવાની જ્યોત ક્ષીણ થઈ. એ છેવટની ધા નાખે છે : ‘નોહે કૌસ્તુભ કે વૈદૂર્યમાળા, – ઊજળાં ફૂલ ને સૂત્રનો તાંતણો, તેણે શું મોહી રહ્યો કૃષ્ણ કાળા?’ ત્યાં જ ‘કેશવે કંઠથી હાર કરિયો વડો, પ્રેમે આરોપ્યો નરસૈઅગ્રીવા’...

‘સંવત પંનર બારોતર સપતમી ને રવિવાર રે,
માગસર અજુઆલે પખ, નરસૈંને આપ્યો હાર રે.’

આત્મચરિત્રનાં ચાર આખ્યાનકો કાવ્ય તરીકે – નરસિંહના જીવનના કસોટીભર્યા ચાર પ્રસંગો વિશે નરસિંહે પોતે ગાયું છે અને પછી અનેક કવિઓએ તે પ્રસંગોને વિસ્તારીને કાવ્યરચનાઓ કરી છે. ભક્તકવિ પોતે જ પોતાને અંગે ચમત્કારનો ઉલ્લેખ કરે એવા દાખલાઓ મળે છે. સંતો વિશે બીજા લોકો ચમત્કારો વર્ણવે છે તે તો જુદા. નરસિંહ વિષે શ્રાદ્ધસામગ્રી લેવા પોતે બજારમાં ગયો ને કીર્તનમાં રોકાઈ રહ્યો અને ઘેર ભગવાને નરસિંહવેશે વિધિ ભોજન વગેરે પાર પાડ્યું એવા ચમત્કારનું પ્રેમાનંદનું કાવ્ય મળે છે. ચમત્કાર કથા અંગેનું મનોવિજ્ઞાન અધ્યયન માગી લે છે. કોઈક દૃઢ પ્રતીતિને કલ્પકતાથી આકાર આપવામાં આવતાં ચમત્કારકથા જન્મે છે. નરસિંહ અંગેના આર્થિક મદદના ચમત્કારો એને માટે સહાનુભૂતિ ધરાવનારા ધનિક મિત્રોની મદદ એને મળી હશે – અને એ પોતે તો સૌમાં પરમેશ્વરને જોનારો હતો એટલે ભગવાને જ એ કસોટીના પ્રસંગો પાર પાડ્યા એમ એણે અનુભવ્યું હશે, એ રીતે ઘટાવી શકાય. ‘પુત્રનો વિવાહ’માં ભગવાનને બધી જાને નહીં, પોતે જ જોયા છે એમ એ કહે પણ છે. ચારે કૃતિઓ મુખ્યત્વે નરસિંહના પ્રસિદ્ધ ઝૂલણામાં છે. ઝૂલણા પર હાથ બેસતો આવે છે. નરસિંહ પ્રાસ મેળવે જ છે. પ્રાસ ન હોય ત્યાં જરી થોભી જઈ વિચાર કરવો સારો. હારસમેનાં પદોમાં છઠ્ઠાને અંતે ‘આપી’ સાથે ‘સાંપી’ (‘સોંપી’ ઉપરાંત એ રૂપ પણ છે) નો પ્રાસ છે. પ્રેમાનંદમાં ‘પૂછે’ નો અવશ્ય ‘શું છે’થી પ્રાસ હોય છે તે નરસિંહના ‘મામેરું’(૨૪-૩)માં પણ જોવા મળે છે. ભાષાની રૂઢિઓ ‘નાગરી નાતમાં રાખ્યું ઈંડુ’ ‘હરિ વિના વાત તે સર્વ મીંડું’ – એવા પ્રાસમાં જોવા મળે છે. સંસ્કૃત ભાષા કવિને પૂરતી વશ છે એ ‘વારુ’–‘ચારુ’ જેવા પ્રાસમાં દેખાય છે. ‘મંત્ર મોહન વિના નહીં રે બીજો’ ના પ્રાસમાં ‘પ્રભુ, શે ન ભીંજો?’ તો નરસિંહની આર્દ્ર વાણીમાં ખેંચાઈ આવે જ ને? ‘સામળા, મેલ મન આંબળા’ એવા આંતરપ્રાસ ઉપરનો કાબૂ પણ સારો એવો જણાય છે. વર્ણસગાઈ સહેજે સધાઈ જતી જોવા મળે છે. વચ્ચે વચ્ચે શબ્દ અને લયની છટાઓ, અભિવ્યક્તિના ચમકારા જોવા મળે છે. પોતીકી શૈલી પર નરસિંહની હથોટી જામતી આવે છે એ પણ જોઈ શકાય છે. આ ચારે પ્રસંગો આખ્યાનકલ્પ છે. પણ નરસિંહને પોતાની કથા કહેવામાં રસ નથી, તે તે પ્રસંગે પ્રભુની પ્રભુતા કેવી પ્રગટે છે એ ઉપર જ એનું ધ્યાન છે, ચારે કૃતિઓ ભક્તિવૃત્તિના ફુવારારૂપે નિર્માઈ છે. ‘હારસમેનાં પદ’ તો ભક્તિ-ઉદ્ગારની જ હારમાળા છે. આ આત્મકથનોમાં નરસિંહના વ્યક્તિત્વની સરળતા, આર્દ્રતા, લેલીનતા અને આત્મવત્તા સવિશેષ ઊપસી આવે છે. પોતાની વાણી જાગી ઊઠી તો એનો વિનિયોગ એણે મહાદેવને પણ જે વહાલું હોય તે એમની પાસે માગવામાં કર્યો અને શ્રીકૃષ્ણની લીલાનો પોતાને જે સ્વાનુભવ થયો તે ‘મધુરી વાણી’માં ગાવાનો મનસૂબો સેવ્યો. નરસિંહની નમ્રતાનો પાર નથી. રાસલીલામાં પોતે દિવેટિયો હોવા અંગે એ ગૌરવ લે છે. નમ્રતાનું જ બીજું પાસું ગૌરવભાન છે. નરસિંહની આત્મવત્તા સત્તાધારી સમ્રાટની નથી, પણ ભગવાન સાથેના સાયુજ્યભાવમાંથી પ્રગટેલી આત્મવત્તા છે. ‘કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો’ કેમકે ભગવાને માથે હાથ મૂક્યો છે. દર્શન કરનારાઓની ‘લ્હાર લાગી’, મદન મહેતાએ ‘નરસિંયો દીઠો નરસિંઘ સરખો’, ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’ – એ ઉદ્ગારો ભગવાનમય થયાના ગૌરવભાનના છે. પોતાના નામ પર શ્લેષ કરીને પોતે ભગવાનનો બનવાથી ખરે જ નરસિંહ (માણસોમાં સિંહ) સમાન બન્યો છે એમ કહેતાં એ સંકોચાતો નથી. મદન મહેતાના ગોરને મુખે નરસિંહે પોતાનું વર્ણન કર્યું છે: ‘રાખે વહેવાર ને ચાલે સાચું’. ગુજરાતી ભાષાના બે સાદા શબ્દો— ‘ચાલે સાચું’ –માં નરસિંહ જેવો પ્રગટ થાય છે તેવો પાછળનાં એને વિશેનાં આખાં આખ્યાન કાવ્યોમાંથી પણ જવલ્લે થાય છે. નરસિંહની કૃતિઓમાં જેવો યથાતથ નરસિંહ ઊપસે છે તેવો પાછળનાં નરસિંહવિષયક કાવ્યોમાંથી – પ્રેમાનંદનાં પણ કાવ્યોમાંથી – પ્રતીત થતો નથી. આ ચારે કૃતિઓને પછીના કવિઓએ કાચાં ડોળિયાં તરીકે વાપરીને તે તે પ્રસંગ મલાવી મલાવીને નિરૂપી કાવ્યરચનાઓ કરી છે. પાછળના કવિઓની રચનાઓ સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ હજુ પદોની માળા જેવી છે, આખ્યાનકલ્પ છે. ‘પુત્રનો વિવાહ’ અને ‘મામેરું’ આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે, તેમાંયે ‘વિવાહ’ સવિશેષ. ‘હૂંડી’માં નરસિંહે કરેલું પોતાના ઘરની દશાનું ચિત્રણ અને કાગળ લખવાની શૈલી એ બે તરત ધ્યાન ખેંચે છે. પણ પ્રેમાનંદ દ્વારકાની બજારમાં ‘દામોદર દોશી રે, છે કાને કલમ ખોશી રે’ – ચિત્ર રમતું મૂકે છે એની વાત જ જુદી. ‘મામેરું’માં નરસિંહ તો ‘મહેતોજી ચાલિયા, તાલ મૃદંગ ને ચંગ સાથ’ એટલું જ કહે છે, પણ પાછળના કવિઓએ માગી આણેલ ધૂંસરી, સાંગી, બળદ વગેરેવાળી વહેલનું વર્ણન ઉમેર્યું છે. પ્રેમાનંદનું વહેલનું સુંદર વર્ણન પણ માગી આણેલું (પુરોગામીઓનું) છે. પણ ખોખલો પંડ્યો, ‘સાધુ પિતાને મહાદુખ દેવા મુજને સીમંત શે આવ્યું’ – એમ માતૃત્વકોડ દાબીને બોલતી કુંવરબાઈનો કરુણ, ‘ઊધડકી’ ઊઠી ‘ગરુડ ક્યાં? ગરુડ ક્યાં?’ બોલતા શ્રીકૃષ્ણનું ચિત્ર, વડસાસુ પાસે કરાવેલી યાદી, છાબમાં ‘હેમપહાણિયા’, ‘અમારે આ વૈભવ આપ્યો મહેતાતણો’ – એવી લક્ષ્મીજી શેઠાણીની કબૂલાત, છેવટે પહેરામણીમાં રહી ગયેલી ‘નણંદની નાણદ્રી નામ નાનીબાઈ’ એવી બધી વીગતો પણ પ્રેમાનંદને છેક નરસિંહ પાસેથી મળેલી છે. છેલ્લો પ્રસંગ લઈએ. નરસિંહ તો હાથ ખંખેરે છે ‘આપનારો હુતો તે આપી મૂકી ચાલિયો’, હવે કાંઈ ન મળે. પ્રેમાનંદ નાનબાઈ માટે આકાશમાંથી કાપડું વરસ્યાનું કહે છે. પ્રેમાનંદ માટે ભક્તિ સાધ્ય નથી, કાવ્યનિર્મિતિ માટેનું સાધન છે. ભક્તિને એ ગૌણતા અર્પે છે. નરસિંહે યોજ્યો નથી ત્યાં ચમત્કાર યોજીને અદ્ભુતરસને એ ખીલવે છે. નરસિંહની કૃતિમાં ‘સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે’ –માં ઘેરા કરુણની છાંટ છે. નિર્ધનતા અંગેના ઉદ્ગારોમાં ‘કઠણ થયા રે, કૃષણ, ઘેર લક્ષ્મી’, ‘વળી વિસંભર બિરદ કહાવે’ એ કટાક્ષો અને ‘વહુજી વધામણી, આવી પહેરામણી, તાળ વાયે ઊભો આંગણ તાત’ – એ આત્મઉપહાસ આત્મદયાને ઊપસવા દેતા નથી. પ્રેમાનંદ નરસિંહની ઘરભંગ દશાને બદલે અગાઉના કવિઓને અનુસરી પુત્રીની માતૃહીનતામાંથી કરુણ નિપજાવે છે. નરસિંહ એ પ્રેમાનંદની કૃતિમાં મુખ્યત્વે હાસ્યનો આલંબનવિભાવ છે, જ્યારે નરસિંહની કૃતિમાં વીર(ધર્મવીર)નો આલંબનવિભાવ છે. સસરાની લાજ રાખવા જમાઈએ હજાર બે હજાર ઉછીના આપવાની ઇચ્છા બતાવ્યાની વાત નરસિંહે કરી છે. પ્રેમાનંદની ઉત્તમ કૃતિની અડોઅડ ઊભી રહે એવા અને કયાંક ટપી જાય એવા ‘મોસાળાચરિત્ર’માં એના પુરોગામી વિશ્વનાથ જાનીએ દામ્પત્યદર્શનની ગુજરાતી ભાષાની એક ઉત્તમ કડીમાં જમાઈનો ઉલ્લેખ કર્યો છે: ‘સાસુ સસરાનો જણ્યો, સમજણો સાથી, મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી?’ સમોવરણના પાણી અંગે હૂબહૂ ચિત્ર આંકી દેતી, ભવ્યતાના સ્પર્શવાળી, નરસિંહની વાણીનો ઓજસગુણ, ‘વદન મલકાવી વડસાસુજી બોલિયાં : એ વાતમાં સંધે શિયો છે?’– નો મર્મ, ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી’માં ‘ઓલી’નો વ્યંગ્ય, ‘આવડી દૂબળી કેમ કરી દીકરી’ – એ સ્વભાવોક્તિ – એ બધું યાદ કરીએ તો પણ નરસિંહની આખી કૃતિ પ્રબંધરચના તરીકે સમૃદ્ધ હોવાની છાપ પડતી નથી. હારપ્રસંગને પણ પછીના કવિઓએ વિસ્તારીને લડાવ્યો છે. એમાં હાર પ્રભુને હાથે અર્પણ થયો એ સ્વીકારવા ઉપર ઘણો બધો ભાર મુકાય છે અને એ સિવાય વસ્તુવિકાસની કોઈ ગુંજાયશ જ નથી. – માત્ર પ્રાર્થના, આર્ત હૃદયના વલવલાટ, સિવાય બીજું કશું સંગત પણ નથી, એથી પ્રબંધરચના તરીકે એ સફળ થવા અંગેની મૂલગત શક્યતા જ ઓછી છે. પ્રાર્થના ઉદ્ગારોનાં ઊર્મિકો, એક ઊર્મિક-માળા મળી શકે. પણ કમભાગ્યે ‘હારસમેનાં પદ’માં નરસિંહની પ્રતિભાની છાપવાળાં ઉત્કટ ભક્તિઉદ્ગારનાં ઊર્મિકો અતિ જૂજ છે. ‘તું કિશા ઠાકુર? હું કિશા સેવક? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે’ – એ પોતાને અગાઉ ભગવાને મદદ કરીને ‘અભેદાન દીધું’ છે એ અંગેનું પદ, અને એની પછી આવતું ‘દેવા હમ-ચી વાર કાં બધિર હોઈલા? અપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ – એ ભૂતકાળમાં અનેક ભક્તોને સંકટ પ્રસંગે તેં મદદ કરી છે તો મારી વખતે જ કેમ બહેરો થઈ ગયો છે એવી આર્ત ચીસનું, ‘અમ્યો ખળભળતાં તમ્યો ખળભળશો’ – એ સંકેત પ્રગટ કરતું પદ – એ બે કાંઈક ધ્યાન ખેંચે છે. વધુ એક ત્રીજું પણ એની શબ્દ અને લયની છટાનો ખ્યાલ આપતું અટપટા, ચટપટા, લંપટા, કેલીઘટા એ આંતરપ્રાસવાળું, ‘વાઘ પડી’ એ રૂઢિપ્રયોગ યોજતું, ‘જીવડો ઝગમગે, અંગ સવિ ડગમગે, ફગમગે નેત્ર જોવાને રૂપ; નરસિંયો રગમગે લોક સહુ ચગમગે, કોપ્યો બોલે મંડલિક ભૂપ’ – એ આંતરપ્રાસના અતિરેકથી કાંઈક સસ્તું પણ બનતું – એની હથોટીનો કાંઈક નબળો પરિચય કરાવતું પદ છે. ‘મામેરું’માં કૃષ્ણને કેટલુંક સંભળાવવામાં આવ્યું હતું, તેવું વલણ આ કાવ્યમાં તો વધુ સ્થૂળ બને છે અને કાવ્યનો સૂર થોડોક એથી કથળે છે. એમ કહેવું રહે છે કે કસોટીની જેવી તીવ્રતા છે તેવી વાણીની ઉત્કટતા ‘હારસમેનાં પદો’માં જવલ્લે જ અનુભવાય છે. કાવ્યદૃષ્ટિએ ‘પુત્રનો વિવાહ’ એ સબળ અને સફળ કૃતિ છે. મામેરાનો એમાં ઉલ્લેખ છે એટલે મામેરાના પ્રસંગ પછી એની રચના થઈ છે. લાવો, સ્વપ્રતીતિના આ પ્રસંગો ગાઈએ, એમ માનીને નરસિંહે એ પ્રસંગો મામેરા પછી શબ્દબદ્ધ કરવા માંડ્યા લાગે છે. પણ એની સમગ્ર શક્તિ ‘પુત્રનો વિવાહ’ માં ખર્ચાઈ છે. એમાં આરંભમાં પોતે ‘અચેત ચેતન થયો’ તેની કથા જ રોમહર્ષણ છે અને ‘પુત્રનો વિવાહ’ના આરંભનાં, પાંચમા ભાગનાં, પદો એ રોકે છે. એવા અનુભવવાળી વ્યક્તિના પુત્રના વિવાહની વાત છે. રુક્મિણીએ ‘મ્રતલોક’માં આવવાની ઇચ્છા પણ બતાવી હતી એ સંદર્ભ પણ પાર્શ્વભૂમાં છે. ભગવાનને જાનમાં બીજા કોઈએ નહીં, માત્ર પોતે જોયા, એમ કહી ચમત્કારને અંગત અનુભૂતિનો વિષય જ રાખવાની સાવધતા પણ આ કૃતિમાં છે. વિવાહના પ્રસંગના આલેખનમાં એકંદરે સપ્રમાણતા, ઔચિત્ય અને રસવાહિતા છે. જાન વડનગર આવ્યાનું વર્ણન – ખાસ તો ઘોડાઓનું ચિત્ર – નરસિંહની જીવતી કલમની એક પ્રસાદી છે. ભગવાનને બધા આગળ રજૂ કરવાનો ચમત્કાર ટાળ્યો છે, પણ વેવાઈ પક્ષને પોતામાં શ્રીકૃષ્ણ અને માણેક મહેતીમાં લક્ષ્મી વગેરે દેખાયાનું વર્ણન પણ મહેતાની શૈલીની પ્રૌઢિનું દ્યોતક છે. છેલ્લું પદ આરંભની સાક્ષાત્કાર-સપ્તપદીની સાથે સંકળાઈને આખી કૃતિના આધાર-માળખા(ફ્રેઈમવર્ક)નો ભાગ બની રહે છે. આરંભની અધ્યાત્મ-અનુભવની સપ્તપદી ગુજરાતીના એક મહાન કવિની વાણી શી રીતે ફૂટી તેના સહૃદય આલેખનરૂપે ભાષાનો એક ચિરંજીવ અંશ બની રહેશે. ‘પુત્રનો વિવાહ’નું છેલ્લું પદ કવિનાં ‘પ્રભાતિયાં’ના પોતનું છે, અને પરિણતપ્રજ્ઞાના ઉદ્ગારો માટેની ભૂમિકા રચાઈ ચૂકી છે તેના પુરાવારૂપ છે. સખીભાવવાળી કૃષ્ણભક્તિની ભૂમિકા હજી પૂરેપૂરી સ્વીકારેલી છે અને એની ઉપર અદ્વૈતની માંડણી થતી આવતી જોઈ શકાય છે. સગુણ એ નિર્ગુણનું જ સ્વરૂપ છે. તે ‘બે નથી’, ‘એકલો’ છે, ‘વિશ્વથી વેગળો’ છે. એનું જ રૂપ છે આનંદમય કૃષ્ણ. સુંદરી રાધા અને સૌ વ્રજનારી એની ભક્ત છે અને એમનામાં એનો રસ વિલસે છે, ‘સખીરૂપે નરસિંયે તે પીધો.’ આ પદ તત્ત્વનિરૂપણ અને ઉક્તિ-સામર્થ્યને કારણે કવિની અદ્વૈતાનુભવની અષ્ટપદીમાંનું એક બની રહે છે.

૫. ઝારીનાં પદ – સખીભાવે કૃષ્ણને ભજતાં, નરસિંહ સૌ કોઈમાં કૃષ્ણને જોવા ટેવાયો હોઈ, માંગરોળમાં કાકા પરબતદાસને ત્યાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે રાતે કીર્તન કરતાં તરસ લાગી ત્યારે પુત્રવધૂએ અથવા તો કોઈ સંબંધી સ્ત્રી રતનબાઈએ પાણી આપ્યું તે વખતે એ તેનામાં મોહિનીરૂપ કૃષ્ણને જુએ છે અને એ સૌન્દર્યપ્રતીતિના કેફમાં પદો ગાય છે. ‘ઝારીનાં પદ’ તરીકે તે જાણીતાં છે.

આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે.
બાંહે બાજુબંધ બેરેખા પ્હોંચી, મનડું મોહ્યું છે એને મોઢે.
ઝાંઝર ઝમકે ને વીંછુવા ઠમકે, હીંડે છે વાંકે અંબોડે.
સોવ્રણઝારી તે અતિ રે સમારી, માંહે નીર ગંગોદક હોડે.
નરસૈંયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોડે.

બીજું ગીત સૌંન્દર્યનો આનંદ માણવા માટેના જાહેર નિમંત્રણનું છે. પગમાં વારંવાર ચંપાતાં ચીર, મુનિજનનાં કંપાતાં ચિત્ત, કપોલપર લળકતી દામણી, વીજ શી ચળકતી સાળુની કોર–એ ગતિશીલ ચિત્રો, અને બોલચાલની શૈલી ‘ચંચળદૃષ્ટે ચોદશ નિહાળતી’ એ સુંદરીની મૂર્તિને જીવંત કરી દે છે.

મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે,
ગોરી, તારે ત્રાજૂડે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે.
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, મેં તો જાણી છે ઈશ્વરી માયા રે.

ચંચળ દૃષ્ટે ચોદશ નિહાળે, માંહે મદનનો ચાળો રે.
નરસૈંયાચો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.

આ કૃતિમાં નર્યા સૌન્દર્યના અનુભવનો આનંદ એક જાતના લાડપૂર્વક સરલ નિર્દોષ નિખાલસતાથી ઉદ્ગારતાં નરસિંહની વશીકરણ-વાણીનો નમૂનો આપણને મળે છે. મોહિનીની દૃષ્ટિ ‘માંહે મદનનો ચાળો’ હોવા છતાં કૃતિ કામુકતાના ચિત્રની બનતી નથી. મોહિની રૂપે હાજર થયેલો નરસિંહનો સ્વામી ‘જોવા સરીખડો’ છે, આવો, સૌ આવો, જુઓ, ‘એ સુંદરીનું વદન નિહાળો’ – એમ એ નિર્મળ ભાવોદ્રેકથી ગાયે જાય છે. બીજા પદમાં અદ્ભુત રમણીય શબ્દશક્તિથી વ્યંગ્ય દ્વારા જે કહ્યું હતું તે ત્રીજામાં ખુલ્લું કરીને કહ્યું છે : ‘એ તો નારી નહીં, ગિરધારી રે’. –

બ્રહ્મા ઇન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે.
અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતરજામી રે.
વ્યભિચાર મૂકી જૂઓ વિચારી, એ તો નરસૈંયાનો સ્વામી રે.

અહીં આંખમાં મદનનો ચાળો નથી, ચિત્તનો ચાળો છે. વ્યભિચાર મૂકીને છબી જોવાની છે. કહે છે કે અંતર્યામી સ્વયં આ રૂપે પ્રગટ થયા છે, આ નારીસ્વરૂપ ઓળખે તેનો જનમનો ફેરો સફળ થાય. સુંદરીમાં હરિને જોવા, હરિનું મોહિનીસ્વરૂપ જોવું એ નરસિંહની આ અનુભૂતિનો મર્મ છે. આવી વૃત્તિનું ઉત્કટરૂપે નરસિંહમાં પ્રગટવું એ જ ચમત્કાર છે, બાકી કોઈ ચમત્કાર છે નહીં. એ સ્ત્રી તો રતનબાઈ હતી. એનો ભાઈ મહેતા પાસે આવીને એમને ઢંઢોળીને કહે પણ છે : જોતા નથી, રતનબાઈ તમને પાણી પાવા કેવી વ્યાકુળ ફરે છે ને તમે તો ભગવાનના મોહિનીરૂપનાં દર્શન કરવા સૌને તેડી રહ્યા છો! હવે પાણી પીઓ તો! પીધું તરસ્યા નરસૈંયાએ પાણી, પણ દિવ્યતૃષિત દૃષ્ટિએ પીવાતું મોહિનીસ્વરૂપ ત્યાં અંતરધાન થઈ ગયું.

પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે.
અંતરધ્યાન થયો અલબેલો, વાત સહુકોએ જાણી રે...

નારીના સૌન્દર્યની આભામાં પરમાત્માની પરમવિભૂતિ જોવાનાં નરવાં નેત્ર નરસિંહ પાસે હતાં. પ્રથમ બે પદમાં – ખાસ કરીને બીજામાં એ દર્શન અપૂર્વ સૌન્દર્યથી સાકાર થયું છે.

૬. પવિત્ર પ્રસંગ – નરસિંહના જીવનનો એક મોટો બનાવ જે એણે સ્વમુખે ગાઈને ચિરસ્મરણીય બનાવ્યો છે તે છે હરિજનોના નિયંત્રણનો સ્વીકાર કરીને તેમને ત્યાં પોતે ગયાનો, ભજન કરી સૌને પ્રસાદ વહેંચ્યાનો અને નાગરી નાતમાં સ્વેચ્છાએ ઉપહાસપાત્ર બન્યાનો.

ગિરિ તળાટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય

એક વાર એમને હરિજન ભાઈઓ–જેમનામાં દૃઢ હરિભક્તિ હતી તે–મળે છે. અને કહે છે ‘અમારે આંગણે કરો કીરતન.’

પ્રેમપદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ.
કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતોજી વૈષ્ણવ પરમ દયાળ.
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.
ગૌમૂત્ર તુલસીવૃક્ષ કરી લીંપજો. એવું વૈષ્ણવે આપ્યું વાક્દાન.
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ.
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ.
ઘેર પધાર્યા હરિજશ ગાતાં, વાતા તાળ ને શંખ મૃદંગ.
હસી હસી નાગર તાળીઓ લે છે : આ શા રે બ્રાહ્મણના ઢંગ!
મૌન ગ્રહીને મહેતોજી ચાલ્યા, અધવચરાને શો ઉત્તર દેઉં?
જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું?
નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કાંઈ વિવેકવિચાર.
કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવતણો મને છે આધાર.

ગુજરાતની ભૂમિ ઉપર ગાંધીજીની પહેલાં એક પરમવૈષ્ણવે ઉચ્ચ નાગરી નાતના ઉપહાસનો વિચાર કર્યા વગર જુગજુગથી અવહેલના પામતા હરિજનભાઈઓની પડખે ઊભા રહી તેમને અપનાવ્યાનો પ્રસંગ બન્યો છે એ આપણા સમાજજીવનની એક પવિત્ર ક્ષણ છે. ખુમારીથી નરસિંહ ગાય છે, – એ ઉદ્ગારો ભાષાની સિદ્ધિનો ભાગ બની ચૂકેલા છે :

એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે.
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;
તમારે મન માને તે કહેજો સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે...
હળવાં કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે.
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે.

૨. આખ્યાનકલ્પ કૃતિઓ

ચાતુરીઓ[37] – ઇચ્છારામ દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય-સંગ્રહ’માં ‘ચાતુરી છત્રીશી’નાં છત્રીસ અને ‘ચાતુરી ષોડશી’નાં સોળ પદો આપ્યાં છે. હસ્તપ્રતો ઉપરથી પચીસ (૨૧ અને ૨૨ જુદાં પાડવામાં આવે તો છવ્વીસ) ચાતુરીઓ મળે છે. સત્તરમી ચાતુરીના આરંભમાં ‘આજે મેં એવી ચાતુરી જાણીજી, મારગ થઈ બેઠો દાણીજી’, અને ચોથી કડીમાં ‘રૂડી પેર જાણો નહીં તો જુઓ ગોપાળની ચાતુરી’ એ પંક્તિઓમાંનો ‘ચાતુરી’ શબ્દ ગોપાલકૃષ્ણની દાણ માગવું, વનક્રીડા કરવી વગેરે વિવિધ ચાતુરીનો નિર્દેશ કરે છે. કૃષ્ણની આવી લીલા વર્ણવતી પદમાળાને માટે ચાતુરીઓ નામ પ્રચલિત બન્યું હશે. ચૌદમા પદને અંતે ‘વિહારચરિત્ર વિનોદલીલા, જા, નારસિહો થઈ માણજે’ એ ચાતુરીઓ માટે ‘વિહારચરિત્ર’ અથવા ‘વિનોદલીલા’ જેવી સંજ્ઞાનો સંભવ નિર્દેશે છે. સાતમા પદને અંતે પણ ‘નારસિયા જુગજુગ અવતરી વિહારચરિત્ર તું બોલ’-માં પણ સ્પષ્ટ ‘વિહારચરિત્ર’નો ઉલ્લેખ છે. પહેલી દસ ચાતુરીઓમાં જયદેવના ‘ગીતગોવિંદ’ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. પહેલા પદમાં કૃષ્ણને લલિતા પૂછે છે : ‘કેહી કામણગારીઇં તાહરી, હરિ, સુદ્ધ બુદ્ધ સાન?’ બીજામાં કૃષ્ણ જવાબ આપે છે. ‘વળતા બોલ્યા યુગવિસરામ, લલિતા, રાધા ઈહનું નામ.’ વ્રજગોપીના સ્નેહ ખાતર પોતાનો અવતાર છે એમ એ કહે છે :

અબળાને હેતે આવિયો, માહરો વ્રજ વિખે અવતાર.
વસ-વરતી વ્રજનારનો નિગમ કહે નિરધાર.

વનમાં રાધા સાથે રમતાં રાધાને વાંકું પડ્યું અને રીસાઈને એ ગઈ, ‘પ્રેમદા તે લઈ ગઈ પ્રાણ.’

‘કિહાં જાઉં, લલિતા? કિમ કરું? કિમ ધરું ધીરજ મન્ન?
તાહરા સમ, તારુણી વિના ત્રિલોક લાગે સુનં...
માનનીને મળવા તણો કરો કોઈ ઉપાઈ.

‘આધીન અનુચર તાહરો, તું જસ લે રે, યુવતી’ – એમ કહેવાની હદે એ જાય છે. ત્રીજા પદમાં ‘હું મનાવું નિમેખમાં’ કહી લલિતા ‘અંબર લેઈ આંસુ લુહે’ છે. દૂતી તરીકે એ જાય છે ને જુએ છે તો રાધા ‘ત્રિલોકસુંદર તારુણી સોકસાગર પડી શ્યામા લલિતાઈ દીઠી અણમણી’. ચોથા પદમાં તે રાધાને સમજાવે છે : ‘શ્રી નંદનંદન તાહેર કાજે વૈકુંઠ આવ્યો પરહરી.’ માટે ‘પીઉ સાથે પ્રેમદા, કહું છું, તું અધિક મ તાણ; જોવન આપી નાથને માણી શકે તે માણ’. પાંચમા પદમાં રાધા શણગાર સજે છે. મધ્યકાલીન સુંદરીશણગારનું એ એક લાક્ષણિક વર્ણન છે. છઠ્ઠા પદમાં લલિતા રાધાનું માન વધારવા તેને યમુનાતીરે કદમ્બવૃક્ષ નીચે રાહ જોવા કહી કૃષ્ણ પાસે જાય છે ‘મહા મંત્ર જેમ જપે જોગી ધરીને મનમાં ધીર’, તેમ ‘રાધા રાધા કરે માધવ.’ સાતમા પદમાં કૃષ્ણ દૂતી લલિતાને કૌસ્તુભમણિનો હાર અર્પે છે. લલિતા કહે છે : ‘સલૂણી સુકુમાર છે, કરજો તે ઘણી રે જતન્ન.’ પછી એકાન્તવિહારનું વર્ણન છે. ‘તે સમે રસ તે જ સ્થાનક ઊપનો રે અગધા.’ કવિ કહે છે, ‘કર્મજડ પામે કિહાંથી, અન્ય-ઉપાસી જેહ?’ અમૃત પણ એ રસની તોલે ન આવે. આઠમા પદમાં પણ વનક્રીડાનું વર્ણન છે. નવમામાં કવિના આત્મચરિતનું પૃષ્ઠ ઊઘડે છે. પોતે ત્યાં હતો, પોતાને હાથમાં દીવી આપી (જેને લીધે એ દિવેટિયો કહેવાયો) અને પછી કરતાલ આપી, દૂતીકાર્ય સોંપ્યું. – આ બધું મહાદેવે દિવ્યચક્ષુ દ્વારા અનુભવાવ્યું. અનુભવેલા રસનું પોતે ગાન કરી રહ્યો છે. દસમામાં સખીઓ પ્રિયતમ પાસેથી પાછી આવેલી વ્રજાંગનાને ‘રસભર્યાં દીસે તારાં નેણ... કપોલ તાહરા હસી રહ્યાં... પીતાંબર કિહાં પાલટ્યું, નીલાંબર તારું જોઈ,... ઊંચું તે જોની, અંગના, કાં ઢાળે નીચાં નેણ?’ – વગેરે નર્મવચનોથી મૂંઝવે છે તેનું વર્ણન છે. આમ દસ પદ સુધી એક સળંગ વૃત્તાન્ત આપવામાં આવ્યો છે. પછીનાં પદોમાં દાણલીલાના કે અન્ય નિમિત્તે ગોપી અને કૃષ્ણની ક્રીડાનાં વર્ણનો છે, જેમાં પુનરાવર્તન પણ ઘણું છે. ક્વચિત જ ઉક્તિવૈચિત્ર્ય જોવા મળે છે. અર્ધનિમીલિત નયન અને ખંડિત વચન (પ્રેમાનંદની ઓખાની ‘આખી ભાગી વાત’)નું એક વર્ણન તે દસમી પછીની ચાતુરીઓમાં એકમાત્ર આશ્વાસન છે :

અધમળ્યાં નએણે રે કે અધમળ્યાં નએણે,
ખંડિત વએણે રે કે ખંડિત વએણે,
ખંડિત નએણે વાત કરતાં પુષ્પ ઝરતી પદમની.
મુખમકરંદે ભુવન ભારતી વિલસી વીતી શરદની.

સુરતસાધના – ‘સુરતસંગ્રામ’નું વર્ણન ‘જીણે ગોવરધન કર ધર્યો તેહને મેં રાખ્યો ઉર ધરી’, ‘કુસુમની પેરે કુચ પર રાખિયો ચારે જામ’, ‘હું હતી જોબન-સમે, કુચફળ પિયુડાજોગ’ એ રીતે થયાં કરે છે. એક કાંઈક જાડી ઉપમા અધરરૂપી ફળ પિયુરૂપી પોપટના મુખમાં મૂકવા અંગેની (‘સૂડલો થઈને શ્રીહરિ અમૃતફળ મુખમાં લીઈ’) વારંવાર યોજાઈ છે. ‘મલણ ખોટું મન વિના’, ‘માહરે તે માણસમાંહે ચાલવું, તુજને તે નહીં ઉચાટ’ એવા નર્મ-ઉદ્ગારો ક્યારેક જ વચ્ચે આવે છે. બાકી વાચ્યાર્થ દ્વારા જ ‘કરતી હું કામકલ્લોલ’ – એનાં વર્ણનો છે. ગોપી કહે પણ છે : ‘રખે કહેને જણાવતી વ્યભિચારની એ વાત’. વાચ્યાર્થની મદદથી રજૂ થતી વ્યભિચારની વાત ચમત્કૃતિ-રહિત છે, આધ્યાત્મિક અર્થના પ્રતીક તરીકે એને ઉઠાવ મળવાનો તો સંભવ જ રહેવા પામતો નથી.

સુદામાચરિત્ર[38] – ભાગવતમાં આલેખાયેલું સુદામાચરિત્ર ગુજરાતીમાં તેમ જ દેશની ઘણી ભાષાઓમાં કાવ્યવિષય બન્યું છે. નરસિંહ નવ પદોમાં સંક્ષેપમાં પણ સુદામાની કથાનાં મુખ્ય મુખ્ય ભાવબિંદુઓને સરસ ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરે છે. પહેલામાં સુદામાપત્નીની પતિને દ્વારકા જઈ કૃષ્ણને, એ ‘મિત્ર છે તમતણા’ કહી, મળવાની વિનંતી છે. બીજામાં, મિત્ર બાળપણનો સંબંધ ભૂલી પણ ગયો હોય, વળી દબાવીને વાત શી રીતે થઈ શકે? સૌ મને ત્યાં હસશે, ઘેર મૌન બેસી રહેવું સારું; – એ સુદામાનો પ્રતિભાવ છે. ત્રીજામાં ફરી કલાવીને પત્ની કહે છે : તમારે પ્રભુજીની ભક્તિ એ જ આધાર છે, હું જાણું છું. પણ એને ત્યાં સૌ એકસરખાં છે. ‘પ્રીતની રીતે’ તમને એ અવશ્ય ભેટશે. સુદામા પલળે છે. કહે છે : મારા વેશનું તો જાણે, સમજ્યા, પણ કાંઈ ભેટ તો લઈ જવી જોઈએ ને? ચોથામાં વળી ગુરુપત્ની એમને ધોતિયાને છેડે માગી આણેલા તાંદૂલ બંધાવતી, શબરીનાં બોર ને વિદુરની ભાજી આરોગનારા ભક્તિવશ પ્રભુ ‘જાણશે થોડે ઘણું’ એવો સધિયારો દેતી, એ તો ‘ભક્તિના મન તણો ભાવ જાણે’– તમારે મોઢે ચઢીને માગવાવારો પણ નહીં રહે, તમતમારે જાઓ. મુક્તિપુરી દ્વારકાનો આનંદ તો માણી આવો – કહેતી પ્રેમવિદાય દે છે. પાંચમા પદના આરંભમાં યાત્રિક સુદામાનું આંતરપ્રાસથી સુરેખ ઊપસતું ચિત્ર અને મનોમંથન નરસિંહની શબ્દશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે :

ચાલિયો વાટમાં, જ્ઞાનીના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો.
ધન્ય એ નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ હે કૃષ્ણ હે – મુખ કહેતો.
માગતું મૃત્યુ–પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધો ત્યાંહાં પ્રીત તૂટે.
કહ્યું મેં, અબલા, સુખે બેસી રહો, માગતાં તો બધો મર્મ છૂટે.

– એમ કરતો એ દ્વારકા પ્રભુના નિવાસને દ્વાર આવી પહોંચ્યો. દ્વારપાળે દયા કરીને ખબર આપી. કૃષ્ણ સામેથી ‘ચાલીને ભેટિયા’, સુદામાને હેમસિંહાસને આગ્રહ કરીને બેસાડવા જતાં ‘તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટાં’. સારી રીતે નવડાવી, ‘કનકની પાવડી ચરણ આગળ ધરી’, ‘પુનિત પીતાંબર પહેરવા આપિયું’ અને જમાડી પલંગ પર સુવાડ્યો. છઠ્ઠા પદમાં ‘ભાગ્ય જોજો, બાઈ, કૃષ્ણ-ભિક્ષુક તણું’ – એમ રુક્મિણી આદિ આશ્ચર્ય અનુભવે છે. સુદામા આરામ કરી ઊઠ્યા પછી કૃષ્ણ સમાચાર પૂછે છે : બ્રહ્મચર્યાશ્રમમાં જ છો કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે? મને મનમાં આણ્યો એ મારું મોટું ભાગ્ય. તમારી ખબર સરખી ન રાખી એ મારો દોષ. ‘કામિનીકેફમાં હું જ ડૂલ્યો.’ પછી સાંદીપનિના આશ્રમમાં બંને રહેલા તેનાં સ્મરણો કાઢ્યાં : ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?’ ભાભીએ ભાવપૂર્વક જે ભેટ મોકલી હોય તે આપો, અમારે માટે બહુ મીઠી નીવડશે. ‘સંકોચતો ગાંઠડી વિપ્ર આઘી ધરે. નરસૈના સ્વામીએ નજરે દીઠી.’ સાતમા પદમાં કૃષ્ણે બે મૂઠી તાંદૂલ પ્રેમે આરોગિયા’ ત્યારે રુક્મિણીએ ‘એક રહ્યાં અમો, એક બીજા તમો’ કહી ‘હાથ સહાયો ત્રીજી મૂઠી ભરતાં’ તેનું, સુદામાને ન સમજાતું, રમણીય ચિત્ર છે. ઘેર જવા એ રજા માગે છે. એ જાણતો નથી પણ હવે ‘ભૂખના દુ:ખની ભીડ ભાગી’ છે. આઠમા પદમાં રસ્તો કાપતો સુદામા ‘ચિત્તમાં શોચી વિચાર કરતો : આપ્યું તો કાંઈ નહીં’ : કામિનીકથને દ્વારકા ગયો તો ખરો, પણ

બાલ ગોપાલ જે વાટ જોતાં હશે તેહને જોઈ અમો શુંય કહેશું?
મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે, કામનીને ઉત્તર કેમ દેશું?
એમ ચિંતા કરે, નેત્રથી નીર ઝરે, કર્મની વાત મનમાંહી ધારી.
નરસૈંનો નાથ તો અતિઘણો લોભિયો, પીતાંબરી પણ લીધી ઉતારી!

આ માનવીભાવ ભક્તહૃદયમાં ડોકાઈ ગયો, પણ પછીના – છેલ્લા નવમા – પદમાં પાછી એની ઉપર ભક્તિની મૂળ પ્રકૃતિ સરસાઈ ભોગવે છે :

ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી, દીન જાણી મને માન દીધું.
બાળપણા તણો સ્નેહ નવ વીસરિયો, મિત્રમોહન તણી પ્રીત સાચી.

કૃષ્ણ હેતથી હળ્યામળ્યા – એ બધું સંભારતો, ધ્યાન ધરતો, સુદામા ‘નિજ દ્વાર આવ્યો’ અને ચોમેર જુએ છે તો ‘દેવ શું દ્વારિકા આંહી લાવ્યો!’ બધું બદલાઈ ગયું છે. પત્ની આવીને કહે છે કે તમે ‘કૃષ્ણને નીરખિયા, પુણ્ય પ્રકટ થયું, પાપ નાઠું તે થકી સમૃદ્ધિ આ સકલ તે સાંપડી.’ સાંભળીને ‘કૃષ્ણ કહેતા તે નિજ ધામ પધારિયા.’ ઊલટભર્યાં ભક્તદંપતી વળી ઝાઝેરી ભક્તિ કરવા ‘નવલજોબન થયાં’, અને પ્રભુને વિનતિ-પ્રાર્થના કરવા લાગ્યાં. ‘વિનતિ ઉચારતાં, રજનિ વીતી ગઈ, નરસૈંના સ્વામીની પ્રીત ભારી.’ નવ પદમાંથી ચાર પતિ પત્નીના, દ્વારકા જવું કે નહીં એ અંગેના સંવાદમાં – તેમાં બીજું આખું તો સુદામાના મનોમંથનમાં જ – ખર્ચવામાં ઔચિત્ય રહેલું છે. વળી પાંચમાનો પ્રથમાર્ધ એકલા પડેલા સુદામાના મનોમંથનનો છે. પાંચમાનો ઉત્તરાર્ધ, છઠ્ઠું અને સાતમું એમ અઢી પદ કૃષ્ણની મુલાકાતને અપાયાં છે વળી વધુ દોઢ પદ સુદામાનું મનોમંથન રોકે છે. છેલ્લે અર્ધામાં નિર્વહણ છે. જોવાનું એ છે કે નવ પદમાંથી ત્રણ જેટલાં પદ સુદામાના આત્મમંથનનાં છે. નરસિંહ સુદામાને માનવી તરીકે જરૂર ચીતરે છે, પણ એની ભક્તિમયતાને એ પ્રાધાન્ય આપે છે. કૃષ્ણની ખડકીને બારણે જઈ ચઢેલા કોઈ ભીખમંગા બ્રાહ્મણ જેવું પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર’નું ઉપહસનીય પાત્ર ક્યાં અને ક્યાં નરસિંહે આલેખેલું સમાનધર્માનું પાત્ર? પ્રેમાનંદ કથાનાં મુખ્ય મુખ્ય રસબિંદુઓ – ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?’, ‘સંકોચતો ગાંસડી વિપ્ર આધી ધરે’, રુક્મિણીનું કૃષ્ણને ત્રીજી મૂઠી ભરતાં રોકવું, સુદામાનો ‘પીતાંબરી પણ લીધી ઉતારી’ ઉદ્ગાર વગેરે – નરસિંહમાંથી મેળવે છે. કેટલુંક એની અનોખી કલામયતાની સંજીવનીથી પ્રફુલ્લી ઊઠે છે. નરસિંહમાં વીસરી ગયું કે સાંભરે એમ કૃષ્ણનો એકનો જ પ્રશ્ન છે તે પ્રેમાનંદમાં ‘તને સાંભરે રે’, ‘મને કેમ વીસરે રે?’ – એમ સુંદર સંવાદરૂપે ખીલી ઊઠે છે. પણ ‘મૂળગાના મારા તાંદૂલ ગયા’– એટલા સુધી સુદામાના આકળાપણાને પ્રેમાનંદ લઈ જાય છે. પછીથી ઘરનો રસ્તો કાપતાં પ્રેમાનંદ પણ રાબેતા મુજબ સુદામાને ભક્તિ કરતો બતાવે છે જ, પણ શું પત્ની સાથે વાત કરતાં, શું દ્વારકા જતાં, શું પાછા વળતાં, પ્રેમાનંદના સુદામાની છાપ ઉદાત્ત ભક્ત કરતાં મુખ્યત્વે એક બિનવ્યવહારુ માણસની પડે છે. એમાંથી એનો હાસ્ય ઉદ્ભવે છે અને છેલ્લે બદલાઈ ગયેલાં ઘરબારમાં તેડતી સ્ત્રીઓને ‘પાપણીઓ, તમને પરમેશ્વર પૂછશે’ આગળ એ હાસ્ય સ્વયં ઉપહસનીય બની બેસે છે. નરસિંહ માટે સુદામા કોઈ એવું પાત્ર નથી, એ પોતાની આદર્શ અસ્મિતા (ઓલ્ટર ઈગો) રૂપ છે, હમસફર છે, સમાનધર્મા છે. જીવનમાં વારંવાર એને પોતાને પણ કૃષ્ણને જાચવાના પ્રસંગ – આવ્યા છે. (સામળશાના વિવાહનો ઇચ્છારામ સૂ. દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં જે પાઠ આપ્યો છે તેમાં માણેકબાઈની વિનંતીથી નરસિંહ કૃષ્ણને જાચવા દ્વારકા જાય છે અને કૃષ્ણ સુદામાના જેવું જ પ્રેમભર્યું સ્વાગત કરે છે, – વિશેષમાં પોતે લગ્ન અંગેની બધી તજવીજ કરી આપે છે. એનાં સાત – ૧૭ થી ૨૩ – પદ છે. ‘સુદામાચરિત્ર’ના નબળા અનુકરણનાં પદો ઉમેરવાની કોઈએ સહેજે તક ઝડપી લીધી લાગે છે.) મહાદેવ યુવક નરસિંહને ‘મુક્તિપુરી’ લઈ જાય છે ત્યાં એ ‘કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા’ જુએ છે. ‘સુદામાચરિત્ર’માં ‘કનકની ભૂમિ ને રત્નના થાંભલા’નું વર્ણન છે. આરંભમાં સુદામાપત્નીના જ ‘નિરધન સરજિયાં’ તે ઉદ્ગારો ‘મામેરું’ના ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રી હરિ?’ – ની યાદ આપે છે. નરસિંહમાં સુદામાની પત્ની ‘ઘેર બાળક સહુ, દુઃખ પામે બહુ, અન્ન ને વસ્ત્રથી રહે છે ઊણાં’ – એમ ઊણપની વાત કરે છે, પ્રેમાનંદની ઋષિપત્નીની જેમ ‘માગે, બાળક લાવો અન્ન’ એ રીતે આક્રોશ કે અનુરોધ કરતી નથી. જઈશ તો પણ મોં ખોલી નહીં શકું, સારો નહીં લાગું, એમ પતિ કહે છે ત્યારે નરસિંહની સુદામાપત્ની પતિ પ્રત્યે સહાનુભૂતિથી બોલે છે તેમાં હૃદયની અત્યંત સુકુમારતા છે. ‘સ્વામી, સાચું કહ્યું, બોલવું નવ રહ્યું’, વળી ‘કંથનાં વચન તે વેદવાણી’. ‘મારું ક્યાં અજાણ્યું છે? ‘ભવતણું નાવ તે, ભક્તિ ભૂધર તણી, તેહ હું પ્રીછવું સ્નેહ આણી.’ તમારાથી ‘નથી હરિ વેગળા, ભક્તિભાવે મળ્યા.’ તમારે ક્યાંય એમની પાસે જવાપણું પણ ન હોય. પણ તમો એમને મળો તો પ્રીતની રીત એ ચૂકે, મોટાનાનાનો ભેદ કરે, એ બનવા સંભવ નથી. ચાલ, તું કહે છે તો જાઉં, – એમ સુદામા તૈયાર થાય છે. લજામણી સીકલ તરફ ધ્યાન ખેંચી સૂચવે છે કે માગવાના ખ્યાલથી જાઉં છું એટલે અને તેમાં વળી ભેટ લીધા વગર જઈશ તો એ વળી વધુ લજામણી બનશે. ખરી વાત એ છે કે નરસિંહના સુદામાચરિત્રમાં પત્ની પતિને દ્વારકા જવા કહે છે, કૃષ્ણને જાચવાનું – કશી માગણી કરવાનું એક વાર પણ એ કહેતી નથી. પુણ્ય વિના નિર્ધન છીએ. કૃષ્ણનાં દર્શનથી અને ગોમતીસ્નાનથી પાપ દૂર થશે. માગવાનો તો સવાલ જ નથી, મારા નાથ, એ ભક્તના મનનો ભાવ જાણવાવાળો છે એમ એ કહે છે. પતિ પાછા વળે છે ત્યારે ‘સ્વામી રે સ્વામી’ કરતી અરધી અરધી થઈ જતી. એ તો એની એ પ્રતીતિમાં જ મસ્ત છે કે પતિએ ગોમતીસ્નાન કર્યું, કૃષ્ણનાં દર્શન કર્યાં, એટલે પુણ્ય પ્રગટ થયું, પાપ ગયું અને સારી સ્થિતિ થઈ. નરસિંહે આખો ભાર સુદામા ઉપર મૂક્યો છે. નવ પદના સુદામાચરિત્રની રચના એણે ‘મિત્ર’ શબ્દને આધાર તરીકે રાખીને કરી છે. ભાગવતમાં ઋષિપત્નીના શબ્દો છે : सखा साक्षात् श्रिय: पति: (સાક્ષાત્ લક્ષ્મીપતિ મિત્ર છે). દામ્પત્યજીવનમાં મિત્ર મોહનની વાત તો સુદામાથી ક્યારેક ને ક્યારેક થયાં જ કરી હશે. ઘણાં વરસે બહુ ઊણપ વરતાઈ ત્યારે પત્ની કહે છે : ‘જદુપતિનાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે’. કાવ્યનો આરંભ જ એ ‘મિત્રતા’ સંભારી આપવા દ્વારા થાય છે. મોહન ‘મિત્ર’ છે એ વાત તો સાચી. પણ મિત્ર આ રીતે મુશ્કેલી ઊભી કરશે એની સુદામાને કલ્પના પણ નહીં. બીજા કડવાને અંતે સુદામા કહે છે : ‘મૌન બેસી રહો... દુરિજન લોક તે છોને લવતાં રહે.’ તો, સુદામાને કૃષ્ણસરખા મિત્ર છે એ વાત લોક પણ જાણે છે શું? સુદામા નિર્ધનદશામાં જીવે છે એ વિશે એ લવ્યા કરતાં હશે – કૃષ્ણ જેવા સુદામાના ‘મિત્ર’ છે ને જુઓ તો કેવી રીતે ભાઈ જીવે છે! – એમ ઉપાલંભવચનો બોલ્યાં કરતાં હશે? સુદામાને કૃષ્ણ તરફ ધકેલવાનો બોજો નરસિંહની કૃતિમાં પત્ની ઉપર જ ન રહેતાં લોકો પર – ‘દુરિજન’ પર જાય છે. ‘મિત્ર’ શબ્દ એ દુરિજનોના મુખથી ઉચ્ચારાતાં વ્યંગ્યાર્થ ધારણ કરે છે. સુદામા દ્વારકા તરફ ધપી રહ્યો છે – ‘મિત્ર મોહનતણું નામ લેતા’, ત્યારે ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે. પદ-૮માં ‘મિત્ર મોહનતણું હેત જ્યારે પૂછશે, કામિનીને ઉત્તર કેમ દેશું?’ –માં મિત્ર અંતરાત્માએ ઓળખેલો નહીં, પણ લોકજીભે ગવાતો મિત્ર છે. પણ વળી પાછો પદ-૯ માં ‘મિત્ર મોહન તણી પ્રીત સાચી’માં અંતરાત્માની દૃઢ પ્રતીતિ જેના અંગે છે તે ‘મિત્ર’નો ઉલ્લેખ છે. આમ, ‘મિત્ર’ એ શબ્દ બે રીતે યોજાયો છે. (૧) સુદામા જિંદગીમાં ક્યારેય કૃષ્ણને દ્વારકામાં જઈને પ્રત્યક્ષ ન મળે તો પણ પૂરા વિશ્વાસથી એમને પોતાના ‘મિત્ર’ તરીકે નિરંતર અનુભવે છે. એ તો મનોમન સાક્ષી છે. એનાં પત્ની પણ પતિને ખરેખર કૃષ્ણના મિત્ર માને છે. પદ ૪માં એ એને ‘સમોવડ’ પણ લેખે છે. પણ પત્નીને મુખે કૃષ્ણ માટે મિત્ર શબ્દ ઉચ્ચારતાં, સુદામા ભડકે છે. અંતરાત્માના સંબંધની વાત હતી એ આમ ક્યાં પ્રગટ થઈ? (૨) મિત્ર શબ્દ પત્નીને મુખે (પત્નીના હૃદયથી તો પવિત્રભાવે) ઉચ્ચારતાં લવરી કરતાં બીજાં લોકો – ‘દુરિજનો’– ને મુખે વ્યંગમાં ઉચ્ચારાતાં મિત્રનો ખ્યાલ આગળ આવે છે અને એ અવતરણ-ચિહ્નમાં મૂકીને ઉચ્ચારાતો ‘મિત્ર’ શબ્દ સુદામાની સ્થિતિ પર જુદી રીતે પ્રકાશ નાખે છે. પહેલી જ પંક્તિમાં ‘મિત્ર છે તમતણા’માં પણ એનો પડછાયો પડે છે. ઘેર પાછા વળતાં ‘મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે’-માં તો સુદામા પોતે પણ મિત્ર શબ્દ ચાવીને આત્મોપહાસ કરતા બોલતા હોય એવું જોઈ શકાય છે. આમ, એક શબ્દને એકવાર સરળ રીતે અને એ જ શબ્દને બીજીવાર વ્યંગ્યપૂર્વક યોજીને નરસિંહે એક જાતની વક્રોક્તિની – એક જાતના કટાક્ષની (આયર્નીની) સ્થિતિ નિર્મી છે અને એને પોતાની કાવ્યકૃતિના સંઘટક તત્ત્વ (સ્ટ્રકચરલ પ્રિન્સિપલ) તરીકે યોજી છે. પોતે કૃષ્ણનો મિત્ર છે અને નિર્ધનનું જીવન જીવે છે એમાં સુદામાને મન કશી વિધિવક્રતા નથી, પણ વ્યવહારુ લોકો – પેલા ‘દુરિજનો’ એ પરિસ્થિતિ પાછળની વક્રતા અંગે લવરી કરી મરે છે. આ બે દૃષ્ટિબિંદુઓની સહોપસ્થિતિ ‘મિત્ર’ શબ્દને બે રીતે યોજીને નરસિંહે સિદ્ધ કરી છે ને કાવ્યનો રસ નિપજાવ્યો છે. ‘પીતાંબરી પણ લીધી ઉતારી’માં સુદામા જેવા સુદામા પણ ક્ષણ માટે – ક્ષણાર્ધ માટે બીજા દૃષ્ટિબિંદુને વશ થઈ જતા લાગે છે, તો ‘શ્રીપતિનાથે મને રંક સરજાવિયો, એમ કરતો દ્વિજ દ્વાર આવ્યો’ એમાં ‘શ્રીપતિ’ અને ‘રંક’નો વિરોધ વ્યક્ત કરવા દ્વારા સુદામા બીજા દૃષ્ટિબિંદુની સભાનતાપૂર્વક પોતાના દૃષ્ટિબિંદુ પર મુસ્તાક હોય એ રીતે પ્રતીત થાય છે. નરસિંહની ભક્તિમાં કશે આત્મ-અવસાદ, આત્મઅવહેલના, આત્મનિર્ભર્ત્સના નથી. ભગવાનનો બન્યો ત્યારથી પોતે ‘નર-સિંઘ સરખો’ છે. આત્મપ્રતીતિના ગાનમાં કૃષ્ણમુખે એ કહેવડાવે છે, ‘નરસિંયો ભક્ત મુજ તોલ જાણો’, ‘હું અને તું વિશે ભેદ નહિ, નાગરા.’ નમ્રતાનો પાર નથી, ભગવન્મયતાની સીમા નથી, પણ ભગવાનને લીધે તો ‘કીડી હતો તે કુંજર થૈ’ને ઊઠ્યો છે. ભક્તિ-પ્રભુમયતા એ જ માણસની સાચી ગૌરવની સ્થિતિ છે, બીજી બધી ગૌરવચ્યુતિની અવદશા છે, આમ પોતે અનુભવતો હોઈ સમાનધર્મા સુદામાનો વિચાર કરતાં નરસિંહ સુદામાની કૃષ્ણ સાથેની મિત્રતાને જ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે. કાવ્યમાં સંઘટકતત્ત્વ તરીકે નરસિંહ સહજ એ ‘મિત્ર’ શબ્દની પરિસ્થિતિજન્ય દ્વિવિધ અર્થસંભાવનાને પ્રતિભાવવશાત્ યોજે છે. નરસિંહનું ‘સુદામાચરિત્ર’ એ પદોની માળા નથી, સુરેખ સપ્રમાણ ઘાટીલું આખ્યાનક છે. દશમસ્કંધ પદમાળા રૂપે આપનાર ભાલણ પાસેથી નળાખ્યાન, કાદંબરી, અ પ્રબંધરચનાઓ–આખ્યાનો મળવાં શરૂ થયાં અને આખ્યાનકારશિરોમણિ પ્રેમાનંદની અપ્રતિમ કથનશૈલી દશમસ્કંધની પદમાળામાં પર્યવસાન પામી, પદમાળામાંથી આખ્યાનનું બંધાવું અને અંતે આખ્યાનનું પદમાળામાં રેળાવું એ બે બિંદુઓ વચ્ચે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતાનો સમગ્ર ઇતિહાસ સમાયેલો છે. પણ ભાલણની પૂર્વે નરસિંહના ‘સુદામાચરિત્ર’માં આખ્યાનકવિતાનો અરુણોદય જોવો શક્ય છે. નરસિંહના ‘સુદામાચરિત્ર’ના અવયવે અવયવમાં જે ઔચિત્ય છે, વાણીમાં જે પ્રાંજલતા અને પ્રગલ્ભતા છે, શિલ્પીની જે સુપ્રમાણતા છે, કાવ્યનિર્માણમાં ‘મિત્ર’ શબ્દના ઉપયોગથી અનાયાસે સધાતી જે સચેતના છે તે એ લઘુકૃતિને નરસિંહની જ નહીં, ગુજરાતી ભાષાની ગણનાપાત્ર કૃતિઓમાં સ્થાન અપાવવા પર્યાપ્ત છે. તા૰ક૰[39] – નરસિંહના સુદામાચરિત્ર ઉપર નામદેવના સુદામાચરિત્રની અસર નથી. એ બે કૃતિઓ વચ્ચે એવું કોઈ સામ્ય નથી. વળી નામદેવે સુદામાચરિત્ર આદિ કથાનક રચ્યા અંગે જ શંકા છે. નામદેવનાં ‘પૌરાણિક કથાનકે’ અને ‘સંતચરિત્રે’ મળે છે. એ બધાં જ નામદેવનાં હોવા વિશે વિદ્વાનોને ખાતરી નથી. સંતચરિત્રમાં ‘નરસી મેહતા’નું ચરિત્ર હૂંડીનો પ્રસંગ ૪૦ અભંગોમાં આલેખે છે (‘નામદેવાચી ગાથા’ ચિત્રશાળા પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૭૧૫-૭). નામદેવનો સમય ઈ. ૧૨૭૦-૧૩૫૦ છે એટલે નરસિંહની પૂર્વે તેઓ થઈ ગયા હોઈ ‘નરસી મેહતા’ના ચરિત્રમાં ‘નામા મ્હણે’ એવી નામમુદ્રા હોવા છતાં તે પ્રામાણિક નથી. વિષ્ણુદાસ નામા નામના પંડિતની, નામદેવની ભાવાત્મક કૃતિઓ કરતાં જુદી જાતની, રચનાઓ મળે છે અને એ કવિ નામદેવથી ભિન્ન છે એવો ડૉ. તુળપુળેનો અભિપ્રાય છે (‘પાંચ સંતકવિ’, આવૃત્તિ બીજી, પૃ. ૧૩૯), એ રચનાઓમાં ‘વિષ્ણુદાસનામા’ ‘નામા વિષ્ણુદાસ’ એવી નામમુદ્રા મળે છે. ‘પૌરાણિક કથાનકે’માં કેટલેક ઠેકાણે ‘નામા મ્હણે’ છે તો કેટલેક ઠેકાણે ‘નામા વિષ્ણુદાસ’ કે ‘વિષ્ણુદાસ નામા’ની નામમુદ્રા પણ છે. પણ અર્ધાથી અધિક અભંગોમાં ‘નામા મ્હણે’ હોઈ અને કીર્તનસંપ્રદાયના પ્રવર્તક નામદેવે કીર્તનરૂપે કથાનકો જોડ્યાં હોવાનો સંભવ હોઈ દશાવતાર, પ્રહ્લાદચરિત્ર, સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનકો નામદેવે જ કીર્તન દ્વારા ભાવભક્તિના પ્રચાર અર્થે લખ્યાં હોવાં જોઈએ એમ ડૉ. હેમંત વિષ્ણુ ઈનામદારનું માનવું છે (‘સંત નામદેવ’, ૧૯૭૦, પૃ. ૧૭૧-૨). ‘સુદામાચરિત્ર’માં તો ‘નામા મ્હણે’ એવી જ મુદ્રા છે, ‘વિષ્ણુદાસ નામા’ની નથી. પણ ૧૯૭૦માં મહારાષ્ટ્રના શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય (મુંબઈ) તરફથી ડૉ. સરોજિની બાબરની અધ્યક્ષતા નીચે નામદેવગાથાસમિતિએ પ્રગટ કરેલ ‘નામદેવ ગાથા’માં સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનક આપવામાં આવ્યાં નથી.

દાણલીલા[40] – નરસિંહની કાવ્યશક્તિનો સુપેરે પરિચય કરાવતું ૭૮ પંક્તિનું આ કથાકાવ્ય અથવા પ્રસંગકાવ્ય છે, કહો કે વિસ્તરેલું કથનોર્મિકાવ્ય છે. ગાયો ચરાવવા ગયેલા શ્રીકૃષ્ણ રાધાને જુએ છે અને ગોરસનું દાણ માગે છે અને થોડીક રકઝક પછી રાધાની વિનંતી પરથી વેણુ વગાડીને એનું મન મનાવે છે – એટલા કથાતંતુની મદદથી, દાણલીલાને મિષે, કાવ્યના મધ્યમાં રાધા અને કૃષ્ણના રોમહર્ષણ મિલનનું અને અંતે માધવની પડખે રળિયાત થયેલી રાધાનું અદ્ભુતસુંદર ચિત્ર કવિ આંકી દે છે. કૃષ્ણની દિનચર્યા કવિ ગાતા હોય એમ કાવ્ય ઘરાળુ રીતે આરંભાય છે :

જાગો જાગો રે શામળા, જગાવે જશોદા માત,
જાગો રે સહુજન જાગિયા, જાગોને હુએ પ્રભાત...

પછી અનેક ગમ્મતો, એકમેક પ્રત્યેના નિર્દોષ ઉપદ્રવો, માંકડાંની કોટે શણગાર બાંધવાની રમતો, – એ બધું કૃષ્ણની રાહબરી નીચે ચાલે છે. બપોરે સૌ જમવા બેસે છે, તેમાં ‘જમી જમાડી પોતે જમે હરિ હળધર કેરો વીર’, તો વળી ‘બમણું તે લે વહાલો વહેંચતાં’ એવું પણ જોવા મળે છે. ત્યાં ગાયો પર્વતની ઊંચી સપાટી (માળ) પર આઘી નીકળી ગઈ. સૌએ કહ્યું કે કૃષ્ણ લઈ આવે, એનો વારો છે. પોતે ગાયો વાળવા નીકળે છે, ઊંચે ચઢી સાદ કરે છે, ત્યાં એકાએક દૂર કોઈ અનુપમ સુંદરીને જુએ છે, જેના તેજથી ત્રિભુવન મોહી રહ્યું છે. તો, કાવ્ય આ અદ્ભુત ક્ષણ માટે શરૂ થયું હતું!

ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણુ એક લાગી વાર;
વારો આવ્યો, પ્રભુ, તમ તણો, તમો વાળોને દીનદયાળ.
કર ગેંડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય;
હીંડે વૃંદાવન શોધતા, ચૌદ ભુવનનો રાય.
સીંચાણી બગલી ને સારસી પારેવી ચાતોર મોર;
પીળી ધોળી ને કાજળી બોલાવે નંદકિશોર.
ગોવર્ધન ચઢી વહાલે ચીંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર;
તેજે ત્રિભુવન મોહી રહ્યાં જી રે નરખે નંદકુમાર.

છેલ્લી ચાર પંક્તિઓમાં સ્વભાવોક્તિમાંથી અદ્ભુતમાં સંક્રમણ, રંગરંગી ગાયોના સુરેખ ચિત્ર પછી અલૌકિક સૌન્દર્યવતીનું દર્શન, – ગાયોને બોલાવવા સાદ દેતાં ગોપબાલની નજર સામે વિશ્વના સારસર્વસ્વ જેવું ઉઘડતું નારીરૂપ, એ નરસિંહની લીલયા પ્રત્યક્ષીકરણ સાધી શકતી શબ્દકલા–પરમ સરલતાભરી શબ્દકલા–ની સાક્ષી પૂરે છે. કૃષ્ણની આંખે રાધાનું–સ્નેહમયીનું વિશ્વરૂપદર્શન આલેખતી પંક્તિઓ ભવ્યતાના આલેખનની નરસિંહની ફાવટનો પણ પરિચય કરાવે છે. કાવ્યનું આ શિખર છે. સ્નેહસૌન્દર્યના સાક્ષાત્કારના ચિત્રથી હવે કાવ્ય સ્નેહસામરસ્યની સમાધિના ચિત્ર તરફ આગળ વધે છે.

દોડી વહાલો પહોંચી વળ્યા, પૂછ્યું: ‘કેની તમો છો નાર?...
છો રે રંભા કે રે મોહની કે છો રે આનંદ કે ચંદ?’....
‘નહીં રે રંભા નહીં રંનાદેવી, જી રે નહીં આનંદ કે ચંદ;
ભ્રખુભાનની કુંવરી છું રાધે, બાળમુકુંદ.
ગોકુળ-મથુરા જાઉં-આવું ને શું રે થયા અજાણ?’

કવિ પછી પીંછીના થોડાક લસરકે બંનેની મૂર્તિઓ ખડી કરી દે છે. રાધા કેવી છે તો ‘મુખ ભર્યું એનું મોતીએ.. નયણે કાજળરેખ. ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ, વૃન્દાવનમાં સંચર્યાં જી રે સજીને શણગાર સોળ.’ અને કૃષ્ણ?

મોર મુકુટ વહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કર્ણ.
પીતાંબર વહાલે પહેરિયું, જાણે ઉપમા મેઘ જ વર્ણ.
કેસરનાં તિલક શિર ધર્યાં, પહેર્યો ગળે ગુંજાનો હાર.

આવાં બે મોઢામોઢ આવી ઊભાં. હવે?

પાલવ સાહ્યો પીતાંબરે : દાણ આપ ને જા-ની નાર.

મુખ આડો પાલવ ધરી રાધા ના પાડે છે :

મુખ આડો પાલવ ગ્રહી, તાણ્યાં ભવાંનાં બાણ;
નયનકટાક્ષે નિહાળીને બોલી, ‘પ્રભુ, શાનાં માગો છો દાણ?
નવ રે દીઠું, નવ સાંભળ્યું, જી રે અમને શાને વિપરીત?
દાણ માંગો કેવાં દૂધનાં, કહોને કિયા તે દેશની રીત?

કૃષ્ણની રંજાડ હદ વટાવે છે :

ગંગા ને જમુના વચે જી રે ચોકી બેસે આદ;
માણસ જોઈને માગીએ રે જેવો માલ તેવી રે જકાત.

સાંભળીને રાધારાણીએ ‘હૈડે રીસ આણી’ પણ ‘છબીલે મોહિની નાખી ત્યારે’ એ ‘હાર આપું હૈડા તણો’ એવી તૈયારી બતાવે છે અને પોતાને મોડું થાય છે એમ કહી વેણુ વગાડવા વિનવે છે. કૃષ્ણ ક્યાં લેવા આવ્યા હતા? એ તો અખૂટ આપવા આવ્યા હતા.

કૃષ્ણજી પ્રત્યે બોલ્યાં રાધિકા, જી રે ખોટી થાઉં છું હાલ.
મન મનાવોને માવજી, વાઓને વેણા રસાળ.
કૃષ્ણજીએ વેણ વાઈને જી રે રાધા કીધાં રળિયાત.

સ્નેહસમાધિમાં સમરસ થયેલાં રાધાકૃષ્ણની મૂર્તિ આગળ કાવ્ય પૂરું થાય છે. રમતિયાળ શૈલીમાં શરૂ થયેલું અને ગતિશીલ ચિત્રો રમતાં મૂકતું રાધાના વૈશ્વિક દર્શનનું અને રસસમાધિમાં લીન રાધાકૃષ્ણના આલેખનનું આ કાવ્ય નરસિંહની એક ઉજ્જ્વલ સિદ્ધિ રૂપ છે. ગામડાંના અશિક્ષિત જનોમાં લોકપ્રિય થયેલું, જીભે ચઢેલું, આ કાવ્ય કદાચ ‘દાણલીલા’ એ અતિચવાઈ ગયેલા શીર્ષકને કારણે અથવા તો ‘જાગો, જાગો રે જાદવા’ જેવા બિનપ્રેરક આરંભને કારણે શિક્ષિત કાવ્યપ્રેમીઓની નજરે એટલું ચઢ્યું નથી – લગભગ નજર ચુકાવી ગયું છે.

૩. કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો

સવા લાખ નહીં, તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેનાં પદો નરસિંહે ગાયાં લાગે છે. તેના બે મુખ્ય ભાગ પડી જાય છે. ૧. શૃંગારપ્રીતિનાં ગીતો અને ૨. વાત્સલ્યપ્રીતિનાં ગીતો. ‘નરસિંહ મેહતા કૃત કાવ્યસંગ્રહ’માં ‘રાસસહસ્ર પદી’ (૧૮૯), ‘વસંતનાં પદો’ (૧૧૬), ‘શૃંગારમાળા’ (૫૪૧ પદ) અને ‘હીંડોળાનાં પદ’ (૪૫) આપ્યાં છે તે શૃંગારપ્રીતિનાં છે અને ‘શ્રી કૃષ્ણજન્મસમાનાં પદ’ (૧૧) ‘શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ’ (૮) અને ‘બાળલીલા’ (૩૦ પદ) એ વાત્સલ્ય-પ્રીતિનાં છે.

શૃંગાર પ્રીતિનાં ઊર્મિગીતો – ઇચ્છારામ દેસાઈએ આપેલાં ગીતો હસ્તપ્રતોની મદદથી સંશોધિત વાચનારૂપે પછીથી રજૂ થયાં નથી. ઈ. ૧૯૬૫માં કેશવરામ કા. શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી ૩૯૦ પદની સંશોધિત વાચના ‘નરસૈં મહેતાનાં પદ’ શીર્ષકથી આપી છે, જેમાં ૨૦૮ પદો નવાં છે. બાકીનાંનો ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મેહતા-કૃત કાવ્યસંગ્રહ’માં ક્યા પદ સાથે સંબંધ છે તેનો નિર્દેશ, શક્ય હોય ત્યાં, તેમણે કર્યો છે. હવે પછીની ચર્ચામાં જૂની લાગતી ભાષાનાં અવતરણોવાળો ભાગ તે કે. કા. શાસ્ત્રીની વાચનાનો પ્રમાણભૂત નરસિંહકૃતિનો અંશ છે, જ્યારે ઇચ્છારામ દેસાઈના સંપાદનમાંથી આપેલ અવતરણોવાળો ભાગ તે નિઃશંક પ્રમાણભૂત લેખવો મુશ્કેલ છે. એવા અંશ પર આધારિત નરસિંહની કાવ્યપ્રતિભાની મુલવણીની વીગતો અંગે પણ એ મુશ્કેલી રહેવાની.[41] ‘રાસહસ્રપદી’નાં ૧૮૯ પદોમાંથી કે. કા. શાસ્ત્રીએ ભાગવતની રાસપંચાધ્યાયીના વિષયક્રમમાં પ્રથમ રાસ, શ્રીકૃષ્ણનો વિરહ, ગોપીઓની વિરહવેદના, શ્રીકૃષ્ણ સાથે મિલન અને મહારાસનાં પદો ગોઠવી આપ્યાં છે. એક સળંગ વૃત્તાન્ત જેવું હોવા છતાં દરેક પદ એ છૂટું ઊર્મિગીત છે. આ ગીતો ઉપર ભાગવતની સ્પષ્ટ મુદ્રા છે. વેણુનાદથી વીંધાયેલી વ્યાકુળ ગોપીઓ ‘જુથ મલીને ચાલી, જાણે સાગરપૂર’. પણ ‘ભાનિનીને માન ઘણું’ હતું ત્યાં સુધી ‘અંતરધાન હવા હરિ તતક્ષણ વૃંદાવન મઝાર્ય,’ અંતે ‘કામિનીને કૃષ્ણ મલા જારે મેલ્યો અભિમાન.’ ભાગવતને અનુસરી નરસિંહ કૃષ્ણને મુખે કહાવે છે :

શ્યાને કાજે આવ્યાં સરવે, શું છે તમારું કામ રે?
પતિવ્રતાનો ધરમ નહીં, તમે જાઓ તમારે ઠામ્ય રે.
મોહન કેરાં વચન સાંભલી, નીચું જોયું બાલી રે.
મુખ આંગલી ને મંન્ય વિમાસે : શું કહે છે વનમાલી રે? (૫૬)

પછી ગદ્ગદ કંઠે કહે છે, ‘ભુદર અમને નહીં ભજો તો તજશું દેહ અમારી રે’. પરિણામે ‘અંતર પ્રીત્ય ભણી હરિ હશિયા’ કેટલાંય બધાં ગીતો પરકીયાપ્રીતિના ઉઘાડા શૃંગારનાં છે. નરસિંહને એમાં કોઈ કુંઠા નથી : ‘સફલ રજની હવી, આજની અનુભવી... સુરતસંગ્રામે સુભટ સાથે મલી... ચઉદ ભુવનતણો નાથ મેં વશ કર્યો... કેસરી કાન સાહી નચાવ્યો.’ ભાગવતથી આગળ વધી, જયદેવની અસર નીચે, ભક્તિનિરૂપણમાં સ્થૂલ શૃંગારનો આશ્રય લેવા તરફ નરસિંહનો ઝોક દેખાય છે. નબળી ચાતુરીઓની યાદ આપે એવાં એનાં કેટલાંય ગીતો છે. તેમ છતાં કેટલાંક ગીતો ઊર્મિની નાજુકાઈથી, વક્રોક્તિથી, એક જાતની સહૃદયતાથી જીવંત બની રહે છે. નરસિંહની સૌન્દર્યની-રસની વિભાવના સહજમાં સ્થૂલતાને અતિક્રમી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો’ એ એક ગતિશીલ ભવ્યરમણીય ચિત્રણ છે. એ પ્રતીક દ્વારા નરસિંહ નિર્દેશે છે કે સુંદરીમાં અખિલ બ્રહ્માંડનો અમૃતરસ વિલસી રહ્યો છે :

ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વશિયો રે.
રદે ભાવ કુચમંડલ પૂર્યાં, આવો રતિપતિ રશિયો રે.
અતલી બલ વનસ્પતિ–નાથે ઊલટપાલટ કીધું.
અખિલ બ્રહ્માંડ તણું અમ્રતરસ જુવતીને વદને દીધું.

નરસિંહને સુંદરીના રસનું એક દર્શન છે. જીવાત્મા એ ગોપી છે. એ સખીભાવે પરમાત્માને ભજે છે. એનો જે સૌન્દર્યરસ ખીલે છે તેનો પરમાત્મા આસ્વાદનારો છે. આ રીતે નરસિંહની દૃષ્ટિએ સુંદરીનો રસ એ અધ્યાત્મના આવિષ્કારનું રૂપક છે. વિમુખના યોગ કે કર્મજડની તપસ્યા પાછળ પડવાને બદલે નરસિંહ જીવાત્મા અને પરમાત્માની સમરસતાનાં ‘ગુણગાન’ ગાવાનું પસંદ કરે છે. વસંતલ નિમંત્રણનું ઊર્મિંગીત ગુજરાતી ભાષાનું એક ઉત્તમ સર્જન છેઃ

ચાલ રમીએ, સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો, વનવેલ ફૂલી.
મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ૰
નારસિંયો રંગમાં અંગ ઉનમદ હશે, ખોહેલા દિવસનો ખંગ વલશે. ચાલ૰ (૭૭)

આ કાવ્ય રચાતાં, ત્યાં સુધી માત્ર વ્યવહારમાં કે અધકચરા કવિપણામાં ભાષાના થયેલા ઉપયોગનો જાણે કે ખંગ વળે છે. વસંતના આગમનનો ઉલ્લાસ વર્ણસગાઈ, આંતરપ્રાસ અને ‘મોરિયા અંબ કોકિલ કદંબ’માં ‘ઓ’નાં પુનરાવર્તન અને સુચારુ લયાન્દોલ દ્વારા પ્રગટ થઈ જાય છે. વસંતની મત્ત વનલીલા આગળ ભ્રમરોની વાત હળવી લઘુશ્રુતિઓની યોજના દ્વારા પ્રસ્તુત થઈ છે. ભ્રમરને ઝૂલતા તો નરસિંહ જ દેખે-દેખાડે ને? જાણે આપણે એનો ભાર અનુભવીએ છીએ. વસંતના કેફનું ચિત્ર ત્યાં પૂર્ણતાને પામે છે. કેટલી બધી ઇન્દ્રિયોને – આંખ (ફુલ્લ વેલીઓ), ઘ્રાણેન્દ્રિય (મહોરેલા આંબા), કાન (કોકિલનાદ), સ્પર્શેન્દ્રિય (ઝૂલતા ભ્રમર)ને – વસંતાનુભવમાં કવિએ કામે લગાડી દીધી છે! ‘ક્યારની કહું છું જે’ નો ઘરાળુ અનુનય જીતી લે એવો છે. એક પ્રસંગ કવિએ બહુ કોમળતાભર્યો કલ્પ્યો છે. ગોપી કહે છે કે કૃષ્ણ પાછલી રાતના આવ્યા – એમણે તો વચન પાળ્યું પણ પોતે જાગી નહીં. ‘શું કરું રે સખી, હું ન જાગી—‘. ‘રે’ માં આખું હૃદય એનું જાણે ફાટી પડે છે. ‘હું ન જાગી’– એ આત્માની ચીસ છે. વિધિવક્રતા તો જુઓ, એની રાહ જોતાં જોતાં જ આંખ મળી ગઈ! એની પાસે દોડી જઈ ક્ષમાપન કરવા તલસે છે. સખી કહે છે કદાચને બહાર જ તારા સ્નેહની પરીક્ષા કરતા ઊભા હશે. પણ હવે એ ધન્ય ભાગ્યમાં રહી છે ખરી? ગોપી કહે છે કે મારે ગાય દહોવાનું મોડું થાય હવે જીવને વળગેલી નાનીનાની સંસારવિગતો – મોટું નામ આપવું હોય તો કહો – કર્તવ્યપથ – એ હવે એને ક્યાં છોડે એમ છે?

બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી,
બાર્ય ઊભા હશે. હેત જોવા.
ધન્ય રે ધન્ય રે, નારસિયો એમ ભણે, અસૂર થાશે
મારે ધેન દોવા. પાછલી૰ (૧૧૪)

બીજા એક ગીત – ‘કહાં જાઉં રે, વેરણ રાત મલી’ (શૃં. ૧૦૪)માં આરતભરી ગોપીની મૂંઝવણ તીવ્રપણે રજૂ થઈ છે. રાત વેરણ બની છે. છતાં બધે તપાસ કરી વળી. કૃષ્ણ ક્યાંય નથી. છેવટે વાંસળીનો સ્વર આવ્યો – કૃષ્ણ છતા થયા. પણ મળવાનું તો થયું નહીં જ. થાકીપાકી કાયા જંપી ગઈ. વેણુસ્વર દ્વારા મિલન થયું એટલો આનંદલાભ. કૃષ્ણના મનમાં પોતે નિરંતર કેમ કરીને વસે – એ કાંઈ ગોપીની જેવી તેવી મૂંઝવણ નથી. ખંજન નયને જોતી એક નવલ નારીનું આવવું ગોપીઓને પોતાનું અધિકપણું શી રીતે જળવાશે એ અંગે સચિંત કરી મૂકે છે. એક સુંદર ભાવપરિસ્થિતિને નરસિંહે સુરેખપણે ચિત્રાંકિત કરી છે.

પાનડી પટોલિયેં આ કોણ, બાઈ રે, નવલ નાર્ય કોએ દીશે રે?
એ આગલ્ય આપણે ઓલપાણાં, મારા વાલાજીને ક્યમ ગમીશે રે? પાનડી૰

મુખ મછરાલ, માના ઘણું ધરતી, નાસા નિરમલ મોતી રે.
નારસિયાચા સ્વામીને મલવા, ખંજન નયણે જોતી રે. પાનડી૰ (૧૭૫)

ગોપી માનિની થવા ઘણુંયે મનમાં ઇચ્છે છે. ‘નહિ બોલું, નહિ બોલું, મારા વાલા, મારગડે મ બોલાવીશ રે.’ જાતને કહે છે કે ‘આપણપણું આપણ–વશ હોયે તો વાલ ન વાંકો થાય રે’. પણ એસ્તો મુશ્કેલ છે.

‘વેરીડો વશે તન માંહે રે, વણબોલ્યે ન રેવાયે રે’ (૧૨૩).

કોઈવાર સરળપણે જ એનાથી નિયંત્રણ દઈ દેવાય છે :

ઓ દીસે ઘર માહારું, વાલા, દેખાડું આવો
અશુરસવારા જાતાંવળતાં, મંદિરિયે શે નાવો?
મંદિર આગળ થઈને જાજ્યો, વાંશલડી વાજો.
ઘડી અધઘડી ત્યાં ઊભા રહીને, અમ શામું જોજો. (૧૫૪)

કોઈવાર અત્યંત આરતભરી વિનવે છે :

એકવાર શામું જુઓ મારા વાલા, મારા તનનો તાપ ન જાયે રે;
તમારે નયણે અમીય વશે, મારી નવપાલવ દેહિ થાએ રે. (૧૭૩)

પગમાં કાંટો વાગ્યો છે એવું બહાનું કાઢી પોતે નમે છે તેને ‘તું પ્રમાણ માનજે’, એવી વિનંતીમાં કોમળ અનુનય છે :

પરણામ માને રે, મારો પરણામ માને રે,
પગના કાંટા મશેં નમી જાઉં રે મારો પરણામ માને. (૩૨૫)

વનમાલી કૃષ્ણથી અળગાં રહ્યું જતું નથી એટલે ગોપી કહે છે, તને કુસુમની માળા વડે પલંગના પાયા સાથે બાંધી રાખીશ. તને કોણ છોડાવશે? તારો ગુનો નાનો નથી.

પલંગચે પાઓલે કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી...
તું વનમાલી, હું કુસુમગુણવેલ્ય, નીર ન શીચેં તો શ્યાને રોપી? (૧૧૫)

કૃષ્ણને તો ભાવતું જડ્યું ન હોય! નરસિંહ પોતે વારંવાર ગોપીનું જે બહુમાન કરે છે તે અહીં કૃષ્ણમુખે કરાવે છે.

નહિ કોઈ નાર્ય તમ સમોવડ સુંદરી, જેની કુસુમમાલા વડે હું બંધાઉં.
હું વનમાલી, તું કુસુમગુણવેલ્ય, શીંચું રે અમ્રત દ્રષ્ટેં કરી.
પ્રેમની વાડ કરું તમ પાખલેં, રાખું રે સમરથ બાંહે ધરી.
ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, મુનેં કુસુમમાલ વડે તેં જ બાંધ્યો.
ચઉદ ભુવન તણાં બંધન છોડવું, ન જાણું મોહિની તેં કાંઈ મંત્ર સાધ્યો. (૧૧૬)

નરસિંહ નારી–અવતારનું, નારીભાવે–સખીભાવે પ્રભુને ભજવાના લહાવાનું મુક્ત કંઠે સ્તોત્ર લલકારે છે :

કોણ પુણ્યે કરી નાર્ય હું અવતરી, શ્રીહરિ દીન થૈ માન માગે.
અમર અવગત્ય કહે, અકલ કોએ નવ્ય લહે, તે કમલાવર કંઠ લાગે.
જગનજાગે કરી, જ્યોગધ્યાને ધરી, બહુ તપ આદરી દેહકષ્ટેં,
તે માંહે હરિને નિમખ નવ્ય પેખિયેં, તે હરિ નિરખિયેં પ્રેમ-દૃષ્ટેં. (૧૧૭)

વળી એ સૌભાગ્યને કવિ ગાય છે :

ત્રિભુવન જે પતિ, તે પતિ તાહરો, જોની તું, ભામની, ભાગ્ય તારું. (શૃં. ૪૨૯)
પરબ્રહ્મ ગોવાલાશું રમે, જેનેં જોવા યોગેશ્વર દેહિ દમે...
જ્યોગિયાચે ધ્યાને નાવિયો તે તો જનની જસોદાને ધાવિયો.
મોટે મુનિવરે નવ્ય જાણિયો તે તો કામિની કર ગ્રહી તાણિયો. (૨૯૮)

ગોપીનો આ ભાવ, આ સંબંધ, જ જુદો છે. પાછળથી મીરાંબાઈમાં આ વિવાહસંબંધના ઉદ્ગારો મળે છે. ગોપી કહે છે :

અખંડ એવાતન પામી, એ વર રૂડો.
નારસિયાચો સ્વામી ભલેં મલિયો, પહેરાવ્યો ચૂડો. (૯૧)
ભલે પરણાવી, મારે હરિવર રૂડો, અખંડ પહેરાવ્યો ચૂડો રે. (૧૨૫)

આ ‘એવાતન’ જનમજનમનું છે. આ સંબંધ માત્ર આ જન્મનો નથી. ‘નહિ હમણાંની પ્રીત્ય છે પેહેલી’ (૨૧૯), ‘નરસૈંયાચા સ્વામીને સંગ રમવું, પેલા તે ભવનું લેણું’ (૮૧), ‘તમારે અમારે પૂરવ સનેહ’, – આ ‘સ્નેહ’માં બીજા સકલ સ્નેહ ગળી જાય છેઃ ‘જ્યેણે, હરિ, તમ-શું ધરિયું ધ્યાન, તેને ઉપનું બ્રહ્મજ્ઞાન...

જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ. (૨૦૨)

આથી ‘હરિ દીઠડે હરિ સરખા થઈએ’ એમ કહી ‘જે દિન દેખું તે દિન લેખું, બીજું જીવું બાલ્ય પરું’ (બીજું જીવ્યું તે દૂર બાળજે) એમ ગોપી કહે છે. નાથમાં ગુણની ઊણપ છે (‘નાહોલો નિર્ગુણ રે, નિર્ગુણ રે, નિર્ગુણ, મારી બાઈ રે,... ન રહે પરઘેર્ય જાતો’) – એ રીતે ‘નિર્ગુણ’ (૮૫) શબ્દ વપરાયો છે, પણ ‘વેદ કહે એ નિર્ગુણ, બાઈ રે, તેણે તમથી અમે ટલિયે’ (૨૧૦) માં નિર્ગુણબ્રહ્મનો ઉલ્લેખ છે. ગોપી કહે છે કે ‘હે કાળા કહાનજી, તમને મલું તો થાઉં કાલી’. એમ તમે નિર્ગુણ છો તેને અમે મળીએ તો તમારે લીધે અમે તો રહીએ જ નહીં, તમારામાં લોપ પામીએ. ‘નિરગુણગારો નાહોલિયો રે સગુણ થયો રે, જનમની કોટાકોટ લેગેં વાલો અમ શું અબોલડે રહ્યો રે’ (૨૭૧) – એ ‘નિર્ગુણ’ બ્રહ્મરૂપ પરમાત્મા સાથે કોટિકોટિ જન્મોના અબોલા હતા, પણ એ ‘સગુણ’ થઈને અહીં આવ્યા છે. એટલે ‘અંગોઅંગ્ય મેલાવશું રે.’ આ યોગ, આ સંયોગ, અંગોનો રહેતો નથી, આત્માનો છે, હવે ફરી જન્મવાનું રહેશે નહીં, - એ બહુ સહજ રીતે નરસિંહે નિર્દેશ્યું છે: ‘એક વાતની ચિંતા હુંતી તે મારે વાલેજિયે ટાલી રે, નરસિયાચા સ્વામી સંગ્ય રમતાં નહિ અવતરિયે વાલી રે,’ આ સંબંધ પરકીયાનો નથી, ‘માહાસતી’નો છે, કેમ કે એમાં દેહ તો યાદ પણ આવતો નથી : ‘નયણે નયણાં મલી ગયાં, હું છું માહાસતી રે, ... વિશરી દેહગતિ રે’ (૩૬૭). મુક્તિ તો ગોપીને મન દાસી છેઃ ‘ભૂતલ અવતારનું ફલ એહ, જે મારા વાલાજીશું ધરિયે સનેહ... મુગત શરીખી જેને ઘેર્ય દાસી’ (૩૬૪). ગોપી અને કૃષ્ણના સંબંધ અંગેનાં નરસિંહનાં ગીતોમાંથી બે પ્રતિનિધિ ગીત લેખી શકાય એવાં છે. એક ગોપી-કૃષ્ણના રસમય દર્શનનું છે :

કેસરભીના કાનજી, કશુંબે ભીની નાર્ય રે,
લોચન ભીનાં ભાવ-શું ઊભાં કુંજ-દુઆર રે.
બેમાં સુંદર કેહને કહિયે?... (૨૪૦)

વિશ્વને બારણે જીવાત્મા અને પરમાત્મા, પ્રેમથી રંગાયેલા, સાથે ઊભા છે – એ બેમાં વધારે સુંદર કોને કહીશું? નાનું અમથું વહાલભર્યું ગીત સનાતન મંગલયુગલને રસિક રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે. બીજું ગીત ગોપીની લેલીન દશાનું છે :

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી.,
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળી૰
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી૰ (વ. ૯૮)

ગોપી એટલી બધી કૃષ્ણમય છે કે ‘દહીં લો દહીં’ એમ કહેવાને બદલે ‘કૃષ્ણ લો કૃષ્ણ’ કહી બેસે છે. ભાગવતમાં નિરૂપિત ભક્તિપ્રતીકોમાંનું આ એક રોમહર્ષણ પ્રતીક છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષના હૃદયમાં વસી જઈને એમની પ્રસન્નતાના બે શબ્દો એ પામ્યું છે : `આજના પ્રભાતથી નિરંજનદેવની અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે. ત્યાં સહસ્રદલ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં વિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, ‘કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો,’ એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરીફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્રદલકમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું નામ માત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરી વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરેઅક્ષર ભરપૂર છે; અને તે અમને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે. આજે અતિસ્મરણમાં છે. કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એની દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં; અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ.’[42] ‘શૃંગારમાળા’ના એક પદ (૮૧)માં ‘ધરણીધરશું લાગ્યું મહારું ધ્યાન રે, મહીડું વીસરી ગયું, લો કોઈ કહાન રે’ એ ચિત્ર આપી અંતે યોગ્ય રીતે જ નરસિંહ કહે છે – ‘આપ સરીખડી વહાલે કીધી આહીર રે.’ લેલીનતાથી ગોપી સાયુજ્યભાવ સહેજે પામી શકી છે. નરસિંહ જે ગોપી–કૃષ્ણના ભાવની વાત કરે છે તે મુખ્યત્વે આ આત્મા-પરમાત્મા વચ્ચેના પ્રેમની છે. ‘અનુભવિયા રસ માણે’ (૧૯૩) એમ કહી પ્રેમભક્તિનાં અનુભવિયાંનું એ મહત્ત્વ કરે છે. સુરતસંગ્રામનું રૂપક આત્મા-પરમાત્માની પરમ રસલીનતાનું સૂચક લેખવું રહે છે. એની ‘ચાતુરીઓ’માં સ્થૂલ વર્ણનો નરસિંહને હાથે પણ થયાં છે. કેટલાંક ગીતોમાં પણ એવું જોવા મળશે. તેમ છતાં નરસિંહનાં કાવ્યત્વ સુધી પહોંચતાં ગીતોમાં – એના પ્રાતિભ ઉદ્ગારોમાં અધ્યાત્મચર્યાનાં ઇંગિતો આગળ તરી આવ્યા વગર રહેતાં નથી. અધ્યાત્મસાધકોમાં ગોપીને એ આદર્શ તરીકે જુએ છે અને તેથી કહે છે : ‘ગોપીપદરજ સિર ધરું’ (૬૮). એવી ગોપીઓ પણ વાંસલડીની અદેખાઈ કરે છે ત્યારે એ ‘વાલાને વાલી ઘણું’ શી રીતે થઈ એ સમજાવતાં કહે છે કે ‘મેં કપાવ્યું મારું અંગ, શંઘાડે જૈ ચઢી રે,’ ‘માંહે શાર પડાવ્યા સાત’, ‘મેં તો દીધાં દેહીને દુ:ખ, તમે દીધાં નહીં રે’, અંતે એ ‘એનાં તપ શીખો’ એવો ગોપીઓને અનુરોધ કરે છે (૨૪૮). ગોપીની જેમ દરેક વૈષ્ણવે સ્નેહમાર્ગી થઈ હરિમાં જ ખરો અભિલાષ સેવવાનો છે. ‘હરિરસ કોએક જાણે, બીજા મન્ય શહુ અભિમાન આણે; વૈષ્ણવ તે જે સ્નેહમારગી, હરિશું ખરો અભિલાખ’ (૩૨૪). હરિરસમાં માતો હોઈ ‘નરસૈંયો પ્રેમભરાણો રે’ (૨૩), ‘નરસિંયો ભવસાગર ઝીલે, પ્રેમની પાજે’ (૧૦૫). સૌ શરીરધારીને નરસિંહ નિમંત્રણ આપે છે:

નારસિયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે. (૧૭૭)

શૃંગાર – ઊર્મિકો કાવ્ય તરીકે – સખીભાવની અનેક ભાવપરિસ્થિતિઓને મૂર્ત કરતાં વિપુલ સંખ્યામાં રચાયેલાં શૃંગારપ્રીતિનાં ગીતોમાં નરસિંહનો હૃદયરસ ઊતર્યો છે. કેટલાંક તો ભાવ, લય, શબ્દભંગી એ બધાને કારણે ભાષાની સંપત્તિરૂપ બન્યાં છે અને પેઢી દર પેઢી લોકકંઠે ગવાતાં રહ્યાં છે. કેટલાંક ગીતોના ઉપાડ જ અંતર્ગત સૌન્દર્યદીપ્તિને કારણે મનોરમ છે :

– મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે.
– મારે દેહ ધર્યાનું ફળ એહ, લહાવો દર્શનનો.
– વહાલે કોણ વેળા કોણ વાર કામણ કીધું રે.
– લટકો તારો લાખ સવાનો, મરકલડાંનું મૂલ નહીં.
– છેડલો ન તાણ મારા છાલનો, છેલપણું મેલ મારા વહાલા.
– મને કૃષ્ણ જોવાના કોડ, સહિયર ચાલો રે.
– કેણી પેરે ભરીએ આછાં નીર રે જમનાને આરે વાલા?
– આજ મારે દિવાળી દિવાળી, ઘેર આવ્યા શ્રીવનમાળી રે.
– બાઈ, મારે શોણું કે સાચું?
– નામ ન જાણું પણ છે કાળો,
ઓ જાયે, ઓ જાયે, કો પાછો વાળો.
– નહિ મેલું નંદના લાલ, છેડલો નહિ મેલું.
– મને રોકે છે કાનવર દાણી રે, નહિ જાઉં જમના પાણી રે.
એકવાર જમના પાણી રે ગ્યાં’તાં વહાલા, મારી સાથે સૈયર સમાણી રે.
– તારી મોરલીએ મંન મોહ્યાં રે, વૃંદાવન મોરલીવાલા.
– વહાલા મારા વૃંદાવન રે ચોક કે વહેલા પધારજો રે લોલ.
– સખી આજની ઘડી રળિયામણી રે, મારો વહાલોજી આવ્યાની વધામણી.
– ગોકુળ વહેલા પધારજો, મથુરા જાઓ તો મારા સમ રે લાલ, ગોકુળ૰
– શે ન સરજી તારા વદનની વાંસળી, જે અધરઅમૃતરસ પાન કરતે,
– ખંમ ખંમ રે ચાંદલા, મ કરીશ વહાણલું.
– ઈંદુ ઉતાવળો થા રખે આકળો, આજની ચિંતા કર પ્રાત મોડું.
– કાનજી કાનજી કરતી હીંડે વૃંદાવનમાં ગોપી રે.
– શ્યા માટે, શામલિયા વાલા, શાન કરી વન્ય તેડી રે?
– અમ સામું શે જુઓ મારા વહાલા?
– આણી વેળા શે આવ્યા મારા વહાલા, મંદિર નહિ ઉઘાડું રે.
– નાનકડી નાનકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે.
– હીંડોળે હીંચે મારો વહાલો, હીંચતાં રંગ લાગ્યો રે.
– ટલતા ને ટલતા શું હીંડો મારા વાલા?
– મથુરાં સંઘાતે તેડ્ય મારા વાલાજી, મથુરાં સંઘાતે તેડ્ય;
નહિ રે જાવા દઉં, રાખું રે પ્રાણે, અમ ઉપર રથ ખેડ્ય.
– નહિ જાઉં સરોવર પાણીડાં, મારગડે નંદલાલ મળે.
– પ્રીતડી બંધાણી તે મેં જાણી, આંખડી અમીએ ભરાણી.
– કૃષ્ણ કૃષ્ણ સૌ કહેશાં, પણ અમો ગોવાળીડો સહુ કહેશાં રે.
– હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે.
– આજ મારાં નયણાં સફળ થયાં, જોયા નાથને નરખી.
– ફરું છું માથે નાખી છેડો, લાગ્યો રે મને નટવરશું નેડો.
– વાયે વાયે રે દક્ષણ કેરા વાયરા, અબળા લહેરે જાય.
– મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવોને.
– કરનખ રાતા કામિનીના રે રાતા અધર સુદંત.
– ધન્ય ધન્ય ગોકુળિયું ગામ રે, મારે વહાલે કર્યો વિશ્રામ રે.
– મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું.
– નહીં આવું નંદજીના લાલ, નહીં આવું.

ઉપાડ જેટલા રસિક છે તેટલી સમગ્ર કૃતિ જવલ્લે જ હોય છે. કહો કે ગીતની આ અંતર્ગત મુશ્કેલી પણ છે. આખો પ્રતિભા-વેગ જાણે ગીતના ઉપાડમાં ખરચાઈ જતો ન હોય. ક્વચિત જ આખી કૃતિ એક પછી એક અનિવાર્યપણે આવતી પંક્તિઓની નિર્માઈ હોય છે. તેમ છતાં, ઉપાડમાં પણ કેટલીકવાર ભાવપુદ્ગલ લય અને શબ્દની સચોટતા દ્વારા એવો સુરેખ વ્યક્ત થઈ જતો હોય છે કે એ એક સચેત ઘટક જેવો બની રહે છે. નરસિંહના ગીત–ઉપાડ સખીભાવની કેટકેટલી છટાઓને નિર્દેશે છે! કોઈ એકમેકથી વિરુદ્ધની પણ હશેઃ એકવાર ગોપી છણકો કરે છે, મારા છાયલનો છેડો તાણીશ મા અને બીજીવાર પોતે જ કહે છે, નહિ મેલું નંદના લાલ છેડલો નહિ મેલું. પ્રીતની એ રીત, એની અનેક નજાકતો સાથે, નરસિંહની ગીતવાણીમાં છતી થાય છે. નરસિંહના ગીત-ઉપાડ સમૂહગાન માટે પછીના મધ્યકાલીન કે અર્વાચીન આધુનિક કવિઓના ગીત-ઉપાડ કરતાં વધુ સરળ અને રસમાં ખેંચે એવા છે. પછીના કવિઓ ઉપર નરસિંહનું ઋણ જેવુંતેવું નથી એ પણ જોઈ શકાશે, ખાસ કરીને દયારામ ઉપર. નરસિંહનાં ગીતોની ‘નહિ જાઉં જમના પાણી’, ‘આવડો શો આસંગો રે?’ ‘કામણ તારી કીકીમાં રે’, ‘નેણ નચાવે’, ‘મારું મન મોહ્યું મોહનશું’, ‘છાનો સ્નેહ, તો મીઠો લાગે, પ્રગટ થયે પત જાયે રે’, ‘મારે ઘેર આવો તો’, ‘વાગી વાંસળી ને કોરી મારી પાંસળી જો’, ‘શેરી વળાવું સોહામણી મારા વાલા રે, ફૂલડિયાં વેરું નિત’, ‘વૃન્દાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું’– જેવી ઉપાડની વિગતોના પડઘા, વગેરે ક્યારેક સુચારુ પંક્તિઓ, વિષય, માંડણી, ભાવ, આદિ ઉપરાંત આલેખનની વિગતોના ક્યારેક સુચારુ શબ્દાન્તરોમાં દયારામમાં મળશે. ‘અમોને વળગાડ્યાં વૃક્ષની ડાળ’ જેવામાં મીરાંના ‘બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ’નું પૂર્વરૂપ સંભવે. ‘મનનો મેલાપી રે’, ‘ઘટે નહિ તમને રે’ – જેવાંનું રાજેમાં અનુરણન મળશે. ‘પ્રેમભક્તિ’નું વરદાન પામનાર નરસિંહની ભાવસઘનતા અંગે અને ગીત જેવડી લઘુક રચનામાં ભવ્યતાનો સંસ્પર્શ વારંવાર કરાવવા અંગે યાદ આપનાર ‘પ્રેમભક્તિ’ ઉપનામ-ધારી કવિ નાનાલાલમાં નરસિંહની અસરો જોવી રસિક થઈ પડશે. ‘પનોતું પગરણ કારમું આવિયું’ (વિવાહ ૧૩) માં નરસિંહ ‘કારમું’ શબ્દ વાપરે છે એ રીતનો નાનાલાલમાં એ શબ્દનો ઉપયોગ મળે છે. નાના નાના પડઘા બાદ કરતાં, ‘કેણી પેરે ભરીએ આછાં નીર રે’નો ‘પાણીડાં કેમ ભરીએ?’ માં પ્રભાવ જોઈ શકાશે અને ‘હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો’ એ નરસિંહરાવે બતાવેલું છે તેમ નરસિંહની કૃતિનું ઋણી છે. છેક હમણાંના કવિ શ્રીધરાણીના ‘ઝંઝાવાત’ કાવ્યનો ઉપાડ ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ખોલો બારીબારણાં’ સ્પષ્ટ નરસિંહના ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ભાંગો ભોગળ સામળિયા રે’ (હારસમેનાં પદ ૪૩) નો ઋણી છે. સંભવ છે નરસિંહે પણ પોતાના સમય સુધીની ગીતપરંપરામાંથી કેટલુંક અપનાવ્યું હોય. સંભવ છે હસ્તપ્રતોનો જેને આધાર ન જ મળે એવું કેટલુંક તેની પછીના કોઈથી રચાયેલું હોય. પણ લોકજીભે રમતી ગુજરાતી ભાષાની આજ સુધીની કુલ ગીતકવિતાસંપત્તિનો પાયો નરસિંહનિર્મિત છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ થશે. ગુજરાતી ભાષાના કૃષ્ણવિષયક વિપુલ પદસાહિત્યનું પૂરું હાર્દ નરસિંહનાં પદોના પૂર્વપરિચય વિના હાથમાં આવવું શક્ય નથી. નરસિંહનાં ગીતોમાં ઊર્મિસૌન્દર્યના ફુવારા જાણે ઊડે છે. ઝાંઝરનો ઝમકાર કેટલાંય બધાં ગીતોને ભરી દે છેઃ ‘રાસસહસ્ર પદી’નાં ૮ થી ૨૪, ૧૩૪, ૧૩૯-૪૦, ૧૪૨ થી ૧૪૫, ૧૫૦-૫૧, ૧૭૮, ૧૮૦ થી ૧૮૪ માં ‘ઝમકતે ઝાંઝરે’ ચાલતી ‘નેપુરિયાં ઠમકાવતી’ ગોપીનું વર્ણન છે. ‘નેપુરકિંકિણી’ થી નરસિંહના કાન ભરેલા છે. એ બધા, મોટે ભાગે તો, ઠાલા ઠમકાર કે ઝાઝા ઝમકારનો રંગ વાળી દે એવું એક હૃદયંગમ ચિત્ર ‘શૃંગારમાળા’ (૨૯)માં મળી રહે છે. નેપૂર મધરાતે ઝમક્યાં. નાનકડું નગર આખું જાગી ઊઠ્યું. જાગ્યું ત્યારે એણે શું જોયું? કોઈ ધાડ પડી ન હતી. ‘ત્યારે’ શબ્દ કેટલું બધું કામ આપી છૂટે છે! નાનકડાનગર પર એક અનોખું આક્રમણ સૌન્દર્ય-આનંદનું આક્રમણ થયું છે. ઝાંઝરના ઝમકારની રમણીય અનુભૂતિ નગરને થઈ એનું ચમત્કૃતિયુક્ત ચિત્ર નરસિંહ બે પંક્તિમાં આંકી દે છે:

સખી, તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં મહાજમ રાત;
નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.

‘રાસસહસ્રપદી’માં ચમકતી ચાલ, અડપડિયાળી આંખ, ચંપાવરણી ચોળી, ઘૂંઘટડો ગોરીનો, મુખનાં મરકલડાં, વૃંદાવન શામલિયો વહાલો, ધન્ય ધન્ય દહાડો આજનો, એ એક કે વધુ ગીતોના વિષય બને છે.

‘વસંતનાં પદ’માં અને ‘શૃંગારમાળા’માં પણ એ જ રીતે વસંતમાસ, મોહનમુખ, દાણલીલા, રાસ, અંબોડલો, ચાંદલો, મહીવલોણું, મોરલીની મોહિની, મથુરાવાસી કૃષ્ણને પત્રસંદેશ–વગેરે વિષયો છે. ખરું જોતાં વિષયપ્રસંગ ગમે તે હોય, ભાવ ઘણું ખરું ગોપીના આર્ત હૃદયની અભીપ્સાનો છે. કવિ તરીકે નરસિંહની શક્તિ ભાવને લયસૂઝ અને શબ્દસામર્થ્ય દ્વારા પ્રત્યક્ષ કરાવવામાં રહેલી છે. ઉપાડની પંક્તિમાં પણ એનો પરિચય મળી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો’ કે ‘વસંત આવ્યો વનવેલ ફુલી’ એ વર્ણનમાં કે ‘નવલ નાર્ય’ની છબીમાં કે જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર’ એ ચમત્કૃતિનિર્દેશમાં નરસિંહની ચિત્રણશક્તિ ઉત્તમરૂપે પ્રગટ થતી જોવા મળે છે. બીજી પણ કેટલીક કૃતિઓ ચિત્રાંકનના સુંદર નમૂનારૂપ છે. અત્યંત લોકપ્રિય થયેલું એવું ચિત્ર ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ (હીં-૩) મેઘ-માધવની સંગીત-નૃત્યની જુગલબંધીનું છે. અરુણોદય લયબદ્ધ વિગતો દ્વારા તાદશ થાય છે :

અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારાતણું ખીણ દીશે,
દીપકજ્યોત તે ખીણ થઈ, વાલા, વછ ધવરાવાને ધેન્ય હીશે.
લલિ(ત) અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર્ય દધિમંથનઘોષ થાએ,
શબદ સોહામણા શાવજ્ય અતિ કરે, સુરભિશીતલ તે પવન વાએ.
કમલ વિકશી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુરકુટા બોલે, પિયુ... (૧૦૩)

પ્રભાતનું આગમન ગોપીના ભાવમાં રંગાઈને ‘વાહાણેલાં વાયાં, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં’ (વ. ૯૬) આદિમાં વર્ણવાય છે તે અનોખું છે અને યોગ્ય રીતે જ લોકહૈયે – લોકજીભે વસી ગયું છે. વ્રજનો વિહારી ‘અમો ઘેર પ્રાહુણલો રે’ (શૃં. ૨૦), એ સમયે ‘હાં રે શું શા સજું શણગાર?’ – એમ ગોપી વિચારે છે. અને પોતે જ ઉત્તર આપે છે :

માંગ સમારું રે, સજની, મોતીએ રે, ચાંદલીઓ માગું રે મહારાજ.

સેંથી ઉપર મોતીની સેર પોતે ચમકાવશે અને પછી પોતે જ સ્વ-રૂપના એ ખ્યાલે એવી આનંદમાં આવી જાય છે કે ચાંદલા માટે માગણી કરી રહે છે–ચાંદલિયા વગર કદાચ નહીં ચાલે–એવું વૈશ્વિક રૂપ ઊઘડ્યું છે. ‘માંગ’થી ખેંચાઈ આવતું ક્રિયાપદ ‘માગું’ માગણીના એક સાનંદ સુકુમાર ઉપચારથી કૃતિની ભાવવાહિતાને સવિશેષ ઉઠાવ આપે છે. સામાન્ય રીતે એવી છાપ પડે છે કે કોઈ આયાસ વગર, સહજ રીતે, નરસિંહ ચિત્ર ઉઠાવે છે :

કાળા કમખાની મહારી કાંચળી ને ઉપર ફરતા બખિયા રે,
વૃંદા તે વનમાંહે હરિ મળ્યા, મારા પૂરવ જનમના લખીઆ...
રાતા રેશમની મારી ઓઢણી અને વચવચ ધોળો ધાગો રે. (શૃં. ૪૬)

એ જ ગીતમાં, વિછોડાયેલી ગોપીઓનું ચિત્ર ‘ગોકુળથી મથુરાં ગયા કાંઈ અમને આરે મૂકી રે’ એ પૂરું વેધક છે. ગોપીની રાહ જોવાની પ્રક્રિયા એક પંક્તિમાં નિરૂપાઈ છે :

ક્ષણુ આંગણે ક્ષણુ મંદિરમાંહે ક્ષણુક્ષણુ આવું દ્વાર રે. (શૃં. ૧૯૨)

દધિમંથનનું ચિત્ર મત્ત ગતિશીલ છે :

ગાજે ગાજે રે ગોરસગોળી,
શિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી. (શૃં. ૬૧)

મહી મથતાં પણ ‘ગોપી ગોવિંદના ગુણ ગાતી’ હાથથી ‘નેતરું તાણે રે.’ ત્યાં
કૃષ્ણ -
ભાવ ભામનીનો જાણીને પાછળ આવી ઊભા રે,
ભણે નરસૈંયો નાથ નિહાળે, શું કહીએ એ શોભા રે! (શૃં. ૪૭૩)

આવા દાખલામાં કાંઈ ઉપમા આપ્યા વગર જ ચમત્કૃતિ સાધી છે, તો ક્યારેક શાસ્ત્રીય રીતે બબ્બે ઉપમા પણ ગોઠવી દે છે: ‘સુંદરીવદન વિધુ કુમુદ કમલાપતિ, જડિત્ર ચિંતામણિ હેમરત્ન’ (શું. ૪૨૫). કોઈવાર શાસ્ત્રીય રીતે, કવિસમય પ્રમાણે અપાતી, ઉપમાનો પોતે વિરોધ પણ કરે છે :

સુંદરીનાં નયનસમા નહિ નયણાં, કવિજન કુરંગ જમલમેં આણે. બાપડા વનચર રહે વન માંહે, કરી કટાક્ષ શું જાણે ? (૨૦૬)

તો કોકવાર રીતિ કાવ્યની રીતે પણ વર્ણન કરે છે :

ચંદ ગયંદ ભોયંગ કરિગ સિંઘ એકેવાશ વસંતા રે.
નારીએ જીત્યા પંચ બલવંતા, દૂર ગયા લાજ મરંતા રે.

ચાંદલો ગગન ગયો, ભોયંગ પાતાલ રહ્યો, સંઘ-મૃગ-ગજ વન ત્રાઠા રે. (૧૯૦)

‘શૃંગારમાળા’માં પીંછીના એકાદ (અક્ષરશઃ એક અથવા અર્ધ) લસરકાથી થતાં અનેક ચિત્રાંકનો છે: ‘લચી-શી ચતુરા ઊભી’ (૪૬૮),[43] ‘નેત્ર ભરીભરી પીધો રે’ (૪૪૯), ‘એના ઉર પર નાચે મોર’ (૪૯૩), ‘વાટ મરોડી જાયે રે’ (૫), ‘રહી ન શકું મારા તન માંહે’ (૨૫), ‘ફૂલી કલી અંગ ન માય રે’ (૨૪) ‘શણગટડો સંકોરું રે’ (૨૬), ‘યૌવન મારું લહેરે જાયે’ (૩૭), ‘હીંડું મોડામોડ રે’ (૮૦), ‘અવળો અંબોડો વાળે રે’ (૧૦૯), ‘ચાંદલો તપે રે લલાટ’ (૩૨૭), ‘ચાંદલો ઘૂંઘટમાં ઝલકે’ (૩૨૯), ‘મુખશું મુખ મલી કલી શું કલી’ (૩૬૫). છેલ્લા દાખલા જેવામાં સ્વરવ્યંજનસંકલનાનું જાદુ પણ ઉમેરાય છે. બોલચાલના પ્રયોગથી નરસિંહનાં ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે. સાદો એક પ્રશ્ન ‘કોઈ છે રે મથુરા જાય’ (૫૩૬) ‘છે જે’ ને બદલે ‘છે રે’ યોજવાથી આરત પ્રગટ કરવામાં ખૂબ કાર્યક્ષમ નીવડે છે. ‘હું ને ઊભી’તી રે’ (૧૫૯) માં ‘ને’ વ્યાકરણદૃષ્ટિએ વધારાનો ભલે લાગે, અહીં ગોપીની સલજ્જતા – હ્રી–સંકોચ પ્રગટ કરવા માટેની કાવ્યાર્થક્ષમતા ધરાવે છે. ‘પાછે ને ડગલે રે’ (૧૦૭)માં એથી તદ્દન ઊલટું ‘તરત પાછે પગલે’ એવો ભારસૂચક એ શબ્દ નીવડે છે. ચિત્રોની તાદૃશતામાં ક્રિયાપદો-કૃદંતોનો સારો એવો ફાળો છે: ‘મસમસતો મંદિર આવે’ (૯૮), ‘ભાવતું ભાવતું પાઉં રે’ (૧૯), ‘ચાંપી ચુંબન દેતી રે’ (૪૪૬), ‘માતી મંગળ ગાઉં રે’ (૪૪૭), ‘ગમતું ગમતું કરીએ રે’ (૪૪૭), ‘રેણી વિહાણી’ (૧૪૭), ‘મનગમતો મેં મચકો કીધો’(૧૦). ‘વળગાઝૂમી તમે ના કરો રે’ જેવામાં ક્રિયાપદનામ બોલચાલમાંથી ઉપાડ્યું અથવા બનાવ્યું લાગે છે, ‘નેણાં નિદ્રાલવાં’માં વિશેષણ સંસ્કૃત પરથી બનાવ્યું છે. ‘ઓછા માણસની પ્રીત કરતાં’માં ‘હલકા’ની અવેજમાં ‘ઓછા’ ખૂબ અસરકારક છે. કે. કા. શાસ્ત્રીના સંપાદનમાં મળતાં ‘બાઈ રે ભરવાડ’ (૧૩૬) કે ‘હાંઉ રે બાઈ’ (૧૯૩) જેવાં સંબોધનોમાં કવિના સમયમાં પ્રચલિત, કે તેના આગવા, સુંદરલહેકાઓ જોવા મળે છે.

વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો – કૃષ્ણ ગોપીઓના વલ્લભ, તેવા જસોદાના લાડકવાયા. કૃષ્ણ જેમ શૃંગારપ્રીતિનું તેમ વાત્સલ્યપ્રીતિનું પણ ભાજન છે. કૃષ્ણગોપીના રસરાસને સીમા નથી, પણ એની પશ્ચાદ્ભૂમાં બાળકૃષ્ણની લીલાની એક વત્સલ સૃષ્ટિ રહેલી છે. ભાગવતકારે કારાગૃહમાં બાળક કૃષ્ણના જન્મની, દેવકી પાસેથી ખસેડી ગોકુળમાં જસોદાને ખોળે સોંપણીની, કૃષ્ણને હાથે અનેક રાક્ષસોના નાશની કથાઓ આપી છે. વૃંદાવનની રાસલીલાની વાત તે પછી આવે છે. નરસિંહે ભાગવતને અનુસરી ‘શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદ’ની રચના કરી છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય એમ આરંભ થાય છે. ‘શ્રી ગુરુને પ્રણામ કરીને વર્ણવું શ્રી જદુરાય, શ્રીકૃષ્ણની લીલા સાંભળતાં પાતિક દૂર પળાય’. આ અગિયાર પદોની કૃતિ ‘કૃષ્ણલીલા’ની છે. કંસનો ત્રાસ વધી જતાં ભૂમિનો ભાર ઉતારવા વિષ્ણુ તૈયાર થાય છે. વસુદેવ-દેવકીનાં લગ્ન વખતે આકાશવાણી થાય છે કે તેમનો આઠમો પુત્ર મામા કંસનો નાશ કરશે. વસુદેવ કૃષ્ણને જમુના ઓળંગી ગોકુળમાં નંદઘેર સોંપી આવે છે. કંસ પુતનાને અને અન્ય રાક્ષસોને કૃષ્ણનો નાશ કરવા મોકલે છે. દસ પદમાં ભાગવતના છ અધ્યાયનો મથિતાર્થ આપી દઈ, છેલ્લા અગિયારમા કડવામાં બધા રાક્ષસોનો નાશ કર્યાનું સંક્ષેપમાં વર્ણન કરી, કંસે અક્રૂર સાથે મથુરા તેડેલા કૃષ્ણ કંસનો વધ કરે છે અને તેનું વેર લેવા આવેલા જરાસંઘને સત્તરવાર ભગાડી મૂકી અઢારમીવાર આવ્યો ત્યારે યાદવકુળને દ્વારકા લઈ જવાનું વિચારાય છે, ત્યાં સુધીની કથા કવિ પ્રસ્તુત કરે છે. નરસિંહની લાક્ષણિકતાનો અનુભવ ક્યાંક ક્યાંક, ખાસ કરીને છેલ્લા પદમાં, થાય જ છે. જમનાએ કૃષ્ણને ગોકુળ લઈ જવા માર્ગ દીધો પણ કૃષ્ણની પદરજ પામવાનો એને ઓરતો થાય એ સ્વાભાવિક છે. ગભરાઈને પિતાએ એમને ઊંચા લીધા, પણ પોતે પિતાને દબાવીને જમુનાના જળને પદરજ લેવા દીધી :

જેમ તેમ કરીને પદરજ પામું, અહીં થઈ જદુપતિ જાય રે,
–ધાયું નીર, કુંવર લીધો રે ઊંચો, ત્યારે પ્રભુએ ચાંપ્યા પાય રે.

મથુરાનું પરાક્રમ શબ્દોમાં હૂબહૂ આલેખાયું છે :

પહેલી પોળે માર્યાં પર્યટને, પછી લીધી કુબજાની અર્ચા રે;
બીજી પોળે માર્યા ગજને, ત્રીજી પોળે મલ્લ મસળ્યા રે.
ચોથે મહારથી ઝાલ્યો મામાને, બાંહે ઝાલી બહાર કાઢ્યો રે;
લાવ, પાપી, મારાં માતપિતાને! કંઠ ઝાલી કંસ પછાડ્યો રે.

આ લઘુ કૃતિમાં નરસિંહ કૃષ્ણે કંસને માર્યો અથવા તો તે યાદવકુળને દ્વારામતી લઈ ગયા ત્યાં સુધીની કથાને કૃષ્ણલીલા તરીકે પ્રસ્તુત કરે છે. કૃતિ આખ્યાનકલ્પ છે. ભાલણ, પ્રેમાનંદ આદિના દશમસ્કંધ પણ આખ્યાન કરતાં પદમાલારૂપ વિશેષ છે, તેવો નરસિંહનો પણ આ, કહો કે, સંક્ષિપ્ત દશમસ્કંધ છે.

‘કૃષ્ણ જન્મવધાઈનાં પદ’ માંથી છેલ્લા આઠમાનો ઉપાડ આકર્ષક છે : નાનું સરખું ગોકુળિયું મારે, મારે વાહાલે વૈકુંઠ કીધું રે.’ ‘બાળલીલા’નાં ત્રીસ પદમાં કેટલાંક નરસિંહની પ્રતિભાની મુદ્રાવાળાં ગીતો છે. પહેલું જ ગીત, જેને અંતે ‘બાળલીલા રચી એણી રીતે’-માં કૃતિના નામનો ઉલ્લેખ છે, તેનો આરંભ નારસિંહી છંદલહેકાવાળો છે; નંદનું આંગણું પરમ રળિયામણું સદાએ સોહામણું કૃષ્ણે કીધું.

ક્યાંક સ્વભાવોક્તિ ‘વાછલડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાય રે’ (૭) જેવામાં મળે છે. ગોપીઓ અને ભોળાં જશોદા માતા વચ્ચેની મીઠી વઢવાડનું ગીત ‘જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ – એની સ્વભાવોક્તિ અને વ્રજનારીઓ જે રીતે જૂઠી પડે છે તે ચમત્કૃતિ – (કૃષ્ણ જશોદાના ઘરમાંથી બહાર નીકળે છે)ને લીધે યોગ્ય રીતે જ લોકપ્રિયતા પામ્યું છે. બાળક રમવા માટે ‘પેલો ચાંદલિયો’ માગે છે તેનું ગીત લોક-લાડીલું બન્યું છે –

ઓ પેલો ચાંદલિયો, આઈ, મુને રમવાને આલો;
નક્ષત્ર લાવીને, માતા, મારા ગજવામાં ઘાલો.
રુએ ને રાતરડો થાયે, ચાંદા સામે જુએ :
માતા રે જશોદાજી, હરિનાં આંસુડાં લુવે.
લોકનાં અનેરાં બાળક, ઘેલો તું કાં થાએ?
ચાંદો આકાશે વહાલા, તે કેમ લેવાયે?
વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો,
નરસૈયાનો સ્વામી શામળિયો રડતો તવ રાખ્યો. (૧૬)

ગોવર્ધનગિરિનો ભાર લાગશે–‘ટચી આંગળીએ ત્રસક નાંખશે’, ‘તું તારે ‘પરવત મૂક પાછો ધરણી’–એમ માતૃસહજ ચિંતા કરતી જશોદા ‘સહુ રહેશે તેમ આપણ રહેશું’—એવું કહે છે ત્યાં ‘વ્યવહારુ’ ગુજરાતી સમાજની પરાક્રમપરાઙમુખતાની ‘મરશે’–‘હશે—’વૃત્તિનો ધાગો પ્રગટ થઈ જાય છે (૧૮). બાળલીલાનું ઉત્તમ ગીત છે નાગદમનનું. ‘જળકમળ’થી થતો એનો આરંભ જ સૌન્દર્ય પર જેની દૃષ્ટિ ઠરેલી છે એવી પ્રતિભાના પુરાવાસમો છે. બાળકનું પરાક્રમ છે, પણ પરાક્રમની કશી ધાંધલ, ઊંચો શ્વાસ, આયાસ, કાંઈ જ નથી. બહુ જ સહજ રીતે, રમતવાત હોય એમ, – દડૂલો દોટાવતા હતા એવી જ આ પણ બાળક્રીડા હોય એમ, નાગનું દમન થાય છે. સંવાદનું રૂપ આપવાથી આ શક્ય બન્યું છે. ‘જાને’ (નરસિંહથી નાના કવિને આ ‘ને’ ઉમેરવાનું સૂઝ્યું ન હોત) માંનો કાકુ આખી પરિસ્થિતિને – આખા ચિત્રને સ્પષ્ટ કરી રહે છે. પેલો ખસતો નથી. એને દેખતાં જ આશ્ચર્યવિસ્ફારિત આંખોથી નાગણે એની તરફ જોયું હશે – અને ત્યાં જ એણે ભાગી જવું જોઈતું હતું, પણ ડઘાયા વગર ધીટપણે આ તો ઊભો છે એ જોઈ (અને ત્યાં જ નાગણને અમંગળની આશંકા આવી ગઈ) અનુરોધપૂર્વક બાળકને ભયભીત કરવા એ બોલે છે. ત્યાં સામેથી પોતે જ, જુગટું રમતાં નાગનું શીષ હાર્યો છું એટલે તે લેવા આવ્યો છું – કહી, તેને અપાર ભયમાં નાખી દે છે. દંડ પછી નાગણ ભેદ અને સામનો આશરો લે છે. ના, ના, આવો રૂડો, કોડભર્યો બાળક તો ચિરંજીવ રહેવો જોઈએ – એ સૂચનમાં સામ છે, અને તારી માને કેટલા દીકરા છે – તને કેમ અળખામણો કરીને મરવા ધકેલ્યો છે? – એમાં ભેદ છે. સામ-દામ-ભેદ-દંડમાંથી ત્રણ નાકામયાબ જતાં, નાગણી દામનો આશરો લે છે ને સવા લાખનો હાર આપવા તૈયાર થાય છે. બાળકૃષ્ણની ધીર-તા, અને આત્મવિશ્વસ્તપણું નાગણ તારે ચોરી શિદ કરવી પડે? – એ સુકુમાર પ્રશ્નમાં છે. આખી કૃતિની ઇબારત નરસિંહની કાવ્યપ્રતિભાને સહજ એવા ઔચિત્યથી ભરેલી છે, જેનો નાગને સૂતો રાખવો અને પછીથી, બાળક છાનોમાનો ચાલ્યો ન જ જાય તો, જગાડવો – એવી સંકલ્પના એ પણ એક નમૂનો છે. ‘બેઉ બળિયા’માં ‘બેઉ’ શબ્દ દ્વારા લાંબા વર્ણનમાં પડ્યા વગર, બાળક બલવત્તામાં ભલભલા નાગનો સમોડિયો છે એ સૂચવી દીધું, એ વાત તો ગૃહીત જ છે એ ઠસાવી દીધું. બેઉ બાથે વળગ્યા ત્યારે કૃષ્ણના પરાક્રમનું માપ એ જેને વશ કરી રહ્યા છે તે પ્રતિસ્પર્ધીનાં અકળામણ અને ફૂંફાડાનો ખ્યાલ આપવા દ્વારા મળી રહે તે માટે કવિ ખેડુસમાજના પરિચયની ‘ગગન ગાજે હાથિયો’(આકાશમાં ગાજતા હસ્તનક્ષત્ર)ની ઉપમા યોજે છે. જે પ્રસંગમાં છેવટે વિલાપ અને વિનંતીથી નાગણે નાગ છોડાવ્યો તેનો આરંભ નાગણના એક જાણે કે અબુધપણે મૃત્યુમુખમાં ધસી આવતા બાળકનો જાન બચાવવાના (પછી ભલેને સ્વહિતની દૃષ્ટિએ) પ્રયત્નથી થાય એમાં પણ એક જાતની વક્રતા (આયર્ની) છે. નરસિંહનાં લોકહૃદયે વસેલાં ગીતોમાંનું આ એક છે અને ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. આ પ્રસંગ જુદી જુદી ભાષાઓમાં અનેક નામી-અનામી કવિઓને મુખે ગવાયો છે. પણ નરસિંહનું આ ગીત એટલું બધું લોકપ્રિય નીવડ્યું છે કે નરસિંહ પછી થયેલા સૂરદાસના ‘સૂરસાગર’માં એને વ્રજભાષાનો અવતાર મળે છે. નિમાડી બોલીમાં લોકગીત રૂપે અને મારવાડીમાં ગુણસાગરસૂરિની કૃતિ તરીકે એ મળે છે.૪૪નરસિંહની કૃતિ એક સંઘેડાઉતાર કલાકૃતિ છે. બાલકૃષ્ણ અંગે એક વહાલભર્યું ગીત છે, જે આખી કૃષ્ણ-બાળલીલાનું દિગ્દર્શન કરાવવા છતાં હળવી સ્વભાવોક્તિરૂપ રહે છે અને એથી લોકકંઠે વસ્યું છે :

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? (ભ.૧૪)

નંદ-નંદન કૃષ્ણ કે ગોપિકા-વલ્લભ કૃષ્ણ એ શીય વસ (किमपि द्रव्य) છે તેનો કાંઈક ખ્યાલ તો ‘ગોકુલ આંબો મોર્યો’ એ ભવ્યલલિત રૂપક દ્વારા ઉદ્ગારાયેલા આનંદગાનમાંથી મળશે :

ચાલો, ચાલો, સખી, જોવાને જઈએ, શ્રીગોકુળ આંબો મોર્યો.
સહસ્ર શાખ્ય લાગી એણે આંબે, ત્રિભુવન છાહ્યા ધરી રહ્યો. ચાલો૰

જાદવકુલ વસુદેવે વાવિયો, ઉદર્ય દેવકીને ઉગિયો.
થાણું દેઈને નંદઘર આણ્યો, જસોમતી-પયોધર શીંચિયો. ચાલો૰

શોલસહસ્ર કોકિલ કલરવ કરે, ઇન્દ્ર લગે ઘણું મેમયો(?)
શેષનાગની વેણ્ય શાંચર્યો, ત્રિભોવન છાયા ધરી રહ્યો. ચાલો૰

દ્ર અમરીખ રાજા રુકમાંગદ પ્રહલાદે ઘણું વેડ્યો.
ભણે નારસિંયો સેવાનાં ફલ વૈષ્ણવને રદે રમી રહ્યો. ચાલો૰ (૮૯)

સોળ સહસ્ર કોકિલ કલરવ કરે – એ ગોપીઓનું વર્ણન (સૂચન) એક સાથે લલિત અને ભવ્ય છે. ‘પયો-ધર’નો શ્લેષ ભલેને અચિન્તિત પણ અર્થપૂર્ણ છે. ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’માં આ કૃતિ મળે છે (પરિશિષ્ટ-૧, પદ-૫), પણ એનો એક બીજો પાઠ પણ એમાં (રાસસહસ્ર પદી, પદ-૫૩૭) છે, જેની છેલ્લી પંક્તિ નોંધપાત્ર છે–‘ભણે નરસૈંયો આંબો સફળ ફળ્યો, વ્રજનારીએ આંબો વેડ્યો રે’. કૃષ્ણ રૂપી આંબાની સ-ફળતા ફળવામાં નહીં, વ્રજનારીથી વેડાવામાં છે.

૪. ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો – પરિણતપ્રજ્ઞાની પ્રસાદી

ગોપાળકૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતીક તરીકે યોજીને પ્રેમભક્તિનાં ગીતો નરસિંહે આપ્યાં છે, તે ઉપરાંત પણ ભક્તિજ્ઞાનનાં પદો એણે રચ્યાં છે, જેમાં પરમાત્મા (કૃષ્ણ પરમાત્મા)ની ભક્તિ નિર્દેશી છે અને અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપવા ઉપરાંત પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવી છે. નરસિંહના આ આખા ભક્તિજ્ઞાનના કાવ્યકલાપ માટે મુદ્રામંત્ર જેવી એની કોઈ પંક્તિ હોય તો તે છે: ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી’. સામાન્ય સંસારી જીવનમાંથી જીવ ઊંચો ઉઠાવી ભગવાનની તરફ અભિમુખતા કેળવવા અંગેનાં એનાં થોડાંક પદો છે. બને કે એવાં પદોની કેટલીક સામગ્રી પ્રચલિત લોક-વાણીમાંથી-ભજન-વાણીમાંથી સુલભ થઈ હોય. ગુજરાતીમાં નરસિંહે આપેલા આકારે તે ચલણી નીવડ્યાં છે. હળવાશભર્યું ચિત્રાત્મક ‘પઢો રે પોપટ રાજા રામના’ (પરિશિષ્ટ ૧, ૭૮), સીધું બોધાત્મક પણ દૃષ્ટાંતસોહામણું ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ (૬૦) અને ‘ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ’ એ વાસ્તવવર્ણનથી અને ‘ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ’ જેવી સ્વભાવોક્તિઓથી સચોટતા પામતું ‘ઘડપણ કેણે મોકલ્યું’ (૬૧)– એ એના ઉત્તમ નમૂના છે. ‘જુવાનીને દહાડે રે હરિને જાણ્યા નહીં રે’ (૫૧) એ પદ ‘સુખમાં સંભારજો રે, જો હોય પેલા ભવનું પૂન્ય’ એમ કહી સુખમાં ભક્તિ કરવા પ્રેરે છે. ‘જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો’ (૨૯) થી આરંભાતું ‘આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો... હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે... નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે’ – આદિ ચિત્રો મનમાં ઠસાવીને બોધ આપતું પદ ‘કૃષ્ણ વિના બીજું સર્વ કાચું’ એ સમજાવે છે. ‘અમે રે વહેવારિયા રામનામના’ (૧૩) એક રૂપકથી ભક્તિની વાત કરે છે, તો લોકજીભે ચઢેલું ‘રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી’ (૧૫) સૌને ‘આપઆપણા ‘ધર્મ સંભાળવા’ આદેશે છે. જેની સાધના ‘જૂઠી’ નથી તેવા સાચા સાધકને નરસિંહ ‘વૈષ્ણવજન’ તરીકે ઓળખાવે છે. સાધુનું–વૈષ્ણવનું ચિત્ર એના મનમાં કેવુંક છે? નરસિંહ ભક્તિના રંગમાં લયલીન છે એનો અર્થ એ નથી કે વૈષ્ણવનું બિરુદ ધરાવનાર કૃતક ભક્તોથી એ અજાણ છે. સખીભાવની પોતાની લાંબી ભક્તિચર્યામાં પોતે તો સમાજની અને રા’મંડલિકની અગ્નિપરીક્ષામાં હેમખેમ પાર ઊતર્યો, પણ પોતાના સાથીઓમાંય તે અને અન્યત્ર ખોટા સિક્કા એના જોવામાં અવશ્ય આવ્યા હશે. પરિણામે, (૧) એવાઓને ઊધડા લઈ, સાચા વૈષ્ણવ કેવા હોય તે કહેવું, એ તો એ કરે જ છે, પણ (૨) ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નથી તે પણ એ દર્શાવે છે. ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ–પદ કેરું બિરદ ઝાલે!’ (૩૮) – એમાં અધ્યાત્મજીવન ન જીવનારા, પોતાની જાતે ધરાર ‘વૈષ્ણવ’ થઈ બેઠેલા કહેવાતા ભક્તોને એ સમજાવે છે કે એ દેખાવ તો ‘પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે... ઠાલો ગગનમાં મેઘ ગાજે’, –એના જેવો હાસ્યાસ્પદ અને વ્યર્થ છે. ‘હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો,’ ‘વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં’ – ભજનો ગાઈને ભક્તમાં–હરિજનમાં ખપવા લાગ્યો એ બધું ‘કરણી તો કાગની, હોડ કરે હંસની’ એના જેવું છે. નરસિંહ હંસ થવા માટેનો માર્ગ ચીંધે છે :

પિંડમાં પ્રભુ, પણ પ્રગટ લેખે નહીં, ફોકટ ભમે તે દૂર ભાળે;
અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે.
જો નિરાકારમાં જેહનું મન મળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે;
દાસ નરસૈંયો કહે, તેને ચરણે નમું, જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે.

પ્રભુ ભીતર છે, દૂર શોધવા જવાનું છે નહીં, એને નિરંતર અનુભવવાને બદલે એકસો આઠ વાર જાપ કર્યો એમ સંતોષ લેવો એ તો ‘અગણિત બ્રહ્મનું ગણિત લેખું’ કરવા જેવું બેહૂદું છે. સંસારની ભ્રાંતિમાંથી જાગવા માટે નિરાકારમાં મન મળે–ગળે એમ કરવાનું છે. એ રીતે જ જ્ઞાન અને વિજ્ઞાન (અનુભવરૂપ બનેલ જ્ઞાન)ની જ્યોત જાગે. નરસિંહ વૈષ્ણવ પાસે એ અપેક્ષા રાખે છે કે એ કાગની કરણી છોડી સાચો હંસ બને, જ્ઞાનવિજ્ઞાનની જ્યોતિ પોતામાં જગાવે. સાચા વૈષ્ણવનું, હંસની કરણીવાળા વૈષ્ણવનું, એણે એક વિધેયાત્મક (પૉઝિટીવ) ચિત્ર દોર્યું છે ‘વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...’ એ પદમાં. તમે બધા ‘વૈષ્ણવજન’ હોવાની વાત કરો છો ને? ભાઈઓ, વૈષ્ણવજન તો...! એમ કહી એ એક ચિત્ર આલેખે છે. અહીં શરૂઆતમાં જ આવતો ‘તો’ લોકોક્તિના ‘તોંતેર મણનો જ નહિ, ત્રાણું કે ત્રણસો ટનનો કહો તો પણ ઓછો છે –

વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ૰
વણ-લોભી વળી કપટ-રહિત, કામક્રોધ જેણે માર્યા રે.
ભણે નરસૈંયો : તેહેનું દરસણ કરતાં કુલ એકોતેર તાર્યાં રે. વૈષ્ણવ૰

આ પદ નરસિંહનું નથી, અરે દલપતરામનું છે, વાછો (વસ્તો)નું છે, એવો વિવાદ જાગ્યો હતો, જે ‘સંવત ૧૮૦૦ લગભગની (દલપતરામના જન્મ પહેલાંની) હાથપ્રતને આધારે[44] કે. કા. શાસ્ત્રીએ સુલભ કરેલા ઉપરના પાઠથી નિર્મૂળ થયો છે. કવિતાની વિભાવના – કંઈ નહીં તો વિભાવનાની છાયાઓ બદલાતી રહે છે અને આવી ઉઘાડી ઉપદેશાત્મક, સદ્ગુણોના હારડા જેવી, કૃતિને કાવ્યનું નામ કે કેમ અપાય એવી ચર્ચા પણ થાય એ સ્વાભાવિક છે. ૧૯૫૬માં ઓક્સફર્ડમાં કવિતા-આસન સ્વીકારતાં કવિ ઑડેને આપેલા પ્રારંભ-વ્યાખ્યાનમાં વિવેચકને આડેધડ ચાર સવાલો પૂછ્યા છે તેમાંનો એક છે : ભાઈ, નકરી યાદી (હોમરના ‘ઇલિયડ’માં ટ્રોયને કોટકાંગરે ઊભેલી હેલન ગ્રીકલોકોનાં જહાજોની આપે છે એવી) સહન કરવાનું ગજું તારું છે ને? આપણા પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં આરંભમાં આવતી વૃક્ષનામગણના, મુનશી જેને ‘જંગલખાતાની ટીપ’ કહે છે તે, એનો નમૂનો છે. એક પછી એક પદાર્થો ગણાવતાં ઉપચયનો ભાવ જામે છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મસિદ્ધિવાળા પુરુષનો ખ્યાલ એકલી ગીતામાં જ ત્રણવાર સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ (અ.૨), ભક્તનાં લક્ષણ (અ.૧૨) અને ત્રિગુણાતીતનાં લક્ષણ (અ.૧૪) ગણાવવા દ્વારા અપાયો છે. કેવળ સીધા કથન, નિવેદન (સ્ટેટમેન્ટ)ની પાછળ પણ કોઈ વાર ચમત્કૃતિ જેવું લપાયેલું હોય છે. બધાં (લક્ષણો ગણાવ્યાં છે તે અને વળી વધુ પણ ઉમેરી શકીએ તે)માં નરસિંહે ‘પીડ પરાઈને’ જ પ્રથમ સ્થાન કેમ આપ્યું? ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો’ એવો નરસિંહ સાચા વૈષ્ણવનાં લક્ષણ ગણાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પારકાની પીડ જાણવી–એ લક્ષણને પ્રથમતા શી રીતે આપી બેઠો? ‘વૈષ્ણવ તે જે સ્નેહમારગી’ એમ પોતે માનનારો છે. સ્નેહમાર્ગ એ વેવલાઈ નથી. પ્રેમ ક્રિયાશીલ હોય એ વૈષ્ણવપણાનો ખરો પુરાવો છે. પોતાની પીડ તો સૌ કોઈ જાણે પણ આ આત્મૌપમ્યથી બીજાની પીડ એટલી જ તીવ્રતાથી જે અનુભવે તે વૈષ્ણવજન. ‘પરાઈ’ શબ્દ સહેજ, સહેજ જ, કાકુથી પોતાની નહીં હોં, બીજાની – એ અર્થ ઊપસે એ રીતે બોલવાનો છે. પરાઈ પીડ જાણી. એ જાણી એટલે કાંઈ વાત પૂરી થતી નથી. એને હળવી કરવા–નિવારવા પ્રયત્ન કરવાનો છે. જેમ પોતાને માટે કરીએ તેમ જ. કર્યો પ્રયત્ન. સફળતા પણ મળી. ઓહો, મેં પીડ નિવારી, એવી અહંતાની નવી આપત્તિ અહીં જાગે છે. તેનાથી બચવાનું છે. આવા અભિમાનથી પ્રેરાઈને લાંબો સમય પીડ પરાઈ નિવારવામાં કોઈ રચ્યોપચ્યો રહી શકે પણ નહીં. આત્મૌપમ્યથી–કેવળ પ્રેમભાવથી પ્રેરાયેલો, પોતે કામમાં આવી શક્યો–એવી પોતાને તક મળી તેથી સામેથી પોતે ઉપકારવશ થનારો જ એ માર્ગે નિરંતર ચાલી શકશે. આવા માણસનો માંહ્યલો, સામે જે કોઈ મળશે તેની તરફ સહેજે અભિસરવાનો ધસવાનો એની ખોડખાંપણ કાઢવાનો તો એને અવસર જ ક્યાંથી રહેવાનો? ‘વંદે’ પછી ‘નંદ્યા’ની વાત, સ્વરસામ્યથી જ આવીને ગોઠવાઈ ન હોય એમ, સ્વાભાવિક અનુસરતી લાગે છે. આવા સાધકને વાચા જ નહીં, મન વચન કાયા ત્રણે નિર્મળ રાખવામાં મુશ્કેલી ન રહે. જીવનને અંતે પ્રભુને એ ત્રણે વિશુદ્ધરૂપે તે નિવેદિત કરવાનો. ધન્ય છે એની જનેતાને, કેમકે એણે એને જન્મ આપ્યા પછી બીજી કોઈએ એને જન્મ આપવાપણું હવે રહેવાનું નથી. ઊંચી પ્રતિભાની નીપજરૂપ કૃતિના અવયવેઅવયવ કેવા પરસ્પર ગૂંથાયેલા હોય છે એ જોવું દુર્ઘટ નથી. ‘વેરાગ મનમાંહે’ની વાત નરસિંહ કરે છે, પણ ત્યાં તરત જ પોકારીને કહે છે કે ના ના, એ તો રંગમાં છે, એને ભારે અનુરાગ છે, ‘નિરંતર એ કૃષ્ણ નામની તાળી રાખે’ છે. આવો પુરુષ પોતેએકલો તરવાનો નહીં, પણ પોતે જે જે કુળોના સંબંધમાં આવ્યો તે બધાં જ (એકોતેર એટલે કે એકોત્તરશત, એકસો ને એક) કુળને તારવાનો, સાચું કહીએ તો મનુષ્યજાતિને તરી પાર ઊતરવાનો આરો (તીર્થ) બાંધનાર તીર્થંકર સમાન નીવડવાનો. સીધું ઉપદેશાત્મક લાગતું આ ગીત આપણા જમાનામાં ‘પીડ પરાઈ’નું સૂક્ષ્મ સંવેદન ધરાવનાર અને ક્ષણેક્ષણ પ્રેમને કાર્યમાં મૂર્તિમંત કરવા મથનાર પરમ પ્રભુજન મહાત્મા ગાંધીનું વહાલું બની ગયું અને રાષ્ટ્રીય ભક્તિગીતનું સ્થાન પામ્યું એમાં આશ્ચર્ય નથી. વૈષ્ણવ જ્યાં વસતા ન હોય ‘ત્યાં નવ વસિયે વાસડિયાં’ એમ નરસિંહ કહે છે, અને કોઈ ડાહ્યાઓ ‘પ્રેમભક્તિમાં ભંગ પડવો’ એ એને મંજૂર નથી. ‘દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે... આપણા કુળમાં કોઈએ ન કીધું, તે આપણ કેમ કરીએ રે?’ (૫૪) એક લોકપ્રચાર પામેલા પદમાં એ કહે છે: ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... કુળને તજીએ, કુટુંબને તજીએ જેમ તજે કંચુકી સાપ રે’ (૫૯). ભક્તિ માટે લોકલાજ પણ મનમાં આણવાની નથી એમ એ કહે છે : ‘લોકની લાજમરજાદ તે પરહરો, નિરભે થઈને હરિગુણ ગાઓ–’ (૩૭), ‘લોકડિયાની લાજ રે, બાઈ, મેં તો નાણીઓ રે, મેહેલી કાંઈ કુળ તણી લાજ, જાદવાને માથે રે છેડો લઈ નાખીઓ રે, ત્યારે પ્રભુવર પામી છૌં આજ’ (૩૦). જો ‘જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે’, જ્ઞાન એ વિજ્ઞાન (અનુભવપૂર્વકનું જ્ઞાન) બને તો એના પ્રકાશમાં ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નહીં લાગે. ભક્તિ અને જ્ઞાન પ્રત્યેનો નરસિંહનો અભિગમ ભાષાનાં કેટલાંક બુલંદ પદોમાં વ્યક્ત થયો છે. એમાં શાસ્ત્રીય રજૂઆતનો સવાલ ન હોય. માત્ર, અમુક અમુક વલણો પ્રધાનતા પામતાં જોઈ શકાય છે. ત્રણ વસ્તુઓ આગળ તરી આવે છે : ૧ ભક્તિમહિમા, ૨ પ્રેમભક્તિમાં રસબસપણું અને ૩ બ્રહ્મ જ એક છે એવી અનુભૂતિ. ત્રીજી વસ્તુ કાળક્રમમાં છેલ્લી પ્રગટી હોય. નરસિંહના અવાજને જે થોડોક પણ ઓળખે છે તે એની કવિતામાં આ ત્રણ વાનાં ચૂકી શકે નહીં. ભક્તિમહિમા નરસિંહે વારંવાર, જુદી જુદી રીતે, ગાયો છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાંહી રે’ (૧) – ભક્તિને કારણે પૃથ્વી વૈકુંઠ, કૈલાસ આદિ ઉચ્ચતર લોક સાથે સરસાઈ ભોગવે છે. પુણ્યકમાણી દ્વારા સ્વર્ગલોક પામ્યા તો પણ તે ખૂટતાં પાછો અવતાર લેવો રહે છે. ભક્તિનો રસિયો તો મુક્તિની પણ ઇચ્છા રાખતો નથી, કેમકે કૃષ્ણનો રસ લૂંટવાની તક પછી ન રહે. ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ – આ નરસિંહનો એક મુખ્ય ખ્યાલ છે અને અહીં તે ઉત્તમ રીતે અભિવ્યક્ત થયો છે. અન્યત્ર, ‘બેઉ કર જોડીને નરસૈંયો વીનવે, જન્મોજન્મ તારી ભક્તિ જાચે’ (૨), ‘જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું’ (૨૯)- માં પણ આરતપૂર્વક એ રજૂ થયો છે. નરસિંહ ભક્તિનો આવો મહિમા કરતો હોઈ બહુ ટૂંકમાં, એકવાર તો, સૂત્ર પકડાવે છે : ‘એક ઉપાસના : જઈને વળગો’ (૩૬). જાગ-જોગ, ઉપવાસવ્રત, તીર્થાટન, યમનિયમ, શાસ્ત્રસમુદ્રઅવગાહન, –એ બધી જંજાળની ‘જાળ કાપી ગયા જંન શૂરા’. અનન્યાશ્રયબુદ્ધિથી એ વર્તે છે : ‘મારે તો આશરો એક હરિનામનો, છેક આવ્યો, હવે ક્યાં રે જઈએ?ભણે નરસૈંયો, એ નામને આશરે... લીન રહીએ.’ પોતે જીવનભર ન છોડેલો ભક્તિનો માર્ગ લોકો કેમ લેતા નથી એ વત્સલ ચિંતાથી નરસિંહ વારંવાર સમજાવી કલાવી ટપારી તેમને એ તરફ વાળવા કહે છે. ‘હરિહરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં, કામ સરશે; શીષ પર કાળ રહ્યો દંત કરડે,... મૂઢ શું જોઈને મૂછ મરડે?’ (૨૦) ‘હરિતણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ દીધું’ (૨૭) માં એ હૂબહૂ ચિત્રો દોરે છે : ‘ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા, શ્રીનાથે છોડ્યા :... પગ ઠોકી કરી માગતો મૂઢમતિ ઘાસ પાણી, કરી શબ્દ ઝીણા.’ બળદ અને ઘોડાનાં એ ચિત્રો પછી ‘લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો’ ઊંટ કવિ પ્રત્યક્ષ કરાવે છે ત્યારે કટાક્ષ સચોટપણે છતો થાય છે. ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી,’ ‘જપ ન કરે તે જીભલડી નહીં, ખાસડિયાં’ એમ કહી, પૂર્ણ પુરુષોત્તમને તજી અન્ય દેવમાં મન પરોવનારાઓની, તેઓ ‘મહીષીના પુત્રનું દૂધ દોહે’–એવી વિડંબના એ કરે છે. બ્રહ્મવાટ ભૂલેલા વાદોમાં અને કર્મકાંડમાં ડૂબેલા, માયાના પુત્રોને, –‘રઝળતી રાંડનાં રડવડતાં છોકરાં’ (૪૫) ને કોણ બોધ આપીને ઠેકાણે આણે એ પ્રશ્ન એને થાય છે. ‘સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો? વગર સમજે કહે મારું તારું,’ (૩૩) – એમ સહેજ ઢંઢોળીને અંતે બહુ વત્સલતાથી કહે છે, ‘કાં ન જાગે?’ અને સમજાવે છે કે ‘ભરનિદ્રા’માં રહેતાં શરમાવાવારો આવશે – જનમોજનમની પરિતૃપ્તિથી વંચિત રહેવા જેવું થશે: ‘ન જાગતાં, નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મોજન્મ તારી ખાંત ભાગે. આ આળસ ન તજવી એ અલ્પમતિનું કામ છે.

ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુ:ખ જાયે...
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે...
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક્ય મા વાત સુણતાં જ સાચી.
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ! એ મૂળથી ભીંત કાચી.
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લેહેકાવતાં રાજ લેવું. (૩૧)

ઉપદેશની વાત પણ ઝમકદાર વાગ્ભંગિથી અને આશનું ભવન, કાચી ભીંત, લીંબુઉછાળ રાજ્ય, – એવાં ચિત્રકલ્પનોથી ચિરસ્મરણીય નીવડે એવી અભિવ્યક્તિ પામે છે. નરસૈંયો પોતાને ‘માહામતિ’ નું પદ આપે છે, કેમકે પેલા ‘અલ્પમતિ’ઓની જેમ એ ‘પ્રેમભક્તિનો રસ – પ્રેમરસ પીવામાં આળસ જાણતો નથી એટલું જ નહીં, પોતે એ પ્રેમભક્તિ સિવાય બીજા કશાથી રીઝે એવો પણ નથી. ખાધા વગર ઢોર મરવા પડ્યું હોય તો કુશકામાં પણ એનો જીવ લોભાય એમ પ્રેમરસ જેવો પ્રેમરસ ન પામ્યાથી જેઓ દૂબળા છે તેઓનું ક્યારેક મુક્તિથી મન ચળે છે. ભાગવતમાં શુકજીએ દશમસ્કંધમાં પ્રેમરસ ભરપૂર ગાયો પણ પછીના સ્કંધમાં જ્ઞાનવૈરાગ્યની વાતો મૂકી એને સંતાડ્યો. મરવા પડેલો રાજા પરીક્ષિત એ સમજ્યો નહીં. મુક્તિ તો ભગવાને અવતાર લઈ જે જે દૈત્યોને માર્યા તેમને પણ આપી છે, જ્ઞાની વિજ્ઞાની મુનિ યોગી તેમને પણ આપી છે. પણ પ્રેમરસને યોગ્ય તો વ્રજની ગોપિકાઓ ઠરી, અથવા કોઈ વિરલા રસભોગી ભક્તો ઠર્યા. હા, જે આ સંસાર છોડીને જાય (પ્રેત) તેઓને મુક્તિની ગરજ રહે જ. લાલચુને જેનો લોભ હોય તે મળે એટલે રાજી થાય. પણ અહીં તો સંસાર જ કોને છોડવો છે? જનમોજનમ પૃથ્વી ઉપર આવવું છે. અમારે તો જન્મોજન્મ લીલારસ ગાવો છે. લીલારસ ગાઈએ ને એટલે અમારે બારણે આવીને લહાણનાં વહાણ નાંગર્યાં સમજો. ‘નરસિંયો માહામતિ’ આ જે લીલારસની વાત કરે છે તે તો જતિસતીને સ્વપ્ને પણ અનુભવવા ન મળે.

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે.
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહીં, શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી.
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવ તે હેતુ ત્રૂઠે;
જન્મોજન્મ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું કોઈએ ન ભાવે;
નરસિંયો માહામતિ ગાય છે ગુણ કથી જતિ-સતીને તો સ્વપ્ન ન આવે. (૨૪)

આવું પોતાનું દર્શન હોઈ, આવો પોતાનો અનુભવ હોઈ, નરસિંહ કહે છે ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર–વીર રીઝે’ (૨૩). સાચી રીતે પ્રભુને સેવે તો પુરુષાર્થી જીવ મુક્તિલાભ પામે, પણ નરસિંહ સ્ત્ર્યર્થી (પુરુષ+અર્થી=પુરુષાર્થી, તેમ સ્ત્રી+અર્થી) જીવની ધન્યતા ગાવા માગે છે : ‘રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે.’ આથી એ કહે છે, દેવો અને મુનિવરો ગોપિકાચરણરજને વંદન કરતાં ‘ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નંદે,’ એવી એમની સ્થિતિ છે. ‘ધ્યાન ધર, ધ્યાન ધર,–’ એ પ્રેમભક્તિનો માર્ગ છે. નરસિંહ એ શબ્દોથી શરૂ થતાં બે પદોમાં ધ્યાન દ્વારા પમાતા લીલારસની વાત કરે છે.

ધ્યાન ધર, ધ્યાન ધર, નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે...
કદમના દ્રુમ તળે રાધિકા રસભરી હરિજને સંગ આલાપી ગાયે. (૨૫)

બીજા એક ઉત્તમ પદમાં નરસિંહ ધ્યાન ધર, ધ્યાન ધર એમ આદેશીને મંત્રરૂપ પ્રતીતિ ઉદ્ઘોષે છે: ‘નેત્રમાં નાથ છે.’ આ ધ્યાન દ્વારા દ્રષ્ટા અને દૃશ્ય જુદાં રહેવા પામતાં નથી. જોનાર નેત્રમાં જ નાથ બેઠા છે, ‘દેહી’– શરીરમાં જ એ પ્રત્યક્ષ થશે. એના નાદમાં ખેંચાતાં વ્રજનાં વનવેલી તે બ્રહ્મરૂપ ભાસશે. લલિત કુંજમાં શ્રીકૃષ્ણની લીલા, એની નિરંતર નૌતમ કેલી નીરખાશે. દેહી–શરીરનું માન વિગલિત થઈ જતાં સુરતસંગ્રામમાં રંગભેર વિલસતા પરમતત્ત્વની ઝાંખી થશે.

ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતી;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મુરતી.
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે,
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે.
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે બ્રહ્મ વ્રજ વન વેલી;
કુંજ લલિત માંહે શ્રીકૃષ્ણ લીલા કરે, નીરખની નૌતમ નિત્ય કેલી.
સુરતસંગ્રામમાં વિલસે રંગમાં, દરસશે દેહીનું માન મરતાં,
નરસૈંયાના સ્વામી સર્વ સુખ આપશે, દુક્રિત કાપશે ધ્યાન ધરતાં. (૨૬)

શ્રીકૃષ્ણવિષયક શૃંગારપ્રીતિનો, પ્રેમભક્તિનો, આ ઉત્કૃષ્ટ ઉજ્જ્વળ ઉદ્ગાર છે. સુરતસંગ્રામનું રૂપક અહીં દેહભાવ વિગલિત થયો હોય એ દશા અંગે યોજાયું છે. (પાછળના, વૈષ્ણવચિકિત્સક, અખા જેવા પણ ‘સુરતસાગર કો નાંહીં તાગ’ જેવામાં બ્રહ્મ-સમરસ–દશા માટે એ પ્રતીક યોજે છે.) આ પદમાં કૃષ્ણલીલારસ અને અદ્વૈતાનુભવ–અભેદાનુભવ એકરૂપ સૂચવાય છે. નાથ નેત્રની બહાર નથી, નેત્રમાં રહીને જોનાર જ પોતે નાથ છે. પછી વ્રજનાં તમામ તરુ, લતા, આદિ બ્રહ્મરૂપ ભાસે તો શું આશ્ચર્ય? આ દર્શન, આ પ્રતીતિ એ સુરતસંગ્રામની, દરેક પદાર્થ–દરેક વ્યક્તિ સાથે પરમાત્માની રસલીનતાની, કૃષ્ણલીલાની, અનુભૂતિનું શિખર છે. મનુષ્યજીવનમાં ભક્તિ, શ્રીકૃષ્ણનું ધ્યાન, એ મોટી વસ્તુ છે અને તેને માટે જનમોજનમ અવતાર ધારણ કરવા જેવું છે, એવો પોતાનો અનુભવ કહી એ ભક્તિ તે જીવનને અંતે મુક્તિ પમાડનારી નહીં, પણ ક્ષણેક્ષણે પરમ તૃપ્તિ આપનાર કૃષ્ણરસ–લીલારસ–પ્રેમરસ પાનારી પ્રેમભક્તિ છે એમ નરસિંહ ગાય છે.આ એની મુખ્ય ભૂમિકા છે. ભક્તિગીતો જ નહીં, કૃષ્ણવિષયક શૃંગારગીતોનાં સંખ્યાબંધ ઊર્મિગીતો એને આધારે રચાયાં છે. પણ આ ઉપરાંત વળી એક નવી ભૂમિકા નરસિંહમાં જોવા મળે છે, જે તદ્દન અસંદિગ્ધપણે એનાં કેટલાંક પદોમાં વ્યક્ત થઈ છે. ‘નેત્રમાં નાથ છે’ અને તેથી બહાર સર્વત્ર ‘ભાસશે બ્રહ્મ’ એમ કહેવામાં એ ભૂમિકા સૂચવાઈ હતી. આખા વિશ્વ પાછળ ‘એક’ જ તત્ત્વ છે એવી અદ્વૈતપ્રતીતિની એ ભૂમિકા છે. આઠેક (નીચે મોટા કૌંસમાં પદ આરંભે આંકડાથી નિર્દેશ કર્યા પ્રમાણેનાં) પદોમાં એ અદ્વૈતપ્રતીતિ સવિશેષ અભિવ્યક્તિ પામી છે. જુદાં જુદાં પદમાં જુદી જુદી રીતે ભાર મુકાય છે. પણ એ બધાંયમાં કેન્દ્રીય પ્રતીતિ ‘એક’ તત્ત્વની છે.

[૧] અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.
વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે: કનક-કુંડળ વિશે ભેદ નોહોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
ગ્રંથગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહેને પૂજે;
મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મત એમ સૂઝે.
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે.
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું – પ્રેમથી પ્રગટ થાશે. (૪૦)

સારાયે બ્રહ્યાંડમાં ‘એક’ જ તત્ત્વ છે, એટલું અહીં સ્વીકારાયું છે. કનક-કુંડલમાં ભેદ નથી, છેવટે તો સુવર્ણ જ છે. આ અભિપ્રાય અહીં નરસિંહનો પોતાનો નથી, ઉપનિષદમાં એવી વાત આવે છે એનો આ હવાલો માત્ર છે. પત્ર એ બધા ગ્રંથોથી ગરબડ ઊલટી વધી, અનેક સાધનાઓ-પૂજાવિધિઓ વિકસ્યાં. નરસિંહ કહે છે કે બધું છોડીને હું તો પ્રીતિ કરું, પ્રેમથી પ્રભુ પ્રગટ થશે. તત્ત્વ એક, તેને પામવાનો માર્ગ પ્રેમ, – એટલું અહીં એને કહેવું છે. પરમતત્ત્વ એ છે એ ઉદ્ગાર સાથે એ એક નવો પ્રશ્ન ઊભો કરે છે. પરમેશ્વરના સ્વરૂપ વિશે બહુ તત્ત્વાલોચન કર્યું પણ ‘કોણ હું?’ એ પ્રશ્ન કદી વિચાર્યો? –

[૨] ‘એક તું,’ ‘એક તું’ – એમ સહુ કો સ્તવે, ‘કોણ હું?’ –એ નહીં કો વિચારે;
‘કોણ છું?’ ‘ક્યાં થકી આવિયો જગ વિશે?’ જૈશ ક્યાં, છૂટશે દેહ ત્યારે?’ (૪૬)

પછી ‘હું’-ની વિગતે વાત કરી છે. એ ‘પ્રતિદિને જડ કને જૈ કરી માગતો: ઈશ, તું સાહ્ય થાજે સદા રે.’તેમ છતાં દુઃખ તો જરીકે ટળતું નથી. અને છતાં માગણી કરતાં એ થાકતો નથી. કોઈ આકાશી વૃત્તિ ધારણ કરી હોય એમ વર્તે છે અને કૃત્રિમ નમ્રતાથી કહે છે, હું કોણ કોની પાસે કયા હકથી માગું? અને છતાં માગણી સ્વીકારાઈ તો પ્રભુએ મદદ કરી એમ કહે છે અને કામ કથળ્યું તો કર્મને દોષ દે છે. નરસિંહ પૂછે છે કે ‘પૂર્વનાં કર્મ જો હરિ ભજ્યે નવ ટળે, તો કહો કોણ એ કામ કરશે?’ – તો ભક્તિ કરશે કોણ? નરસિંહ કહે છે ‘આકના વૃક્ષથી અમૃતફળ તોડવા’ તાકનાર મૂર્ખનો શ્રમ વૃથા જવાનો છે. એવો માણસ ‘જ્ઞાન-હીણો’ ઠરશે. સત્ય સમજી પરમ પદ ઓળખવાનું છે, વિતંડામાં પડવાનું નથી. ‘જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે.’ અદ્વૈતવાદીઓ (૧) બ્રહ્મ, અને માયાને કારણે (૨) ઈશ્વર, અને (૩) જીવ એવા ભેદ ચર્ચ્યા કરે છે તેમાં સત્યવસ્તુ તરત હાથ નહીં લાગે. બધાનું જોઈ, તું ‘એક તું,’ ‘એક તું,’ કરવા લાગ્યો, ‘તું’ વિશે – પરમાત્મા વિશે જ ભાંજગડમાં રહ્યો, અને પરિણામે એક જડ મૂર્તિ આગળ બેસીને મદદની યાચના કરવામાં પડ્યો. એને તેં એવો નિર્બળ બનાવી દીધો કે પૂર્વકર્મનું બળ પણ એ તોડી શકે નહીં. હવે હું તને એટલું જ કહું છું કે ‘હું’ ઉપર ધ્યાન કેન્દ્રિત કર. દેખાદેખી તું મોઢેથી બબડે છે : ‘એક તું’, ‘એક તું.’ અને જો તો ‘હું’ની કેવી પામર દશા થઈ બેઠી છે! ઇલાજ બતાવું? આ ‘હું-પણું’ તજી દે, અને સાથે જ (મોંએ બબડે છે ‘એક તું’, ‘એક તું’ એ ‘તું’ તો દૂર રહ્યો પણ) આ સામે જડ ‘તું’ જેની ‘કને જૈ કરી માગતો’ તે-નું ‘તું-પણું’ પણ ફગવી દે. તરત તારી વાત પાર પડશે.’ બીજા એક પદમાં ‘હું’ (જીવ) અને ‘તું’ (શિવ) બંને શમી જતાં પોતે અનિર્વચનીય વસ્તુરૂપ થઈ રહેશે એ સમજાવ્યું છે.

[૩.] હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ ત્યાં હાં લગી તું રે હઈશે.
હું જતે હું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના, કેહે, તુંને કોણ કહેશે?
સગુણ હોય જાંહાંલગી, નિર્ગુણ તાંહાં લગી, ત્યમ કેહે સદગુરુ વાત સાચી;
સગુણ શમતાં નિર્ગુણ ગયું છે શમી, શેષ પૂરણ અનિર્વાચી.
શિવ ને જીવ તો ના એ છે એક જો, જીવ હોયે તાંહાં લગી શિવ હોયે;
જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો, ટળી જાયે ધંધ(હ) નામ દોયે.
તાહરા-માહરાં નામનો નાશ છે, લૂણ ને નીર દૃષ્ટાંત જોતેઃ
મહેતો નરશઈ કહેઃ વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.[45]

કૃષ્ણપ્રતીતિના ગીતમાં પણ ‘ઉદક્ર માંહે જ્યમ લવણ મલે રે તેમ તમશું મારી દેહા,’ કહી હું-તુંનું આ નાટક જ છે એમ સૂચવ્યું હતું : વળી સરખાવો :

કૃષ્ણવિના નહિ કોય;
નરસિંયાચો સ્વામી નાટક, બાઈ રે, વિશ્વ પડીલા મોહ. (૨૦૩)

આ ‘હું’-‘તું’ જે ટાળવાના હતા, તે ટાળ્યા. ‘તે’ ના ઉપલક્ષ્યમાં ‘હું’ અને ‘તું’-ને સમજવાનું સૂચન અનુક્રમે ‘નીરખને ગગનમાં’ અને ‘જાગીને જોઉં તો’માં થયું છે. ‘નીરખને ગગનમાં’ અધ્યાત્મ-અનુભવને ચિત્રાત્મક કાવ્યબાનીમાં નિરૂપે છે. કવિ ‘નીરખને’માં ‘ને’ પરના કાકુથી પોતે માણેલો આનંદ બીજા સાથે વહેંચવાની તાલાવેલીથી આરજૂપૂર્વક નિમંત્રણ આપતા ન હોય! [૪.] નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું’, ‘તે જ હું’ – શબ્દ બોલે. એ सोडहम् (તે જ હું), सोडहम् (તે જ હું)–શબ્દ બોલી રહ્યો છે. નરસિંહ તરત પોતાના પૂરતો પ્રતિભાવ પાડે છે અને ‘તે જ (શ્યામસુંદર) હું’ છું માટે –

‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.’

એમ ગાઈ રહે છે. શ્યામમાં હું-પણું અવસાન પામો એ એની ઝંખના છે. એ શ્યામની જેની સાથે તુલના થઈ શકે એવું અહીં કશું જ નથી.

શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.

શ્યામની શોભા બુદ્ધિથી તો કળી કળાય એમ છે જ નહીં. બુદ્ધિની બિચારીની દશા અનંત ઉત્સવમાં ખોવાઈ ગયા જેવી છે. બધેથી જો રસ અનુભવી શકાય, માત્ર ચેતનમાંથી નહીં, જડમાંથી પણ–પ્રેમની જડીબુટ્ટીથી જડને સચેત બનાવી દઈને – તો શ્યામસુંદરના રૂપનો ખ્યાલ કાંઈક મળે. એટલે મૂકોને બુદ્ધિને પડતી. એની વિટંબણાની વાતમાં ક્યાં પડ્યા? પ્રેમ દ્વારા જડ (જે હવે જડ રહેતું નથી) અને ચેતનને રસમય અનુભવ્યા પછી, જોઈએ, શ્યામની શોભાની, અહીં નહીં તો સારા વિશ્વમાં ક્યાંય કોઈ તુલના કરી શકાય છે ખરી?

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.

दिवि सूर्यसहस्रस्य भवेद् युगपद् उत्यिता यदि भाः, सदृशी सा स्याद् भासः तस्य महात्मनः। ગીતામાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તેજની ઉપમા આપી છે કે આકાશમાં એક સાથે હજાર સૂર્યની દ્યુતિ ઉદય પામે, તો તે એ મહાત્મા (વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણ)ની દ્યુતિ સમોવડી, વખતે, હોય. નરસિંહ કોટિ સૂર્યની દ્યુતિની વાત કરે છે. કરોડગણી દ્યુતિવાળો સૂર્ય પૂર્વની ક્ષિતિજને આરે સોનાની કોર કાઢે તો એ શ્યામની શોભાની તોલે આવે. એ સુવર્ણની કોર કેવી લાગે? જાણે બાળકૃષ્ણ સોનાના પારણામાં ઝૂલી રહ્યા ન હોય, બાળસ્વરૂપે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરી રહ્યા ન હોય. એ તેજસ્વી રૂપ ઉગ્ર ન હોય પણ પરમ આહ્લાદક હોય. આ સૌન્દર્યજ્યોતિ શી રીતે પેટાવાયો છે? નથી દીવેટ, નથી તેલ, નથી દીપપાત્ર, અને જ્યોતિ નિષ્પંદપણે પ્રકાશી રહ્યો છે. આંખથી એ નીરખવાનો નથી, એ કોઈ રૂપ નથી કે ઓળખી શકાય. આ રસ પીવાનો છે તે કાંઈ જિહ્વાથી પીવાનો નથી. એ અવિનાશી અકળ છે, અધઃ અને ઊર્ધ્વ–નીચા અને ઊંચા, (એ બે) વચ્ચેના અંતરાલમાં બધે આનંદથી રમમાણ રહે છે, સર્વવ્યાપક છે. નરસિંહ (ફરી પાછો પ્રેમની ચાવી બતાવતાં) કહે છે કે પ્રેમથી એનો કેડો પકડવામાં આવે તો સંતો એને મેળવી શકે છે.

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો,
નેત્રવિણ નીરખવો, રૂપવિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.
અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;
નરસિંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩૯)

આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोडहम् ધ્વનિનું ગુંજન, – આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાળમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું એક ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. પ્રેમની જડીબુટ્ટી, અનંત ઉત્સવમાં પથભૂલેલી બુદ્ધિ, એ ચિત્રણો, છેલ્લી કડીમાં ‘અકળ-સકળ’ ‘અરધ-ઊરધ’ ‘તંતમાં સંત’ એ આંતરપ્રાસ, ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે’ માં ‘સચ્ચિદાનંદ’ પછી ‘આનંદ’ શબ્દથી પારણાની એકછેડે જઈને પાછા વળવાની ગતિનું સૂચન—સૌન્દર્યની જડીબુટ્ટી કૃતિને કેવી સચેતતા અને રસમયતા અર્પે છે તેના નિદર્શનરૂપ છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની, આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે. જે પ્રતિદિન જડ કને જઈને ‘સાહ્ય’ થવાની માગણી કરતો તે ‘હું’ નો તો અહીં ક્યાંય પત્તો નથી. ‘હું પણું’ ટળ્યું છે; सोडहम् ‘તે જ હું’ નાદના પ્રભાવે તે શ્યામની શોભામાં વિલીન થયું છે. એ સ્થિતિ પામવામાં પ્રેમની સંજીવનીનો, પ્રેમના તંતનો નરસિંહે મહિમા કર્યો છે. પુત્રના ‘વિવાહ’ના અંતે આવતું પદ –

[૫.] (દેવા) આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, ત્રિકમા, એક તું એક તું એક પોતે

– એમ એક તત્ત્વની વાત કરે છે. ‘સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું’ – સગુણ એ નિર્ગુણ સ્વરૂપ છે. ‘બે નથી, એકલો, વિશ્વથી વેગળો સર્વ વ્યાપક છે રે શક્તિ એની,’ – એ બે નથી, અદ્વૈતવસ્તુ છે, એકલો છે, વિશ્વથી ન્યારો (ટ્રાન્સેન્ડેન્ટ) છે અને સાથે જ સર્વ કાંઈમાં વ્યાપેલો (ઈમ્મેનેન્ટ) છે. એ આનંદમય કૃષ્ણજી સ્વયં છે. અને રાધિકા તે એની ભક્તિ છે. પુત્રના વિવાહ વખતે, જુવાનીમાં નરસિંહે પ્રેમમાર્ગ અનુસરતાં પરમાત્મા એ ‘બે નથી’ એવું – ‘એક તું એક તું એક’ છે એવું અનુભવ્યું છે. રાધિકાથી દ્વૈત સરજાતું નથી, કેમકે નરસિંહને મન એ બીજી વ્યક્તિ નથી, આનંદમય કૃષ્ણની ‘ભક્તિ’ છે. ‘તે નવધાથી ન્યારો’ છે. (૫૭) નવધામાં તો નહીં નરવેડો. દશધામાં દેખાશે રે’– નવધાભક્તિથી નિવેડો (પાર) નહીં આવે, તેનાથી આગળની ભક્તિ ક૨વી જોઈશે (પાછળથી આવતો અખો ‘બ્યાશીમી ભક્તિ’ની વાત કરે છે). ‘અચવ્યો રસ છે એની પાસે’, એની ‘અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા’ છે. ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પડઘો પાડતો ઉદ્ગાર, પછી, મળે છે:

જ્યાં લગી જ્યમ છે ત્યમનો ત્યમ છે, વધે ઘટે નહીં ઠાલો રે;
આવે ના જાયે, જાયે ના આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે.

ગીતાના પંદરમા અધ્યાયનો નિષ્કર્ષ કવિએ સ્વીકાર્યો લાગે છે. પરમાત્મા ક્ષર અને અક્ષર બંનેથી પર છે – પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે, એ ચિત્તમાં ચેનવાનું-ચીનવાનું છે :

પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, પરમગત છે એની રે,
એ પદ ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેની રે.

આત્મતત્ત્વ ચીન્યું નથી – સમજપૂર્વક ઓળખ્યું નથી ત્યાં સુધી બધી સાધનાઓ વ્યર્થ છે, એવી અદ્વૈતસાધનાની જિકર એક પદ (૪૩) માં નરસિંહે કરી છે :

[૬.] જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.
માનુષ દેહ તાહારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.

પછી અનેક જૂઠી સાધનાઓ (‘શું થયું સ્નાન સેવા ને પૂજા થકી?... શું થયું તપ અને તીરથ કરવા થકી?...’) અણગમાના આવેશપૂર્વક એ ગણાવે છે અને રોકડું સંભળાવે છે :

એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આતમા-રામ પરિબ્રહ્મ ન જોયો.
ભણે નરસૈંયો જે તત્ત્વદર્શન વિના રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.

ગોપીભાવથી કૃષ્ણને ભજતા નરસિંહને માટે ગોપીપણું કે રાધિકાપણું કશું જ, અદ્વૈતપ્રતીતિને ઉંમરે પહોંચે છે ત્યારે, રહેવા પામતું નથી, રહે છે નર્યું તત્ત્વદર્શન, વસ્તુદર્શન બલકે ‘વસ્તુ’માં વિગલન, – તે વાત લીલાગાનની રીતે રમણીય રૂપકથી એણે કહી છે.

[૭.] સ્વામીનું સુખ હતું માહારે તાંહાં લગી, જાંહાં લગી (હદ) હુતી રાત કેરી;
સ્વામીના સુખનો સ્વાદ ભાગી ગયો, જ્યારે ઓચિંતો ઉદયો સૂર વેરી.
સૂરના તેજમાં સાવ સમરસ થઈ, સહેજમાં પિયુ માહારો ગયો સમાઈ;
પિયુને પગલે હું ખોળવા ગઈ, પિયુને ખોળતાં હું ખોવાઈ.
એહવા અટપટા ખેલમાં આંખ ઊલટી ફરી; તજી, હું રહી, હાર ખાઈ;
વાણીમાં અનુભવ એહ આવે નહીં, અનિર્વચન કહે નિગમ ગાઈ.
અચરજ વાત એ કોઓ માને નહીં, જેહેને વીતી હોય તેહ જાણે,
વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસઈઓ થઈને માણે.[46]

લીલાની પરિભાષામાં નિત્ય તત્ત્વની અદ્વૈતપ્રતીતિની વાત અત્યંત આકર્ષક અને સચોટ રૂપે આ પદમાં રજૂ થઈ છે. પિયુ અને પ્રેયસી એ દ્વૈત રહેવા પામતું નથી. રહે છે નર્યો વસ્તુનો સાગર, સભર ભર્યો, સમરસ ભર્યો. પોતે અણછતો બની રહે છે. પોતાની નોખી હસ્તી રહેવા પામતી નથી. બીજા એક પદમાં, લીલાની પરિભાષાથી પણ, ઉપરની વાત એણે કરી છે :

રાતલડી અંધારી રે, વ્રેહેરણ વહી ગઈ રે,
ઊગ્યા ઊગ્યા અગોચરના સૂર;
ત્રણ રે ભોવન રે બાઈ, દૃષ્ટે પડાં રે,
મટી ગયું માયા કેરું પૂર. રાતલડી૰[47]

પ્રેમભક્તિના આ અનુભવમાં અલગપણું ઓગળી જવામાં ચરિતાર્થ થાય છે. ‘તત્ત્વદર્શન’નો અવાજ એક જાતની અંતિમતાપૂર્વક નરસિંહના ‘જાગીને જોઉં તો…’ એ પદમાં સાંભળવા મળે છે. નિદ્રાસ્વપ્નવત્ આ જગત છે. માયા શબ્દ નરસિંહે વાપર્યો નથી પણ કૈવલ્યતત્ત્વ અને માયાના સંબંધની વાત એક અજોડ ચિત્ર દ્વારા એણે પ્રત્યક્ષ કરાવી છે : ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’. ઉપનિષદ કરતાં પણ વિશેષે વેદમાં આવતાં ભવ્ય ચિત્રણોની યાદ આપનારા આ શબ્દો છે. નરસિંહની કલ્પકશક્તિ અહીં એક અદ્ભુત ઊંચાઈ સર કરે છે.

[૮.] જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઊપનાં અણુ અણુ માંહે રહ્યાં રે વળગી,
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહીં રે અળગી.
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધા. (૪૨)

અહીં तत् त्वम असि (તે તું છે) એવો ‘તે જ તું’ ઉદ્ઘોષ છે. ‘હું’-એ જે જડ મૂર્તિને ‘તું’ કરીને સ્થાપી હતી તે ‘તું’ આ નથી. અહીં તો એકમાત્ર ચૈતન્ય-વિલાસથી ચિત્ત તદ્રૂપ (ચૈતન્યમય) બનેલું છે. બધું દૃશ્ય જગત તે ચૈતન્યનો જ પ્રકાર છે. કહોને કે બ્રહ્મની આગળ બ્રહ્મ પોતે જ લટકાં કરી રહ્યું છે. જીવ-શિવ જુદા નથી, પંચમહાભૂત તેમ એ પણ બ્રહ્મની ઇચ્છાથી પરબ્રહ્મના પર્યાયરૂપે છે. એ ચૈતન્ય, એ પરબ્રહ્મ, ‘તે જ તું’ – એવા કેવળ અદ્વૈતભાવ ઉપર આવીને નરસિંહની વાણી આ પદમાં ઠરે છે. ઉપરનાં પદો એ ક્રમમાં રચાયાં હશે એવું કહેવાનો આશય નથી. જુદે જુદે વખતે ગમે તે ક્રમમાં ભલે એ રચાયાં હોય, એ બધામાં વ્યક્ત થતી નરસિંહની પ્રતીતિની રેખાઓ પણ ભલે એ ક્રમમાં નહીં પણ જુદે ક્રમે ઊપસી હોય, નરસિંહની અદ્વૈતાનુભૂતિને સાકાર કરતાં આ આઠ મુખ્ય પદો છે અને એ અનુભૂતિની રેખાઓ કાંઈક ઉપર આલેખ્યા પ્રમાણેની છે. એ અનુભૂતિની યાત્રા ‘અખિલ બ્રહ્માંડમાં એક તું’ અને ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એવાં બે બિંદુઓ વચ્ચે હોવાનું સમજાય છે. પહેલી કૃતિમાંની ‘કનક–કુંડલ’ અને ‘અંતે તો હેમનું હેમ’ – એ અંગેની બે લીટીઓ બીજીમાં પણ આવે છે. પ્રથમવાર આવે છે ત્યારે એ ઔપનિષદ વાતને ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડવા જેવું કર્યું છે. ત્યાં स एकाकी न अरमत – તેને એકલાને આનંદ નહોતો, એણે ઇચ્છ્યું एकोडहं बंहु स्याम् – હું એકનો અનેક થાઉં – એ ઉપનિષદવચનોના આધારે ગાયું હતું કે ‘શિવ થકી જીવ થયો એ જ આશે’ અને એ બધાને પણ ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડ્યું હતું. ‘જાગીને જોઉં તો’– એ પદમાં ફરી ‘કનક-કુંડળ’ એ ‘અંતે તો હેમનું હેમ’ છે એ વાત શ્રુતિની સાક્ષીએ મૂકી છે, પણ ‘ગ્રંથ ગરબડ’ની ટીકા હવે નથી. શિવથી જીવ થયાની વાતને બદલે હવે જીવ અને શિવ (ઈશ્વર) બંને આપ (બ્રહ્મ)–ઇચ્છાએ થયાની વાત છે, માયાનો સીધો ઉલ્લેખ નથી પણ ‘રચી પરપંચ’–માં પ્રપંચ એ માયાનો પર્યાય છે. અગાઉના પદમાં ‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે’– એમ પ્રેમભક્તિનો પાસ હતો, હવે એવો ઉલ્લેખ નથી. અટપટા ભોગનો જેમાં ભાસ થતો હતો તે ઊંઘનું ઊડવું, જાગીને જોવું, – એનો જ પદના આરંભથી મહિમા કરવામાં આવ્યો છે. માત્ર, કહેવું હોય તો કહી શકાય કે કૈવલ્ય આગળ માયા-નો ખ્યાલ આપવા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ એ અપૂર્વ અપ્રતિમ કલ્પન યોજ્યું છે તેમાં ‘અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની’ એ રૂપકચિત્રની રસિકતાને ઉગારી લીધી છે, બલકે બહુ બુલંદ ઉઠાવ આપ્યો છે. નરસિંહનો અદ્વૈતવિચાર ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ – સુધીમાં પૂર્ણપણે સુરેખ વિકસ્યો છે. આમ, નરસિંહની અદ્વૈતાનુભવની અષ્ટપદી जीवो ब्रह्मैव (જીવ બ્રહ્મ જ છે), तत् त्वम् असि ‘તે જ તું’, એ પ્રતીતિમાં – બ્રહ્મભાવમાં જાગ્રત થવામાં વિરમે છે.

ભક્તિજ્ઞાન-ઊર્મિકોમાં કવિ-પ્રતિભા – આ ભક્તિજ્ઞાનનાં પદોમાં નરસિંહની ભાષા-છંદોલય આદિની સપાટી જ જુદી છે. અવાજની આવી પ્રૌઢિ અને આર્દ્રતા ગમે તે ભાષાને ન્યાલ કરે. સહૃદયતા શબ્દે શબ્દે ટપકે છે. લયમાં આરતનો તાર ગુંજે છે. ‘ભવન પર ભવન પર છત્ર દાખે’ (૨૯) – એમ સુરેખ ચિત્રાંકન ત્વરિત થઈ જતું હોય છે. ‘પ્રેમરસ પાને તું’ –જેવામાં ‘ને’ થી અનહદ અનુનયભરી આરતનું સૂચન થાય છે. ‘કોણ એ સમાના કામની દત્ત ફળિયેલ રામા’ – જેવા દ્રૌપદી અંગેના ગીતનો પ્રશ્નથી ઉપાડ અનોખી ઢબનો, આકર્ષક નીવડી રહે છે. આખી ને આખી સ્મરણમાં રહી જાય એવી પંક્તિઓ ઉપરાંત ‘મોરના પિચ્છધર’, ‘લહાણનાં વહાણ’, ‘રત્નચિંતામણિ જન્મ’, ‘દુરમતિનાં... ડાલાં,’ ‘થોથાં-ઠાલાં’, ‘અંધ ગુરુ... નિરંધ ચેલા’, – એવાં ચિત્રાત્મક શબ્દઝૂમખાં આ પદોમાં ઘણાં મળશે. પ્રભાવક વાગ્મિતા ‘શું થયું... થી’ એ પ્રશ્નમાળાથી લેવાતી ઝડતીમાં અને ‘કે તેં તો કર્ષણ કોદરા વાવિયા, ક્યાંથી જમે તું તો દાળ રોટી?’ – એવી ‘કે તેં તો’ થી શરૂ થતી પ્રશ્નમાળામાં જોવા મળે છે. ‘કે’ થી શરૂ થતા પ્રશ્નનો તેમ જ ‘અલ્યા’ થી શરૂ થતા ઉદ્બોધનનો લહેકો ધ્યાન ખેંચે છે. વચ્ચે લયપૂરક જેવો મુકાતો ‘ને’ ‘એમ ને કરતાં રે’ (પર), ‘કાળા ને ફીટી રે’ (૫૩) અને ‘વાદળ ને મટ્યું રે’ (૩૦)માં મળે છે. ‘શ્વાસનો શો વિશ્વાસ’, ‘ઈશને ઈરષા છે નહીં જીવ પર,’ ‘દેહ કારણ રખે સ્નેહ જાયે,’ – જેવામાં અવાજોના પુનરાવર્તનની મદદથી જાણે અર્થ આગળ વધે છે. પ્રાસ અને આંતરપ્રાસ સામાન્ય રીતે અનાયાસે સધાતા આવે છે. ‘વાસડિયાં’ સાથે આખા પદ (૫૮)માં પ્રાસ યોજ્યા છે, તેમ જ ‘ખોટી’ સાથે ‘ઝોટી’, ‘ડોટી’ આદિ બીજા એક પદ(૩૪) માં. એક પદ (૪૧)માં ‘પોથે’ સાથે બધી પંક્તિઓમાં પ્રાસ મેળવવા જતાં છેલ્લી આઠમી પંક્તિમાં તકલીફ પડી લાગે છે, જેના નિવારણમાં નરસિંહનો સભાન કલાકસબ જોઈ શકાય છે. ‘ભણે નરસૈંયો, ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે’ – એમ, ચોથી કડી હોઈ, ‘ચોથે’ શબ્દ પ્રાસ માટે ગોઠવીને એ કામ કાઢી લે છે. ‘સાત સાંધું ત્યારે તેર તૂટે’ એ લોકોક્તિના પ્રાસમાં આવતા ‘રંક મનાવું ત્યાં રાય રૂઠે’ માં રંકને મનાવવાનું ચિત્ર નાજુક છે. વર્ણસગાઈ અને આંતરપ્રાસમાં તો મહેતાને કાંઈ મહેનત જ પડતી નથી. ‘મૂરખ મમતા કરે, ભૂતળ ભમતા ફરે’ – એવાં તો સંખ્યાબંધ ઉદાહરણ મળશે. એક અર્ધ પંક્તિ ‘આડડો રે પડ્યો છે અહંકાર’ (૩૦)માં ‘આડો’ નું ‘આડડો’ રૂપ, પછી આવતો ‘રે’, તેમ જ ‘ડ’, ‘ર’, ‘ઓ–એ’ અને ‘આ’નાં પુનરાવર્તન પરિસ્થિતિની વિકટતાને સુરેખ ઉપસાવવામાં ઉપકારક નીવડે છે. ભક્તિજ્ઞાનનો સમગ્ર કાવ્યગુચ્છ એ નરસિંહની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે અને ગુજરાતી ભાષાનું અમોલું ધન છે.

૪. ઉજ્જ્વળ વાણી

પદવૈભવ

નરસિંહની કૃતિઓ મુખ્યત્વે દેશી ઢાળોમાં રચાયેલાં ગેય પદો છે. જુદા જુદા રાગમાં એ ગાવાનાં છે. પદનું પગેરું લોકગીતોમાં મળશે. ખાસ કરીને સમૂહગીતોમાં અને નૃત્યગીતોમાં ટેક જેવું પણ હોય. ભાગ્યે જ કોઈ લોકબોલી એવી હશે જેની પાસે પદોની મૂડી ન હોય. નરસિંહના સમય સુધીમાં પદોનો કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ’માં દેશી ઢાળો સંસ્કૃત રચનામાં સુધ્ધાં સ્વીકારાયેલા જોઈ શકાય છે. ચંડીદાસ વિદ્યાપતિનાં પદો પૂર્વ ભારતમાં ભક્તિ-આંદોલનને ભારે વેગ આપે છે. તે પૂર્વે ઉત્તરમાં અને પશ્ચિમમાં બૌદ્ધ સાધક અને નાથ સિદ્ધોનાં પદો પ્રચારમાં છે. કાશીમાં કબીર પદપ્રવાહ વહેવડાવે છે. વૃન્દાવનમાં પણ સૂરદાસનાં પદોનો ‘સૂરસાગર’ પ્રગટ્યો તેની પહેલાં પદોની પરંપરા ખીલેલી હોવી જોઈએ. ઉત્તર-પશ્ચિમમાં શિખોના ગ્રંથસાહેબનાં પદો. ત્યાંની પદપરંપરાની સાક્ષી પૂરે છે. દક્ષિણના નામદેવની મરાઠી રચનાઓ અભંગમાં છે, પણ એમનાં કેટલાંક હિંદી પદો ગ્રંથસાહેબમાં સમાવિષ્ટ છે. ગુજરાતમાં તેમ જ મારવાડ-રાજસ્થાનમાં (કેમકે નરસિંહની ભાષા મારુગુર્જર-ડૉ. તેસ્સિતોરી જેને જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે તે−છે) અપભ્રંશ દ્વારા મળેલો પદપ્રકાર ખીલેલો છે. અપભ્રંશ માત્રામેળ દેશીઓ અને પદોનો સગડ નાટ્યશાસ્ત્રની ધ્રુવાઓ અને કાલિદાસનાં ‘વિક્રમોર્વશીય’માં મળે છે. ‘નરસિંહ પોતાના સમય સુધીમાં વિકસેલી પદપરંપરાને પોતાની પ્રતિભાફૂંકથી ભારે ચેતનવંતી કરી દે છે. પદોના ઢાળનું કાઠું, ઘણું ખરું, કોઈ ને કોઈ માત્રામેળ છંદનું બંધાયેલું હોય છે. નરસિંહના ઢાળો દોહરા, ચોપાઈ, હરિગીત, સવૈયા, ઝૂલણા, આદિની દેશીઓ છે. એમાં ઝૂલણાની દેશી એ એની માનીતી છે. તે રચનાઓ પ્રભાતી રાગમાં ગવાતી તેથી ‘પ્રભાતિયાં’ને નામે લોકપ્રિય થઈ છે. આ ઝૂલણાની દેશી અંગે કેશવરામ કા. શાસ્ત્રીએ એક તર્ક કર્યો છે.[48] ૩૭ માત્રાનો ઝૂલણા અક્ષરમેળ રૂપમાં (ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગાગા) છ, છ, છ અને ચાર શ્રુતિની એમ કુલ ૨૨ શ્રુતિના ચાર ટુકડાઓનો થાય. મરાઠી ઓવી અને તેમાંથી વિકસેલો અભંગ છ, છ, છ, ચાર એમ ૨૨ શ્રુતિનો ચાર પંક્તિનો સંખ્યામેળ છંદ છે. તે શ્રુતિઓ લઘુગુરુ ગમે તે હોઈ શકે. એ પંક્તિઓ જો ઝૂલણાના અક્ષરમેળરૂપ (ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગા) ની હોય, તો ૨૨ શ્રુતિના અભંગનું માપ ૨૨ શ્રુતિના અક્ષરમેળ ઝૂલણા જેવું જ બની આવે. દા.ત. ‘નામદેવગાથા’ના હજારો અભંગોમાં કોઈ કોઈ પંક્તિઓ અક્ષરમેળ ઝૂલણાની કે લગભગ એ રીતે ઉચ્ચારી શકાય એવી મળવાની :

પાહિલિયા ક્ષણીં નાસતી પાતકે, ઐસિયાસી તુકે દુજેં કોણ..
ભૂમિ તે રાહિલી વિષ્ણુ ચક્રાવરી, વૈકુંઠીચી પરી સર્વયેથેં. (૩૯૪)
પુંડલિકે તયા આણિલેં રંગણીં, કટાવરી પાણિ ઠેવૂનિયાં. (૪૬૦)

આટલા સામ્ય ઉપરથી કે. કા. શાસ્ત્રી તર્ક રજૂ કરે છે : ‘ઓવી અને અભંગના મૂળમાં ઝૂલણા જેવો છંદ હશે? આ અભંગમાંથી પછીના નરસિંહ મહેતાને ઝૂલણાના સામ્યે ઝૂલણાબંધ સાધવાનું બની આવ્યું હશે? નરસિંહના નામની છાપ ‘ભણઉ નરસૈં’ ને કે ‘ભણઈ નરસૈં’ અને ‘નરસિંઆચા સ્વામી’ એનાં કાવ્યોમાં ઠેરઠેર મળે છે. નામદેવ પોતાના બધા અભંગોને છેડે મોટા ભાગે `नामा म्हणे’ આપે છે. ઉપરાંત કેટલેક ઠેકાણે `नाम्याचा स्वामी सुखाचा सागरु, नाम्याचा स्वामी हरि माझें चिंत्रणें, એમ ‘नाम्याचा स्वामी’ પણ આપે છે. આનું સામ્ય નરસિંહમાં હશે? વળી હારસમેનાં પદોમાં ‘અવનીધરા’ ‘દામોદરા’ ‘દેવકીનંદના’ ‘વિશ્વનાથા’ ‘કેશવા’ ‘ઠાકુરા’ વગેરે સંબોધનોમાં ‘આ’કારનો પ્રવેશ શું બતાવી શકે?’[49] નામદેવની રચનાઓનો, સંભવતઃ યાત્રિક ભક્તો દ્વારા, નરસિંહને પરિચય છે જ. મરાઠી ભાષાનો ષષ્ઠીનો પ્રત્યય, ક્રિયાપદરૂપો, વગેરે ગુજરાતીમાં નરસિંહ પહેલાંથી પ્રચલિત લાગે છે. ‘આ’–કારાન્ત સંબોધન માટે જુઓ ‘જળકમળ છાંડી જાને બાળા’ (નરસિંહ), અને ‘કંથા, તું કુંજર ચઢ્યો’ (અજ્ઞાત). ભણે–મ્હણેના સામ્ય ઉપરથી અનુમાન કરવાનું ન હોય. સૌરાષ્ટ્રમાં બોલચાલમાં હજી, ‘ભણે ડાબો મારગ લેજો’–એ રીતે ‘કહું છું’– ના અર્થમાં ‘ભણે’ વપરાય છે. શું મહારાષ્ટ્રમાં, શું ગુજરાતમાં, શું દૂર ઉડીસા-મિથિલામાં, આપણા કવિઓ ‘ભણે’ જ ને? (કે. કા. શાસ્ત્રીની નજરબહાર એ નથી. भणत्रि जयदेव[50] ‘ભનઈ વિદ્યાપતિ’[51] એમણે નોંધ્યા જ છે.) ભાષબોલીઓના સામ્યને કારણે, સાંસ્કૃતિક સાદૃશતાને કારણે, આવાં રૂપો અને ભગવાન માટે ‘સ્વામી’ જેવા શબ્દના પ્રયોગો એક કરતાં વધુ ભાષામાં મળવા અસંભવિત નથી. પણ આ વિગતો એટલી મહત્ત્વની નથી. ઝૂલણા-અભંગનું સામ્ય એમણે ચીંધ્યું છે તે રસપ્રદ છે અને બીજાં સહાયક કારણો સિવાય પણ એ છંદો ઉપર નજર રાખીને જ, એનો વિચાર કરવો ઘટે. છંદોવિદને સૂઝે એવો આ તર્ક છે. પણ એમાં મરાઠી ઓવી–અભંગની અનંત શક્યતાઓને છોડી દઈ એક જ ઢાંચામાં, ઝૂલણા બંધમાં, એને ઢાળવાનો રહે અને ગુજરાતીના ઝૂલણાને પણ એ માત્રામેળ હોવાને કારણે એનું જે લવચીકપણું (‘ઇલેસ્ટિસિટી’નો મરાઠી પર્યાય) છે તેને બદલે માત્ર એક દૃઢ અક્ષરમેળ બંધ જ સ્વીકારવો પડે. જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એવા સજ્જડ ઓવી–અભંગમાં હાલીચાલી શકે નહીં. નરસિંહ દૃઢ અક્ષરમેળ બંધમાં પાંખો ફફડાવી શકે નહીં. અભંગ અને ઝૂલણાનાં અનેકવિધ રૂપોમાંથી પ્રત્યેકનું અમુક એક જ ચોક્કસ રૂપ સ્વીકારવામાં આવે તો બંને વચ્ચે આકારપૂરતું સામ્ય પ્રગટે છે, – એ હકીકત પરથી તર્ક કરવા આડે મોટી વસ્તુ એ વીસરાઈ ગઈ છે કે ઓવી – અભંગ સંખ્યામેળ છે અને એનો લય સંખ્યામેળપણા પર આધારિત છે અને નરસિંહના ઝૂલણાનો લય સંખ્યામેળપણા પર અવલંબતો નથી, માત્રામેળપણા (અક્ષરમેળ પણ એક ચોક્કસ આકારે માત્રામેળ હોય છે) પર અવલંબે છે અને માત્રામેળ હોવાના કારણે જ એની સ્વાભાવિકતા છે. સંખ્યામેળ અભંગના અનેક આકારોમાંથી માત્ર એક વિશિષ્ટ આકાર–ઝૂલણા તે બધાના મૂળમાં હતો અને એની ઉપરથી મરાઠી અભંગ છંદ બન્યો અને ગુજરાતીમાં ઝૂલણા છંદ એ અભંગની દેશી છે–એવી સંભાવના અત્યંત દૂરાકૃષ્ટ છે. ઓવી-અભંગથી જુદા જ પ્રકારના લયવાળો માત્રામેળ ઝૂલણા ગુજરાતમાં તેમ જ દેશમાં પ્રચારમાં હતો.[52] નરસિંહે એને પોતાનું વાહન બનાવ્યો છે. સંખ્યામેળ છંદ બે કૃતિઓમાં જોવો શક્ય છે : ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’માંના ‘વસંતનાં પદ’-૫ (‘નરસૈંયાનો સ્વામી રૂડો પ્હેરાવે અખંડ ચૂડો, તે જોની સંસાર કૂડો, પ્રભુ પ્રેમે ભરે’) અને ૮૫ (‘દીઠે કીજે હેલા મેલો, આજ દન અક્ષે ક્હેજો, નરસૈંયો ત્યાં રંગ જુએ, રસરંગ થાશે’) માં કવિતના આઠ આઠ શ્રુતિના ત્રણ ટુકડા અને અંતે ત્રણથી છ શ્રુતિ જોવા મળે છે. આ બંધને લવચીક કરવાનો પ્રયત્ન થયો છે.[53] બંનેના ઉપાડ (‘આવ્યો આવ્યો રે રૂતુનો રાય’, ‘આવ્યો આવ્યો રે વસંત માસ’)માં શરૂઆતમાં ‘આવ્યો’ ઉમેરેલું છે. ‘ની’ ઉમેરીને પણ એવી અસર ઉપજાવી છે (‘કરોની નખશિખહાસ’, ‘પધરાવોની વનમાળી’). આ જાણે કવિતની દેશી બનવા જાય છે. છેલ્લા નાના અણસરખા ટુકડાને મળતું જૂની ગુજરાતી રચનાઓમાં કદાચ મળે, તેમ છતાં એ ટુકડાઓ પરથી કોઈ મરાઠી જેવી લયલઢણના પ્રભાવની સંભાવના પણ ઉદ્ભવે છે. એક મરાઠી લયલઢણ નરસિંહમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ‘મામેરું’(પ)ના ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિહોણા મરી જાય રે માય... કૃપા કટાક્ષે જુઓ અમ ઉપર નરસિંયો કાં વિસારિલા, માય?’ – પદમાં આવતા ‘માય’, ‘રે માય’-નો પ્રચાર ગુજરાતીમાં કદાચ હોય, પણ ‘વિસારિલા’ મરાઠી રૂપ પણ આ કૃતિમાં છે, અને મરાઠી કૃતિઓમાં તો પંક્તિ અંતે ‘માય’ જોવા મળે જ છે. નામદેવગાથામાં અનેક દૃષ્ટાંતો મળશે : ‘હરિનાથ ગોડ જાલે કાય સાંગો ગે માય’ (૨૪૬), ‘વિજુ ખળે ગર્જિન્નલે ગે માય’ (૨૫૧), ‘યમુના જળેંહી કાળીં વો માય,... ગળાં મોતીં એકાવળી કાળી વો માય’ (૨૫૫). નરસિંહની કૃતિનો લય ચોખ્ખો સવૈયાની દેશીનો છે, પણ અંતનું ‘રે માય’ મરાઠી અસર નીચે હોવા પૂરો સંભવ છે. નામદેવની અહીં ઉતારેલ પંક્તિઓમાં આરંભમાં આઠ શ્રુતિના સંખ્યામેળ ટુકડા છે, જે ‘વસંતનાં પદ’ –૫ અને ૮૫ ઉપર મરાઠી લયલઢણના પ્રભાવની સંભાવનાને પણ પુષ્ટિ આપે છે એ જોઈ શકાશે. નરસિંહે ઝૂલણાની દેશીઓ સિવાય બીજી દેશીઓ પણ ગાઈ શકાય એ રીતે યોજી છે. સમૂહમાં ગવાય એવા ગરબા-રાસ પણ એણે રચ્યા છે. આખ્યાનનું સ્વરૂપ હજુ ખીલ્યું નથી, નરસિંહ પદમાલારૂપે આખ્યાનકલ્પ રચનાઓ આપે છે. ‘ચાતુરીઓ’માં એક ચાતુરીમાં ક્યારેક એક જ પદ હોતું નથી. કે. કા. શાસ્ત્રી ચાતુરીઓના ઇચ્છારામ દેસાઈના પાઠ પ્રમાણેનાં કોઈ પદો, યોગ્ય રીતે, ઝૂમખાં[54] હોવાનું સૂચવે છે. તેવાં સંશોધિત પાઠમાં પણ કેટલાંક જોવા મળે છે. ‘ગોવિંદગમન’ (જે હવે નરસિંહકૃત લેખાતું નથી)ની ‘તે નરસઈએ ગાઈ વિવિધ વિલાસમાં રે, નામ તેનું સહસ્રપદનો રાસ’ – એ પંક્તિમાંથી સૂચન લઈ, ઇચ્છારામ દેસાઈએ ‘રાસસહસ્ત્રપદી’ શીર્ષકથી પદો આપ્યાં પણ તેની સંખ્યા ૧૮૯ છે. ‘વિવાહ’-આરંભે સાક્ષાત્કારનાં પદોમાં ‘લક્ષ સવા કીર્તન તણો નીમ’ કર્યાનું કવિ કહે છે, પણ નરસિંહનાં લેખાતાં પદો બહુ નથી. બધાં મળી સોળસોની[55] આસપાસ થવા જાય છે. કે. કા. શાસ્ત્રી ‘લગભગ સં. ૧૭૦૦ આસપાસની’ હસ્તપ્રત ઉપરથી સંપાદિત કરીને ૩૯૦ (જેમાં ૨૦૮ નવાં છે) પદો આપતાં લખે છે : ‘નરસિંહ મહેતાનાં આ પદોની પુષ્પિકામાં ‘इति विष्णुपद समाप्त’ એવું વિધાન છે. એટલે આ ૩૯૦ પદો ‘વિષ્ણુપદ’ તરીકે જાણીતાં હતાં એમ સમજાય છે.’[56] આ ‘વિષ્ણુપદ’ સંજ્ઞા નરસિંહનાં ૩૯૦ પદો માટે જ નહીં, પણ સામાન્ય રીતે વૈષ્ણવોમાં ગવાતાં તમામ ભક્તિપદો માટે પ્રચલિત સંજ્ઞા છે. હિંદી સાહિત્યના બૃહત્ ઇતિહાસ (ચતુર્થ ભાગ, સં. ૨૦૨૫, પૃ. ૫૦૪)માં પદો વિશે એક વિશેષ ઉલ્લેખ છેઃ ‘... તથા પીછે વૈષ્ણવ ભક્તોં કે યહાં ‘વિષ્ણુપદ’કી સંજ્ઞા દી ગઈ ભી દેખી ગઈ.’ ખુદ નરસિંહ પોતે પણ ભક્તિજ્ઞાનનાં પદ(૩૮)માં વૈષ્ણવોથી ગવાતી ભક્તિમય રચનાઓનો ‘વિષ્ણુપદ’થી ઉલ્લેખ કરે છે : ‘તું એમ જાણે જે હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં.’ નરસિંહને ગુજરાતી ભાષામાં પદપ્રકાર લોકગીતોરૂપે, ભજનો રૂપે અને અપભ્રંશ અને અપભ્રંશોત્તર તેમ જ મારુગુર્જર જૈન કવિઓની કૃતિઓ રૂપે ઠીકઠીક ખેડાયેલો સાંપડ્યો. એણે એને હૃદયરાગના સપ્તકના બધા સૂરો ખીલવવા માટે યોજ્યો, સુકુમારમાં સુકુમાર લાગણીઓથી માંડીને ભવ્ય પ્રગલ્ભ ભાવો એ કાવ્યપ્રકાર દ્વારા એણે વ્યક્ત કર્યા અને પદને એક નીવડેલા પ્રકાર તરીકે વારસામાં આપ્યો. નરસિંહ પછી અનેક કવિઓએ પણ આપ્યાં છે, આજે પણ એ પ્રકાર પ્રચલિત છે. સમસ્ત ગુજરાતી પદસાહિત્યમાં વડેરો વૈભવ નરસિંહને કારણે છે.

કાવ્યસિદ્ધિ

નરસિંહના સમગ્ર કૃતિસમૂહ ઉપરથી એની કવિપ્રતિભાની કેવીક છબી ઊઠે છે? નરસિંહનું ઉક્તિબળ તરત ધ્યાન ખેંચે છે. લય અને બાની પર એ ઠીક ઠીક આધારિત છે. નરસિંહની શબ્દસૃષ્ટિ રસઘનતાનો વારંવાર અનુભવ કરાવે છે અને સાથે સાથે ક્યારેક ભવ્યતાનો પણ. કેળવાયેલા કાનને નરસિંહની લયસૂઝનો ખ્યાલ એનાં શત શત ગીતોના ઉપાડ ઉપર ઊડતી નજર નાખવાથી પણ આવી જશે. તે તે ભાવપરિસ્થિતિને અનુરૂપ લયાન્દોલ સાથે એના શબ્દો આગળ વધતા હોય છે. ‘ચાંદલિયો રમવાને આલો’–ની શિશુની રઢ હોય કે ‘મથુરા જાઓ તો મારા સમ હો લાલ’ એ વિરહભીરુ ગોપીની મનાઈ હોય, ‘મેહુલો ગાજે ને માધવ નાચે’-ની ઉલ્લાસઅનુભૂતિ હોય કે ‘વેરણ રાત મલી’–ની વિયોગવ્યાકુળતા હોય, ‘મારો નાથ ન બોલે બોલ અબોલાં મરીએ રે’–એ પ્રણયની મર્મવેધકતા હોય કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’–એ વૈશ્વિક ઝાંખી હોય, નરસિંહ હંમેશાં લય દ્વારા સારું એવું કામ કાઢી લે છે. એકલો ઝૂલણા જોઈએ તો ઝૂલણા એને અનેક ભાવપરિસ્થિતિઓને અનુકૂળ કામ આપે છે. ‘વડો રે ગોવાળિયો કોણ થાશે’ ની ઘરાળુ વાતચીતથી માંડી ‘મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી’ની માદક ચિત્રાત્મકતા અને ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’નો વિરાટ તલસાટ – બધા માટે નરસિંહના હાથમાં ઝૂલણા એક સમુચિત માધ્યમ નીવડે છે. કેટલીકવાર કવિ એક ગીતના અંતની પંક્તિને બીજાના આરંભની પંક્તિ તરીકે યોજે છે. પદ ૧૩૭-૩૮માં અને ૧૩૯-૪૦-૪૧ માં એ રીતે પદસાંકળી સધાઈ છે. સર્જકતાનો ઉદ્રેક નિયંત્રણ નિમંત્રીને આકારબદ્ધ થવા માગતો હોય એ આવા ઉન્મેષોમાં જોઈ શકાય છે. ગીતોની અનેક સુકુમાર ભાવભંગીઓ માટે યોગ્ય શબ્દાવલી કવિને સાંપડે છે, તો અધ્યાત્મજીવનની ભવ્ય ઉદાત્ત સપાટી પણ કવિનો શબ્દ સહેજે સર કરી શકે છે. ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી. આત્મજીવનની ગૂઢ, સૂક્ષ્મ, સુકુમાર વાતને મૂર્ત કરવા માટેનો શબ્દ એને સહેજમાં મળી રહે છે. દર્શનની ગહન વસ્તુ ‘નેત્રમાં નાથ છે’ એટલા ત્રણ સાદા શબ્દોમાં એ સાકાર કરી શકે છે, તો અધ્યાત્મ જીવનાર વ્યક્તિનું સુરેખ ચિત્ર ‘ચાલે સાચું’ એ બે સાદા ગુજરાતી શબ્દો દ્વારા અપૂર્વ રીતે એ આલેખી શકે છે. કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે. સંસ્કૃતનો પરિચય એને ઠીકઠીક છે, પણ કવિનું ખરું બળ ગુજરાતી ભાષાભંગીઓની શક્યતાઓનો પૂરો લાભ લેવામાં રહેલું છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતોમાં જોઈ શકાય છે કે બોલચાલના પ્રયોગોને મબલક પ્રમાણમાં એણે પોતાની કૃતિઓમાં વણી લીધા છે. કવિનો કાન સરવો છે. સરખા અવાજો એની શ્રવણપરિધિ બહાર રહી જવા પામતા નથી. પ્રાસમાં એના ભરપૂર પુરાવા મળે છે. પોતે મરાઠીની છાયાવાળાં ક્રિયારૂપો અપનાવે છે તો ‘કિયુલા-પિયુલા’ (૧૯૬) જેવા પ્રાસ રચી આનંદે છે. રાધા પત્ર પૂરો કરતાં કૃષ્ણને કુબ્જા અંગે ટોણો મારી લે છે તેમાં નરસિંહ પ્રાસની શક્યતા પણ જોઈ લે છેઃ ‘ફરી ફરી લખજો પત્ર, કે કુબ્જા કહે તો રે, હાવે ચરણે લાગે તારી દાસ, નરસિંહ મહેતો રે’ (શૃં. ૫૦૯). કેટલાક દાખલાઓમાં સહજ શબ્દ પ્રભુત્વ છે કે સભાન કસબ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ શબ્દલીલા–લયલીલા વગર નરસિંહ રહી શકતો નથી. ‘હવું તો હતું પણ હવે સંભાળજે’ (૧૪૩)–માં ‘હવું–હવે’માં એવી રમત છે. ‘સારમાં સાર અવતાર અબળા તણો’ (ભક્તિ-૨૩) માંના બોલકા અનુપ્રાસ કોઈનું ધ્યાન રોકી રાખે, પણ નરસિંહ પોતે ‘જે બળે બળભદ્રવીર રીઝે’, એમ આગળ વધી અબળા—બળ—(અને કૃષ્ણ માટે યોજેલા પર્યાયમાંના) બળિ ઉપરની રમતમાં રાચતો જોઈ શકાય છે. ‘અદેખા લોક તે અદકા બોલે’ (શૃં. ૫૨૫) માં બોલચાલના સરખા ઉચ્ચાર (અદખ્યા-અદક્યા) નો લાભ લઈ જરીક ઉપહાસની છાંટ ઉમેરી છે, તો ‘પાવશરુત પરદેશ પધાર્યા તે નર પશુઆ કહીએ રે’ (૨૮૦)માં વર્ણસગાઈ કે ‘પધાર્યા’ના કટાક્ષ કરતાં ‘પાવશરુ’ અને ‘પરદેશ’માંના ‘પ.શ’ ઉચ્ચારોમાંથી ઊપસતા ‘પશુ’ અવાજ દ્વારા વધુ તીવ્ર કટાક્ષ સૂચવાયો છે. ‘દુરિજન’ ઉપરથી ચાલતી કલમે, બલકે ચાલતે કંઠે, એ વિરુદ્ધાર્થી શબ્દ ‘સુરિજન’ નિપજાવી લે છે : ‘દુરિજન હોય તે દૂર થૈ રહેજ્યો, સુરિજન મંદિર માંહે’ (૨૦૧). ‘બાપૈયડા તું પિયુને કાં શંભારે?’ (૨૧૫) ગાતાં એને અનુપ્રાસથી સૂઝે છે : ‘બાપૈયો નહિ, ખરો પાપૈયો, જનમ-ચો વેરી અમારો.’ કવિનો એક અત્યંત વેદનામધુર ઉદ્ગાર છેઃ ‘વારો રે ઓલ્યાં પંખીને, મારી ખાખત્ય પડિયો... આધી રાત્ય પુકારે; બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ (૨૪૩). ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે. એમાં એની ઔચિત્યબુદ્ધિ પણ ઉચ્ચ સુરુચિયુક્ત જણાય છે. ‘દૂધે વૂઠા મેહ... સાકર કેરા કરા પડ્યા’ જેવું વર્ણન તો પરંપરામાંથી મળ્યું હોય, પણ પ્રભુકૃપા પામ્યા પછી પોતાનો ભાવ પ્રગટ કરતાં એ કહે છે : ‘કીડી હુતો તે કુંજર થૈ ઊઠિયો’ (વિવાહ-૨). કૃતાર્થતાનું અને આત્માના (સાક્ષાત્કાર પામેલી ચેતનાના) ગૌરવનું આથી વધુ સુંદર આલેખન ભાગ્યે જ થઈ શક્યું હોત. ‘જળકમળ’ તો આખું એક ચિત્રમાલા સમું છે. એક મોટા અને દેખીતા અણસરખા દ્વંદ્વયુદ્ધને રજૂ કરતી એ ચિત્રમાલાના આરંભનું ચિત્ર (પ્રથમ શૉટ) શાંતસુંદર જળકમળનું હોય એ ઔચિત્ય-અને-સૌન્દર્યદૃષ્ટિ તો નરસિંહ જેવાની જ હોઈ શકે. ‘ક્યાં છે કાલીય? – એમ પડકારતા ધૂંઆપૂંઆ કૃષ્ણનું ચિત્ર આપવાને બદલે નાગણ પાસે ‘જાને’ એવી વિનંતી કરાવવામાં અને ‘ને’ દ્વારા નાગના ભયથી તદ્દન અસ્પૃષ્ટ લાગતો બાળક જળકમળ નહીં પણ નાગનું મસ્તક-કમળ લીધે રહેશે એવા અમંગળની આશંકાથી પીડાતી નાગણની આરત પ્રગટ કરવામાં ઘણું બધું લાઘવ છે. ‘દાણલીલા’ વાસ્તવચિત્રોની માળામાંથી એકદમ રાધાનું–નારીનું ભવ્યસુંદર ચિત્ર ઝડપવા તરફ ધસે છે. નરસિંહનાં સફળ ગીતો વિશિષ્ટ લય અને બાનીથી ઘણું ખરું ગોપીના કોઈ ને કોઈ મિજાજનાં લાવણ્યભર્યાં ચિત્રાંકનો બની રહે છે. વર્ણ્ય વિષય ‘નેતિ’ થી વર્ણવાય એવો હોવા છતાં, પ્રેમભક્તિના બળે, ગોપીકૃષ્ણ-સંબંધનાં અનેક ચિત્રો આલેખવામાં નરસિંહે પોતાની અપૂર્વ ચિત્રનિર્માણશક્તિ રેડી છે. અને તેમ છતાં કોઈ વાર ‘કોણ વરણવ કરું, એહની એહને એહ શોભા’ (૭૦) એમ હાથ ખંખેરી નાખીને એ ચમત્કૃતિ સાધી લે છે. નરસિંહના ચિત્રલોકમાં ‘કર નખ રાતા કામનિયાં’ (૮૬) જેવી કમનીય વીગત હોય છે. તો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવું માત્ર પાંચ શબ્દોમાં માયાનું, સંસ્કૃતમાં તેને વિશે લખાયેલા સમગ્ર લખાણપુંજ કરતાં કદાચ વધુ વિશદ દર્શન કરાવતું, ભવ્યલલિત આલેખન પણ છે. ‘જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર’ (શૃં. ૨૯) માં ચિત્રલોક એ શ્રુતિલોક પણ બની રહે છે. ‘બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ જેવી વેધક રસઘન ઉક્તિ હોય કે ‘શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેરઘેર હીંડું જોતી રે, રાણી રુકિમણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે’ (શૃં. ૫૩૯) જેવો સરળ ઉપાલંભવાળો, કે ‘મારાં તે વરસ વહાલા હું શું રે જાણું? માસ તો થયા છે મને એકસો ને બાણું’ – જેવો નર્યો રમતિયાળ, ઊર્મિલલકાર હોય, લય અને બાની દ્વારા તેમ જ બંનેમાં ભળેલી બોલચાલની છટા દ્વારા નરસિંહ તે તે ભાવપરિસ્થિતિને લીલયા અનુરૂપ આકાર આપી શકતો જોઈ શકાય છે. નરસિંહ જાણે કે પ્રણયિની સ્ત્રીની ચેતના સાથે તદ્રૂપ બનીને ગુજરાતી ભાષામાં તેના અનેકાનેક રસમય આકારો આપી ગયો છે. પ્રેમની લાલી નરસિંહમાં ‘સેજ પર બીજી સેજ રચીને’ (શૃં.૨૪) જેવા સ્થૂલ ચિત્રણમાં તો ‘તન શાજું, ઘટ પીડય રે’ (૧૮૨) જેવા ગુપ્ત પ્રેમવ્યથાના વિરોધરમ્ય શબ્દાંકનમાં કે ‘નયણાં નેહરસમચ્યાં મહારાં’ (શૃં. ૫૮) જેવા ભાવને આગળ ધરતા આલેખનમાં જોવા મળે છે. ‘નાનકડી નાર નમતી ચાલે’ (૧૮૪) કાલિદાસની स्तोकनम्राની યાદ આપે છે. ‘કાછ વાલ્યા કટે, હાર ઉર શોભતા, સબલ શ્યામા-હરિ દે રે ભમરી’ (૬૮), ‘નાચતાં નાચતાં નયણ નયણાં ભર્યાં, શ્યામ-શ્યામા કરે ચપલ ચાળા’ (૭૧) અને પડખેના ગિરના જંગલમાંથી ઉપાડેલ ઉપમાનથી કરેલા ગોપીને વશ થયેલા કૃષ્ણના વર્ણન ‘કેશરી કાન શાહી નચાવ્યો’ (૧૧૩) માં ઉત્તાન ભાવનાં ચિત્રણો છે અને લાલીના અથવા નરસિંહ જેને ‘રંગરેલ ઝકઝોળ’ (૭૧)[57] કહે છે તેના નમૂના છે. રસઘનતાની દૃષ્ટિએ પદોમાં-ઊર્મિગીતોમાં નરસિંહને વધુ સફળતા મળી છે. આખ્યાનકલ્પ રચનાઓ પણ થોડીક એણે આપી છે. એનાં આત્મકથનનાં લાંબાં કાવ્યો તેમ જ ‘સુદામા-ચરિત્ર’ માત્ર પદોની માળા ન રહેતાં, ગુજરાતી ભાષાની આખ્યાનકવિતાના અરુણોદયની ઝાંખી કરાવે એવાં જરૂર છે. ‘હૂંડી’ અને ‘મામેરું’ કરતાં ‘વિવાહ’માં નરસિંહની કથક તરીકેની કળા વધુ પૂર્ણપણે ખીલી ઊઠી છે. ચમત્કારના તત્ત્વને એમાં અંકુશ તળે રાખવામાં આવેલું છે. બાની પણ તેજસ્વી છે. આખી કૃતિના આવશ્યક ભાગરૂપ આરંભનાં અધ્યાત્મ-અનુભવનાં સાત પદ અને છેવટનું પદ નરસિંહની આગવી શૈલીની ઉત્તમ પ્રસાદી જેવાં છે. ‘હારસમેનાં પદ’માં એ શૈલીનો પૂરતો અનુભવ થતો નથી. આખ્યાન તરીકે એમાં સંતર્પક એવું ઓછું જોવા મળે છે. મુખ્ય એક આકર્ષણ તે કૃષ્ણે હાર પહેરાવ્યાના ચમત્કાર-પ્રસંગનું છે, જેના વર્ણનમાં ચમત્કૃતિ નથી. કસોટી અત્યંત હલાવી નાખે એવી હોઈ આર્ત પુકારના ઉદ્ગારનું બળ પ્રગટવાની શક્યતા હતી, પણ તેનો અનુભવ પણ ખાસ થતો નથી. કૃષ્ણવિષયક બે કૃતિઓ ‘ચાતુરીઓ’ અને ‘દાણલીલા’માંથી પ્રથમમાં ‘રાધા રાધા કરે માધવ’ જેવામાં નરસિંહનો અવાજ ક્વચિત્ પકડાઈ જાય છે એ જ, જયદેવના ઓછાયામાંથી એ અનુકરણ બચી શક્યું નથી. ‘દાણલીલા’ સ્વભાવોક્તિઓથી અને રમતરમતમાં કૃષ્ણને ગોવર્ધનગિરિ પર ઉચ્ચ બિંદુએ પહોંચાડી રાધા-સુંદરીના વૈશ્વિક દર્શનનો જે રીતે યોગ ઊભો કર્યો છે અને અંતે વેણુ વગાડતા માધવની પડખે રસલીન રાધાને ખડી કરી પડદો પાડી દીધો છે એ સહજ કથકકલાથી એક સુચારુ કૃતિ રૂપે દીપી ઊઠે છે. સૌથી વધુ સફળ છે ‘સુદામાચરિત્ર’, ઋષિપત્નીના તથા ઋષિના માનવીય તેમ જ ઉદાત્ત આલેખનને કારણે અને સંઘટક તત્ત્વ તરીકે ‘મિત્ર’ શબ્દના માર્મિક ઉપયોગને કારણે. ‘સુદામા ચરિત્ર’, ‘વિવાહ’ અને ‘દાણલીલા’ નરસિંહનાં લાક્ષણિક આખ્યાનકો તરીકે લાંબા સમય સુધી ધ્યાન ખેંચાશે. નરસિંહની કવિ તરીકેની કીર્તિનો આધાર મુખ્યત્વે કૃષ્ણપ્રીતિનાં અને તેમાં પણ ખાસ કરીને શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો ઉપર અને જ્ઞાનભક્તિનાં પ્રભાતિયાં ઉપર રહ્યો છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિંગીતોની સંખ્યા નરસિંહના કૃતિસમૂહમાં સૌથી વધારે છે, જો કે એ સંખ્યાના પ્રમાણમાં, નખશિખ સુંદર ગીતો ગણતર જ છે. પણ બાકીનામાં પણ ઉપાડની પંક્તિ, ગીતની અંદર કોઈ દીપ્તિમંત પંક્તિ, અર્ધપંક્તિ, શબ્દઝૂમખાં કે એકાદ લયનો લહેકો, કાંઈક ને કાંઈક ઘણું ખરું જોવા મળવાનું અને એ બધું એવી કૃતિઓને આજે કલાકૃતિઓ તરીકે તો બચાવી શકે એમ નથી તો પણ નરસિંહનો હૃદયરસ ભાષામાં કેવા ઉદ્રેકપૂર્વક વિલસવા કરે છે એની પ્રતીતિ જરૂર કરાવે છે. જે ઊર્મિગીતો આટલી સદીઓ પછી નીવડેલાં તરીકે આગળ તરી આવે છે તે એની પ્રથમ કક્ષાના કવિ તરીકેની ખ્યાતિને સાર્થક ઠેરવે એવાં છે. ‘કેસરભીના કાનજી’ (૨૪૦), ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી’ (વ. ૯૮), ‘ચાલ રમીએ, સહી’ (૭૭), ‘પાછલી રાતના નાથ’ (૧૧૪), ‘પાનડી પટોલિયે આ કોણ’ (૧૭૫), ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ (હીં.૩), ‘સખી તારાં નેપુર રે’ (શૃં. ૨૯), ‘અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી’ (૧૦૩), ‘વ્રજનો વિહારી રે અમો ઘેર પ્રાહુણલો રે’ (શૃં. ૨૦), ‘મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે’, (શૃં. ૫), ‘કહાં જાઉં રે વેરણ રાત મલી’ (શૃ. ૧૦૪), ‘કોણ પુણ્યે કરી નાર હું અવતરી’ (૧૧૭), ‘જાગો રે જશોદાના જીવન વાહાણેલાં વાયાં’ (વ. ૯૬), ‘વહાલા મારા વૃંદાવનને ચોક કે’ (શૃં. ૫૨૯), ‘આ જોને રે કોઈ આળસ મોડે’ (પરિ. ૧૮), ‘મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે ગોરી તારે ત્રાજુડે’ (પરિ. ૧૯), ‘આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે’ (પરિ. ૧૧), ‘થિર થિર ચાંદલા મ કર વેણું’ (૩૮૦), જેવાં સંખ્યાબંધ રમણીય ગીતો નરસિંહ પાસેથી મળ્યાં છે. અને તેમાંનાં કેટલાંક લોકકંઠે–લોકહૈયે વસેલાં છે. વાત્સલ્યગીતોમાંથી પણ થોડાંક એ જ કોટિનાં નીવડ્યાં છેઃ ‘ઓ પેલો ચાંદલિયો, આઈ મુને રમવાને આલો’ (બા. ૧૬), ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા’ (ભ. ૧૪), ‘જશોદા, તારા કાનુડાને સાદ કરીને વાર રે’ (બા. ૧૧), ‘જળકમળ છાંડી જાને બાળા’ (બા. ૧૯). ગુજરાતી કૃષ્ણ-વિષયક ગીતોની સમૃદ્ધ પરંપરાની ગંગોત્રી નરસિંહમાં છે. નરસિંહે સબળ અને સફળ રીતે ગાયેલા કેટલાક ભાવ પાછળના કવિઓ પણ ગાયા છે. કેટલાક ભાગ નરસિંહમાં અછડતા છે, કેટલાક લયની પ્રાથમિક સ્થિતિમાં છે, તે પાછળનાઓમાં સુરેખ ઉઠાવ પામતા જોવા મળે છે. આ અંગે નરસિંહનું ઋણ પછીથી આવતા કવિઓ ઉપર ઘણું મોટું છે. દયારામ તો નરસિંહ વિના કલ્પી શકાતા નથી. ભક્તિજ્ઞાનનાં પદો, પ્રેમભક્તિનો મહિમા કરતાં અને જ્ઞાનમાં જઈને ઠરતાં પદો, એ નરસિંહના કવિકીર્તિમંદિરના કળશ સમાં છે. એની સંખ્યા પણ સારી એવી છે અને મોટા ભાગનાં લોકજીભે જીવતાં રહ્યાં છે. સામાન્ય ઉપદેશનાં ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ (ભ. ૬૫), ‘ઘડપણ કેણે મોકલ્યું’ (ભ. ૬૧), ‘બાલા તે વરની પાલખી’ (ભ. ૬૦), ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને’ (ભ. ૨૯), ‘રાત રહે જાહેર પાછલી ખટ ઘડી’ (ભ. ૧૫), અથવા હરિજનોને ઊલટભેર અપનાવવાનાં ‘ગિરિતળાટી ને કુંડ દામોદર’ (ભ. ૪) અને ‘એવા રે અમો એવા રે એવા’ (ભ. ૫), અથવા ‘અમે રે વહેવારિયા રામનામના’ (ભ. ૧૩) અથવા ભારતપ્રસિદ્ધ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ જેવાં લોકપ્રિય પદો ઉપરાંત ભક્તિમહિમાનાં, પ્રેમભક્તિમાં રસબસપણાનાં અને અદ્વૈતાનુભૂતિનાં જે પદો મળે છે તે નરસિંહની પરિપક્વ પ્રતિભાના ફળરૂપ છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ (ભ. ૧), ‘હરિ હરિ રટણ કર કઠણ કળિકાળમાં’ (ભ. ૨૦), ‘બાપજી, પાપ મેં કવણ કીધાં હશે’ (ભ. ૨૧), ‘હરિ તણું હેત તને કેમ ગયું વીસરી’ (ભ. ૨૭), ‘કૃષ્ણકીર્તન વિના નર સદા’ (ભ. ૧૯), ‘સમરને શ્રી હરિ, મેલ મમતા પરી’ (ભ. ૩૩), ‘પારકી હુંશે મહતા કરે પ્રાણિયા’ (ભ. ૩૪), ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા’ (ભ. ૩૮), ‘મારા નાથજી મુને ભક્તિ દેજો સદા’ (ભ. ૨૮), ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે’ (ભ. ૫૯), ‘ધ્યાનધર હરિતણું અલ્પમતિ આળસુ’ (ભ. ૩૧), ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’ (ભ. ૨૪), ‘સારમાં સાર અવતાર અબળા તણો’ (ભ. ૨૩), ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ (ભ. ૪૦), ‘એક તું એક તું એમ સૌ કો સ્તવે’ (ભ. ૪૬), ‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં’, ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’ (ભ. ૩૯), ‘(દેવા) આવે તું, મધ્ય તું, અંત્ય તું ત્રીકમા’ (વ. ૩૫), ‘સાંભળ સહિયર સુરત ધરીને’ (ભ. ૫૭), ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં’ (ભ. ૪૩), ‘જાગીને જોઉં તો...’ (ભ. ૪૨), વગેરે પદો ગુજરાતી પ્રજાની ચેતનાના અંશરૂપ બન્યાં છે. નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બનેલો છે. એલિયટ કહે છે કે કોઈ કૃતિ કવિતા છે કે કેમ તેની કવિતાનાં ધોરણોથી તપાસ થશે, પણ તે મહાન કવિતા છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં નક્કી થશે. ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ બીજા કોઈ વિષયની જેમ કવિતાનાં અંગભૂત બની શકે છે, બનતાં રહ્યાં છે. કવિતાની મહત્તાનો આંક કાઢવામાં આવે તે વખતે એ, જો એ કવિતા બનવા પામ્યાં હોય તો, કૃતિને ઉચ્ચતા અર્પવામાં ઉપકારક બને. કવિતાપદાર્થ માટે જીવનભર જિકર કરનાર એલિયટ પોતાની ઉપર નિરંતર કોઈ કૃતિનો પ્રભાવ પડ્યાં કર્યો હોય તો તે દાન્તેની દિવ્યઆનંદગીતિ (ડિવાઈન કોમેડી)નો, એમ કહે છે. નરસિંહ અધ્યાત્મવસ્તુને લીલયા મૂર્તતા આપી શકે છે. એમાં એને ભાષાનો તમામ વૈભવ–લય, શબ્દ, કલ્પન આદિ–પોતાની સર્વ સેવાઓ આપી છૂટે છે. એનાં ભક્તિજ્ઞાનનાં પદો ગુજરાતી પ્રજાએ સૈકાઓથી હૃદયસરસાં સાચવ્યાં છે તે એ વસ્તુ સૂચવે છે કે હૃદયને વશ કરે એવી કશીક મોહિની એના અવાજમાં છે. એની અનેક ઉક્તિઓ ભાષાનો સામાન્ય ભાગ બની ચૂકી છે. મૂર્તતા અર્પવાની શક્તિ, ઉપમારૂપક કલ્પનોની સમૃદ્ધિ, લયહિલ્લોલ, બલકે કેટલીકવાર તો લયકેફ, ઘરગથ્થુ દીપ્તિમંત શબ્દો, સમગ્ર ભાવપરિસ્થિતિનો સુપેરે ઔચિત્યભર્યો ઉઠાવ, – આ બધાને લીધે નરસિંહની રચનામાં એક પ્રકારનું આગવું સંમોહન જામે છે. નરસિંહમાં, શું શૃંગારપ્રીતિનાં કાવ્યોમાં શું ભક્તિજ્ઞાનનાં કાવ્યોમાં, સરળ રસઘન વાણીનો પરિચય થાય છે. બન્ને પ્રકારની કૃતિઓમાં વારંવાર નરસિંહની આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયાં કરે છે. ઉપરાંત નરસિંહના અવાજમાં એક જાતની આર્દ્રતા-ભીનાશ છે. વળી, ક્યારેક ક્યારેક એના શબ્દ અને લયમાં એવો ઉછાળ આવે છે કે એ ભવ્યતાને જતો સ્પર્શે છે. કોઈપણ ગુજરાતી કવિ કરતાં નરસિંહમાં આ જાતનો અનુભવ વધારે થાય છે. ભક્તિને ‘ઉજ્જ્વળ’ કહી છે. જે ભક્તકવિ નરસિંહ વડે આપણી ભાષા ઊજળી છે તેને વિશે એના જ શબ્દોમાં કહી શકાય : ‘ઉજ્જ્વળ વાણી નરસૈંયા તણી,’ (પરિ. ૨-૯૨) નરસિંહને થયે પાંચસો કરતાં વધુ વરસ થઈ ગયાં. ગુજરાતી ભાષાના આજ સુધીના કવિઓમાંથી પ્રત્યેકના અર્પણનો, તે તે કવિને પાંચસો વરસ થયા પછી, અંદાજ કાઢવા ઉત્કૃષ્ટ કલ્પનાથી યથાશક્ય પ્રયત્ન કરીને, નરસિંહના કાર્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એની ન્યારી રસદીપ્તિનો ખ્યાલ આવે છે અને એમાંનો મુખ્યાંશ ભાષાના જીવાતુભૂત ચિરંજીવ અંશ જેવો જણાય છે. નરસિંહના આવવાથી ગુજરાતી ભાષા રસસ્રોત બની રહે છે.

સંદર્ભનોંધ :

  1. નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા’માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.
  2. ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭
  3. ‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’, ૧૯૪૧, પૃ. ૧૭.
  4. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર’, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.
  5. સંદર્ભનોંધ ૨ પ્રમાણે.
  6. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’, ૧૯૩૪, પૃ. ૨૨૦.
  7. એ. જ. પૃ. ૧૮૫.
  8. એ. જ. પૃ. ૨૪૫-૬.
  9. આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ’ (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.
  10. ‘શ્રીનામદેવગાથા’ સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.
  11. પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત’ પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ’, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.
  12. પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ’, ૧૯૬૯, પૃ. ૨૮૯.
  13. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,’ ૧૯૬૫, પૃ. ૬.
  14. એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન’, ૧૯૭૧, પૃ. ૧૦૩.
  15. ૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન’, ૧૯૭૧, પૃ. ૯૬.
  16. એ જ, પૃ. ૯૮.
  17. એ જ, પૃ. ૧૦૮.
  18. બીજે ‘-ની માલા’ પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.
  19. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન’, ૧૯૭૧, પૃ. ૧૦૪.
  20. એ જ, પૃ. ૧૦૩.
  21. એ જ, પૃ. ૧૦૨.
  22. એ જ, પૃ. ૧૦૭.
  23. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો’, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન’, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.’
  24. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,’ ૧૯૭૧, પૃ. ૧૦૯.
  25. એ જ, પૃ. ૧૦૯.
  26. એ જ, પૃ. ૧૧૨.
  27. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર’, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.
  28. એ જ, પૃ. ૨૭૭.
  29. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન’, ૧૯૭૧, પૃ. ૭૩.
  30. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર’, ૧૯૪૭, પૃ. ૨૭૯.
  31. દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ, ‘ગુજરાતી લૅન્ગવેજ એન્ડ લિટરેચર’, ૧૯૩૨, પૃ. ૫૬-૫૭.
  32. અગાઉના વિદ્વાનોએ ઈ. ૧૪૧૬-૧૪૭૪નો જીવનસમય સ્વીકાર્યો હતો. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘ન. મ. કૃત કાવ્યસંગ્રહ,’ ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.
  33. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’, ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૪૪.
  34. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતા’, નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશન, ૧9૭૨, પૃ.૪.
  35. એ જ.
  36. આ ચારે કૃતિઓના શ્રદ્ધેય પાઠ માટે જુઓ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’, ૧૯૬૯. આંકડા તે તે કૃતિના કડવાના ક્રમાંક સમજવા. ઝારીનાં પદ એમણે પણ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માંથી લીધાં છે. ‘ગિરિતળાટી’ અને ‘એવા રે અમો એવા’- પણ એમાંથી જ લીધાં છે.
  37. દિવેટિયા, ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ, ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી’, ૧૯૪૯. અવતરણો આ શ્રદ્ધેય વાચનામાંથી છે.
  38. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’, ૧૯૧૩, પૃ. ૧૫૭-૧૬૧. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી લીધાં છે.
  39. અંતે, તા.ક. લખવાનું નિમિત્ત કે. કા. શાસ્ત્રીના ‘... નામદેવના સુદામાચરિતના અનુકરણમાં સુદામાનાં પ્રભાતિયાં વગેરે સાદર કરી આપ્યાં’ (‘નરસિંહ મહેતા’, નેશનલ બુક ટ્રસ્ટ, ૧૯૭૨, પૃ.૧૪) એ શબ્દો છે.
  40. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ.’ ૧૯૧૩, પૃ. ૧૫૪-૧૫૬. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી છે.
  41. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘નરસૈં મહેતાનાં પદ’ (૧૯૬૫)ના પાઠની કિંમત નરસિંહના એક ઉત્તમ કાવ્ય ‘ચાલ્ય રમીએ સહી, મેલ્ય મથવું મહીં’ (૭૭)નો પાઠ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય સંગ્રહ’માં ‘વસંતનાં પદ’માં પદ ૬ ના પાઠ સાથે સરખાવવાથી સમજાશે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પશર્યો’ (૮૮)નો પાઠ ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ’ પરિશિષ્ટ ૨, પદ ૮૮ સાથે સરખાવતાં ‘જુવતીને વદને દીધું’માં ‘પીધું’, ‘કોકિલાસુર મુખરંગે’-માં ‘મકરંદે’ અને છેલ્લી કડી સમજાય જ નહીં એવા ફેરફાર જોવા મળશે. ‘ન.મ.કૃત કાવ્યસંગ્રહ’માં ભક્તિજ્ઞાનનાં પદોમાં ક્રમાંક ૮માં ‘મીરાંબાઈનાં વિખ અમૃત કીધાં’–છે, જે મીરાંબાઈના પુરોગામી નરસિંહની રચનામાં હોઈ શકે નહીં, એટલે એટલો ભાગ અથવા આખું પદ નરસિંહકૃત ન હોવાનું ઠરે. કે.કા. શાસ્ત્રીના સંપાદનના પદ ૧૬૮ના પાઠમાં એ પંક્તિ નથી અને બીજા પણ ફેરફારો છે. મારે અહીં ઉમેરવું જોઈએ કે કેશવરામ શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી કરેલાં (અને ચૈતન્યબહેન દિવેટિયા પાસે કરાવેલ) સંપાદનની ગેરહાજરીમાં નરસિંહ વિશે કશું પણ લખવા મેં તૈયારી બતાવી ન હોત. શાસ્ત્રીજી પાસેથી મળેલી, પ્રો. રતિલાલ વિ. દવેએ વિવિધ જૂની હસ્તપ્રતોમાંથી ઉતારેલ ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો’ની, નકલનો પણ મેં ઉપયોગ કર્યો છે. ઇકોલ ફ઼્રૉંસનાં ડૉ. શ્રીમતી મેલિસન નરસિંહનાં પદોનો એક લઘુસંચય, ફ્રેન્ચ અનુવાદ સાથે તૈયાર કરી રહ્યાં છે. કેશવરામ શાસ્ત્રી પાસેથી નરસિંહની તમામ કૃતિઓની શ્રદ્ધેય વાચના મળે એમ ઇચ્છીએ. તે તે પદમાળાની ચર્ચા વખતે આંકડા તેના પદના આપ્યા છે. છુટક પદોનાં અવતરણો આપતાં, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માંથી રાસસહસ્રપદી, વસંતનાં પદ, શૃંગારમાળા, હીંડોળાનાં પદ, ભક્તિજ્ઞાનનાં પદ,–નો નિર્દેશ માત્ર પહેલા અક્ષર રા., વ., શૃં., હીં., ભ.-થી કરી પછી તે તે ગુચ્છના પદનો ક્રમાંક આપ્યો છે (વ. ૯૮ એટલે વસંતનાં પદમાંનું પદ ૯૮). તે સિવાય સામાન્ય રીતે આખા લખાણમાં માત્ર આંકડો હોય ત્યાં તે કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ’ (૧૯૬૫)ના પદનો ક્રમાંક નિર્દેશે છે.
  42. ‘સંસ્કૃતિ’, ૧૯૬૭, પૃ. ૪૫૧.
  43. હવેની બે કંડિકામાં ‘બુદ્ધિપ્રકાશ’ સપ્ટેમ્બર ૧૯૬૯; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન’ પૃ. ૨૫૧-૫૫.
  44. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા’, ૧૯૭૨, પૃ. ૭૫; વળી જુઓ તેમનું ‘નરસિંહ મહેતો – એક અધ્યયન’, પૃ. ૨૬૨-૩.
  45. દવે, રતિલાલ વિ. એ ભેગાં કરેલાં ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો’માં ભો. જે. વિદ્યાભવનની હસ્તપ્રત ૧૭૩૦ ઉપરથી ઉતારેલું અપ્રસિદ્ધ પદ. (ઉપરાંત, જુઓ શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા’ ૧૯૭૨ પૃ. ૮૧.)
  46. એ જ.
  47. એ જ, ફાર્બસ સભાની હસ્તપ્રત ૧૪૯ ઉપરથી.
  48. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન’, ૧૯૭૧, પૃ. ૧૪૨-૪૭.
  49. એ જ, પૃ. ૧૪૬-૧૪૭.
  50. શાસ્ત્રી, કે. કા. ‘નરસિંહ મહેતા’, ૧૯૭૨, પૃ. ૧૩.
  51. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન’, પૃ. ૧૫૦. (‘ભનઇ વિદ્યાપતિ, સુનો વરનારી’ જેવામાં પણ છ, છના ટુકડા છે, પણ ઢાળ સંખ્યામેળથી તદ્દન જુદો છે.)
  52. એ જ, પૃ. ૧૪૪ (૧. ‘ચલઉ ચલઉ...’), ૧૪૬ ની પાદટીપો.
  53. એ જ, પૃ. ૧૪૪-૪૫. કે. કા. શાસ્ત્રી ‘સ્પષ્ટ રીતે એ અભંગ જ હોય’ એમ જુએ છે તે બરોબર નથી.
  54. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા’, ૧૯૭૨, પૃ. ૩૩.
  55. સોળસોની આસપાસ પદસંખ્યા, નીચેની રીતે ગણતાં, જોવા મળશે : શાસ્ત્રી, કે. કા. સંપાદિત ‘આત્મચરિતનાં કાવ્યો’માં વિવાહ ૩૫, મામેરું ૨૫, હૂંડી ૮, હારસમેનાં પદ ૫૧; ‘નરસૈં મહેતાનાં પદ’માં અપ્રસિદ્ધ ૨૦૮; દિવેટિયા, ચૈતન્યબાળા, જ. સંપાદિત ‘ચાતુરી’માં ૨૫; દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં દાણલીલા૧, સુદામાચરિત્ર ૯ રાસસહસ્રપદી ૧૮૯, શૃંગારમાળા ૫૪૧, વસંતનાં પદ ૧૧૬, શ્રીકૃષ્ણજન્મસમેનાં પદ ૧૧, શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ ૮, બાળલીલા ૩૦, હીંડોળાનાં પદ ૪૫, ભક્તિજ્ઞાનનાં પદ ૬૬, પરિશિષ્ટ (પહેલું) ૧૨૯, પરિશિષ્ટ (બીજું) ૧૧૧.
  56. ‘નરસૈં મહેતાનાં પદ’, ૧૯૬૫, પ્રસ્તાવના પૃ. ૭.
  57. સરખાવો અખો : ‘રંગરોલ-જકોલ’ (‘કહેંત અષા ભયો રંગરોલ, સદા નિરંતર હે જકોલ’માં). – ‘અખો—એક અધ્યયન’, ૧૯૭૩, પૃ. ૩૧૧.